BCCIના વાર્ષિક કૉન્ટ્રેક્ટમાંથી પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની બાકાત, ચાર ગુજરાતી સામેલ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ગુરુવારે ભારતીય ક્રિકેટ ખેલાડીઓના નવા વાર્ષિક કૉન્ટ્રેક્ટની માહિતી જાહેર કરાઈ હતી.
નોંધનીય છે કે આશ્ચર્યજનક રીતે આ કૉન્ટ્રેક્ટના ચારેય ગ્રેડમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ નથી કરાયો.
આ કૉન્ટ્રેક્ટનો સમયગાળો ઑક્ટોબર, 2019 થી સપ્ટેમ્બર, 2020 સુધી રહેશે.
BCCI દ્વારા અપાયેલી માહિતી અનુસાર કૉન્ટ્રેક્ટમાં ચારેય ગ્રેડમાં કુલ 27 ખેલાડીઓને સામેલ કરાયા છે.
BCCIએ ખેલાડીઓને A+, A, B અને C ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે.
જે-તે ગ્રેડમાં મુકાયેલા ખેલાડીઓને અપાતા વાર્ષિક વેતનની માહિતી પણ જારી કરવામાં આવી છે.

કોહલી સિવાય A+ ગ્રેડમાં બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images
BCCI દ્વારા જાહેર કરાયેલી કૉન્ટ્રેક્ટની વિગતો અનુસાર A+ ગ્રેડમાં વિરાટ કોહલી સહિત 3 ખેલાડીઓનાં નામ સામેલ કરાયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરાટ કોહલી સાથે આ ગ્રેડમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને મુકાયા છે.
A+ ગ્રેડમાં આવતા ખેલાડીઓન BCCI દ્વારા આ વર્ષના કૉન્ટ્રેક્ટમાં વાર્ષિક સાત કરોડ રૂપિયાની રકમ ચૂકવવાનું નક્કી કરાયું છે.
A ગ્રેડમાં સૌથી વધારે ખેલાડીઓ

ઇમેજ સ્રોત, Getty Images
BCCI દ્વારા અપાયેલી માહિતી અનુસાર A ગ્રેડમાં 11 ખેલાડી મુકાયા છે.
આ ગ્રેડમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, કે. એલ. રાહુલ, શીખર ધવન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ અને રિષભ પંતને સમાવી લેવાયા છે.
A ગ્રેડમાં સામલે કરાયેલા ખેલાડીઓને BCCI દ્વારા વાર્ષિક કૉન્ટ્રેક્ટ હેઠળ પાંચ કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી કરાયું છે.

હાર્દિક પંડ્યા B ગ્રેડમાં

ઇમેજ સ્રોત, Getty Images
BCCI દ્વારા આ નવા કૉન્ટ્રેક્ટમાં ગુજરાતી ઑલરાઉંડર હાર્દિક પંડ્યા સહિત પાંચ ખેલાડીને B ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે.
B ગ્રેડમાં હાર્દિક પંડ્યા, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રિદ્ધિમાન સાહા અને મયંક અગ્રવાલ છે.
B ગ્રેડમાં સામેલ કરાયેલા ખેલાડીઓને કૉન્ટ્રેક્ટ અનુસાર વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.
C ગ્રેડના ખેલાડીઓ

ઇમેજ સ્રોત, Getty Images
BCCIએ જારી કરેલા કૉન્ટ્રેક્ટની વિગતો અનુસાર C ગ્રેડમાં 8 ખેલાડીઓને સામેલ કરાયા છે.
કૉન્ટ્રેક્ટ અનુસાર C ગ્રેડમાં કેદાર જાધવ, નવદીપ સૈની, દીપક ચહર, મનીષ પાંડે, હનુમા વિહારી, શાર્દૂલ ઠાકુર, શ્રેયસ અય્યર અને વૉશિંગટન સુંદરને રાખવામાં આવ્યા છે.
આ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.

આ ગુજરાતી ખેલાડીઓનો કરાયો સમાવેશ

ઇમેજ સ્રોત, Getty Images
BCCI દ્વારા જાહેર કરાયેલા કૉન્ટ્રેક્ટની વિગતો અનુસાર વાર્ષિક કૉન્ટ્રેક્ટમાં સામેલ કુલ 27 ખેલાડીઓમાં ચાર ગુજરાતી ખેલાડીઓનાં નામ સામેલ કરાયાં છે.
આ યાદીમાં ગુજરાતના જસપ્રીત બુમરાહ સહિત રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને ચેતેશ્વર પુજારાને સામેલ કરાયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












