શા માટે દાઉદ ઇબ્રાહિમે કરીમ લાલા પર હુમલો નહોતો કર્યો?

ઇમેજ સ્રોત, Twitter
- લેેખક, વેલ્લી થેવર
- પદ, બીબીસી ગુજરાતી માટે
કરીમ લાલાનું નામ તેમના મોત પછી 18 વર્ષે ફરીથી ચગ્યું છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે અજાણ્યે તેમનો ઉલ્લેખ કરીને એવી ચર્ચા જગાવી છે, જેના પર અત્યાર સુધી વાત થતી નહોતી.
તેમણે દાવો કર્યો કે ઇન્દિરા ગાંધી માફિયા ડૉન કરીમ લાલાને મળ્યાં હતાં. તેનાં કારણે કરીમ લાલા અને તેમના કિસ્સા ફરી ચગ્યા છે.
દક્ષિણ મુંબઈમાં આવેલી ગીચ વસતી પાઇધૂનીમાં કરીમ લાલાની ઑફિસમાં લગાડવામાં આવેલી મોટી તસવીરના નામે વિવાદ થવા લાગ્યો છે.
તે તસવીરના આધારે એવો વિવાદ કરાયો કે ઇન્દિરા ગાંધીએ કરીમ લાલાની મુલાકાત લીધી હતી.
દાઉદ ઇબ્રાહિમ મુંબઈના અલ કપોન એટલે કે માફિયા ડૉન બન્યા, તે પહેલાં કરીમ લાલા અને તેમના જેવા લોકોને અસામાજિક તત્ત્વો સમજીને તેમની સાથે પનારો પાડવામાં આવતો નહોતો.
જોકે સોનાની દાણચોરી કરનાર હાજી મસ્તાન મંત્રાલયમાં જઈને સત્તાધીશોને મળતા હતા અને હિન્દુ મુસ્લિમ તંગદિલી કરવા યોજાયેલી ઘણી બેઠકોમાં સામેલ પણ થયા હતા.
હાજી મસ્તાન અને કરીમ લાલાએ તેમની જતી જિંદગીમાં પોતાના સંગઠનો માટે કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાજી મસ્તાને દલિત-મુસ્લિમ સુરક્ષા મહાસંઘ નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો, જ્યારે કરીમ લાલાએ પખ્તૂન જિરગા-એ-હિન્દ નામનું સંગઠન બનાવ્યું હતું.
અફઘાનિસ્તાનથી આવેલા પશ્તૂન અને પઠાણો માટે આ સંગઠન કામ કરતું હતું.
કરીમ લાલા પોતે પઠાણ હતા અને નાની ઉંમરે ભારત આવી ગયા હતા.
તેઓ 'સરહદના ગાંધી' તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફ્ફાર ખાનથી પ્રભાવિત હતા, પણ તેમણે જે માર્ગ પસંદ કર્યો હતો તે સરહદના ગાંધીના આદર્શોથી બહુ વિપરિત હતો.

વ્યાજવટાવનો ધંધો
ભારત આવ્યા પછી પ્રારંભના વર્ષોમાં અબ્દુલ કરીમ ખાન ઉર્ફે કરીમ લાલાએ જુગારની ક્લબ ખોલી હતી.
લાલાના જુગારખાનામાં હારીને બરબાદ થનારા લોકો તેમના જ માણસો પાસેથી ઘર ચલાવવા માટે ઉછીના નાણાં લેતાં હતાં.
ખાને વિચાર્યું કે ઉછીના નાણાં આપવાનું બંધ કરવું હોય તો તેમના પર મહિને વ્યાજ વસૂલવું પડશે. લોકોએ ઉછીના લેવાનું બંધ ના કર્યું અને લાલાનો ગલ્લો દર મહિને 10 તારીખે વ્યાજના પૈસાથી ખીચોખીચ ભરાવા લાગ્યો.
એ રીતે લાલાએ વ્યાજે પૈસા ફેરવવાનું શરૂ કર્યું હતું.
તે પછી લાલાએ મકાનો ખાલી ના કરતા હોય તેવા ભાડૂતોને તગેડીને મકાનો ખાલી કરાવવા માટે છોકરાઓને મોકલીને તેનો ધંધો ચાલુ કર્યો.
50 વર્ષની ઉંમર સુધીમાં લાલાનું નામ મોટું થઈ ગયું હતું.
તે વખતે તેમના કોઈ સાગરિતે લાલાને સોનાની નકશીકામ કરેલી ટેકણલાકડી ભેંટમાં આપી હતી.
લાલા કોઈને પાર્ટીમાં કે સામાજિક પ્રસંગે જાય ત્યારે પોતાની સોનાની મૂઠવાળી લાકડી એક બાજુ મૂકી રાખતા, પણ કોઈની હિંમત ના થતી કે તેને ચોરી જાય.
ઉલટાનું આ જગ્યાની લાલાની છે એમ સમજીને લોકો આઘાપાછા થઈ જતા હતા.
લાલાના કેટલાક સાગરિતોના દિમાગમાં બત્તી થઈ કે ભાડૂઆતોને ભગાડવા માટે મારામારી કરવાના બદલે લાલાની સોનાની મૂઠવાળી લાકડીના દમામનો ઉપયોગ કરવો જોઈએ.
કોઈ ભાડૂઆત મકાન ખાલી ના કરતો હોય ત્યારે તેના દરવાજાની બહાર આવી લાકડી મૂકી દેવામાં આવતી હતી.
ભાડૂઆત ડરના માર્યા મકાન ખાલી કરીને જતા રહેતા હતા.
લાલાની લાકડીને મકાન ખાલી કરવાની નોટિસ ગણવામાં આવતી હતી.

કરીમ લાલાને ગંગુબાઈએ બાંધી રાખડી

ઇમેજ સ્રોત, Twitter
દક્ષિણ મુંબઈની ગીચ ચાલીઓમાં રહેતા લોકો વચ્ચે આવી દાદાગીરીને જુદી રીતે જોવામાં આવતી હતી.
તેને લાલાની ઇમાનદારી અને ન્યાય તરીકે જોવાતી. તે વખતે મુંબઈના રેડલાઇટ વિસ્તાર કમાઠીપુરામાં ગંગૂબાઈ કોઠેવાલી (કાઠિયાવાડી)નું નામ જાણીતું હતું.
શૌકત ખાન નામના એક પઠાણે તેમના પર બે વાર દુષ્કર્મ ગુજાર્યો તે પછી તે કરીમ લાલા પાસે ગયાં હતાં. કરીમ લાલાએ પોતાના માણસો મોકલીને શૌકત ખાનની ધોલાઈ કરાવી હતી.
આ કિસ્સો બહુ જાણીતો બન્યો હતો અને એવું કહેવાય છે કે પોતાની રક્ષા કરનારા ભાઈ તરીકે ગંગૂબાઈએ કરીમ લાલાને રાખડી બાંધી હતી.
આ જ કિસ્સા પરથી સંજય લીલા ભણશાલી ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં ગંગૂભાઈની ભૂમિકા અભિનેત્રી આલિયા ભટ્ટ ભજવી રહ્યાં છે.
બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મુંબઈમાં માફિયાગીરી શરૂ કરવામાં કરીમ લાલાની મોટી ભૂમિકા હતી.
કરીમ લાલાએ હાજી મસ્તાન સાથે દોસ્તી કરી લીધી હતી અને તેની સોનાની દાણચોરી માટે જરૂરી માથાભારે માણસો પૂરા પાડવાની ખાતરી આપી હતી.
કરીમ લાલાની મદદ વિના હાજી મસ્તાનની સોનાની દાણચોરી આગળ વધે તેમ નહોતી.
એ જ રીતે દાઉદ ઇબ્રાહિમના પિતા કૉન્સ્ટેબલ ઇબ્રાહિમ કાસકરની દોસ્તી પણ આ બંને માફિયાઓ સાથે હતી. તેના કારણે જ દાઉદને તેમના જેવા માફિયા બનવાની ઇચ્છા થઈ હતી.
ઇબ્રાહિમ કાસકરે લાલા અને મસ્તાન પાસેથી આર્થિક મદદ લેવાનું ટાળ્યું હતું, પણ તેના દીકરા દાઉદને એવો કોઈ છોછ નહોતો. દાઉદ બંને માફિયાના રસ્તે જ ચાલ્યો અને બંને કરતા ઘણો આગળ નીકળી ગયો હતો.
કટોકટી લાગુ પડી ત્યારે હાજી મસ્તાન અને કરીમ લાલા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. તે પછી એક નવો વળાંક આવ્યો હતો.
'પોલીસથી સંતાવવુ પડે તેવી સ્થિતિ નહોતી'

ઇમેજ સ્રોત, SUNDER SHEKHAR
હાજી મસ્તાનનો ઇરાદો બોલીવૂડમાં પ્રવેશ કરવાનો હતો, જ્યારે કરીમ લાલા પોતાની છાપની પરવા કર્યા વિના માફિયાગીરીમાં જ આગળ વધતા રહ્યા.
સાત ફૂટ ઊંચા કરીમ લાલા સફારી સૂટ અને કાળા ચશ્મા પહેરતા અને તે તેમની ઓળખ બની ગઈ હતી.
ત્યાં સુધીમાં દાઉદ ઇબ્રાહિમની ઓળખ પણ ખતરનાક ગુંડા તરીકેની પડી ગઈ હતી અને તેણે પઠાણોને પાડી દેવાનું શરૂ કર્યું હતું.
દાઉદે કરીમ લાલાના ભત્રીજા સમદ ખાન અને તેના બીજા સાગરિતોની હત્યા કરી હતી, પણ તેમણે ક્યારેય કરીમ લાલા પર હુમલો કર્યો નહોતો.
બાદમાં મક્કામાં બંનેની મુલાકાત યોજાઈ હતી અને તેમણે એકબીજાને ભેટીને સમજૂતિ કરી લીધી હતી.
હાજી મસ્તાન અને કરીમ લાલાને મુસ્લિમો બહુ પસંદ કરતા હતા. તેમના કાર્યક્રમોમાં બંનેને બોલાવતા હતા.
સામાજિક રીતે બંને બહુ સક્રિય બન્યા હતા.
કદાચ એવા કોઈ સામાજિક પ્રસંગે ઇન્દિરા ગાંધી સાથેની તસવીર પાડવામાં આવી હશે તેમ માનવામાં આવે છે.
જોકે કરીમ લાલાએ કાયદાથી ભાગવું પડે તેવી સ્થિતિ નહોતી, કેમ કે તેમના નામે કોઈ મોટા ગુના નોંધાયા નહોતા.
90ના દાયકામાં એકવાર મકાન ખાલી કરાવવા ધમકાવાના કેસમાં તેની ધરપકડ થઈ હતી.
(સિનિયર પત્રકાર વેલ્લી થેવર ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ છે, જેમણે મુંબઈમાં વિવિધ પ્રકાશનોમાં 30 વર્ષ સુધી અપરાધ જગતના સમાચારો કવર કર્યા હતા.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













