દેવિંદર સિંહ : 'સર આ ખેલ છે, તમે ખેલ ખરાબ ન કરો'

ઇમેજ સ્રોત, PTI
- લેેખક, રિયાઝ મસરૂર
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર
ઉગ્રવાદીઓને મદદ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા જન્મુ-કાશ્મીરના પોલીસ અધિકારી દેવિંદર સિંહને હવે નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી(એનઆઈએ)ના અધિકારીઓ પૂછપરછ કરશે.
કાશ્મીરમાં ઉગ્રવાદીઓને આર્થિક મદદ કરવાના અનેક મામલાઓની તપાસ પણ એનઆઈએ કરી રહી છે.
આ કેસમાં એનઆઈએ સામે સૌથી મોટો પડકાર એ શોધવાનો હશે કે ઉગ્રવાદીઓને ડીએસપી દેવિંદર સિંહ આખરે શા માટે મદદ કરતા હતા?
દેવિંદર સિંહના પાછલા રેકર્ડને ધ્યાનમાં લેતાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેઓ પૈસાના લાલચુ છે અને એ લાલચે તેમને માદક પદાર્થોની દાણચોરી, બળજબરીથી નાણાં પડાવવાં, કારચોરી અને ઉગ્રવાદીઓને મદદ જેવાં કૃત્યો કરવા મજબૂર કર્યા હતા.
કેટલાક અધિકારીઓ તો ગત વર્ષે પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં પણ દેવિંદર સિંહ સામેલ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે હુમલો થયો એ વખતે દેવિંદર સિંહ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ પર હતા.
પુલવામા હુમલામાં 40થી વધુ સલામતી રક્ષકો માર્યા ગયા હતા.
જોકે, દેવિંદર સિંહની પુલવામા હુમલામાં સામેલગીરીના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે દેવિંદર સિંહ પર પહેલેથી જ નજર રાખવામાં આવી રહી હતી.
પોલીસ અધિકારીએ કહ્યું હતું, "દેવિંદર સિંહ ઉગ્રવાદીઓને કાશ્મીરમાં લાવવા-લઈ જવાનું કામ કરતા હોવાની પાક્કી માહિતી મળી હતી."
દેવિંદર સિંહની જે નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી તેની કહાણી પોલીસ વિભાગના સૂત્રોએ બીબીસીને જણાવી હતી.

કારમાંથી મળ્યાં હથિયાર

ઇમેજ સ્રોત, ANI
દેવિંદર સિંહની શ્રીનગર-જમ્મુ હાઈવે પરના દક્ષિણ કાશ્મીરના શહેર કાઝીગુંડથી ધરપકડ કરવામાં આવી હતી.
એ વખતે દેવિંદર સિંહ જમ્મુ જઈ રહ્યા હતા.
તેમની કારમાં હિઝબુલ કમાન્ડર સૈયદ નવીદ, તેમના સાથી આસિફ રાથેર અને ઈમરાન પણ પ્રવાસ કરતા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ ચેકપૉઈન્ટ પર ડીઆઈજી અતુલ ગોયલ અને દેવિંદર સિંહ વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી. એ ઘટનાની તપાસ પણ હવે થવાની છે.
પોલીસના જણાવ્યા મુજબ, 'જે અધિકારીને દેવિંદર સિંહ પર ચાંપતી નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો એ અધિકારીએ દક્ષિણ કાશ્મીરના ડીઆઈજી અતુલ ગોયલને ફોન કરીને જણાવ્યું હતું કે દેવિંદર સિંહ ઉગ્રવાદીઓ સાથે શ્રીનગર પહોંચી ગયા છે અને ત્યાંથી તેઓ કાઝીગુંડના રસ્તે જમ્મુ જવાના છે.'
પોલીસનાં સૂત્રોએ કહ્યું હતું, "સમગ્ર કાર્યવાહીનું નેતૃત્વ ખુદ ડીઆઈજીએ કર્યું હતું અને તેઓ ચેકપૉઈન્ટ પર પહોંચી ગયા હતા."
"દેવિંદર સિંહની કાર રોકવામાં આવી ત્યારે દેવિંદર સિંહે ગાડીમાં બેઠેલા ઉગ્રવાદીઓનો પરિચય તેમના બૉડીગાર્ડ તરીકે કરાવ્યો હતો."
"જોકે, કારની તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી પાંચ હૅન્ડ ગ્રેનેડ અને એક રાઈફલ પણ મળી આવી હતી."
આ ઑપરેશન સાથે જોડાયેલા એક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે 'ડીઆઈજીએ દેવિંદર સિંહની વાતને સ્વીકારી નહીં અને તેમની ધરપકડ કરવાનો આદેશ અધિકારીઓને આપ્યો હતો.'
એ સમયે દેવિંદર સિંહે ડીઆઈજીને કહ્યું હતું, "સર, યે ગેમ હૈ. આપ ગેમ ખરાબ મત કરો."

ડીઆઈજીએ દેવિંદર સિંહને થપ્પડ મારી?

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, 'ગેમવાળી' વાત સાંભળીને ડીઆઈજી ગોયલ ગુસ્સે થઈ ગયા હતા.
તેમણે દેવિંદર સિંહને થપ્પડ મારી હતી અને દેવિંદર સિંહને પોલીસ વાનમાં બેસાડવાનો આદેશ આપ્યો હતો.
57 વર્ષના દેવિંદર સિંહ કાશ્મીરમાં ઉગ્રવાદીઓ સામેની લડાઈમાં હંમેશાં મોખરે રહ્યા છે.
કાશ્મીર ખીણમાં ઉગ્રવાદીઓએ ભારત સરકાર વિરુદ્ધના સશસ્ત્ર વિદ્રોહની શરૂઆત 90ના દાયકામાં કરી હતી.
દેવિંદર સિંહ ભારત પ્રશાસિત કાશ્મીરના ત્રાલના રહેવાસી છે.
ત્રાલને ઉગ્રવાદીઓને ગઢ ગણવામાં આવે છે.
21મી સદીમાં કાશ્મીરમાં જે નવી ઉગ્રવાદી પ્રવૃતિ શરૂ થઈ, તેમાં મોખરે રહેલા બુરહાન વાનીનો સંબંધ પણ ત્રાલ સાથે હતો.
દેવિંદર સિંહના અનેક સાથી પોલીસ કર્મચારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે દેવિંદર સિંહની ગેરકાયદે પ્રવૃત્તિ સામે અનેકવાર તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ દરેક વખતે તપાસમાં વરિષ્ઠ અધિકારીઓ દેવિંદર સિંહને ક્લીનચિટ આપી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દેવિંદર સિંહે 90ના દાયકામાં એક શખ્સને અફીણના મોટા જથ્થા સાથે પકડી પાડ્યો પણ તેમણે પૈસા લઈને આરોપીને છોડી મૂક્યો હતો તથા અફીણ વેંચી માર્યું હતું.
દેવિંદર સિંહ સામે આ સંબંધે તપાસ કરાવવામાં આવી હતી, પણ એ મામલો રફેદફે કરી નાખવામાં આવ્યો હતો.

બીજા પોલીસ અધિકારીઓ સામે પણ સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
90ના દાયકામાં દેવિંદર સિંહની મુલાકાત પોલીસ લૉક-અપમાં રહેલા અફઝલ ગુરુ સાથે થઈ હતી. દેવિંદરે અફઝલને ખબરી બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ પણ છે.
સંસદ પર 13 ડિસેમ્બર, 2001ના રોજ કરવામાં આવેલા હુમલાના આરોપસર અફઝલ ગુરુ પર દોષ સાબિત થયો અને 9 ફેબ્રુઆરી, 2013ના રોજ ફાંસી અપાઈ.
અફઝલે લખેલો એક પત્ર એ જ વર્ષે મીડિયામાં પ્રકાશિત થયો હતો.
સુપ્રીમ કોર્ટમાંના પોતાના વકીલને લખેલા એ પત્રમાં અફઝલ ગુરુએ જણાવ્યું હતું કે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે તો પણ દેવિંદર સિંહ તેમને હેરાન કરતા રહેશે.
એ પત્રમાં અફઝલે લખ્યું હતું, "એક વિદેશી ઉગ્રવાદીને મારી સાથે દિલ્હી લઈ જવા માટે દેવિંદર સિંહે મને મજબૂર કર્યો હતો. પછી એ ઉગ્રવાદી માટે ભાડાની ઓરડી તથા જૂની કારની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું."
દેવિંદર સિંહની ધરપકડ પછી અનેક સવાલ ઊભા થયા છે.
દેવિંદર સિંહનો રેકોર્ડ ખરાબ હતો તો તેમને આઉટ ઑફ ટર્ન પ્રમોશન શા માટે આપવામાં આવ્યું હતું?
તેમની સામે તપાસ ચાલુ હોવા છતાં તેમને અનેક સંવેદનશીલ જગ્યાઓ પર તહેનાત શા માટે કરવામાં આવ્યા હતા?
દેવિંદર સિંહ "લાલચુ છે અને આસાનીથી સોદો કરી શકે છે," એવું પોલીસ જાણતી હતી તેમ છતાં તેમને 2003માં સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેના સાથે પૂર્વ યુરોપમાં શા માટે મોકલવામાં આવ્યા?
વરિષ્ઠ અધિકારીઓ દેવિંદર સિંહની ગતિવિધિથી વાકેફ હતા તો પછી તેમને સંરક્ષણમંત્રાલય હેઠળના ઍરપૉર્ટ પર ઍન્ટી-હાઈજૅકિંગ વિંગમાં શા માટે તહેનાત કરવામાં આવ્યા?
એક અધિકારીએ જણાવ્યું હતું કે 'દેવિંદર સિંહ વિમાન મારફતે પણ જઈ શકે એવી શંકા પોલીસને હતી. તેથી એક ટીમ ઍરપૉર્ટ પર પણ તહેનાત કરવામાં આવી હતી.'
એક અધિકારીએ જણાવ્યું હતું કે 'બધાને ખબર હતી કે દેવિંદર સિંહ એક ખરાબ પોલીસકર્મી છે તેમ છતાં ગયા વર્ષે તેમને જમ્મુ-કાશ્મીરનો બહાદુરી માટેનો સૌથી મોટો પુરસ્કાર, શેર-એ-કાશ્મીર શા માટે આપવામાં આવ્યો હતો?
દેવિંદર સિંહના કહેવા મુજબ, તેઓ 'કોઈ ખેલ પાડી રહ્યા હતા.'
'એ ખેલ શું હતો અને તેમાં કોણ-કોણ સામેલ હતું તેની તપાસ પણ થવી જોઈએ.'
એનઆઈએ આ બધા સવાલોના જવાબ અને આ કેસમાં ખૂટતી કડીઓ પણ ટૂંક સમયમાં શોધી કાઢશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













