એ દેશ જેનો વૃદ્ધિદર ભારત અને ચીન કરતાં 14 ગણો વધારે હશે

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ અમેરિકાનો એક દેશ એવો છે, જે 2020માં ચીન કરતાં પણ 14 ગણી ઝડપે વિકસવાનો છે.
ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ (IMF)ના જણાવ્યા અનુસાર દક્ષિણ અમેરિકાના આ દેશના 8 લાખ નાગરિકોનો 2020ના વર્ષમાં જોરદાર 86% ટકાના દરે વિકાસ થવાનો છે.
ચીનના અર્થતંત્ર કરતાં આ 14 ગણો વધુ ઝડપી વિકાસ થયો. એ કહેવાની જરૂર નથી કે ગુયાના વિશ્વનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બની જશે.
કદાચ આ ખંડમાં કે સમગ્ર વિશ્વમાં તે માથાદીઠ સૌથી વધુ સમૃદ્ધિ ધરાવતો દેશ બની જાય તેવી પણ શક્યતા છે.
ગુયાનામાંથી ક્રૂડઑઇલ મળી આવ્યું છે તેના કારણે આ સમૃદ્ધિ આવવાની છે.
જોકે ઘણાને શંકા પણ છે કે જૅકપૉટ લાગ્યો હોવાથી આડેધડ પૈસા વપરાઈ જશે અને અંતે હતા ત્યાંના ત્યાં.
અચાનક કમાણી થવા લાગી છે તેને સ્થિર અર્થતંત્રના વિકાસ માટે કાયમી રાખવી ગુયાના માટે મુશ્કેલ પણ બની શકે છે.

કાચું સોનું

ઇમેજ સ્રોત, Getty Images
ગુયાનાની ધરતીમાંથી ક્રૂડ ઑઇલ મળી આવ્યું છે અને 2020માં તેની વિશ્વમાં નિકાસ શરૂ થશે. દુનિયાના બીજા મોટા ઉત્પાદકોની સરખામણીમાં જોકે મોટો જથ્થો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"રોજના 700,000થી 10 લાખ બેરલ ઑઇલ સુધી ઉત્પાદન પહોંચી શકે છે," એમ આંતરરાષ્ટ્રીય ઑઇલ કન્સલ્ટિંગ કંપની વૂડ મૅકેન્ઝીના માર્સેલો દે આસિસે બીબીસી મુન્ડોને જણાવ્યું હતું.
સરખામણી કરવા માટે કહી શકાય કે કોલંબિયા રોજનું ક્રૂડ નિકાસ કરે છે તેટલો આ જથ્થો થયો.
જોકે ગુયાનાની વસતિ ઘણી ઓછી હોવાથી નાગરિકોની સમૃદ્ધિમાં મોટો વધારો થઈ શકે છે. કોલંબિયા કરતાં તેની વસતિ 50 ગણી ઓછી છે.
યુએસ સીએનબીસીના હાલના એક અહેવાલ અનુસાર ગુયાના માથાદીઠ સૌથી વધુ ઑઇલ ઉત્પાદન કરનાનો દેશ બની શકે છે.

ખરાબ અનુભવ

ઇમેજ સ્રોત, Getty Images
હાલના સમયમાં ઘણા નાના દેશોમાં અચાનક ક્રૂડનો જથ્થો મળી આવે ત્યારે જે થાય તેના સારા દાખલા નથી મળ્યા, એમ કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ રૉસનું કહેવું છે.
ક્રૂડ ઑઇલની કમાણી સીધી જ સ્થાપિત હિતોને જાય છે, જે વધુ શક્તિશાળી બને છે અને નાગરિકોને ખાસ ફાયદો થતો નથી.
નાના દેશમાં મજબૂત સંસ્થાકીય માળખું હોતું નથી તેના કારણે મોટા પાયે ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે એમ રૉસનું કહેવું છે.
"ઇસ્ટ તીમોર અને ઇક્વેટોરિયલ ગીની આવા દાખલા છે, જ્યાં માથાદીઠ કમાણીમાં મોટા પાયે વધારો થયો હોય. આ બંને દેશોમાં મોટા પાયે નાણાં આવ્યાં તેના કારણે ઊલટાની તંગદિલી ઊભી થઈ હતી. ખાસ કરીને ઇક્વેટોરિયલ ગીનીમાં મોટા ભાગની કમાણી અધિકારીઓના હાથમાં જ આવી હતી. તેના કારણે દેશમાં લોકશાહી ઓછી થઈ અને ભ્રષ્ટાચાર વધી ગયો," એમ તેઓ ઉમેરે છે.
જોકે એવા દેશોના દાખલા પણ છે, જેમણે કમાણીને સારા રસ્તે વાપરી હોય. જોકે આવા દેશોમાં ધીમી ગતિએ આવક વધી હોવાનું રૉસ કહે છે.
"ગુયાનામાં કમાણી સુનામીની જેમ આવવાની છે. ગુયાના તેનો સારો ઉપયોગ કરી શકે અને ભ્રષ્ટાચાર અટકાવી શકે, સરકાર લોકતાંત્રિક પ્રણાલીઓ જાળવી શકે તો વિશ્વમાં તે અનોખો દાખલો હશે," એમ રૉસનું કહેવું છે.

રોકાણની યોજનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
ગુયાના યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર થોમસે બીબીસી મુન્ડોને જણાવ્યું કે ઑઇલની કમાણીને કારણે તેમનો દેશ "સ્વર્ગ બની શકે છે, અને નહિતર તેનાથી ઊલટું થશે."
તેઓ ચેતવણી આપતાં કહે છે, "નબળી સંસ્થાઓ, ભ્રષ્ટાચારનું કલ્ચર, વિશ્વાસનો અભાવ અને ઓછી વસતિ ... આ બધી સમસ્યાનો સામનો ગુયાના કરી શકશે કે કેમ તે વિશે શંકા રહે છે. અચાનક કમાણી પછી દેશના અર્થતંત્રમાં પરિવર્તન લાવનારો દેશ તે બની જશે તેમ માની લેવું ભોળપણ ગણાશે."
સિંહના જણાવ્યા અનુસાર માર્ચ 2020માં યોજાનારી ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો વચ્ચે સ્પર્ધા છે.
વર્તમાન પ્રમુખનો પક્ષ પીએનસી અને વિપક્ષી નેતા ઇરફાન અલીની આગેવાની હેઠળનો પીપીપી - આ બંને પક્ષોએ અત્યારે મફત શિક્ષણ, માળખાકીય સુવિધામાં વધારો અને જાહેર સુવિધા વધારવાના વચનો આપ્યા છે.
સિંહ કહે છે કે તેમના દેશમાં રાજકારણ અને સંસ્કૃતિના નામે બહુ મોટા તડાં છે. દેશની વસતિ આફ્રિકન મૂળના લોકો અને બ્રિટિશ સામ્રાજ્ય વખતે આવેલા એશિયન મૂળના લોકો વચ્ચે વહેંચાયેલી છે.
1966માં આઝાદી મળી તે પછી દેશનો આર્થિક વિકાસ મંદ જ રહ્યો અને ખાંડ તથા માઇનિંગ ઉદ્યોગો પર જ આધાર રહ્યો છે. દેશનું રાજકીય માળખું એવું નથી કે વિકાસ માટે સાનુકૂળ થાય એમ સિંહનું માનવું છે.
"ઑઇલની જંગી આવક પછી આર્થિક અને સામાજિક પરિવર્તન આડેના જે અવરોધો છે, તે દૂર થાય તેવી શક્યતા ઓછી જણાય છે," એમ થોમસ સિંહ ઉમેરે છે.
ઑઇલની કમાણીનો કેવી રીતે ઉપયોગ કરવાની યોજના છે તે જાણવા માટે બીબીસીએ ગુયાનાના માઇનિંગ ઍન્ડ જીઓલૉજી કમિશનનો સંપર્ક કર્યો હતો, પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

વેનેઝુએલા સાથેના સંબંધો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ગુયાનાની સ્થિતિ પડોશી દેશ વેનેઝુએલા સાથે સંકળાયેલી છે. વેનેઝુએલામાં પૃથ્વીનો સૌથી મોટો હાયડ્રોકાર્બન અનામત જથ્થો છે, પણ તેની ઑઇલ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ ડામાડોળ છે.
"ઑઇલ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ માટે વેનેઝુએલા સાથે સ્પર્ધા કરવી પડશે એવું પણ નથી. હાલમાં વેનેઝુએલામાં જ ઑઇલ ઇન્ડસ્ટ્રીમાં સીધું વિદેશી મૂડીરોકાણ આમ પણ આવી રહ્યું નથી," એમ માર્સેલો દે આસિસે જણાવ્યું હતું.
મૂડીરોકાણ કરતાં મોટી સમસ્યા એ છે કે વેનેઝુએલામાંથી મોટી સંખ્યામાં લોકો સરહદ પાર કરીને ગુયાનામાં આવી શકે છે.
વેનેઝુએલામાં હજી પણ ઑઇલ ઇન્ડસ્ટ્રીમાં કામનો અનુભવ ધરાવતા લોકો છે. પરંતુ અત્યારે લેટિન અમેરિકામાં 'અને કદાચ વિશ્વમાં સૌથી ઓછા મજૂરીના દરો વેનેઝુએલામાં છે,' એ વાત તરફ કેરાકાસની હાયર સ્ટડીઝ ઑફ ઍડમિનિસ્ટ્રેશનના જૉસે મેન્યુએલ પેએન્ટ ધ્યાન દોરે છે.
જાણકારો માને છે કે મોટા પ્રમાણમાં કામદારો ગુયાના જતા રહે તે સંજોગોમાં વેનેઝુએલાના ઑઇલઉદ્યોગને નુકસાન થઈ શકે છે.
ગુયાના પોતાની કમાણીનો યોગ્ય ઉપયોગ કરીને માળખાકીય સુવિધામાં રોકાણ કરશે ત્યારે ત્યાં બીજી રોજગારી પણ ઊભી થશે. સર્વિસ સૅક્ટર સહિત ગુયાનામાં આવા કામ માટે ખાસ લાયકાતની પણ જરૂર નહીં હોય.
"તેના કારણે ગૂંચવણભરી સ્થિતિ ઊભી થઈ શકે છે. અખાતના નાના દેશોમાં ઑઇલની સમૃદ્ધિ આવી ત્યારે ત્યાં કામ કરવા માટે બહારના માઇગ્રન્ટ મોટા પ્રમાણમાં આવ્યા હતા," એ વાત તરફ રૉસ પણ ધ્યાન દોરે છે.
"તે દેશોમાં માઇગ્રેશન સંભાળી શકાય તેવી સ્થિતિ હતી, પણ ગુયાના માટે તે મુસીબત ઊભી કરી શકે છે," એમ જણાવીને રૉસ ચેતવણી આપ છે કે પડોશી દેશોમાંથી મોટા પ્રમાણમાં વસાહતીઓ આવે ત્યારે રાજકીય તંગદિલી પણ ઊભી થઈ શકે છે.
વેનેઝુએલા અને ગુયાના વચ્ચે લાંબા સમયથી સરહદના મામલે વિવાદો ચાલે પણ છે. માઇગ્રન્ટના કારણે નવા વિવાદો ઊભા થાય તો સરહદનો મામલો વધારે પેચીદા બની શકે છે.

પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
માર્સેલો દે આસિસના અંદાજ અનુસાર આ વર્ષે ગુયાનાના ક્રૂડઑઇલનું ઉત્પાદન રોજના 300,000 બેરલ સુધી પહોંચશે. તેના કારણે આવકની શરૂઆત સાથે નવી દુનિયાની શરૂઆત થશે.
"તમે મને પૂછશો કે 10 વર્ષ પછી ગુયાના કેવું હશે તો હું કહીશ કે તેના શહેરી વિસ્તારો ઓળખાય નહીં તે હદે બદલાઈ ગયા હશે, કેમ કે જંગી આર્થિક વિકાસ થયો હશે," એમ માઇકલ રોસે બીબીસી મુન્ડોને જણાવ્યું હતું.
"સવાલ એ જ છે કે લોકો લોકતાંત્રિક પ્રણાલીઓ જાળવી શકશે કે અને ભ્રષ્ટાચારની લાલચને કેવી રીતે કાબૂમાં લેશે," એમ તેમણે અંતમાં જણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












