દાઉદ ઇબ્રાહીમનો 'ગુટકા પ્રોજેક્ટ' અને ભારતીય બિઝનેસમૅનને થયેલી સજાની કહાણી

BBC

ઇમેજ સ્રોત, BHAWAN SINGH/THE THE INDIA TODAY GROUP VIA GETTY IMAGES

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા
BBC

મુંબઈમાં સંગઠિત અપરાધ અને બિઝનેસ વચ્ચેનો ગાઢ સંબંધ જૂની વાત છે. આવા જ એક ચર્ચિત મામલામાં જાન્યુઆરી 2023માં મહત્ત્વનો ચુકાદો આવ્યો છે.

આ કથા ગુટકાનું ઉત્પાદન કરતી કંપનીઓના માલિક જગદીશપ્રસાદ મોહનલાલ (જેએમ) જોશી અને રસિકલાલ માણિકચંદ ધારીવાલ વચ્ચેના ઝઘડાની છે.

તપાસ એજન્સીનું કહેવું છે કે આ બન્ને વચ્ચેના ઝઘડામાં માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને દાઉદના સંબંધીઓની જુબાની અને બીજા પુરાવાના આધારે જે એમ જોશીને દસ વર્ષના કારાવાસની સજા કરવામાં આવી છે.

મુંબઇની એક ખાસ અદાલતે જે એમ જોશીને દસ વર્ષની સજા ફરમાવી હતી, જ્યારે ધારીવાલ 2017માં મૃત્યુ પામ્યા હતા. એ સિવાય બે અન્ય લોકોને પણ આઈપીસી તથા મકોકા નામના કાયદાની વિવિધ કલમો હેઠળ 10-10 વર્ષના કઠોર કારાવાસની સજા કરવામાં આવી છે.

ખાસ અદાલતે પોતાના 242 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે જોશી અને ધારીવાલ વચ્ચેના ઝઘડાનો અંત લાવવા માટે અંધારી આલમના ગુંડા સરદાર દાઉદ ઇબ્રાહીમ તથા તેના ભાઈ અનીસ ઇબ્રાહીમે મધ્યસ્થી કરી હતી તેમજ ઝઘડાના નિરાકરણ માટે પૈસા લીધા હોવાનું પુરાવા દર્શાવે છે.

એ સિવાય જે એમ જોશીએ દાઉદ ઇબ્રાહીમને પાકિસ્તાનના હૈદરાબાદમાં ગુટકા ફેક્ટરીના નિર્માણમાં મદદ કરી હતી અને સંગઠિત અપરાધ માટે કાયમી આવકનો સ્રોત ઉપલબ્ધ કરાવ્યો હતો. જે એમ જોશીના વકીલ સુદીપ પસબોલાએ જણાવ્યું હતું કે તેમને અદાલતનો ચુકાદો માન્ય નથી અને આ ચુકાદા સામે તેઓ હાઈકોર્ટમાં અપીલ કરશે.

આ કેસમાં સરકારી વકીલ પ્રદીપ ઘરાતના જણાવ્યા મુજબ, આ ચુકાદો બહુ મહત્ત્વનો છે, પરંતુ તેનાથી મુંબઈમાં અંધારી આલમનો પ્રભાવ ઘટશે તેવું લાગતું નથી.

જોકે, “પ્રસ્તુત ચુકાદાને પગલે પોલીસે જે પગલાં લીધાં છે તેનાથી એવો મેસેજ જરૂર જશે કે ગુનાખોરી પર લગામ તાણી શકાય છે.”

BBC

કંપનીમાં હિસ્સેદારીનો ઝઘડો

BBC

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોશી અને ધારીવાલ વચ્ચે કઈ વાતે ઝઘડો થયો હતો? આ કથામાં દાઉદ ઇબ્રાહીમ તથા અનીસ ઇબ્રાહિમની એન્ટ્રી કઈ રીતે થઈ હતી? પાકિસ્તાનમાં ગુટકા ફેક્ટરી શરૂ કરવાનો મામલો શું છે અને તેમાં જે એમ જોશી તથા ધારીવાલ કઈ રીતે સંકળાયા હતા?

ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, જે એમ જોશી અને રસિકલાલ માણિકચંદ ધારીવાલ 1988થી ધારીવાલ ટોબેકો પ્રોડક્ટ્સ લિમિટેડ નામની કંપનીનો હિસ્સો હતા. જે એમ જોશી કંપનીમાં ડિરેક્ટર હતા અને વિવિધ ફ્લેવર મિક્સ કરવામાં નિષ્ણાત હતા.

અદાલતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, શરૂઆતમાં જે એમ જોશીને તેમના કામનો પગાર મળતો હતો, પરંતુ તેમના કહેવા મુજબ, સમય જતાં રસિકલાલ ધારીવાલે તેમને કંપનીમાં 10 ટકા હિસ્સાનું વચન આપ્યું હતું. સમય જતાં તે 10 ટકા હિસ્સો વધારીને 20 ટકા કરવામાં આવ્યો હતો, પરંતુ તે વચનનું પાલન કરવામાં આવ્યું ન હતું.

દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, જે એમ જોશીએ રૂ. 259 કરોડ પોતાને મળવા જોઈએ તેવું જણાવતાં કહ્યું હતું કે અનેક પ્રયાસ છતાં તે નાણાં મળ્યા ન હતા. તેના સાત વર્ષ પછી 1996માં જે એમ જોશીએ કંપની છોડી દીધી હતી.

અદાલતના જણાવ્યા અનુસાર, ધારીવાલને દાઉદ ઇબ્રાહીમની ફ્રન્ટ કંપની ગોલ્ડન બોક્સ ટ્રેડિંગ સાથે સંબંધ હતો અને તેના માલિક દાઉદ ઇબ્રાહીમના સંબંધી હતા, તેવું પુરાવા સ્પષ્ટ જણાવે છે.

ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, જે એમ જોશીને ઑગસ્ટ, 1999માં સંયુક્ત આરબ અમિરાતસ્થિત ગોલ્ડન બોક્સ કંપનીની ઑફિસે બોલાવવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે તેમણે ધારીવાલ ટોબેકો લિમિટેડમાંના તેમના તમામ શેર પાછા આપી દેવા જોઈએ અને વધારે શેર માગવા ન જોઈએ.

દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, અનીસ ઇબ્રાહીમે જે એમ જોશીને ધમકાવ્યા હતા, થપ્પડ મારી હતી અને ધારીવાલ સાથે સમાધાન કરવા કહ્યું હતું.

BBC

દાઉદ ઇબ્રાહીમની મધ્યસ્થી

BBC
ઇમેજ કૅપ્શન, 1998માં મુંબઈની તસવીર

ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, એ પછી જે એમ જોશીએ અનીસ ઇબ્રાહીમ સુધી પોતાની વાત પહોંચાડવા માટે અનીસના એક સંબંધીના બાળપણના દોસ્તનો સંપર્ક કર્યો હતો.

સપ્ટેમ્બર, 1999માં દુબઈમાં યોજાયેલી બેઠકમાં જે એમ જોશીએ, ધારીવાલે તેમને હિસ્સો કઈ રીતે ન આપ્યો તેની કથા સંભળાવી હતી.

આખરે કરાચીમાં દાઉદ ઇબ્રાહીમની દરમિયાનગીરી પછી સમાધાન થયું હતું અને જે એમ જોશીને રૂ. 259 કરોડને બદલે માત્ર રૂ. 11 કરોડ જ મળ્યા હતા, પરંતુ વાતનો ત્યાં અંત આવ્યો ન હતો.

અદાલતી દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, જે એમ જોશીએ દાઉદ ઇબ્રાહીમ અને અનીસ ઇબ્રાહીમની ટોળકીને પાકિસ્તાનના હૈદરાબાદમાં ગુટકા ફેક્ટરીઓની સ્થાપનામાં ટેકનિકલ તથા આર્થિક મદદ કરી હતી. તેને લીધે દાઉદ તથા અનીસને સ્થાયી કમાણીનું સાધન મળ્યું હતું.

કોર્ટના દસ્તાવેજમાં એક અનામી વ્યક્તિની જુબાનીનો ઉલ્લેખ છે. એ વ્યક્તિને જુલાઈ, 2000માં બેંગકોકમાં કામ કરવાને બહાને દુબઈ માર્ગે કરાચી મોકલવામાં આવી હતી, જ્યાંથી તેને સિંધ પ્રાંતની રાજધાની હૈદરાબાદ લાવવામાં આવી હતી.

ગુટકા ફેક્ટરીની શરૂઆત માટે હૈદરાબાદ મોકલવામાં આવેલી તે વ્યક્તિને હૈદરાબાદમાં એક સર્વન્ટ્સ ક્વાર્ટરમાં રાખવામાં આવી હતી અને તેને તેના પરિવાર સાથે વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

એક સમયે જે એમ જોશીની કંપનીના કર્મચારી અને ફરિયાદ પક્ષના આ સાક્ષીના જણાવ્યા મુજબ, તેઓ પરિવારને મળવા ભારત આવતા હતા ત્યારે તેમને ધમકી આપવામાં આવતી હતી કે તેઓ પાકિસ્તાન પાછા નહીં આવે તો ભારતમાં જ એન્કાઉન્ટરમાં તેમની હત્યા કરાવી નાખવામાં આવશે.

BBC

ગુટકા પેક કરવાનું મશીન મોકલ્યું

BBC

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકારી વકીલ પ્રદીપ ઘરાત

પાકિસ્તાનમાં ગુટકા ફેક્ટરીની શરૂઆતની યોજનાના એક ભાગ તરીકે ભારતમાંથી રૂ. 2.64 લાખની કિંમતના પાંચ ગુટકા પાઉચ પેકિંગ મશીન દુબઈ માર્ગે પાકિસ્તાન મોકલવામાં આવ્યાં હતાં.

અદાલતના આદેશમાં તે સાક્ષીએ પાકિસ્તાનમાં પસાર કરેલા સમયની વિગત છે. આદેશ મુજબ, તેઓ 2006ની 16 માર્ચે ભારત આવ્યા હતા અને ત્યારથી પોતાના ઘરમાં જ રહે છે. સલામતીના કારણોસર તેમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, એ સાક્ષી પાસે પાકિસ્તાન જવાના, ત્યાં રહેવાના કોઈ પુરાવા ન હતા. તેમના પાસપોર્ટ પર પાકિસ્તાન આવવા-જવાનો કોઈ સ્ટેમ્પ મારવામાં આવ્યો ન હતો.

સાક્ષીના જણાવ્યા મુજબ, તેઓ પાકિસ્તાન જતા હતા ત્યારે તેમની પાસેથી ટિકિટ અને પાસપોર્ટ લઈ લેવામાં આવતા હતા અને ત્યાંથી પાછા આવતી વખતે તે પરત આપવામાં આવતા હતા.

અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કોઈને ફૅક્ટરી શરૂ કરવામાં મદદ કરવી તે સામાન્ય રીતે અપરાધ નથી, પરંતુ આ કિસ્સામાં દાઉદ ઇબ્રાહીમ અને અનીસ ઇબ્રાહિમ બન્ને ‘ગ્લોબલ ટેરરિસ્ટ’ છે તે જાણતા હોવા છતાં બન્નેને ગુટકા ફેક્ટરીની શરૂઆત માટે મદદ કરવામાં આવી હતી અને ગુટકાના ઉત્પાદનની ફૉર્મ્યુલા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

BBC

જેએમ જોશીના પક્ષે શું કહ્યું?

BBC

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માર્ચ 2005માં અદાલતમાં હાજર થતા જે. એમ. જોષી

અદાલતી દસ્તાવેજો મુજબ, જેએમ જોશીના વકીલ સુદીપ પસબોલાએ જણાવ્યું હતું કે તેમની અસીલને સંગઠિત અપરાધ સાથે કોઈ સંબંધ નથી અને વાસ્તવમાં તેમને ધમકી આપવામાં આવી હતી કે તેઓ કંપનીમાંના તેમના શેર પરત આપી દે તથા વધુ શેરની માગણી ન કરે.

સુદીપ પસબોલાનું કહેવું એમ હતું કે જે એમ જોશીએ રૂ. 259 કરોડની જગ્યાએ માત્ર રૂ. 11 કરોડ લીધા હતા એવી ફરિયાદ પક્ષની દલીલ માની લઇએ તો પણ તેમાંથી એવો સંકેત મળે છે કે તેમણે એવું પોતાની મરજીથી નહીં, પરંતુ ધમકી તેમજ જોરદાર દબાણના પરિણામે કર્યું હતું.

સુદીપ પસબોલાએ એવી દલીલ કરી હતી કે જે એમ જોશીને હૈદરાબાદમાં ગુટકા ફેક્ટરીની શરૂઆત માટે જવાબદાર ગણી શકાય નહીં, કારણ કે તેમણે કોઈના દબાણને લીધે એવું કર્યું હતું. એ કામ બળજબરીથી કરાવવામાં આવ્યું હતું, તેમ માનવું જોઈએ.

જે એમ જોશી સંજોગોનો શિકાર બન્યા હતા અને અનીસ ઇબ્રાહીમની ધમકીને કારણે તેઓ સંગઠિત અપરાધ ટોળકીના સંપર્કમાં આવ્યા હતા તેમજ જે એમ જોશીએ પોતાનો જીવ બચાવવા માટે એવું કર્યું હોવાની દલીલ સુદીપ પસબોલાએ કરી હતી.

અદાલતી દસ્તાવેજોમાં તેઓ કહે છે કે “જે એમ જોશી પ્રતિષ્ઠિત બિઝનેસમૅન છે. તેઓ અનેક ઉદ્યોગ ચલાવે છે. તેમણે હજારો લોકોને નોકરી આપી છે. નિકાસના વેપારમાંથી મૂલ્યવાન વિદેશી ચલણ મેળવ્યું છે.”

સુદીપ પસબોલાએ ફરિયાદ પક્ષના સાક્ષી ક્રમાંક 32ના નિવેદન બાબતે સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે તે સાક્ષીએ તપાસ એજન્સીઓની સૂચના મુજબનું નિવેદન આપ્યું છે. તેમના ભારત આવવા-જવા પર કોઈ નિયંત્રણ ન હતું. તેઓ ભારતથી છ વખત દુબઈ ગયા હતા. દુબઈમાં તેમના સગાં રહે છે. તેથી તેમને તેમની ઇચ્છા વિરુદ્ધ પાકિસ્તાનના હૈદરાબાદમાં કેદમાં રાખવામાં આવ્યા હતા, એવું તેમનું કહેવું જરાય ભરોસાપાત્ર નથી. આ વ્યક્તિ વગર વિઝાએ મુંબઈ ઍરપૉર્ટથી કરાચી પહોંચી શકે તે શક્ય ન હતું.

BBC

જેએમ જોશી અને ધારીવાલ બે વખત પાકિસ્તાન ગયેલા

BBC

ઇમેજ સ્રોત, Getty Images

અદાલતના ચુકાદા બાબતે સરકારી વકીલ પ્રદીપ ઘરાતે કહ્યું હતું કે “તમે કોઈ દેશમાં રહેતા હો ત્યારે તમને સરકાર પર વિશ્વાસ હોવો જોઈએ. તમને ખબર પડે કે તમારા જીવ પર જોખમ છે તો પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. તમારા જીવ પર જોખમ હોય તો તમે હથિયાર રાખો તેની છૂટ કાયદો આપતો નથી.”

તેમણે કહ્યું હતું કે “જે એમ જોશી અને ધારીવાલ બબ્બે વખત પાકિસ્તાન ગયા હતા. તેઓ ગુટકા ફેક્ટરીના ઉદ્ઘાટન વખતે પણ હાજર હતા.”

પ્રદીપ ઘરાતના જણાવ્યા મુજબ, જે એમ જોશીએ ફેક્ટરીમાં મશીનોના ફિટિંગથી માંડીને કર્મચારીઓને તાલીમ, કાચો માલ ઉપલબ્ધ કરાવવામાં અને ગુટકાની ફોર્મ્યુલા દેવા સુધીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સરકારી વકીલના જણાવ્યા મુજબ, તેમને હજુ સુધી અપીલની કોપી મળી નથી. ઉચ્ચ ન્યાયાલય તેમની અપીલનો સ્વીકાર કરશે તો જે એમ જોશી જામીન પર મુક્તિ માટે અરજી કરી શકે છે.

અદાલતે પોતાના આદેશમાં એક જગ્યાએ જણાવ્યું છે કે સંગઠીત અપરાધના ગેરકાયદે કામને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું કે કેમ તે આ કેસમાં મહત્ત્વની બાબત છે.

BBC
BBC