સૂરજ ભૂવો: લીવ-ઈનમાં રહેતી યુવતીની હત્યાના એક વર્ષ બાદ કેવી રીતે પકડાયો?

સૂરજ ભૂવો

ઇમેજ સ્રોત, Bhargav Parikh

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“ભૂવાએ પોતાની પ્રેમિકાને અમદાવાદમાં આવીને પોતાના મિત્રના ઘરે રાખી હતી અને દિવસ-રાત ફોન પર લાગેલી રહેતી યુવતીનો ફોન સતત બંધ આવે? એ વાત મને ખૂંચતી હતી.”

“લોકોના ઘરે રસોઈ બનાવી ગુજરાન ચલાવનારી ભૂવાની ભક્તાણીના કૉલ ડિટેઇલની તપાસ કરી ત્યારે ખબર પડી કે ભગવાનના નામે ભોળી છોકરીઓને ફસાવનારા ભૂવાએ તેમના ભાઈ અને કૌટુંબિક સસરા સાથે મળીને પ્રેમિકાને મારી નાખી અને તેના મૃતદેહને સળગાવી દીધો હતો.”

“જે ફોનના મૅસેજથી તે પોલીસથી બચીને રહેતો, એ ફોનથી જ એ પકડાયો અને હાલ જેલમાં છે.”

આ શબ્દો છે ઇન્વેસ્ટિગેશન ઑફિસર અને પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી. સી. પરમારના.

કોઈ ફિલ્મી કહાણીને ટક્કર મારે તેવી આ મર્ડર મિસ્ટ્રીને સમજવા માટે આપણે ફ્લૅશબેકમાં જઈએ.

21 જૂન 2022ના રોજ જૂનાગઢમાં ભૂવાનું કામ કરતા સૂરજ સોલંકી તેમના અમદાવાદના ભક્ત મિત શાહ સાથે આવી અમદાવાદના પાલડી પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે.

આ ફરિયાદમાં તેમણે લખ્યું હતું કે, ‘તેમની સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતી 22 વર્ષીય ધારા કડીવાર નામની યુવતી સાથે તેઓ અમદાવાદ આવ્યા હતા. આ યુવતી તેમના ભક્ત મિત શાહના ઘરે રોકાઈ હતી. તેમજ મિત શાહ તેમની સાથે હોટલમાં રોકાયા હતા અને સવારે આ યુવતી ગુમ થઈ ગઈ છે.’

બીબીસી ગુજરાતી

ભૂવાએ પોલીસને ધારાના ગૂમ થવાનો કેસ બંધ કરવા કહ્યું

પીએસઆઈ વી.સી.પરમાર

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા પાલડી પોલીસસ્ટેશનના પીએસઆઈ વી. સી. પરમાર જણાવે છે કે, “જૂનાગઢના ભૂવા સૂરજ સોલંકીએ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, અને યુવતીને શોધવા માટે ફોટા પણ આપ્યા હતા.”

તેઓ કહે છે કે, “અમે આ યુવતીની વધુ વિગતો મેળવી, તેમ છતાં એક સવાલ ખૂંચતો હતો કે જો આ ભૂવાની સાથે યુવતી લિવ-ઈન રિલેશનમાં રહેતી હોય તો ભૂવો તેમના ભક્ત મિત શાહ સાથે હોટલમાં કેમ રહે અને છોકરી તેમના ભક્તના ઘરે કેમ જાય?”

પીએસઆઈએ કહ્યું કે, “આ યુવતી જૂનાગઢની હતી. અમે તેની વધુ તપાસ માટે ભૂવા પાસે યુવતીનું આધારકાર્ડ અને તેના પરિવારનો સંપર્ક માગ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ તમામ ડૉક્યુમૅન્ટ રજૂ કરશે.”

પીએસઆઈનું કહેવું છે કે બીજા દિવસે સૂરજ ભૂવો જરૂરી કાગળિયાં લઈને પોલીસસ્ટેશન આવ્યો હતો. ત્યારે તેમના ફોન પર મૅસેજ આવ્યો અને તેણે તે મૅસેજ અમને બતાવ્યો, જે મૅસેજ ગુમ થયેલી ધારાના ફોનથી હતો.

આ મૅસેજમાં લખ્યું હતું કે, ‘હું મુંબઈ આવી ગઈ છું અને સૂરજ ભૂવા સાથે રહેવા માગતી નથી.’

તેઓ ઉમેરે છે કે, “ત્યારબાદ અમે એ નંબર પર ફોન કર્યો, પરંતુ સ્વિચ ઑફ આવતો હતો. ફોનનું લોકેશન મુંબઈ જ બતાવતું હતું. એ બાદ સૂરજ ભૂવાએ અમને કહ્યું કે, એ હવે મને છોડીને જતી રહી છે, તેની વધુ તપાસ કરવામાં મને કોઈ રસ નથી, તેથી કેસ બંધ કરી દો.”

બીબીસી ગુજરાતી

સમાધાન કરવાનું હોય તો ધારા સૂરજને છોડીને મુંબઈ કેમ જાય?

પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.સિંધુ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા પાલડીના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. સિંધુ જણાવે છે કે, “સૂરજ ભૂવાના કહ્યા બાદ અમે કેસ બંધ કરવાની તૈયારીમાં હતા, ત્યારે ધારા કડીવારનો ભાઈ મિત કડીવાર પોલીસ સ્ટેશનમાં આવીને કહે છે કે તેની બહેન ગુમ છે અને સૂરજ ભૂવા સાથે તે ગઈ હતી.”

વધુમાં તેઓ જણાવે છે કે, “મિત કડીવારે તેમની બહેન સાથે કંઈક અજુગતું થયાની આશંકા વ્યક્ત કરી હતી. ગુમ થયેલી ધારા કડીવારના ભાઈએ પોતાની શંકા પ્રબળ હોવાના કારણો આપ્યાં હતાં, તે સાંભળીને અમે પણ ચોંકી ગયા હતા.”

પોલીસનું કહેવું છે કે મિત કડીવારે કહ્યું હતું કે, “તેમનાં બહેન સૂરજ ભૂવા સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતાં હતાં. તે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. ફેબ્રુઆરી 2022માં ધારા કડીવારે સૂરજ સોલંકી અને તેમના મિત્ર ગુંજન જોશી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.”

“એટલું જ નહીં આ અંગે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરી હતી. ત્યારબાદ ધારાએ ભૂવાની માફી માગી હતી અને ફરી તેમની સાથે રહેવા લાગ્યાં હતાં.”

વધુમાં ઇન્સ્પેક્ટર સિંધુએ કહ્યું કે, “ધારા કડીવારના ભાઈની ફરિયાદને લઈને અમે નવેસરથી તેમની બહેનના ગુમ થયાની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી હતી.”

પોલીસના કહેવા પ્રમાણે, “સૂરજ ભૂવાએ તેમને કહ્યું હતું કે તેઓ જૂનાગઢથી અમદાવાદ આવ્યા હતા.”

જેથી પોલીસે રસ્તાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, ત્યારે કારમાં આગળની સીટ પર સૂરજ ભૂવા સાથે ધારા બેઠેલી દેખાતી હતી. એ કાર સૂરજ ભૂવાના ભક્ત મિત શાહના પાલડીના ઘરે આવી હતી અને તેમાંથી ધારા કડીવાર ઊતરતી દેખાઈ હતી.”

"ત્યારબાદ ધારા મિતના ભાઈ જિગર શાહ સાથે એ જ કપડામાં પાલડી વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ હતી."

"અહીં ધારાના ભાઈ મિત કડીવાર પાસેથી એક રસપ્રદ વાત એ પણ જાણવા મળી કે, જો તેમની બહેન સૂરજ અને તેમના મિત્ર ગુંજન પરથી બળાત્કારનો કેસ પાછો ખેંચી લે, તો સૂરજે તેમને 30 લાખ આપી સમાધાન કરવાની તૈયારી બતાવી હતી."

પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે, “અમને ધારા કડીવારના ગુમ થવા પાછળ બે બાબતો ખૂંચી રહી હતી કે ભૂવો તેમની સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતી યુવતી સાથે રહેવાના બદલે તેમના ભક્ત સાથે હોટલમાં કેમ રહે? અને પૈસાથી સમાધાન કરવાનું હોય તો ધારા સૂરજને છોડીને મુંબઈ કેમ જાય?”

બીબીસી ગુજરાતી

સીસીટીવી ફૂટેજમાં શું જોવા મળ્યું?

પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર પાલડીના સીસીટીવી અને મુંબઈ હાઈવેના ટોલનાકાના સીસીટીવીમાં પણ ધારા જેવાં કપડાં પહેરેલી યુવતી જોવા મળી હતી.

આ સાથે સૂરજના મૅસેજ જોતા પોલીસને આ બ્લાઇન્ડ કેસ લાગી રહ્યો હતો. આ બંને સવાલોના જવાબ ન મળવાના કારણે તેમણે તપાસ ચાલુ રાખી હતી.

આગળ વધુ તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે સંજયનો ભક્ત મિત શાહ પાલડીમાં ખાનગી ટ્રાવેલ્સની બસો ઊપડે છે, ત્યાં ચા અને મસ્કાબનની લારી ચલાવતો હતો.

આ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે આવી શકે તે માટે પાલડીના પોલીસ ઇન્સ્પેક્ટરે ડીસીપી ઝોન 7ની મદદ માગી હતી. જેથી તેમને ઝડપથી સંજય અને મિત શાહની કૉલ ડિટેઇલ અને તેમના ફોનની મૂવમૅન્ટ મળી શકે.

બીબીસી ગુજરાતી

એક વર્ષ સુધી પોલીસે કડીઓ જોડી અને આરોપીઓને પકડ્યા

અમદાવાદના ડીસીપી ઝોન-7ના બી. યુ. જાડેજા

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા અમદાવાદના ડીસીપી ઝોન-7ના બી. યુ. જાડેજાએ જણાવ્યું હતું કે, “અમે આ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને કામે લગાવી અને તેની સાથે-સાથે સૂરજ ભૂવા અને મિતના ફોનની તપાસ શરૂ કરી, ત્યારે તેમાં નવી જ વાત જાણવા મળી.”

જાડેજાના કહેવા પ્રમાણે, મિત શાહ પાલડીમાં મસ્કાબનની લારી ચલાવતો હતો, પણ તેના ફોન પર ટ્રાવેલ એજન્ટ સંજય સોહલિયાના ફોન આવ્યા હતા અને આ સાથે સૂરજ પર પણ સોહલિયાના ફોન આવ્યા હતા.

ત્યારે તેમને સંજય સોહલિયાની તપાસ કરતા ખબર પડી હતી કે અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેતા સંજય સોહલિયા સૂરજ ભૂવાના કૌટુંબિક સંબંધી હતા, જે દિવસે ધારા ગુમ થઈ હતી, તેના બે દિવસ પહેલાં મિત શાહે પોતાની ચા અને મસ્કાબનની લારી બંધ કરી દીધી હતી.

તેનો મોબાઇલ ફોન અમદાવાદમાં બતાવતો હતો, પરંતુ તેમના ભાઈ જુગલના ફોનનું લોકેશન જૂનાગઢ હતું. જુગલ એક શૅરબજારના દલાલના ત્યાં નોકરી કરે છે, ત્યાં તપાસ કરતા ખબર પડી કે જુગલ એ દિવસોમાં નોકરી પર હાજર હતો. દલાલની ઑફિસના સીસીટીવીમાં પણ તે જોવા મળ્યો હતો.

આ કેસમાં અજૂગતું થયું હોવાનું લાગતા ડીસીપીએ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરાંત ટેકનિકલ ઇન્ટેલિજન્સને પણ કામે લગાડી દીધી હતી.

ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર વી. સી. પરમારની મદદમાં વધુ પોલીસકર્મીઓ જોડી તેમને કેસની વધુ તપાસ માટે જૂનાગઢ મોકલ્યા હતા.

બીબીસી ગુજરાતી

ધારા નવી બુટ્ટી પહેરે તો પણ તેની રીલ બનાવી પોસ્ટ કરતી

બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા ઇન્વેસ્ટિગેશન ઑફિસર પરમારે જણાવ્યું હતું કે, “જૂનાગઢમાં તપાસ કરતા જાણવા મળ્યું કે સૂરજ ભૂવો પહેલાંથી પરિણીત હતો. તેને બે બાળકો હતાં. તેમજ જ્યારે ધારાની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તે મોંઘા મોબાઇલની શોખીન હતી, તે સતત સોશિયલ મીડિયા પર ઍક્ટિવ રહેતી હતી. તે મોંઘાં કપડાં અને ઘરેણાંની શોખીન હતી.”

“તેને સોશિયલ મીડિયા પર વધુ લાઇક મળે તે માટે ભૂખી રહેતી, પણ મોબાઇલ પર રીલ બનાવી સોશિયલ મીડિયા પર મૂકવાનું ચૂકતી ન હતી.”

“ધારાની બહેનપણીઓનું કહેવું હતું કે, તેનો ફોન ક્યારેય બંધ ના રહે, મોડી રાત સુધી તે સોશિયલ મીડિયામાં ઍક્ટીવ રહેતી હતી. તે સોશિયલ મીડિયા પાછળ એટલી પાગલ હતી કે તે નવી બુટ્ટી પહેરે તો પણ તેની રીલ બનાવી મૂકતી હતી.”

પરમારે વધુમાં કહ્યું હતું કે, “જે છોકરીને ફોનનું આવું વળગણ હોય તે કોઈ દિવસ પોતાનું સોશિયલ મીડિયા ઍકાઉન્ટ બંધ ના કરે, તેથી મારી શંકા વધુ દૃઢ થવા લાગી હતી. આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અમને ઘણી મદદ કરી હતી. ત્યારે અમે ભૂવા અને ભક્ત મિતના ફોનની ડિટેઇલ જોઈ ત્યારે બંને ગુંજન જોશી સાથે સતત વાત કરતા હતા, તે જાણવા મળ્યું હતું.”

“જોકે ધારા ગુમ થઈ તેના બે દિવસ પહેલાં તે તેમના સંબંધીને મળવા રાજકોટ ગયો હતો, ત્યારે તેણે સૌથી વધુ ભૂવા સાથે અને બીજા બે નંબરો પર વાત કરી હતી. આ બંને નંબરની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે ભૂવાના ભાઈ યુવરાજ અને કાકા મુકેશ સોલંકીના હતા.”

પરમારના કહેવા પ્રમાણે, જોકે જે દિવસે ધારા જૂનાગઢથી અમદાવાદ આવવા નીકળી ત્યારે તેના ફોનનું લોકેશન ચોટીલા પાસેના વાટાવચ્છ ગામનું હતું, જ્યાં સૂરજ ભૂવાના ભાઈ યુવરાજ અને તેમના કાકા મુકેશ સોલંકી સાથે તેમના ખેતરમાં સાથે હતાં, કારણ કે તેમના ત્રણેયના મોબાઇલના લોકેશન એક જગ્યાનાં જ હતાં.

આ સાથે પાલડી પોલીસસ્ટેશનના પીઆઈ આર. જી. સિંધુના જણાવ્યા પ્રમાણે, “કૉલ ડેટા પ્રમાણે એક વાત સ્પષ્ટ થતી હતી કે સૂરજ ભૂવો અને તેમના મિત્રોની મૂવમૅન્ટ ધારાની હત્યાના દિવસે અને એ સમયે એવી દિશામાં હતી કે જે ધારાના ગુમ થયાના સંજોગો સાથે મળતી નહોતી.”

ત્યારબાદ સિંધુએ ઉમેર્યું હતું કે, “અમે મિતના ફોનનું લોકેશન કાઢ્યું, ત્યારે જાણવા મળ્યું હતું કે તે દિવસે તે સનાથાલ ચાર રસ્તા પાસે હતા. જે દિવસે સૂરજ ભૂવો ધારા સાથે આવ્યો, ત્યારે તેમના સંબંધી સંજય સોહલિયાના ફોનનું લોકેશન ત્યાં હતું.”

“તેથી અમે એવું ધાર્યું કે સૂરજ ભૂવાના ભક્ત મિત શાહના ઘરે ધારા કડીવાર ગઈ હતી, મિતના ભાઈ જિગર અને માતા મોનાના ફોનનાં લોકેશન અને કૉલ ડિટેઇલની તપાસ કરી ત્યારે સંયોગિક પુરાવા મળ્યા હતા.”

“જેમાં ધારાના ફોનની સાથે સૂરજ ભૂવાના કૌટુંબિક સસરા સંજય સોહલિયાના ફોનનું લોકેશન પણ મિતના ઘરનું હતું. મિતનાં માતા મોના શાહના ફોનનું લોકેશન સવારે પાલડીથી નીકળી સનાથલ ચાર રસ્તા સુધીનું હતું.”

બીબીસી ગુજરાતી

આખી ઘટનામાં કોણ-કોણ જવાબદાર?

ઘટનામાં સંડોવાયેલા લોકો

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ડીસીપી પી. બી. જાડેજાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “આ સમગ્ર ઘટનામાં તમામની કૉલ ડિટેઇલ અને ફોનનું લોકેશન જોતા એક વાત નક્કી થઈ ગઈ હતી કે આઠ જણાએ મળીને આ આખું કાવતરું રચ્યું હતું. અમે એ તમામ લોકોની એક સાથે અટકાયત કરી અને પૂછપરછ કરી હતી.”

“ગુંજન પોતે રાજકોટ હોવાની વાત કરતો હતો, પરંતુ તેના લોકેશનને લઈને મોના શાહ, સૂરજ ભૂવો અને તેમના કૌટુંબિક સસરા સંજય સોહલિયા ભાંગી પડ્યા હતા. તમામ નિવેદનો સૂરજ ભૂવાને સંભળાવતા છેવટે તેમણે એક વર્ષ પછી પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.”

જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, “ધારા અને ભૂવો સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. 2021માં તેઓ ધારા કડીવાર સાથે લિવ-ઈનમાં રહેતા હતા. તે પોતાને માતાજીનો ભૂવો હોવાનું કહી લોકોના ઘરે માતાજીની વિધિ કરવા જતો હતો અને લોકોની સમસ્યા દૂર કરતો હોવાના દાવા કરતો હતો.

"આ સાથે તેના કૌટુંબિક સસરા સંજય સોહલિયા ટ્રાવેલ એજન્ટ હતા, તેથી તેઓ રોજ ખાનગી ટ્રાવેલ્સની બસ ઊપડે ત્યાં આવતા મિત શાહની લારી પર ચા અને મસ્કાબન ખાતા હતા. મિતને આર્થિક સમસ્યાના કારણે તે પોતાનો જમાઈ માતાજીનો ભૂવો હોવાનું કહી જૂનાગઢ લઈ ગયા હતા, જ્યાં મિત તેમના ભાઈ જિગર અને તેમનાં માતા મોના શાહ ગયાં હતાં.”

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, “એ પછી સૂરજ ભૂવો અમદાવાદ આવે ત્યારે પાલડી ઠાકોરવાસમાં મિતના ઘરે જતો અને મોનાને એવું લાગતું હતું કે તેની સમસ્યા ભૂવાની વિધિથી દૂર થઈ છે, તેથી તેમના સંબંધો વધ્યા હતા.”

બીબીસી ગુજરાતી

સૂરજ ભૂવાએ શું કરી કબૂલાત?

સુરજ સોલંકી ભુવો

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

સૂરજ ભૂવાએ પોલીસ સમક્ષ કરેલી ગુનાની કબૂલાત વિશે ડીસીપી જાડેજાએ કહ્યું હતું કે, “તેનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા ધારા સાથે થયો હતો. તે તેની પત્નીને છોડીને ધારા સાથે રહેતો હતો. ધારાને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવાનો શોખ હોવાના કારણે મોંઘાં કપડાં, ઘરેણાં માટે પૈસા લેતી હતી અને સૂરજ ભૂવો તેને પૈસા પણ આપતો હતો.”

“ધારા પઝેસીવ હોવાના કારણે સૂરજ ભૂવો તેની પત્ની અને બાળકોને મળવા જાય ત્યારે તે તેની સાથે ઝઘડો કરતી હતી. તેણે બે વાર તેના કાંડાની નસ કાપી નાખી હતી. સૂરજ ભૂવો અને તેનો મિત્ર ગુંજન તેને મનાવવા જાય, ત્યારે તે ઝઘડો કરતી હતી.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “તેણે ફેબ્રુઆરીમાં સૂરજ ભૂવા અને તેના મિત્ર ગુંજન સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી અને એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં પણ કર્યો હતો, ત્યારે બંને વચ્ચે સમાધાન થયું હતું અને ફરીથી ધારા સૂરજ સાથે રહેવા લાગી હતી.”

"ગુજરાત હાઈકોર્ટમાં કરેલી ફરિયાદ રદ કરવા માટે ક્વૉશિંગ પિટિશન પણ દાખલ કરવાની હતી અને સમાધાનના ભાગરૂપે ધારાને 30 લાખ આપવાની વાત થઈ હતી, પરંતુ ધારા જીદ લઈને બેઠી હતી કે સૂરજ તેની પત્નીને છોડી દે, તો તે સમાધાન કરવા તૈયાર છે."

"ગુજરાત હાઈકોર્ટમાં વકીલને મળવાના બહાને જૂનાગઢથી અમદાવાદ લાવવાની વાત થઈ હતી. 19 જૂન 2022ના રોજ જૂનાગઢથી અમદાવાદ આવવા નીકળ્યાં હતાં અને ગુંજન જોશી પહેલાંથી રાજકોટ જવા નીકળી ગયો હતો, જે દિવસે ધારાને લઈને અમદાવાદ આવવાનું હતું, તે દિવસે એ સૂરજ ભૂવાના ગામ વાટવચ્છ પહોંચી ગયો હતો, જ્યાં સૂરજનો ભાઈ યુવરાજ હાજર હતો."

"સૂરજના કાકા મુકેશ સોલંકીને પૈસા આપીને પેટ્રોલ મંગાવ્યું હતું. પોતાની મદદ માટે સૂરજે અમદાવાદથી તેના ભક્ત મિત શાહને જૂનાગઢ બોલાવ્યો હતો. જૂનાગઢથી મિત શાહ સૂરજ અને ધારા સાથે નીકળ્યો હતો. ત્યારે ચોટીલાની એક હોટલમાં જમીને રાત્રે 10 વાગ્યે સૂરજ પોતાના ગામ વાટવચ્છ ગયો હતો."

"ત્યારે ધારાએ તેને ત્યાં કેમ જઈએ છીએ, તેમ પૂછ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે, વકીલને જે પૈસા આપવાના છે તે લેવા જઈ રહ્યો છે. ત્યારબાદ સૂરજ તેના ભાઈ યુવરાજ અને ગુંજન જોશીને લઈને આવ્યો હતો, ત્યાં ગુંજને 30 લાખ રૂપિયા લઈ સમાધાન કરી પીછો છોડાવાની વાત કરી હતી, તેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો."

"ત્યારબાદ પાછળની સીટમાં બેઠેલા મિત શાહે ધારાના દુપટ્ટાથી તેનું ગળું દબાવ્યું હતું અને ગુંજને હાથેથી ગળું દબાવીને તેને મારી નાખી હતી."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, “સૂરજ ભૂવાના ભક્ત અને તેના મિત્રએ ધારાને મારી નાખ્યા બાદ ધારાનાં કપડાં સૂરજ ભુવાને આપી અમદાવાદ જવા કહ્યું હતું અને પોતે સૂરજના ભાઈ સાથે તેના ખેતરમાં રોકાયો હતો અને ખેતર પાસે આવેલા એક ખાડામાં ગુંજન, યુવરાજ અને સૂરજના કાકા મુકેશ સોલંકીએ ધારાના મૃતદેહને ખાડામાં લાકડા અને પેટ્રોલ નાખી સળગાવી દીધો હતો.”

"આ દરમિયાન સૂરજ ભૂવાએ તેના કૌટુંબિક સસરા સંજય સોહલિયાને સનાથલ ચાર રસ્તા બોલાવ્યા હતા, ત્યાં તેના કાકાએ ધારાનાં કપડાં પહેરાવી આગળની સીટમાં દુપટ્ટાથી મોઢું ઢાંકી અમદાવાદ પાલડી લાવ્યા હતા, જેથી સીસીટીવી કૅમેરામાં ધારા જેવાં કપડાં પહેરેલી મહિલા દેખાતી હતી."

"ત્યારબાદ સંજય સોહલિયા મિત શાહના ઘરે આવ્યા હતા, ત્યાં સુધી મિત શાહ તેના ભાઈ જુગલનો ફોન વાપરતો હતો અને જુગલ મિત શાહનો ફોન નોકરીથી ઘરે આવીને જ વાપરતો હતો, તેથી પોલીસે તપાસમાં એવું સાબિત કરી શકાય કે જિગર નોકરી પર હાજર હતો અને મિત શાહ બીમાર હોવાથી ઘરે હતો. મિત શાહના ઘરે ધારાનાં કપડાં પહેરીને આવેલો સંજય સોહલિયા રાત્રે નીકળી ગયો હતો.

બીજા દિવસ સવારે મિતની માતા મોના શાહ ધારાના કપડાં પહેરીને ધારાના મોબાઈલ સાથે ચાલતા ઘરેથી નીકળ્યાં હતાં, જે સીસીટીવી કૅમેરામાં ધારા ભાગી ગઈ હોય તેવું સાબિત થાય છે. ત્યાંથી મિતનો ભાઈ જિગર ધારાને શોધવા નીકળ્યો હોવાનું નાટક કરતો રહ્યો અને જ્યાં સીસીટીવી કૅમેરા ન હતા, ત્યાંથી તેની માતાને લઈને સનાથલ ચાર રસ્તા ગયો હતો. ત્યાં મોના શાહ ધારાના કપડાં બદલીને પોતાના ઘરે પરત આવ્યા હતા.

બીજી બાજુ ધારાનો મૃતદેહ સળગાવ્યા પછી ગુંજન, યુવરાજ અને સૂરજ ભૂવાના કાકા મુકેશ સનાથલ ચાર રસ્તા પર ધારાનો ફોન લઈ સ્વિચ ઑફ કરી દીધો હતો અને તે સ્વિફ્ટ કારમાં મુંબઈ જવા નીકળી ગયા હતા અને મુંબઈ જઈ ધારાનો ફોન ચાલુ કરી તેના નંબર પરથી ‘હું સૂરજ ભૂવા સાથે રહેવા માગતી નથી અને બીજે ચાલી જાઉં છું, પોલીસમાં ફરિયાદ ના કરશો.’ એવો મૅસેજ કર્યો હતો અને ત્યારબાદ ફોન તોડી નાખ્યો હતો અને તેનું સિમ કાર્ડ ખાડીમાં નાખી દીધું હતું, તેથી ધારા ભાગી ગઈ છે એવું સાબિત થતું હતું.

તેમની ટેલિફોનના કૉલ ડિટેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરાઈ હતી. આ તમામનો ફોરેન્સિક લૅબમાં ડીટેક્શન ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.

બીબીસી ગુજરાતી

ધારાના ભાઈ મિત કડીવારે શું કહ્યું?

જૂનાગઢમાં સ્કૂલવાન ચલાવીને ગુજરાન ચલાવતા ધારાના ભાઈ મિત કડીવારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મારી બહેન સાથે સમાધાનની વાત થઈ હતી, ત્યારે સૂરજ ભૂવા તેની પત્નીને છૂટાછેડા આપી મારી બહેન ધારાને પત્ની તરીકે સ્વીકારે અને તેના નામે 30 લાખ રૂપિયાની સિક્યોરિટી મૂકવાનું કહેવામાં આવ્યું હતું. સમાધાનનાં કાગળિયાં કરવાને બહાને એ લોકો અમદાવાદ ગયા હતા અને મેં જ્યારે સૂરજ ભૂવા જૂનાગઢ આવ્યા ત્યારે પૂછ્યું તે મારી બહેન ક્યાં છે, ત્યારે મને ધારાનો મૅસેજ બતાવી કહ્યું કે તે ભાગી ગઈ છે અને અમદાવાદ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.”

મિતે ઉમેર્યું હતું કે, “સૂરજ ભૂવાની વાત મને ગળે ન ઊતરતાં જૂનાગઢમાં ફરિયાદ કરવાની કોશિશ કરી, પરંતુ અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ હોવાથી મારે પાલડી ફરિયાદ નોંધાવવી પડી હતી. હવે તે પકડાયો છે, તેથી અમને ન્યાય મળશે.”

પાલડીના ઠાકોર વાસમાં રહેતા દેવજી ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મોનાબહેન તેમના બે દીકરા સાથે અમારા વાસમાં રહેતા હતા. મોનાબહેનના પતિનું 2015માં અવસાન થયું પછી મોનાબહેન સિનિયર સિટીઝનને ત્યાં રસોઈ બનાવવા જતા હતા. તેમનો એક દીકરો પાલડીમાં લારી ચલાવે છે અને બીજો દીકરો નોકરી કરે છે.

મોનાબહેન તેમના પતિ આનંદભાઈના અવસાન પછી એ વધુ ધાર્મિક થઈ ગયાં હતાં, પણ આવા ખૂનકેસમાં સંડોવાયેલાં હશે, તેની અમને કલ્પના પણ નહોતી.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી