લતીફે અમદાવાદમાં જ્યારે પોલીસની હાજરીમાં દાઉદ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવડાવી

દાઉદ અને અબદુલ લતીફ

'અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું છે અને કરાચીમાં સારવાર ચાલી રહી છે,' સપ્તાહની શરૂઆતમાં પાકિસ્તાનથી આવેલા એક સમાચાર ન કેવળ સોશિયલ મીડિયા પરંતુ મીડિયામાં પણ છવાયેલા રહ્યા.

રાબેતા મુજબ જ ભારત કે પાકિસ્તાનની સરકારે આવા અહેવાલોનું ન તો ખંડન કર્યું કે ન તો સમર્થન કર્યું. દાઉદની બીમારી કે મૃત્યુના સમાચાર પહેલી વખત વહેતા નથી થયા અને આ પહેલાં પણ અનેક વખત આ પ્રકારની માહિતી આવતી રહી છે. સાગરિતોના કહેવા પ્રમાણે દાઉદ સ્વસ્થ છે.

ભારતનો આરોપ છે કે 1993ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં દાઉદ ઇબ્રાહિમની સંડોવણી છે અને તેને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો આશરો મળેલો છે. આ સિવાય દાઉદના સંબંધ પાકિસ્તાનસ્થિત ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તોઇબા સાથે હોવાનો ભારતનો દાવો છે.

અંધારી આલમમાં ડગ માંડ્યા ત્યારે શરૂઆતનાં વર્ષોમાં દાઉદની સામે ગુજરાતમાં દાણચોરીનો કેસ નોંધાયો હતો અને ગુજરાતની ધરતી ઉપર તેની ઉપર ફાયરિંગ થયું હતું. મુંબઈની હરીફ ગૅંગે આ કામ અમદાવાદના ડૉનને સોંપ્યું હતું.

આગળ જતાં કથિત રીતે આ ગુજરાતી ડૉનના જીવન ઉપર હિંદી ફિલ્મ બની, જ્યારે બૉમ્બે પોલીસના કૉન્સ્ટેબલના દીકરાના અંડરવર્લ્ડમાં પ્રવેશ અને ડૉન બનવાની સફરને બોલીવૂડના અનેક વિખ્યાત દિગ્દર્શકો રૂપેરી પડદે ઉતારવાના હતા.

અંધારી આલમમાં ઉદય

દાઉદ ઇબ્રાહિમ

ઇમેજ સ્રોત, PTI

તત્કાલીન બૉમ્બેના અંડરવર્લ્ડમાં દાઉદ ઇબ્રાહિમનો પ્રવેશ થયો તે પહેલાં હાજી મસ્તાન, કરીમ લાલા અને વર્દારાજન મુદાલિયારનો દબદબો હતો. ત્રણેય મળીને દાણચોરી, જમીન-મકાન ખાલી કરાવવા, ખંડણી ઉઘરાવવા, વ્યાજે પૈસા ફેરવવા વગેરે જેવા ધંધામાં સંડોવાયેલા હતા.

કટોકટી દરમિયાન હાજી મસ્તાન અને કરીમલાલાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, જ્યારે પોલીસના દબાણ હેઠળ મુદાલિયારે મુંબઈ છોડી દીધું અને તત્કાલીન મદ્રાસ ફરાર થઈ ગયા અને ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા.

દાણચોરી માટે કુખ્યાત હાજી મસ્તાન અને પઠાણ ગૅંગના કરીમ લાલાનો સુવર્ણકાળ ચાલી રહ્યો હતો ત્યારે તેમની મૈત્રી બૉમ્બે પોલીસના હવલદાર ઇબ્રાહિમ કાસકર સાથે થઈ.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વરિષ્ઠ પત્રકાર વેલ્લી થેવરના મતે, કૉન્સ્ટેબલ કાસકર ભલે પ્રત્યક્ષ રીતે હાજી મસ્તાન અને કરીમ લાલા પાસેથી આર્થિકમદદ લેવાનું ટાળ્યું હોય, પરંતુ દાઉદને એવું કરવામાં કોઈ વાંધો ન હતો. હવલદારના બે દીકરા સબીર અને દાઉદ અંધારીઆલમ તરફ આગળ વધવા લાગ્યા હતા અને આ બંને ડૉન તેમના માટે 'રોલ મૉડલ' હતા.

ઇમર્જન્સી પછીનાં વર્ષો દરમિયાન મસ્તાને 'દલિત-મુસ્લિમ સુરક્ષા મહાસંઘ' નામનું સંગઠન સ્થાપ્યું હતું, જ્યારે કરીમ લાલાએ 'પખ્તૂન જિરગા-એ-હિંદ' નામના સંગઠન દ્વારા પોતાની રાજકીય અને સામાજિક સક્રિયતા વધારી હતી. ડૉન હાજી મસ્તાને બોલીવૂડની વાટ પકડી હતી, જ્યારે કરીમ લાલાના ભત્રીજા અમીરઝાદા અને આલમઝેબ તેમનો ધંધા સંભાળવા લાગ્યા હતા.

લગભગ ત્રણ દાયકા કરતાં વધુ સમય માટે મુંબઈના અંડરવર્લ્ડ વિશે ક્રાઇમ રિપોર્ટિંગ કરનારા હુસૈન ઝૈદીએ 'દાઉદ્સ મૅન્ટર' નામથી પુસ્તક લખ્યું છે, જેના 20મા પ્રકરણ 'ધ ડી-ગૅંગ'માં દાઉદના ઉદય સંબંધે કેટલીક વાતો લખી છે.

હવલદાર ઇબ્રાહિમ કાસકરની મિત્રતા કૉંગ્રેસના નેતા અબ્દુલ રહેમાન અંતુલે સાથે થઈ. 1980ના દાયકાની શરૂઆતમાં તેમનો સમય બદલાવાનો હતો અને તેમને મુખ્ય મંત્રીનું પદ મળ્યું. આ અરસામાં એવી એક ઘટના બની કે કાસકરે તેમના જૂના મિત્ર અંતુલે પાસે મદદ માગવી પડી.

અંડરવર્લ્ડનો ટર્નિંગ પૉઇન્ટ

મુંબઈના ડૉન હાજી મસ્તાન

ઇમેજ સ્રોત, SUNDER SHEKHAR

ઇમેજ કૅપ્શન, મુંબઈના ડૉન હાજી મસ્તાન

સામાન્ય રીતે ઉંમરના આ તબક્કે અને વ્યવસાયમાં બને એવું જ કાસકર અને પઠાણ ગૅંગના સંદર્ભમાં બન્યું. સબીર અને દાઉદની ટક્કર અમીરઝાદા અને આલમઝેબ સાથે થઈ. પ્રભુત્વ જમાવવાની શતરંજની પાટ ઉપર પ્યાદા મરતા હતા, પરંતુ હવે વજીર અને રાજા પણ સલામત ન હતા. પહેલું નુકસાન કાસકર ગૅંગને થયું હતું.

તા. 12મી ફેબ્રુઆરી, 1981ની રાત્રે દોઢ વાગ્યે દાઉદ ઇબ્રાહિમના મોટાભાઈ સબીર ઇબ્રાહિમે પાકમોડિયા ગલીના મુસાફરખાનામાંથી બૉડીગાર્ડ વગર બહાર નીકળ્યા. તેમની સાથે બારડાન્સર હતાં.

પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયકના મંદિરની સામે પેટ્રોલપમ્પ ખાતે ગાડી ઊભી રહી ત્યારે સબીર, માન્યા સુર્વે, અમીરઝાદા, આલમઝેબ જંગરેઝ ખાન, સિદ્દીકી તથા અન્ય બે શખ્સોએ તેની ઉપર ગોળીબાર કર્યો. જેમાં સબીરનું મૃત્યુ થયું.

સબીરના જનાજામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કહેવાય છે કે એ રાત્રે દાઉદ ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો હતો. તેણે બદલો લેવો હતો, પરંતુ સમય તેની તરફેણમાં ન હતો.

એજ રાત્રે દાઉદ ઇબ્રાહિમ ઉપર પણ ગોળીબાર થયો, પરંતુ ખાલીદ પહેલવાન નામના અંગરક્ષકની ચપળતા, બહાદુરી અને સમયસૂચકતાને કારણે તેનો બચાવ થવા પામ્યો હતો.

આમીરઝાદાને ઈજા પહોંચી હતી અને તે મુસાફરખાનાની બહાર પડ્યો હતો. પઠાણ ગૅંગના સાથીઓ તેને મરેલો જાણી, ત્યાં જ મૂકીને નાસી છૂટ્યા હતા. દાઉદના સાગરિતોએ નજીકની જેજે હૉસ્પિટલમાં દાખલ કરાવી દીધો.

આ તકે વરિષ્ઠ ડૉન હાજી મસ્તાને મધ્યસ્થી કરી હતી. દાઉદ ઇબ્રાહિમ અને આલમઝેબે કુરાન ઉપર હાથ મૂકીને સમ ખાધા કે તેમની વચ્ચે હિંસા નહીં થાય. બીજા જ દિવસે બંને ગૅંગે એકબીજા ઉપર ગોળીબાર શરૂ કરી દીધો.

હાજી મસ્તાન સામે આપવામાં આવેલા કોલકરારનું મહત્ત્વ નહોતું રહ્યું. સ્પષ્ટ થઈ ગયું હતું કે હવે હાજી મસ્તાનનો અંડરવર્લ્ડ પર દબદબો નથી રહ્યો. ઝૈદીના મતે સબીરની હત્યાએ મુંબઈના અંડરવર્લ્ડ માટે ટર્નિંગ પૉઇન્ટ હતો.

કોર્ટમાં વકીલવેશે કતલ

દાઉદ ઇબ્રાહિમ
ઇમેજ કૅપ્શન, એક સમય એવો પણ હતો કે દાઉદની ગેરહાજરીમાં પણ તેનું નામ ભારતમાં કેટલીક ઘટનાઓના સંબંધમાં લેવાતું રહ્યું છે

દાઉદના ભયથી લગભગ બે વર્ષ સુધી અમીરઝાદાએ જામીન લીધા ન હતા, જેથી કરીને સરકારી સુરક્ષામાં સલામત રહી શકાય. પઠાણ ગૅંગના અન્ય સભ્યો ફરાર થઈ ગયા હતા, ત્યારે ગુજરાતમાં લતીફે તેમને આશરો આપ્યો હતો. સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર નીરજ કુમાર તેમના પુસ્તક 'ડાયલ ડી ફૉર ડૉન'ના પાંચમા પ્રકરણમાં લખે છે :

લતીફે ખૂબ જ નાની ઉંમરે જુગારના અડ્ડા ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને તીક્ષ્ણ બુદ્ધિ તથા વ્યવહારકુશળતાથી મૅનેજર બન્યો અને દારૂના ધંધામાં ઝંપલાવ્યું હતું. આ એવો સમય હતો કે જ્યારે અમદાવાદનો માથાભારે શખ્સ હિંદુ હોય કે મુસલમાન તેને 'દાદા' તરીકે સંબોધવામાં આવતો.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દમણ સહિતનાં રાજ્યોમાંથી દારૂ મગાવીને તેને ગુજરાતમાં ઠાલવવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાતના અલગ-અલગ જિલ્લાના બુટલેગર પોતાની રીતે 'માલ' મગાવવાના બદલે લતીફ પાસેથી ખરીદવા લાગ્યા હતા. આ કામમાં પોલીસ અને રાજનેતાઓની રહેમનજર હેઠળ થઈ રહ્યું હોવાનું કહેવાયું.

અન્ય રાજ્યોના નામચીન સાથે લતીફના સંપર્ક વધવા લાગ્યા. આ અરસામાં વીરમગામના રમાઝાન નામના શખ્સે લતીફની મુલાકાત તત્કાલીન બૉમ્બેની પઠાણ ગૅંગના આલમઝેબ અને અમીરઝાદા સાથે કરાવી હતી.

દાઉદે કોર્ટની કાર્યવાહી દરમિયાન જ અમીરઝાદાનો ખેલ ખતમ કરી નાખવાનું નક્કી કર્યું. ચૅમ્બુરના તિલકનગર વિસ્તારના ડેવિડ પરદેશી નામના બેરોજગાર યુવાનને આ કામ સોંપવામાં આવ્યું.

સપ્ટેમ્બર-1983માં વકીલના વેશમાં કોર્ટરૂમની બહાર ડેવિડ પરદેશીએ આ કામ સુપેરે પાર પાડ્યું. આગળ જતાં રિયલ લાઇફનું આ દૃશ્ય અનેક દિગ્દર્શકોએ રીલલાઇફમાં ઉતાર્યું હતું. ડેવિડ પરદેશીને ગોળી વાગી અને તેની ધરપકડ થઈ. આ કેસમાં દાઉદ ઇબ્રાહિમ સામે ગુનો દાખલ થયો.

દોસ્તનો દુશ્મન, આપણો દુશ્મન

 અબદુલ લતીફ

ઇમેજ સ્રોત, FACEBOOK/BOMBAY UNDERWORLD

ઇમેજ કૅપ્શન, અબદુલ લતીફ

ઝૈદી તેમના ઉપરોક્ત પુસ્તક અને પ્રકરણમાં લખે છે કે કોઈ ખેપ લેવા માટે દાઉદ પોરબંદર ગયો હતો ત્યારે ગુજરાત પોલીસે વડોદરામાંથી તેની ધરપકડ કરી. તેની સામે સુરત, પોરબંદર અને વડોદરામાં દાણચોરીના અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

જેથી કરીને તેને અલગ-અલગ કેસમાં જુદી-જુદી કોર્ટમાં હાજર થવું પડે અને તેને સહેલાઈથી જામીન ન મળે. કાયદાકીય પ્રક્રિયા મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની જરૂર પડતી. પોલીસવાળાના દીકરા દાઉદને આ કાર્યપદ્ધતિ સમજતા વાર ન લાગી.

દાઉદને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં લતીફનો દબદબો હતો, જેની મુંબઈની પઠાણ ગૅંગ સાથે મિત્રતા જગજાહેર હતી. એટલે તેણે ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને ખુશ રાખવાના પ્રયાસ ચાલુ કરી દીધા, જેથી 'અંદરની વાત' મળતી રહે.

દાઉદને ખબર હતી કે લતીફને કારણે જ્યારે તે જેલમાંથી બહાર નીકળશે એટલે તેના જીવ ઉપર જોખમ હશે. શરૂઆતમાં તેની સાથે પોલીસજાપ્તો રહેતો, પરંતુ તે ધીમે-ધીમે ઓછો થવા લાગ્યો હતો, જેના કારણે તે સરળતાથી શિકાર બની શકે તેમ હતો.

ખુદ દાઉદે આ વાત નોંધી હતી અને તેને આ અંગે ટીપ પણ મળી હતી. અમદાવાદથી વડોદરાની વચ્ચેનો પટ્ટો દાઉદને ભયજનક લાગતો હતો. આવી જ એક સુનાવણી દરમિયાન સબ-ઇન્સ્પેક્ટર બિશ્નોઈ, રઇસ અને અબ્દુલ્લાહ તેની સાથે હતા.

દાઉદ ઇબ્રાહિમ

ઇમેજ સ્રોત, BHAWAN SINGH/THE THE INDIA TODAY GROUP VIA GETTY IMAGES

નારોલમાં ઢાબા પર તેઓ ચાનાસ્તો કરવા ઊભા રહ્યા, ત્યારે દાઉદે સબ-ઇન્સ્પેક્ટર પાસે રિવૉલ્વર માગી. દાઉદે તર્ક આપ્યો કે તે ભાગનાર નથી અને જો તેની ઉપર હુમલો થશે તો પણ બિશ્નોઈએ પોલીસની વર્દી પહેરી હોવાથી કોઈ તેની ઉપર ફાયરિંગ નહી કરે. થોડા ખચકાટ સાથે બિશ્નોઈએ દાઉદની વાત માની.

લતીફના પ્રભુત્વવાળા જમાલપુર જંક્શન વિસ્તારમાં દાઉદની આશંકા સાચી પડી. લતીફ અને તેના સાગરિતો બરોડાથી તેમનો પીછો કરી રહ્યા હતા. ટ્રાફિકના કારણે ગાડી ઊભી રહી લતીફ, આલમઝેબ, તેના સાગરિત ઇકબાલ ભૂપત તથા લિયાકત માસ્ટરે હુમલો કર્યો.

લિયાકતે પાછળની સીટ ઉપર બેઠેલા લોકો ઉપર ગોળીબાર કર્યો. જોકે લિયાકતને આંચકો લાગ્યો કારણ કે દાઉદ પાછળ નહોતો બેઠો. જોકે ચાલાક દાઉદે થોડા સમય પહેલાં જ બેઠકવ્યવસ્થા બદલી હતી અને તેણે આગળની ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠક લીધી હતી.

સામસામેના ગોળીબારને કારણે અંધાધૂંધી ફેલાઈ જવા પામી હતી. ગોળીબારનો અવાજ સાંભળીને પાસે તહેનાત પોલીસવાળા પણ સાથીની મદદે દોડી ગયા હતા. લતીફ અને તેના સાગરિત તક મળ્યે ત્યાંથી નાસી છૂટ્યા હતા. દાઉદને તો આ ગોળીબારમાં કંઈ થયું નહીં પણ બે સાગરિતોને ઈજા પહોંચી હતી.

એક અંત, બીજો આરંભ

કરીમ લાલા અને ઇન્દિરા ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER

અમીરઝાદાની હત્યાના આરોપી ડેવિડ પરદેશીએ અમદાવાદની એક હોટલમાં આશરો લીધો હતો ત્યારે લતીફના સાગરિત શરીફ ખાને તેની હત્યા કરી નાખી હતી. સુરત પોલીસના હાથે આલમઝેબના ઍન્કાઉન્ટર પછી પઠાણ ગૅંગની કમર તૂટી ગઈ હતી.

મુંબઈના અંડરવર્લ્ડ પર દાઉદનું એકહથ્થું શાસન સ્થપાઈ ગયું હતું. પઠાણ ગૅંગના મનમાં દાઉદનો ભય બેસી ગયો હતો. કાયદાની ચુંગાલથી બચવા માટે દાઉદે દેશ છોડી દીધો હતો.

દાઉદે કરીમલાલાના ભત્રીજા અને નજીકના લોકોને નિશાન બનાવ્યા હતા, પરંતુ કરીમ લાલાને ક્યારેય ટાર્ગેટ નહોતા કર્યા. વેલ્લી થેવરના કહેવા પ્રમાણે, મક્કામાં દાઉદ અને કરીમ લાલાની વચ્ચે મુલાકાત થઈ. બંનેએ એકબીજાને ગળે મળ્યા અને સમાધાન થયું.

દાઉદ વધુ એક સમાધાન કરવાનો હતો. લતીફનો ગુજરાતમાં દબદબો યથાવત્ હતો. દાઉદને તેના સ્મગલિંગના નેટવર્ક માટે તેની મદદની જરૂર હતી. નીરજકુમાર તેમના પુસ્તકમાં લખે છે કે નવેમ્બર-1989માં દુબઈ ખાતે દાઉદ અને લતીફના સાગરિતોની મુલાકાત થઈ. જેમાં કુરાનના સૌગંધ ખાઈને દુશ્મની ભૂલી જવા અને એકબીજા માટે કામ કરવા માટે સહમતિ આપી.

આગળ જતાં આ નૅટવર્કનો ઉપયોગ કરીને બૉમ્બેમાં બૉમ્બબ્લાસ્ટ થવાના હતા, જેમાં અઢીસોથી વધુ લોકો મૃત્યુ પામ્યા અને લગભગ એક હજાર 400 ઘાયલ થયા. લતીફ અને દાઉદ ઉપર 'દેશવિરોધી'ના સિક્કા લાગી ગયા.

નીરજકુમાર તેમના પુસ્તકના ત્રીજા પ્રકરણમાં લખે છે કે સરન્ડર માટે તેમની અને દાઉદની વચ્ચે વાટાઘાટો થઈ હતી, ત્યારે તેણે મુંબઈના ધડાકામાં સંડોવણીને નકારી હતી.

દાઉદનો તર્ક હતો કે તેનાં માતા, બહેન અને ભાઈ વગેરે મુંબઈમાં જ હતાં. જો, તેની સંડોવણી હોત તો તેમને પહેલાં જ બહાર કાઢી લીધાં હોત અને ખૂબ જ ચીવટપૂર્વક કામ કર્યું હોત.

આગળ જતાં 'બ્લૅક ફ્રાઇડે', 'વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ', 'કંપની', 'ડી કંપની', 'હસીના પારકર' અને 'ડી-ડે' જેવી ફિલ્મો બની. જેમાં કાં તો દાઉદનું મુખ્ય પાત્ર હતું અથવા તો ઉલ્લેખ હતો. તો શાહરુખ ખાનની ફિલ્મ 'રઇસ' લતીફના જીવન ઉપર આધારિત છે.