SCOOP : પત્રકાર જે. ડે હત્યાકેસમાં નિર્દોષ છૂટેલાં ક્રાઇમ રિપોર્ટર જિજ્ઞા વોરા કોણ છે?

ઇમેજ સ્રોત, Twitter/NetflixIndia
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
તા. 27 જૂન 2011. મુંબઈના વિખ્યાત ક્રાઇમ રિપોર્ટર જે. ડેની હત્યાના 16 દિવસ પછી મુંબઈ પોલીસના કમિશનર અરૂપ પટનાયકે પત્રકારપરિષદ યોજી અને હત્યાના સાત આરોપીઓની ધરપકડ થઈ હોવાની જાહેરાત કરી. કેસની તપાસ કરનાર જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ (જેસીપી) હિમાંશુ રૉય તેમની પાસે જ હતા.
મુંબઈના પવઈ ખાતે ઘરની પાસે ધોળા દહાડે પત્રકારની હત્યા થઈ હતી. પોલીસ તથા ક્રાઇમ રિપોર્ટરો વચ્ચે સીધો સંબંધ હોવાથી તેમના ઉપર નૈતિક દબાણ પણ હતું. આ સિવાય સરકાર અને પ્રબુદ્ધ વર્ગ પણ આ મુદ્દે ચિંતિત હતાં.
એવી અટકળ હતી કે જે.ડેએ કેટલાક ઑઈલ માફિયા વિરૂદ્ધ લખ્યું હોવાથી આ હત્યા કરાવવામાં આવી હતી. જોકે, પોલીસે થિયરી રજૂ કરી હતી કે જ્યોર્તિમય ડેએ અંડરવર્લ્ડ પર છોટા રાજનના ઘટતા જતા પ્રભુત્વ અંગે લેખ લખ્યા હતા એટલે છોટા રાજન ગિન્નાયો હતો.
આ પત્રકારપરિષદમાં જિજ્ઞા વોરા નામનાં પત્રકાર પણ હાજર હતાં, જેઓ પાછળની હરોળમાં બેઠાં હતાં. પાંચ મહિના પછી જિજ્ઞાના જીવનમાં મોટું તોફાન આવનાર હતું. જે હત્યાકાંડની પ્રેસ કૉન્ફરન્સમાં તેઓ પત્રકાર તરીકે બેઠાં હતાં, તેમનું નામ આરોપી તરીકે આવશે.
તેમણે અગાઉ એક અખબારમાં જ્યોર્તિમય ડે સાથે કામ કર્યું હતું. તેમની વચ્ચે ગાઢ ઓળખાણ ન હતી, પરંતુ તેમની વચ્ચે આંખની ઓળખાણ ચોક્કસથી હતી.
પોલીસે આરોપ મૂક્યો હતો કે જે. ડેની હત્યા કરાવવા માટે તેમણે જ છોટા રાજનની ઉશ્કેરણી કરી હતી. તેમણે જે.ડેની મોટરસાઇકલના નંબર અને તસવીર પણ છોટા રાજન ગૅંગને આપ્યા હતા.
આ હત્યાના આરોપ હેઠળ જિજ્ઞાએ 'મકોકા' સાડા સાત મહિના જેલમાં વિતાવવાના હતા. સાથી મીડિયાકર્મીઓએ આપેલાં 'માસ્ટરમાઇન્ડ', 'મુખ્ય આરોપી' અને 'મુખ્ય કાવતરાખોર' જેવા વિશેષણોમાંથી બહાર નીકળવામાં સાડા સાત વર્ષ કરતાં વધુનો સમય વીતી જવાનો હતો.
નેટફ્લિક્સ પર 'સ્કૂપ' નામથી વેબસિરીઝ આવી રહી છે. જેમાં કરિશ્મા તન્ના ડેપ્યુટી બ્યૂરો ચીફ જાગૃતિ પાઠકની ભૂમિકા ભજવી રહ્યાં છે. 'સત્ય ઘટનાઓથી પ્રેરિત' વેબસિરીઝનું દિગ્દર્શન હંસલ મહેતા કરી રહ્યા છે, જેમણે અગાઉ મહિલા રિપોર્ટર સુચેતા દલાલ દ્વારા હર્ષદ મહેતાને ખુલ્લા પાડવાના ઘટનાક્રમ પર 'સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી'નું સર્જન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધ: અહેવાલના આગળના અમુક અંશ સંવેદનશીલ વાચકને વિચલિત કરી શકે છે. વાંચનારનો વિવેક અપેક્ષિત.

જિજ્ઞા : જીવનકથા અને વીતકકથા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જિજ્ઞા વોરાએ તેમની ધરપકડ અને જેલના દિવસો વિશે 'બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાયખલા: માય ડેઝ ઇન પ્રિઝન' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે પોતાના જીવનની પૃષ્ઠભૂમિ ઉપર પણ પ્રકાશ પાડ્યો છે.
જિજ્ઞાનો જન્મ મુંબઈના સંયુક્ત ગુજરાતી વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમના પિતા નાણાં રળવાં માટે દુબઈ ગયા હતા. જ્યાં તેઓ મર્સિડીઝ ફેરવતા, પરંતુ વૈભવી જીવનશૈલી અને શરાબના કારણે તેમણે પરિવાર માટે કશું બચાવ્યું ન હતું. દાદા, દાદી, માતા, મોટા બાપુ, મોટા મમ્મી, મામા અને મામી જેવા પરિવારજનોની વચ્ચે જિજ્ઞાનું બાળપણ વીત્યું.
જિજ્ઞાએ મુંબઈની રૂપારેલ કૉલેજમાંથી કાયદાનો અભ્યાસ કરીને એક પેઢીમાં ઇન્ટર્ન તરીકે જોડાયાં. અહીં તેમની વકીલો સાથે ઓળખાણ થઈ અને ગુનેગારોના પણ સંપર્કમાં આવ્યા. જે આગળ જતાં તેમની કારકિર્દીમાં વળાંક લાવવાના હતા અને ભૂકંપ પણ.
એ અરસામાં જ પરિવાર દ્વારા તેમનાં લગ્ન ભરૂચસ્થિત એક એંજિનિયર સાથે નિર્ધારવામાં આવ્યાં. પુસ્તકમાં જિજ્ઞા દાવો કરે છે કે 100 તોલા સોનું આપવામાં આવ્યું હતું. પિતા જ્યારે ભારતમાં આવે ત્યારે તેઓ ફેરવે અને એ સિવાયના સમયમાં જિજ્ઞાના પતિ ફેરવે એવી ગોઠવણ સાથે ટાટા ઇન્ડિકા પણ આપવામાં આવી હતી.
બંનેનાં લગ્ન થયાં અને હનીમૂન પરથી પરત ફર્યા બાદ જિજ્ઞાને જાણ થઈ કે તેમના પતિ ધો. દસ નાપાસ છે. પતિને શરાબ પીવાની આદત હતી. તેઓ ખુશીના પ્રસંગે શરાબપાન કરતા અને ઉદાસ થઈ જતા તો પણ પીતા. છતાં તેમણે પરિવારની આબરૂને ખાતર પોતાનું લગ્નજીવન ચલાવ્યે રાખ્યું.
આ અરસામાં જિજ્ઞાએ એક દીકરીને જન્મ આપ્યો. જોકે એકાદ મહિનાની ઉંમરે જ તેનું અવસાન થઈ ગયું. ફરી એક વખત તેઓ ગર્ભવતી થયાં અને દીકરાને જન્મ આપ્યો. એ પછી પણ પતિની સતામણી ચાલુ રહેતાં તેમણે ઘર છોડવાનો નિર્ણય કરી લીધો. તેઓ પિયર જવાનું કહીને મુંબઈ આવવા નીકળ્યાં અને પછી પરત જ ન ફર્યાં.
પરસ્પર સહમતિથી છૂટાછેડાની અરજી દાખલ કરી. સાસરી પક્ષવાળાઓએ કરિયાવરમાં આપવામાં આવેલું સોનું સહિતની બધી ચીજવસ્તુઓ પરત કરવાનો વાયદો કર્યો, જેને ક્યારેય પૂર્ણ ન કર્યો. મુંબઈ પરત ફરીને જિજ્ઞાએ પુત્રની સાથે જીવનને ફરી પાટે ચઢાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે તેમણે કાયદાને બદલે પત્રકારત્વનો માર્ગ પસંદ કર્યો હતો.

બે શાગિર્દ: જ્યોતિ અને જિજ્ઞા

ઇમેજ સ્રોત, Getty Images
જિજ્ઞાએ સોમૈયા કૉલેજમાંથી સાંજના સમયમાં પત્રકારત્વનો ડિપ્લોમાનો અભ્યાસ શરૂ કર્યો. સવારના સમયમાં પુત્ર સ્કૂલે જાય અને સાંજે માતા અભ્યાસ કરે. મુંબઈના વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર તથા અંડરવર્લ્ડ ઉપર અનેક પુસ્તક લખનાર હુસૈન ઝૈદી સાથે તેમનો સંપર્ક થવાનો હતો. પરંતુ એ પહેલાં તેમણે જાતે અમુક પગથિયાં ચઢવાનાં હતાં.
જિજ્ઞાએ પત્રકારત્વનો અભ્યાસ વચ્ચેથી છોડીને મુંબઈનાં જૂનાં અખબારોમાંથી એક 'ફ્રી પ્રેસ જર્નલ'માં કોર્ટનું રિપોર્ટિંગ શરૂ કર્યું. કાયદાનો અભ્યાસ અને સંપર્ક તેને કામ આવ્યા અને દસ મહિનામાં તેમના પગારમાં અઢી ગણા જેટલો વધારો થયો.
2005માં મુંબઈમાં ન્યૂઝપેપર વૉર શરૂ થઈ ગયું હતું. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' જૂથે તેનું ટેબ્લૉઇડ 'મુંબઈ મિરર' શરૂ કર્યું હતું. 'દૈનિક ભાસ્કર' જૂથે 'ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ' નામનું અંગ્રેજી બ્રૉડશીટ પેપર રજૂ કર્યું હતું. દિલ્હીસ્થિત અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સે' તેની મુંબઈ આવૃત્તિ શરૂ કરી હતી. આ મીડિયાવૉરનો લાભ પત્રકારોને થયો.
મુંબઈ મિરરની શરૂઆત થયાના એકાદ વર્ષ પછી જિજ્ઞા તેમાં જોડાયાં.
જે.ડેની હાઇટ છ ફૂટ ત્રણ ઇંચ જેટલી હતી. તેમનું શરીરસૌષ્ઠવ ખૂબ જ સારું હતું અને તેઓ સહેલાઈથી કમાન્ડો કે સેનાની પરીક્ષા પાસ કરી શક્યા હોત. એટલે ઝૈદી તેમને 'જ્યોતિ' અને 'કમાન્ડર'ના નામથી જ બોલાવતા. અહેવાલોમાં જ્યોર્તિમય તેમનું નામ 'જે. ડે' તરીકે લખતા.
જે.ડેએ બહુ જલદીથી ક્રાઇમ રિપોર્ટિંગના પાઠ શીખી લીધા અને તેમાં માનવીય સંવેદનાઓવાળી કહાણીઓ પણ લાવ્યા. વિદેશી પુસ્તકો વાંચીને તેમણે પોતાનું કૌશલ ખીલવ્યું હતું. ઝૈદીનું કહેવું છે કે જે.ડે એક તબક્કે ક્રાઇમ રિપોર્ટિંગથી કંટાળી ગયા હતા અને ફિલ્ડ છોડી દેવા માગતા હતા, ત્યારે તેમને પુસ્તક લખવાની સલાહ આપી હતી.
મુંબઈના બહુચર્ચિત ટેબ્લોઇડ 'મિડ-ડે'માં જ્યોર્તિમય ડે ઇન્વેસ્ટિગેશન્સ એડિટર હતા. જિજ્ઞાના કહેવા પ્રમાણે, બંનેની વચ્ચે આંખની ઓળખાણ હતી, પરંતુ વાતચીતના વ્યવહાર પણ ન હતા.
ઝૈદીના કહેવા પ્રમાણે, જે. ડે. તેમના કામમાં ખૂબ જ ગુપ્તતા જાળવતા. તેઓ કઈ સ્ટોરી ઉપર કામ કરી રહ્યા છે, તેની સાર્વજનિક રીતે ચર્ચા કરવાનું ટાળતા. જો દસ વાગ્યા સુધીમાં અહેવાલ આપી દેવાનો હોય તો છેક સાડા આઠ કે નવ વાગ્યે તેઓ અહેવાલ મૂકતા. સામે પક્ષે જિજ્ઞા અવ્યવસ્થિત અને મહત્ત્વકાંક્ષી હતાં, છતાં તેઓ સાથી પત્રકારોને જરૂર મુજબ મદદ કરતાં.

પ્રેસ, પોલીસ અને પેચ

ઇમેજ સ્રોત, Getty Images
ઝૈદીના કહેવા પ્રમાણે, તેમનો એક શાગિર્દ જો ક્રાઇમ રિપોર્ટિંગનો અમિતાભ બચ્ચન હતો, તો બીજો વિનોદ ખન્ના. બંનેને સ્ક્રીન પર જોવા અને એક બીજા સાથે સ્પર્ધા કરતા જોવાની મજા હતી. જોકે, બંનેની ટક્કર એક તબક્કે મીડિયા અને પોલીસ માટે મુદ્દો બનવાનો હતો.
સામાન્ય રીતે ગુનેગારની ધરપકડના 90 દિવસની અંદર પોલીસે આરોપનામું દાખલ કરી દેવાનું હોય, પરંતુ જે. ડેની હત્યાના આરોપીઓની સામે આતંકવાદવિરોધી 'મકોકા'ની (મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ) કલમો લગાડવામાં આવી હતી એટલે પોલીસને વધારાનો ત્રણ મહિનાનો સમય મળ્યો.
આ દરમિયાન મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે એક મહિલા પત્રકાર સંડોવાયેલ છે. શરૂઆતમાં 'સૂત્ર આધારિત' સમાચારોમાં નામની સ્પષ્ટતા ન હતી. જિજ્ઞા તેમના પુસ્તકમાં લખે છે કે તેમના નામનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. તેઓ આવે એટલે સહકર્મીઓ ચર્ચા કરતા અટકી જાય. બહારથી તેમને આના વિશે પૃચ્છા થવા લાગી હતી.
જિજ્ઞા ઉપર આભ તૂટી પડ્યું હતું. છોટા રાજન સાથે પત્રકાર તરીકે થયેલી વાતચીતને પોલીસ કાવતરાં માટેની ચર્ચા તરીકે રજૂ કરી રહી હતી. આ વિશે એડિટર હુસૈન ઝૈદી સાથે પણ વાત થઈ, ત્યારે જિજ્ઞાએ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું.
ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ હિમાંશુ રૉયને મળીને આના વિશે પૃચ્છા કરવાનું ઝૈદી અને જિજ્ઞાની વચ્ચે નક્કી થયું. ઝૈદી સાથેની મુલાકાત દરમિયાન રૉય દ્વારા વોરાની તપાસ થઈ રહી હોવાની માહિતી આપી. રૉયે કથિત રીતે કહ્યું કે જિજ્ઞા નિર્દોષ છે એવી તેમની માન્યતા છે અને તેઓ ધરપકડ નહીં થવા દે.

મીડિયાકર્મીનું મીડિયા ટ્રાયલ

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે નવેમ્બર-2011ના પ્રથમ પખવાડિયામાં જિજ્ઞાની પૂછપરછ થઈ. તેમની વચ્ચે વ્યવસાયિક હરિફાઈ અને તેમના નિવાસસ્થાન વગેરે બાબતે પૃચ્છા કરવામાં આવી. જોકે, જે. ડે ખૂબ જ વરિષ્ઠ હોવાથી તેમની વચ્ચે સ્પર્ધા હોવાની વાતને જિજ્ઞાએ નકારી અને તેમના ઘરના સરનામા વિશે અજ્ઞાન વ્યક્ત કર્યું.
આ અરસામાં જિજ્ઞાનું પાળતું શ્વાન 'લિયો' તેમનાથી અંતર જાળવવા લાગ્યું. જિજ્ઞાનાં માતાનું કહેવું હતું કે, 'જ્યારે કોઈ દૂર જવાનું હોય ત્યારે શ્વાન તેની સાથે અંતર જાળવવા લાગે. માયા છોડાવવા માટેની આ તેમની રીત હોય છે.' માનું આ નિવેદન જિજ્ઞાની ચિંતા વધારનારું તો હતું જ, પરંતુ ભવિષ્યવાણી પણ હતું.
તા. 25 નવેમ્બર-2011ના શુક્રવારે જિજ્ઞાનો પરિવાર શ્રીનાથદ્વારા જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી અને તેમને 'પૂછપરછ' માટે સાથે આવવા માટે કહ્યું. હવે પછી શું થવાનું હતું તે સમજતા જિજ્ઞાને વાર ન લાગી. ધરપકડ માટે શુક્રવારનો દિવસ પસંદ કર્યો હોવાથી પોલીસની મંછા પણ પામી ગયાં હતાં, કારણ કે શનિવાર તથા રવિવારે કોર્ટની કાર્યવાહી થતી ન હોવાથી આરોપી માટે જામીન મેળવવા મુશ્કેલ બની રહેતા હોય છે.
જિજ્ઞા મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવામાં આવ્યાં. જે જગ્યાએ તેમણે અનેક આરોપીઓ અને ખૂનખાર ગુનેગારોને આવતાં-જતાં જોયાં હતાં, જ્યાં પોલીસ અધિકારીઓની કચેરીઓમાં બેસીને માહિતી મેળવી હતી, ત્યાં હવે તેઓ આરોપી હતાં.
સાથી પત્રકારની હત્યામાં મહિલા પત્રકારની સંડોવણીથી સનસનાટી મચી ગઈ હતી. જ્યારે જિજ્ઞા પોલીસ સ્ટેશને પહોંચ્યાં, ત્યારે મીડિયાકર્મી તેમને ઘેરી વળ્યાં હતાં અને તેમના વિશે સતત લાઇવ કવરેજ ચાલી રહ્યું હતું.
જિજ્ઞા લખે છે કે, 'મને લાગતું હતું કે મારાં કર્મો ફરીને પાછા મારા તરફ જ આવી રહ્યાં હતાં. હું રિપોર્ટિંગ કરતી હતી, ત્યારે આરોપીઓને કેવું લાગતું હશે તે મને સમજાઈ રહ્યું હતું. મીડિયા બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. મીડિયા કવરેજને કારણે મારી વિરુદ્ધ પ્રેશર ઊભું થઈ રહ્યું હોય એમ લાગતું હતું.'
પોલીસ કસ્ટડી દરમિયાન જિજ્ઞાની જીવનશૈલી વિશે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ઝૈદીના કહેવા પ્રમાણે, મીડિયા પોલીસ અધિકારીના સ્ટેનોગ્રાફર જેવું બની ગયું હતું.
પોલીસની થિયરીઓ ઉપર સવાલ ઉઠાવવાના બદલે જે કહેવામાં આવતું તે છાપી દેવામાં આવતું. તે પોલીસ કરતાં મીડિયાનું કાવતરું વધારે હતું. મીડિયાકર્મીની હત્યામાં મીડિયાને બે જૂથમાં વહેંચી દેવાનો પોલીસનો 'માસ્ટર સ્ટ્રૉક' હતો.
ઝૈદીના કહેવા પ્રમાણે, જિજ્ઞા અને જ્યોતિ બંને તેમના શાગિર્દ હોવાને કારણે તથા નજીક હોવા છતાં તેમણે ક્યારેય પરસ્પર કડવાશની વાત કરી ન હતી.
જિજ્ઞાની ધરપકડ બાદ જ્યારે મીડિયાનું પ્રતિનિધિમંડળ રજૂઆત માટે મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી આર. આર. પાટીલ સમક્ષ ગયું, ત્યારે તત્કાલીન જેસીપી (ક્રાઇમ) રૉયે છોટા રાજન અને જિજ્ઞાની વચ્ચે વાતચીતની 38 ટેપ હોવાનો દાવો કર્યો હતો.

'એ દિવસો'ની વેદના

ઇમેજ સ્રોત, ANI
જિજ્ઞા વોરાએ તેમના પુસ્તકમાં જેલમાં પ્રવેશ અને ત્યાં પડેલી મુશ્કેલીઓનું વિવરણ લખ્યું છે. રિપોર્ટર તરીકે હાઈપ્રોફાઇલ કેદીઓનો જેલમાં પહેલો દિવસ કેવો રહ્યો, તેના વિશે રિપોર્ટિંગ કર્યું હતું, પરંતુ હવે તેમને જાતઅનુભવ થવાનો હતો.
જિજ્ઞા લખે છે કે નવમી ડિસેમ્બરે તેમને ભાયખલા જેલમાં લઈ જવામાં આવ્યાં. અહીં બારી વગરની નાનકડી ઓરડીમાં બે મહિલા સંત્રીઓએ કપડાં ઉતરાવીને તેમની અંગજડતી લીધી.
એ પછી તેમને આંતરવસ્ત્ર પણ ઉતારી દેવા માટે જણાવવામાં આવ્યું. પીરિયડ્સ ચાલુ હોવાનું જાણવા છતાં એમનાં આંતરવસ્ત્ર ઉતારવા માટે કહેવામાં આવ્યું. એટલું જ નહીં સંત્રીઓએ સૅનેટરી પૅડ ચેક કર્યું. જેલમાં પ્રથમ દિવસની પ્રથમ કલાકોમાં કાચા કામના કેદી તરીકે તેમને વધુ એક આંચકો લાગવાનો હતો. તેમને પાંચ વખત ઊઠબેસ કરવાનું કહેવામાં આવ્યું.
કાયદાના જાણકાર અને ક્રાઇમ રિપોર્ટર તરીકે જિજ્ઞાને એ વાત સમજાઈ ગઈ કે આરોપી દ્વારા જેલમાં નશાકારક કે પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવામાં ન આવે તે માટે આમ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે તેઓ બહાર નીકળ્યાં, ત્યારે પુરુષ સંત્રીઓના ચહેરા પર વિકૃત સ્મિત હતું.
લગભગ દરવાજા વગરના ટૉઇલેટનો રોજિંદી ક્રિયાઓ માટે ઉપયોગ અને દુપટ્ટાનો પડદો બનાવીને ત્યાં જ સ્નાન કરવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો. શિયાળાના દિવસોમાં ગરમ પાણી માટેનો સંઘર્ષ અને તેના ઉપર જેલના જૂના અને કુખ્યાત કેદીઓનું વર્ચસ્વ રહેતું.
અસ્થમાના દર્દી જિજ્ઞાએ જેલની ગંદકી અને ત્યાંનાં અસ્વચ્છ કેદીઓની સાથે પોતાને ઢાળવાનાં હતાં. ગરમીના દિવસોમાં ખાસ હવા વગરની બૅરેકમાં સમય વિતાવવાનો હતો.
જે હાઈપ્રોફાઇલ કેદીઓ વિશે રિપોર્ટિંગ કર્યું હતું, તેમની સાથે જ જેલમાં રહેવાનું હતું, જે તેમની સુરક્ષા માટે જોખમ ઊભું કરનારું હતું. આ સિવાય પંચરંગી કેદીઓ સાથે પનારો પડવાનો હતો.

સલીમ-જાવેદની ફાતિમા

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના પુસ્તકમાં જિજ્ઞાએ લગભગ આઠ મહિનાના જેલવાસ દરમિયાન મળેલાં કેટલાંક કેદીઓ વિશે વાત કરે છે. જેમાં પ્રોમિતા છે, જેની જેલમાં ધાક છે. એવી વ્યાપક ચર્ચા હતી કે જેલની મહિલા સંત્રી સાથે તેમનાં સજાતીય સંબંધ હતા, જેના લવબાઇટ્સ ઘણી વખત નજરે પડતા.
મુંબઈમાં ગુજરાતી મટકાકિંગનાં પૂર્વ પત્નીના ગૅંગમૅન સાથે સંબંધ વિશે જિજ્ઞાએ અહેવાલ છાપ્યો હતો. જેણે ગૅંગસ્ટર સાથે મળીને પતિ તથા અન્યોની માર્ગ અકસ્માતમાં હત્યા કરાવી હતી. આ મહિલા જેલમાં વ્યાપક નેટવર્ક ધરાવતી હતી અને તેણે જિજ્ઞાની મુશ્કેલીઓ વધારી હતી.
આ જેલમાં જ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને પણ રાખવામાં આવ્યાં હતાં, જેઓ માલેગાંવ બ્લાસ્ટના કેસમાં આરોપી હતાં. જિજ્ઞાએ મહારાષ્ટ્ર ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડનાં સૂત્રો થકી તેમના વિશે લખ્યું હતું. જેલવાસ દરમિયાન પ્રજ્ઞાએ જિજ્ઞાને ભક્તિ તરફ વાળ્યાં.
પોતાના પુસ્તકમાં જિજ્ઞા વાચકને અડધાં અને અર્ધપારદર્શક વસ્ત્રો પહેરીને આંટા મારતાં સલમાબીબી સાથે ઓળખ કરાવે છે. અન્ય એક વ્યક્તિત્વ ફાતિમાનું છે. નોકરીની જગ્યાએ જ ઘરધણીના ઘરમાં ચોરી કરવાનો આરોપમાં જેલવાસ ભોગવવાનો આવ્યો હતો.
તેના પતિનું નામ સલીમ હતું, જેના થકી તેને ત્રણ દીકરીઓ હતી. ફાતિમાના જેલવાસ દરમિયાન નાની દીકરીઓનું ધ્યાન રાખવાનું કામ તેમનાં નાનીના ભાગે આવ્યું હતું. સલીમ સાથે તલાક બાદ તેમના જ રિક્ષાચાલક મિત્ર જાવેદ સાથે ફાતિમાના સંબંધ બંધાઈ ગયા.
જેલમાં રહેલાં આફ્રિકન કેદીઓ માટે આ જગ્યા એટલી કષ્ટદાયક ન હતી. મોટા ભાગે ડ્રગ્સ કે દેહવેપારના આરોપોમાં જેલમાં આવેલાં કેદીઓને તેમનાં વતનની સરખામણીમાં ત્રણ ટકનું ભોજન અને સારવાર મળી રહ્યાં હતાં.
સીમા નામનાં મહિલાએ જેલમાંથી છૂટતી વખતે જિજ્ઞાને પોતાનો નંબર આપ્યો અને તેઓ છૂટે એટલે દર અઠવાડિયે એક લાખની આવક થાય એવું કામ અપાવવાની વાત કહી. વેશ્યાવૃત્તિના આરોપમાં જેલમાં આવેલાં સીમા શું કામ ઑફર કરી રહ્યાં હતાં, તેના વિશે વિચારતાં જ જિજ્ઞાની આંખમાં આંસુ આવી ગયાં.
જેલમાંથી છૂટ્યા પછી જિજ્ઞાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારતની જેલોમાં સુધારની વાત નથી થતી. એ જાણે નવા ગુનેગારોને તૈયાર કરવા માટેનાં તાલીમ અને ભરતીકેન્દ્ર જેવી બની જાય છે.

જન્મદિવસે 'આરોપ'નામું અને બચાવ

ઇમેજ સ્રોત, Getty Images
તા. 21 ફેબ્રુઆરી 2012ના દિવસે જિજ્ઞા 37 વર્ષનાં થયાં. એ દિવસે જ તેમની સામે પોલીસે આરોપનામું દાખલ કર્યું હતું. ડિસેમ્બર-2011માં કેસના દસ આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે આરોપનામું દાખલ કર્યું હતું, પરંતુ તેમાં જિજ્ઞાનું નામ ન હતું. એટલે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
જિજ્ઞા ઉપર મુખ્ય ત્રણ આરોપ હતા, જેમાં એસએમએસ દ્વારા જે. ડેને ધમકી આપવી, છોટા રાજનની જે.ડે સામે ઉશ્કેરણી અંગેની ટેપ અને એક પત્રકાર સાથે છોટા રાજનની વાતચીત દરમિયાન જે.ડેની તસવીર, મોટર બાઇક અને પોતાની વિરુદ્ધના આર્ટિકલનો ઉપયોગ મુખ્ય હતા.
જોકે, આ અરસામાં જ છોટા રાજનને ભારત લાવવામાં આવ્યો, એટલે કેસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી લઈને સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો. જે છોટા રાજન સામેના તમામ કેસોનો ખટલો ચલાવનારી એક માત્ર એજન્સી હતી. પરંતુ આને કારણે કેસની સુનાવણીમાં ઢીલ થઈ.
પોલીસ ચાર્જશીટમાં જે સાક્ષીએ જિજ્ઞા વોરા દ્વારા મરાઠીમાં જે. ડેને આપવામાં આવેલો ધમકી ભરેલો મૅસેજ જોયાની વાત કરી હતી. સાક્ષી મૅસેજ જોયાની તારીખ, જે નંબર પરથી મૅસેજ આવ્યો હતો તે, જિજ્ઞાનો નંબર કે જે. ડેના મોબાઇલ નંબર વિશે પ્રકાશ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો. એ પણ મુદ્દો હતો કે જિજ્ઞા ગુજરાતી હતાં, જ્યારે જે બંગાળી, પરંતુ જે મૅસેજ મોકલવામાં આવ્યો હતો, તે મરાઠી ભાષામાં હતો.
જિજ્ઞા દ્વારા છોટા રાજનની ઉશ્કેરણી કરવામાં આવી હોવાનું કથિત રેકૉર્ડિંગ પોલીસ અદાલતમાં રજૂ કરી શકી ન હતી. અન્ય એક સાગરીતે બારમાં હત્યારાઓ જે. ડેને ઓળખી શકે તે રીતે જે. ડે સાથે મુલાકાત કરી હોવાનું બહાર આવ્યું હતું.
છોટા રાજન સાથે જિજ્ઞાની વાત થઈ, તેના લગભગ એક પખવાડિયા પહેલાં જ નૈનિતાલથી પિસ્તોલ લાવવામાં આવી હતી. એટલે કાવતરું એ પહેલાં જ ઘડાઈ ગયું હોવાનો તર્ક જિજ્ઞા તેમના પુસ્તકમાં આપે છે.

ઇમેજ સ્રોત, Getty Images
અન્ય એક પત્રકારે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે પોતાની સાથેની વાતચીતમાં છોટા રાજને જણાવ્યું હતું કે જે. ડેના બાઇકનાં નંબર, તસવીર અને પોતાની વિરુદ્ધના લેખ તેણે જાતે જ જિજ્ઞાને મોકલ્યાં હતાં.
મે-2018ના જિજ્ઞાને મકોકા અદાલતે છોડી મૂક્યાં. અન્ય નવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. ઑગસ્ટ-2019માં બૉમ્બે હાઈકોર્ટે કેસમાંથી જિજ્ઞાના છૂટકારાને બહાલ રાખ્યો.
જિજ્ઞાએ કહ્યું કે મારી સાથે કેમ આવું થયું અને કોણે મને ફસાવી એ તમામ બાબતો મેં જે-તેના નસીબ ઉપર છોડી દીધી છે. તેઓ હિલિંગ અને ઍસ્ટ્રોલૉજી તરફ વળ્યાં છે અને વેબ સિરીઝ તથા પુસ્તકો ઉપર પણ કામ કરી રહ્યાં છે.
જોકે, લગભગ સાડા સાત વર્ષના કાયદાકીય સંઘર્ષ દરમિયાન જિજ્ઞાએ દાદા, દાદી અને માતાને ગુમાવી દીધાં. પંચગીનીમાં અભ્યાસ કરતા દીકરાના ભણતર ઉપર પણ માઠી અસર થઈ.
તા. 11મી મે-2018ના રોજ એડીજીપી હિમાંશુ રૉયે પોતાના ઘરમાં લાઇસન્સવાળી રિવૉલ્વરથી આત્મહત્યા કરી લીધી. તેમણે કૅન્સરની બીમારીથી ત્રસ્ત થઈને આ પગલું લીધું હોવાનું જણાવવામાં આવ્યું હતું.














