નિર્ભયાકાંડ : ફાંસીના દિવસે શું થાય છે?

ઇમેજ સ્રોત, DELHI POLICE
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વર્ષ 2012માં નિર્ભયાકાંડના દોષિત ઠરેલા મુકેશકુમાર, પવન ગુપ્તા, વિનયકુમાર શર્મા અને અક્ષય ઠાકુરને ફાંસી આપવામાં આવી છે.
ફાંસી ટાળવા માટે સતત દયાઅરજી કરનારા આ ચારેયના ડેથ-વૉરંટ અત્યાર સુધી ઓછામાં ઓછા ત્રણ વાર ટાળવામાં આવ્યો હતું.
આ સપ્તાહે મુકેશસિંહ દ્વારા દિલ્હીની એક કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધા બાદ દોષિતોને સામે ફાંસી ટાળવા માટેના કાયદાકીય ઉપાયો લગભગ સમાપ્ત થઈ ગયા છે.
20મી માર્ચે સવારે સાડા પાંચ વાગ્યે નક્કી કરાયેલી ફાંસીની સજા સાથે જ ડિસેમ્બર 2012માં ભારત આખાને ખળભળાવી મુકનારો નિર્ભયાકાંડનો અંત આવ્યો.

16 ડિસેમ્બરની તારીખ

ઇમેજ સ્રોત, Getty Images
2012ની 16મી ડિસેમ્બરે દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
દક્ષિણ દિલ્હીમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી વિદ્યાર્થિનીને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.
ભારતમાં અનેક દિવસોની સારવાર અપાયા બાદ વિદ્યાર્થિનીને સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અહીં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને કારણે દેશભરમાં વિરોધપ્રદર્શનો શરૂ થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ફાંસી કેવી રીતે આપવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની તિહાડ જેલ નંબર-3માં ફાંસી આપવામાં આવે છે. દેશના અન્ય ભાગોમાં પણ એવી ઘણી જેલ છે, જ્યાં દોષીઓને ફાંસી આપવામાં આવે છે.
દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને દિલ્હી સેન્ટર ઑન ધ ડેથ પેનલ્ટીના ડાયરેક્ટર અનુપ સુરેન્દ્રનાથ અનુસાર ભારતમાં 30થી વધુ જેલોમાં ફાંસી આપવાની વ્યવસ્થા છે.
દરેક રાજ્યનો પોતાના અલગઅલગ જેલનિયમો હોય છે. દિલ્હીના જેલનિયમો પ્રમાણે બ્લૅક વૉરંટ સીઆરપીસી (કોડ ઑફ ક્રિમિનલ પ્રૉસિજર)ની જોગવાઈ પ્રમાણે જાહેર કરવામાં આવે છે.
આમાં ફાંસીની તારીખ અને જગ્યા લખેલી હોય છે. તેને બ્લૅક-વૉરંટ એટલા માટે કહેવાય છે કે તેની ચારેકોર (બૉર્ડર પર) કાળા રંગની બૉર્ડર બનેલી હોય છે.
ફાંસી અગાઉ ગુનેગારને 14 દિવસનો સમય આપવામાં આવે છે, જેથી તે પોતાના પરિવારને મળી શકે અને માનસિક રીતે પોતાને તૈયાર કરી શકે. જેલનું તેનું કાઉન્સલિંગ પણ કરવામાં આવે છે.
જો કેદી પોતાનું વસિયતનામું તૈયાર કરવા માગે તો તેના માટે પરવાનગી આપવામાં આવે છે. તે તેમાં પોતાની અંતિમ ઇચ્છા લખી શકે છે.
જો ગુનેગાર ઇચ્છે તો તેની ફાંસીના સમયે ત્યાં પંડિત, મૌલવી કે પાદરી ઉપસ્થિત હોય તો જેલ સુપરિન્ટેન્ડેન્ટ તેની વ્યવસ્થા કરી શકે છે.
કેદીને એક સ્પેશિયલ વૉર્ડના સેલમાં અલગ રાખવામાં આવે છે.
ફાંસીની તૈયારીની સંપૂર્ણ જવાબદારી સુપરિન્ટેન્ડેન્ટની હોય છે. એના કહેવા પ્રમાણે ફાંસીનો માંચડો, રસ્સી, બુકાની સહિત બધી ચીજો તૈયાર થાય છે. ફાંસીનો માંચડો યોગ્ય છે, લીવરમાં તેલ નાખેલું છે, સફાઈ કરેલી છે, રસ્સી યોગ્ય રીતે છે કે નહીં એ બધું તેમણે જોવાનું હોય છે.
ફાંસીના એક દિવસ પહેલાં ફાંસીના માંચડાની અને રસ્સીની ફરીથી તપાસ થાય છે. રસ્સી પર રેતીની બોરી લટકાવીને જોવામાં આવે છે, જેનું વજન કેદીના વજનથી દોઢ ગણું વધુ હોય છે.
જલ્લાદ ફાંસીના દિવસથી બે દિવસ અગાઉ જ જેલમાં આવે છે અને ત્યાં જ રહે છે.

ફાંસી આપવાનો સમય

ઇમેજ સ્રોત, Getty Images
ફાંસી હંમેશાં સવારસવારમાં જ આપવામાં આવે છે.
- નવેમ્બરથી ફેબ્રુઆરી- સવારે આઠ વાગ્યે
- માર્ચ, એપ્રિલ, સપ્ટેમ્બરથી ઑક્ટોબર- સવારે સાત વાગ્યે
- મેથી ઑગસ્ટ- સવારે છ વાગ્યે
સુપરિન્ટેન્ડેન્ટ અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ફાંસીના નક્કી કરેલા સમયથી થોડી મિનિટો પહેલાં જ કેદીના સેલમાં જાય છે.
સુપરિન્ટેન્ડેન્ટ પહેલાં કેદીની ઓળખ કરે છે કે જેનું નામ વૉરંટમાં છે એ જ છે કે કેમ. પછી તેઓ કેદીને તેની માતૃભાષામાં વૉરંટ વાંચીને સંભળાવે છે.
બાદમાં સુપરિન્ટેન્ડેન્ટની હાજરીમાં જ ગુનેગારની વાતો રેકર્ડ કરવામાં આવે છે. પછી સુપરિન્ટેન્ડેન્ટ જ્યાં ફાંસી આપવાની હોય છે ત્યાં જતા રહે છે.
ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સેલ જ રહે છે અને તેમની હાજરીમાં જ ગુનેગારને કાળાં કપડાં પહેરાવીને તેના હાથ પાછળથી બાંધી દેવામાં આવે છે. જો તેના પગમાં બેડી હોય તો તેને કાઢી નાખવામાં આવે છે.

પછી આવે છે એ પળ

ઇમેજ સ્રોત, Getty Images
પછી ગુનેગારને ફાંસીના માંચડા તરફ લઈ જવામાં આવે છે. એ સમયે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ, હેડ વૉર્ડન અને છ અન્ય વૉર્ડન તેમની સાથે હોય છે. બે વૉર્ડન પાછળ ચાલતા હોય છે, બે આગળ અને એક-એક બંને બાજુ ગુનેગારનાં બાવડાં પકડી રાખે છે.
ગુનેગારને ફાંસીસ્થળ સુધી પહોંચાડવામાં આવે છે. એ સમયે સુપરિન્ટેન્ડેન્ટ, મૅજિસ્ટ્રેટ અને મેડિકલ ઑફિસર અગાઉથી જ હાજર હોય છે.
સુપરિન્ટેન્ડેન્ટ મૅજિસ્ટ્રેટને જણાવે છે કે તેઓએ કેદીની ઓળખ કરી લીધી છે અને તેને વૉરંટ તેની માતૃભાષામાં વાંચીને સંભળાવી દીધું છે.
કેદીને પછી હૅંગમૅન (જલ્લાદ)ના હવાલે કરી દેવામાં આવે છે.
હવે ગુનેગારે ફાંસીના માંચડે ચડવાનું હોય છે અને તેને ફાંસીના માંચડાની બરાબર નીચે ઊભો રાખવામાં આવે છે. ત્યાં સુધી વૉર્ડન તેનાં બાવડાં પકડી રાખે છે.
બાદમાં જલ્લાદ કેદીના બંને પગ ચુસ્ત બાંધી દે છે અને તેના ચહેરા પર બુકાની બાંધી દે છે. પછી તેને ફાંસીનો ગાળિયો પહેરાવાય છે.
જેઓએ બાવડાં પકડી રાખ્યાં હોય છે તે વૉર્ડન હવે પાછળ ખસી જાય છે.
પછી જેલ સુપરિન્ટેન્ડેટ જેવો ઇશારો કરે કે હૅંગમૅન (જલ્લાદ) લીવર ખેંચે છે.
જેનાથી ગુનેગાર જે બે પટ્ટા પર ઊભો હોય છે એ નીચે વેલમાં પડી જાય છે અને ગુનેગાર ફાંસીના માંચડે લટકી જાય છે.
રસ્સીને કારણે ગુનેગારનું ગળું જકડાઈ જાય છે અને ધીરેધીરે તે મરી જાય છે.
મૃતદેહ અડધા કલાક સુધી લટકતો રહે છે. અડધા કલાક પછી ડૉક્ટર તેને મૃત જાહેર કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
બાદમાં મૃતદેહને નીચે ઉતારવામાં આવે છે અને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવે છે.
સુપરિન્ટેન્ડેન્ટ હવે ફાંસીનું વૉરંટ પરત આપે છે અને પુષ્ટિ કરે છે કે ફાંસીની સજા પૂરી થઈ.
દરેક ફાંસી પછી તરત સુપરિન્ટેન્ડેન્ટ ઇન્સ્પેક્ટર જનરલને રિપોર્ટ આપે છે. પછી એ વૉરંટ કોર્ટને પરત કરી દેવાય છે, જેણે એ જાહેર કર્યું હતું.
પોસ્ટમૉર્ટમ બાદ ગુનેગારનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવે છે.
જો સુરક્ષાનું કોઈ કારણ હોય તો જેલ સુપરિન્ટેન્ડેન્ટની હાજરીમાં મૃતદેહને સળગાવવામાં કે દફનાવવામાં આવે છે.
ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પબ્લિક હૉલી ડે એટલે કે સરકારી રજાના દિવસે ફાંસીની સજા કરાતી નથી.
(ફાંસી સંદર્ભની જાણકારી દિલ્હીના જેલ મેન્યુઅલ અને તિહાડના પૂર્વ જેલર સુનીલ ગુપ્તા સાથે બીબીસીનાં ગુરપ્રિત સૈનીની વાતચીત પર આધારિત છે. સુનીલ ગુપ્તા સામે આઠ ફાંસી થયેલી છે- રંગા-બિલ્લા, કરતાર સિંહ-ઉજાગર સિંહ, સતવંત સિંહ-કેહર સિંહ, મકબૂલ ભટ્ટ, અફઝલ ગુરુ.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












