ગુજરાતમાં અંધશ્રદ્ધાની નાબૂદીનું કામ કરતી સંસ્થા 'વિજ્ઞાન જાથા' શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્લ્ડકપમાં રવિવારે ભારતના ઑસ્ટ્રેલિયા સામે પરાજય બાદ ભારતના વિજયની આગાહી કરનારા જ્યોતિષો સામે 'વિજ્ઞાન જાથા'એ કાર્યવાહી કરવાની તૈયારી કરી હોવાના અહેવાલો છે. આ સંસ્થા ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરે છે અને નિયમિત વિજ્ઞાન આધારીત કાર્યક્રમો યોજતી રહે છે.
નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિગમ જન્માવા માટે કામ કરતી આ સંસ્થાએ તાજેતરમાં જ ગુજરાત આવેલા બાગેશ્વર ધામના ‘બાબા’ ધીરેન્દ્ર શાસ્ત્રીની મુલાકાત વખતે પણ વિરોધનો અવાજ ઊભો કર્યો હતો. ‘ભારત જન વિજ્ઞાન જાથા’ના રાજકોટના વડા જયંત પંડ્યા અને તેમની ટીમ દ્વારા ‘બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી’ને પૂછાયેલા ‘વેધક’ સવાલો અને પડકારો સમાચારોમાં છવાઈ ગયા હતા.
આ ચર્ચાને પગલે ‘ભારત જન વિજ્ઞાન જાથા’ અને જયંત પંડ્યા અંગે લોકમનમાં કુતૂહલ સર્જાયું હતું. સામાન્ય લોકોને ‘અંધવિશ્વાસ નિર્મૂલન’ માટે પ્રેરતી સંસ્થા ‘ભારત જન વિજ્ઞાન જાથા’ આખરે શું છે? અને તે ખરેખર શું કામ કરે છે?
અંધવિશ્વાસ નિર્મૂલન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવાના હેતુ સાથે શરૂ થયેલી આ સંસ્થા કેવી રીતે શરૂઆતમાં સરકારી ફંડ મારફતે પોતાની પ્રવૃત્તિઓ આગળ વધારતી અને બાદમાં કઈ રીતે તેણે ‘લોકઆંદોલન’નું સ્વરૂપ ધારણ કરીને જાણીતું નામ બની ગઈ એ કથા ખૂબ રસપ્રદ છે.
‘ભારત જન વિજ્ઞાન જાથા’ની કામગીરી જેટલી જ રસપ્રદ કહાણી રાજકોટના સંસ્થાના વડા અને તેમણે એકલપંડે ચલાવેલ અંધશ્રદ્ધા સામેની ચળવળની કહાણી પણ છે.

સરકારી અભિયાનથી સ્વૈચ્છિક જનઆંદોલન

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
પ્રો. યશ પાલ, પ્રો. જયંત વિષ્ણુ નાર્લેકર અને ડૉ. નરેન્દ્ર કુમાર સહગલ જેવા ભારતીય વૈજ્ઞાનિકો દેશવાસીઓમાં વૈજ્ઞાનિક અભિગમનાં પ્રચાર-પ્રસારનું મહત્ત્વ સમજતા હતા અને એટલા માટે જ તેમણે અલગ-અલગ અભિયાન હાથ ધર્યાં હતાં.
'ડ્રીમ 2047' (નવેમ્બર-2020, પેજ 17-18)માં મનીષ મોહન ગોર જણાવે છે કે દેશના સામાન્ય નાગરિકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચી કેળવાય અને રોજબરોજના જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે ડૉ. સહગલે 'વિજ્ઞાન જાથા'ની (વિજ્ઞાન કૂચ) શરૂઆત કરી હતી. 1987માં તેમણે 'ભારત જન વિજ્ઞાન જાથા' અને વર્ષ 1992માં 'ભારત જન જ્ઞાનવિજ્ઞાન જાથા' શરૂ કર્યાં. આ માટે ડૉ. સહગલ જિલ્લા, તાલુકા અને ગ્રામ્યસ્તરે 50 હજાર જેટલાં સ્થળોની મુલાકાતો લીધી. તેઓ મુખ્યત્વે લોકમેળામાં શેરીનાટક, ગીત, સ્ટેજ પર મંચન દ્વારા જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરતા.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
રાજકોટમાં ભારત જન વિજ્ઞાન જાથાના વડા જયંત પંડ્યા સંસ્થાની શરૂઆત અંગે જણાવે છે, "20 જૂન, 1992ના રોજ જિલ્લાના કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, વિજ્ઞાનીઓ અને પ્રબુદ્ધ વર્ગની બેઠક મળી. જેમાં જિલ્લાકક્ષાના માળખાની જાહેરાત થઈ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ સંસ્થાના ચૅરમૅન તરીકે સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતાની વરણી થઈ. અંધશ્રદ્ધા નિર્મૂલન, વિજ્ઞાન-પ્રૌદ્યોગિકીનો પ્રસાર, કૃષિક્ષેત્રે વિજ્ઞાન અને પ્રદૂષણ નાબૂદી જેવી થીમો હતી. જેમાં રાજકોટ શાખાએ અંધશ્રદ્ધા નિર્મૂલન ઉપર કામ શરૂ કર્યું હતું."
દેશમાં 400 જેટલાં જિલ્લાસ્તરીય સંગઠનોનું ઘડતર થયું અને તેમની બેઠક ભુવનેશ્વરમાં મળી. તત્કાલીન નરસિંહ્મારાવ સરકારે આ માટે જરૂરી ફંડ આપ્યું.
પંડ્યા કહે છે કે એ પછી ડૉ. મુરલી મનોહર જોશી દેશના માનવસંસાધન વિકાસમંત્રી બન્યા, ત્યારે મળતું સરકારી ફંડ બંધ થયું અને તેને જનભાગીદારીથી ચલાવવા માટે જણાવવામાં આવ્યું.
આ સરકારી નિર્ણયને કારણે દેશમાં અનેક સ્થળોએ આ પ્રકારનાં સંગઠનો પડી ભાંગ્યાં, જોકે રાજકોટનું સંગઠન તેણે કરેલાં પ્રયાસો, પ્રતિષ્ઠા અને જાગૃતિઅભિયાનોને કારણે ટકી જવા પામ્યું અને આજે પણ સ્વયંસેવકો અને લોકફાળાથી જ ચાલે છે.

વિજ્ઞાન જાથા લોકોને કેવી રીતે જાગૃત કરે છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત જન વિજ્ઞાન જાથા રાજકોટ અને અમદાવાદ શાખા ઉપરાંત તેમની સાથે સંકળાયેલી 14 જેટલી ઉપશાખા મારફત જાગૃતિ લાવવા માટે શાળા-કૉલેજ અને જાહેરસ્થળોએ 11 હજાર કરતાં વધુ કાર્યક્રમો આપ્યા છે. જેમાં કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં 'વડા પાર્ટી' પણ સામેલ છે. લગભગ 500 જેટલા સ્વયંસેવકો તેની સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવે છે.
'ચમત્કારોથી ચેતો' નેજા હેઠળના કાર્યક્રમો દરમિયાન ભારત જન વિજ્ઞાન જાથાના સભ્યો, નાળિયેરમાંથી ચૂંદડી, સોનું કે શીશું નીકળવું, ચિઠ્ઠી વાંચવી, હાથમાંથી કંકુ ઝરવું, ગ્લાસમાંથી ગંગાજળ નીકળવું, આપોઆપ અગ્નિ પ્રગટ થવો, ઊકળતા તેલમાં હાથ નાખીને પૂરી કાઢવી, શરીર પર અગનજ્વાળાઓ ફેરવવી, લિંબુમાં દોરો પોરવવાથી રંગ બદલવો, ઈંડાની કરામત, ઉર્દૂ કે અરબીમાં અક્ષર દેખાવા, આગ પર ચાલવું જેવા કથિત ચમત્કારોથી પ્રભાવિત ન થવા લોકોને સતર્ક કરે છે.
આ પ્રકારના ચમત્કાર કેવી રીતે થાય છે તે ઉપસ્થિત જનમેદનીમાંથી જ લોકોને બોલાવીને પ્રત્યક્ષ રીતે કરી દેખાડવામાં આવે છે. આ સિવાય કથિત ચમત્કારો પાછળ રહેલા વૈજ્ઞાનિક નિયમો-સિદ્ધાંત પણ સમજાવાય છે.
લેભાગુઓની નવીન તરકીબો જાણીને તેનો ઉપયોગ જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે. કોઈ પશુહિંસા થઈ હોય કે સ્ત્રી સાથે દુર્વ્યવહાર હોય તો એવા કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવે છે.
વિજ્ઞાન જાથા દ્વારા બીમારીના કિસ્સામાં નિષ્ણાત તબીબ પાસે જ સારવાર લેવા માટે લોકોને સમજાવવામાં આવે છે. કથિત બાબા, ફકીર, મુંજાવર પાસે એકલાં ન જવા મહિલાઓને ચેતવવામાં આવે છે અને જો પોતાની સાથે દુર્વ્યવહાર થયો હોય તો મૂંગામોઢે સહન ન કરી લેતાં પરિવારને જાણ કરવા માટે કે પોલીસફરિયાદ કરવા સમજાવવામાં આવે છે.
આ સિવાય જો કોઈ આર્થિકઠગાઈનો ભોગ બન્યું હોય તો તેને પણ ધૂર્ત લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા આહ્વાન કરવામાં આવે છે.

પ્રચંડ આરંભ થયો

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
“ભારત જન વિજ્ઞાન જાથાએ ઈશ્વર, દેવ, દેવી કે અલ્લાહ વિરોધની સંસ્થા નથી. અમે શાસ્ત્રો કે ધર્મવિરોધી નથી, પરંતુ જે લોકો ધાર્મિક કપડાં પહેરીને તેનો દુરુપયોગ કરે છે, લોકોની આસ્થા સાથે ચેડાં કરે છે, તેની સામે ચોક્કસથી વાંધો છે. વિજ્ઞાન જાથા પોતાના વિચારો સ્પષ્ટપણે માને છે અને લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરે છે.”
પોતાના લગભગ દરેક સાર્વજનિક કાર્યક્રમ પહેલાં જયંત પંડ્યા આ વાત કહે છે.
ગુજરાતમાં સત્તારૂઢપક્ષનું પીઠબળ ધરાવત બાગેશ્વર ધામના ચર્ચાસ્પદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગુજરાતના કાર્યક્રમોના આયોજન તથા તેમના કથિત ચમત્કારો ઉપર સવાલ ઉઠાવનારા તથા તેમને ખુલ્લો પડકાર ફેંકનારા બહુ થોડા લોકોમાંથી પંડ્યા એક છે.
જેઓ છેલ્લાં 30 વર્ષ કરતાં વધુ સમયથી અંધશ્રદ્ધા સામેની લાંબી અને થકવી દેનારી લડાઈ લડી રહ્યા છે. તેઓ કહે છે કે 'અંધશ્રદ્ધાવિરોધી અભિયાન દરમિયાન તેમના ઉપર ચાર વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે તથા સેંકડો ધમકીઓ મળી ચૂકી છે' છતાં હજુ તેમનો સંઘર્ષ ચાલુ છે.
જ્યારે તેઓ ભુવા, મૌલવી કે ફકીરને ખુલ્લા પાડવાના કામમાં સંકળાયેલા નથી હોતા, ત્યારે તેઓ ટીમ સાથે મળીને ગામે-ગામ શાળા-કૉલેજોમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિઅભિયાન ચલાવે છે.
વિજ્ઞાન જાથાની ટીમ કથિત ચમત્કારો સાથે જોડાયેલા વૈજ્ઞાનિક તથ્યો રજૂ કરે છે. જેથી કરીને તેઓ ભવિષ્યમાં આ પ્રકારની બાબતોથી અંજાઈ ન જાય. આ ચમત્કારોને જોઈને લોકો ન કેવળ પૈસે-ટકે ખુવાર થાય છે, પરંતુ ઘણી વખત મહિલાઓની સાથે જાતીય દુર્વ્યવહારની ઘટનાઓ પણ બને છે.
પંડ્યાનો દાવો છે કે "અત્યાર સુધીમાં તેમણે એક હજાર 260 જેટલા ભુવા, જ્યોતિષ ભારાડી, ફકીર, મૌલવી, મુંજાવર, પાદરી અને ઊંટવૈદ્યોનો પર્દાફાશ કર્યો છે."
"આ સિવાય ધૂણતા હોય કે સવારી આવતી હોય એવા બે 2800 જેટલા લોકોની સારવાર શરૂ કરાવી છે, જેમાંથી 80 ટકા તબીબી સારવાર બાદ સાજા થઈ ગયા છે."
જોકે, પહેલી નોંધપાત્ર સફળતા તેમને 1993માં જ મળી ગઈ હતી, જેણે સંસ્થાની વિશ્વસનીયતા ઊભી કરી.
ઍડ્વોકેટ પંડ્યા જણાવે છે, "વર્ષ 1993 ખાતે રાજકોટમાં અશ્વમેધ યજ્ઞની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પાંચ હજાર ડબ્બા ચોખ્ખા ઘીનો હોમ થવાનો હતો. જેમાં ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રી, રાજ્યાપલ સહિતના મહાનુભાવો હાજર રહેવાના હતા."
"જન વિજ્ઞાન જાથા અને પ્રબુદ્ધોએ આયોજકોનો સંપર્ક સાધીને માત્ર 500 ડબ્બા ઘીનો હોમ કરવામાં આવે અને બાકીના ચાર હજાર 500 ડબ્બા જેમના માટે ચોખ્ખું ઘી ભેગું કર્યું હોય તેવા ગરીબ પરિવારોને વહેંચવાની રજૂઆત કરી. "
"કેટલાંક સંગઠનોએ જન વિજ્ઞાન જાથાની કચેરીમાં તોડફોડ કરી અને હિંસક વિરોધ કર્યો, પરંતુ તંત્ર અને પોલીસવિભાગે સહયોગ કર્યો. આ મુદ્દાને સ્થાનિક મીડિયાનું સમર્થન પણ મળ્યું અને જનજાગૃતિ આવી. આયોજકોએ ઘીનું વિતરણ તો ન કર્યું, પરંતુ વિવાદને કારણે વીઆઇપી લોકો આવવાના હતા, તેમણે પોતાના કાર્યક્રમો રદ કર્યા. "
"લોકોમાં આ મુદ્દે જાગૃતિ આવી, જેના કારણે આયોજકોની અપેક્ષા કરતાં બહુ ઓછી સંખ્યા ઉપસ્થિત રહી એ પછી આયોજકોએ ભવિષ્યમાં અન્યત્ર પણ અશ્વમેધ યજ્ઞનું આયોજન ન કર્યું."
સંસ્થા સાથે સંકળાયેલા ન કેવળ પુરુષ, પરંતુ મહિલા સ્વયંસેવકો તેની તાકત છે. જેણે અનેક લેભાગુઓને ખુલ્લા પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

શિયળ, સંતાન અને સમસ્યા

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
કથિત તાંત્રિક દ્વારા સ્ત્રીરોગની સારવાર તથા સંતાનપ્રાપ્તીના દાવા કરવામાં આવે છે. જે મહિલાઓને ન માત્ર પૈસે-ટકે ખુવાર કરે છે, પરંતુ તેમની સતામણીનું પણ જોખમ ઊભું કરે છે.
સરેરાશ ગુજરાતી પરિવારમાં લગ્નનાં અમુક વર્ષ સુધી સંતાન ન થાય એટલે પરિવાર જ નહીં પરંતુ સમાજમાં આજુબાજુના લોકો પૃચ્છા અને મહેણાં-ટોણાં શરૂ થાય છે. આથી ભાંગી પડેલી મહિલા ઘણી વખત તાંત્રિક, ઉપાસક કે મૌલવીના શરણે જાય છે અને તેમની સતામણીનું જોખમ ઊભું થાય છે.
રાજકોટની પાસે આવેલા મહિકામાં વેરાન ખેતરમાં 55 વર્ષની ઉંમરનો એક શખ્સ મહિલાઓને સંતાનપ્રાપ્તિ કરાવવાનો દાવો કરતો.
એક પીડિત મહિલાની ફરિયાદના આધારે આ શખ્સનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જયંત પંડ્યા અને તેમની ટીમે કાર્યવાહી કરી એ સમયે તે અર્ધનગ્નાવસ્થામાં હતો.
આ શખ્સ લગભગ 30 વર્ષથી આ પ્રકારની હાટડી ચલાવતો હતો અને લગભગ 600 કરતાં વધુ મહિલાઓને સાથે દુર્વ્યવહાર કર્યો હોવાની તેણે કૅમેરા સમક્ષ કબૂલાત આપી હતી.
કોડીનારનો એક ફકીર હાથ ફેરવીને સ્ત્રીરોગને ઠીક કરવાનો દાવો કરતો હતો. જાથાના એક મહિલા કાર્યકર ખુદ દર્દી તરીકે ત્યાં ગયાં હતાં અને તેનાં કૃત્યનો પર્દાફાશ થયો હતો. ઠીક કરવાના બહાને મહિલાઓને અયોગ્ય રીતે સ્પર્શવાની ‘લંપટલીલા’ આચરી હોવાનો સ્વીકાર તેણે કર્યો હતો.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
જયંતભાઈના કહેવા પ્રમાણે, "અગાઉ અમે દરેક પર્દાફાશ પછી પોલીસ ફરિયાદ દાખલ કરાવતા હતા, પરંતુ ન્યાયિકપ્રક્રિયા લાંબી ચાલતી હોય છે. આ દરમિયાન કાર્યકરોને એકલા ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ સુનાવણી વખતે જવું પડતું. ત્યારે તેમને મારી નાખવાની કે પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓ મળતી હતી."
"આથી મળીને પોલીસફરિયાદ દાખલ કરાવવાના બદલે ઢોંગીનું 'કબૂલાતનામું' લખાવવાનું અને ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરવાની લેખિત બાંહેધરી લેવામાં આવે છે. આ સમયે પોલીસબંદોબસ્ત મેળવવામાં આવે છે. આ સિવાય વિજ્ઞાનજાથાના ઑપરેશનની તસવીરો અને વીડિયો મીડિયાગૃહોને મોકલવામાં આવે છે. જે પ્રેસનોટ સ્વરૂપે પ્રકાશિત કે પ્રસારિત કરે છે. જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે છે અને ઠગાઈનો ભોગ બનતા અટકે."

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય તેનો જવાબ આપતા કહે છે, "અંધશ્રદ્ધા ચારેય બાજુ છે. કોઈ પણ ધર્મ કે સમાજનો કોઈ પણ વર્ગ તેમાંથી બાકાત નથી. ન કેવળ નિરક્ષર અને ગરીબ, પરંતુ સમાજના પ્રબુદ્ધ કહેવા લોકો અને ધનિકો પણ આવા લેભાગુઓની જાળમાં ફસાઈ જતા હોય છે."
"જયંતભાઈ આ પ્રકારનાં તત્ત્વો સામે જુસ્સાભેર લડ્યા છે અને તેમણે હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી સમુદાયમાંથી ધર્મનો આંચળો ઓઢીને આડંબર કરનારાઓનો પર્દાફાશ કર્યો છે ગુજરાતનું કદાચ કોઈ ગામડું એવું નહીં હોય કે જ્યાં દાણા જોઈ દેવા કે સાંકળ પકડી લેતા ભૂવા જેવાં તત્ત્વો ન હોય, પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારત જન વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિઓ અને તેના પર્દાફાશને કારણે આ પ્રકારનાં તત્ત્વો મોટા પ્રમાણમાં હોવાનું લાગે."

ચાર હુમલા, 400 ધમકી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
જયંત પંડ્યાનું કહેવું છે કે છેલ્લાં 32 વર્ષ દરમિયાન ચાર વખત તેમના ઉપર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે, જેની તેઓ ફરિયાદ નોંધાવી ચૂક્યા છે. એક વખતના હુમલા દરમિયાન તેમની ગાડીનો કડૂસલો બોલી ગયો હતો.
આ સિવાય અલગ-અલગ રીતે 400 કરતાં વધુ ધમકીઓ મળી હોવાનું જયંતભાઈનું કહેવું છે. જયંતભાઈનું કહેવું છે કે આમ છતાં હજુ સુધી તેઓ ડર્યા નથી. તેઓ જણાવે છે કે '90 વર્ષ કરતાં વધુ ઉંમરે પણ માતાપિતા, પત્ની અને સંતાનોનો આ પ્રવૃત્તિમાં સહયોગ મળે છે. '
સામાજિક કાર્યકર જયંત પંડ્યા પોતાના વિચારો અને નેતૃત્વકૌશલ્યમાં માતા કૃષ્નાબહેનનો ફાળો હોવાનું જણાવે છે. જેમનો જન્મ તત્કાલીન ગોંડલ રજવાડાના સમયમાં થયો હતો. એ સમયે કન્યાશિક્ષણ ફરજિયાત હતું. કૃષ્નાબહેને ધો. દસ સુધીનો અભ્યાસ કર્યો હતો અને તેમનાંમાં પ્રગતિશીલ વિચારોનું સિંચન થયું હતું. તેઓ શિક્ષણનું મહત્ત્વ સમજ્યાં હતાં, એટલે જ તેમના વિચારોમાં વૈજ્ઞાનિક અભિગમ હતો અને સંતાનોને શિક્ષણ મળે તે માટે પ્રયાસ કર્યા હતા.
વર્ષ 1957માં જન્મેલા જયંતભાઈ વર્ષ 1980માં જિલ્લા શિક્ષણ સમિતિસંચાલિત શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. નોકરીની સાથે-સાથે તેમણે બીએ, બીએડ અને એલએલ. બી.નો અભ્યાસ કર્યો. તેઓ આચાર્યના પદ સુધી પહોંચ્યા.
નોકરીની સાથે તેઓ વિભાગીય મંજૂરી લઈને ભારત જન વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિઓ સાથે જોડાયા અને આગળ જતાં તેઓ સંપૂર્ણપણે આ કામગીરી સાથે જ જોડાઈ ગયા.
લગ્ન પછી આ કામગીરીમાં પત્ની હર્ષાબહેનનો પણ સહયોગ મળ્યો, જેઓ ઍડ્વોકેટ છે.
તેઓ જણાવે છે કે સામાન્ય રીતે હિંદુ પરિવાર અને તેમાં પણ બ્રાહ્મણ સમાજમાં સંતાનનો જન્મ થાય એટલે રાશિ મુજબ સંતાનનું નામકરણ કરવામાં આવે, પરંતુ તેમણે તેમના પુત્રનું નામ ધવલવર્ણને આધારે આકાશ અને દીકરીનું નામ ભાઈ અને લક્ષણના આધારે ચાંદની રાખ્યું છે.
ચાંદની જ્યારે ચારેક વર્ષનાં હતાં, ત્યારે જયંતભાઈ તથા અન્ય પ્રબુદ્ધો રાજકોટના ફૂલછાબચોકથી રામનાથપરા સ્મશાનગૃહ સુધી ઘોડા ઉપર બેસાડીને લઈ ગયા હતા અને તેમને બે મિનિટ માટે પણ વશ કરી દેખાડવા તાંત્રિક, ઉપાસક, ફકીર, મુંજાવર વગેરેને પડકાર ફેંકવામાં આવ્યો.
તેમણે પોતાનાં સંતાનોને લગ્નસમયે ઊલટા ફેરા ફેરવ્યા હતા. હિંદુ માન્યતામાં લાલ રંગને શુભ અને કાળા રંગને અશુભ માનવામાં આવે છે, પરંતુ જયંતભાઈએ તેમનાં સંતાનોની કંકોતરીઓ કાળા રંગથી છપાવી હતી.
બંને સંતાનોનાં લગ્ન અશુભ મનાતા કાળ ચોઘડિયામાં કરાવવામાં આવ્યાં હતાં.
ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ગુજરાતની વિધાનસભાચૂંટણી તથા લોકસભા ચૂંટણી પૂર્વે તમામ પક્ષોની બેઠક, અમુક નેતાઓના વિજય-પરાજયની સચોટ આગાહી કરનારાઓને ઇનામની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી સચોટ આગાહી કરનાર કોઈ નથી મળ્યું. 2024ની લોકસભા ચૂંટણી સમયે સંસ્થાને કોઈ વિજેતા મળશે?














