પોતાની ગુમ થયેલી પુત્રીને 27 વર્ષ સુધી શોધનાર માતાની હૃદયસ્પર્શી કહાણી

ઇમેજ સ્રોત, Marcos Gonzalez' /BBC
- લેેખક, માર્કોસ ગોન્સાલેઝ ડિયાઝ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ સંવાદદાતા, મેક્સિકો
સત્તાવાર આંકડા મુજબ, મેક્સિકોમાં 1,10,000થી વધુ લોકો ગુમ થયા હોવાનું નોંધાયું છે.
તેમાં કેટલાક કિસ્સા સુખાંતના છે, જેમાં ઘણા પરિવારોને તેમના વિખૂટાં પડી ગયેલા સ્વજનો સાથે ફરી મુલાકાતની આશાનું કિરણ દેખાય છે.
આ કથા લોરેના રેમિરેઝની છે, જેમની દીકરી 27 વર્ષ પહેલાં ગુમ થઈ ગઈ હતી અને હજુ છ મહિના પહેલાં જ લોરેનાનું દીકરી સાથે પુનર્મિલન થયું હતું.
લાંબો સમય વીતી ગયો હોવા છતાં લોરેનાએ દીકરીને શોધી કાઢવાની આશા ક્યારેય છોડી ન હતી અને દીકરી જીવંત નહીં હોય એવું એમણે ક્યારેય વિચાર્યું ન હતું.
હવે 50 વર્ષનાં થયેલાં લોરેના આશા સાથે ભવિષ્ય તરફ નજર કરે છે. દીકરી વિનાનું જીવન કેવું હતું અને દીકરીનું શું થયું હશે એ યાદ કરે છે ત્યારે તેમની આંખો ભીની થઈ જાય છે.
મજબૂત અને ગંભીર લોરેના સ્વીકારે છે કે દીકરી ગુમ થયા પછી તેમનું જીવન એટલી હદે બદલાઈ ગયું હતું કે તેઓ “જીવવાં ખાતર જીવતાં” હતાં અને નિરસ તથા કઠોર થઈ ગયાં હતાં.
ગયા વર્ષે મા-દીકરીના પુનર્મિલનના મેક્સિકોમાં જબરા પ્રત્યાઘાત પડ્યા પછી લોરેનાએ તેમની કથા બીબીસી સાથે શેર કરી હતી.
પુનર્મિલન પછી દીકરી સાથેનો સંબંધ કેવો છે અને હવે પછીનું જીવન તેઓ સાથે કઈ રીતે જીવવા ઇચ્છે છે તેની વાત પણ તેમણે કરી હતી. તેમની કથા વાંચો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અમારો પરિવાર 1995ની પહેલી ઑક્ટોબર સુધી સામાન્ય પરિવાર જેવો જ હતો.
મારી દીકરી જુઆનાનો જન્મ ત્રણ વર્ષ પહેલાં થયો હતો અને તે ખુશખુશાલ હતી. કોઈ પણ બાળકની જેમ તે મોટી થઈ હતી. ઘરમાં તે બહુ બોલકી હતી, પરંતુ બહાર જાય ત્યારે લોકો સાથે ભળતી ન હતી. એ કોઈની સાથે ક્યાંય જતી ન હતી.
મને તેના વિશેનું બધું જ યાદ છે. જુઆનાને ‘આઈ એમ ફ્રૉમ અમેરિકા’ ગીત ગાવાનું બહુ ગમતું હતું.
તેને તળેલા ચૉપ્સ બહુ ભાવતા હતા. એ બહુ નાનો તબક્કો હતો.
શું થવાનું છે તે અમે જાણતા ન હતા, પરંતુ એ ત્રણ વર્ષમાં અમે દીકરી સાથે માણી શકાય તેટલો આનંદ માણ્યો હતો.

ઇમેજ સ્રોત, CORTESÍA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1995માં એક દિવસે મેં મારા પતિ, જુઆના, મારાં બે અન્ય મોટાં સંતાન અને મારા પતિના સંબંધીઓ સાથે મેક્સિકો સિટી નજીકના ચપુલ્ટેપેક જંગલમાં ફરવા જવાનું નક્કી કર્યું હતું.
અમે પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ્યાં, પછી અમે જમવાં બેઠાં હતાં અને બાળકો રમતાં હતાં. બધું સામાન્ય હતું.
અમે રવાના થવાનાં હતાં ત્યારે મારા પતિએ મારી દીકરીનો જમણો હાથ પકડ્યો હતો અને મેં ડાબો હાથ પકડ્યો હતો.
અન્ય લોકો આવજો કહેવા માટે અમે વર્તુળ બનાવ્યું ત્યારે દીકરીનો હાથ એક ક્ષણ માટે છોડ્યો હતો.
મારા પતિએ પણ તેમ કર્યું હતું અને એક જ ક્ષણમાં મારી દીકરી ગુમ થઈ ગઈ હતી.
તે એક માનો ભરોસો હતો કે કેમ તેની મને ખબર નથી, પરંતુ કોઈ હમણાં જ મારી દીકરીને ઉઠાવી ગયું છે તે બાબત પર મેં ખાસ ધ્યાન આપ્યું ન હતું.
હું જંગલના દરવાજા પાસે દોડી ગઈ હતી અને બધા દરવાજા બંધ કરી દેવા જણાવ્યું હતું, પરંતુ પોલીસે મને જણાવ્યું હતું કે એવું નહીં કરી શકાય, કારણ કે અત્યારે બધા પ્રાણી સંગ્રહાલયમાંથી બહાર નીકળી રહ્યા છે.
હું ચીસો પાડતી રહી, પણ તે નિરર્થક સાબિત થઈ હતી. અમે જંગલનો છેલ્લો દરવાજો બંધ થાય ત્યાં સુધી રાહ જોઈ હતી, પણ મારી દીકરી ક્યાંય જોવા મળી ન હતી.
અમે ઘટનાની જાણ કરવા સત્તાવાળાઓ પાસે ગયા ત્યારે અમને જણાવવામાં આવ્યું હતું કે અમારે 72 કલાક રાહ જોવી પડશે, કારણ કે એ સમય દરમિયાન દીકરી પાછી આવી શકે છે.
મેં તેમને કહ્યું હતું કે હું રાહ જોઈ શકું તેમ નથી, કારણ કે મારી દીકરી માત્ર ત્રણ વર્ષની છે. એ જાણી જોઈને ચાલી ગઈ નથી.
અમારી અગ્નિપરીક્ષા ત્યારથી શરૂ થઈ હતી.
દીકરીની શોધ

ઇમેજ સ્રોત, AMNRDAC
લોકો મારી વાત સાંભળે એટલે મેં મીડિયાનો સહારો લીધો હતો, પણ તમે બહુ ગરીબ હો અને તમારી પાસે પૂરતાં સંસાધનો ન હોય ત્યારે કમનસીબે બધું અશક્ય હોય છે.
મારી દીકરીના ફોટોગ્રાફ સાથેના ફ્લાયર્સ બનાવવામાં, તેને ચોંટાડવામાં અને તેનું વિતરણ કરવામાં મારા પાડોશીઓ સિવાયના બહુ ઓછા લોકોએ મને મદદ કરી હતી.
એક અઠવાડિયું પસાર થઈ ગયું. હું પહેલેથી જ બહુ ભયભીત હતી.
મને ખબર ન હતી કે શું કરવું અને ક્યાં જવું. મેં ચીસો પાડી, રડી, વિનંતીઓ કરી, પણ કોઈએ મારી વાત સાંભળી નહીં.
મારા પતિ ઈંટ બનાવવાનું કામ કરતા હતા અને હું ઘરકામ કરતી હતી. એ પછી જુઆનાને શોધવા માટે અમારું જીવન સમર્પિત કર્યું હતું.
એક વખત મારી મુલાકાત એ છોકરી સાથે થઈ હતી. એમની હાલત પણ મારા જેવી જ હતી.
તેઓ મને ચોરી જવાયેલા બાળકોને શોધવામાં મદદ કરતી સંસ્થામાં લઈ ગયાં હતાં.
હું અંદર પ્રવેશી ત્યારે સંસ્થાની બધી દિવાલો ચોરી જવાયેલા બાળકોના ફોટોગ્રાફ્સથી ઢંકાયેલી હતી.
તેને જોઈને મને વિચાર આવ્યો હતો કે આ બધું શું ચાલી રહ્યું છે? આટલાં બધાં બાળકોની ભાળ ન મળી હોય તો મારી દીકરીનું શું થશે?

ઇમેજ સ્રોત, MARCOS GONZÁLEZ / BBC
સમય પસાર થતો રહ્યો. મારી પુત્રી ગુમ થયાની કથા હું બધાને સતત કહેતી હતી. વધતી વય સાથે મારી દીકરી કેવી લાગતી હશે તેની કલ્પનાને આધારે ચિત્ર બનાવી શકે તેવા ચિત્રકારની શોધ મેં શરૂ કરી હતી.
મને એમ હતું કે સમય થંભી જાય, બધાનું જીવન થંભી જાય તો સારું, પરંતુ સમય અને જીવન સતત આગળ વધતા રહ્યા હતા.
બીજી તરફ મારાં અન્ય સંતાનો મોટાં થઈ રહ્યાં હતાં. જોકે, જુઆના ગુમ થઈ ત્યારથી હું તેમને કહેતી હતી કે ક્રિસમસ, કિંગ્ઝ બર્થડે કે મધર્સ ડે કોઈની ઉજવણી કરવાની નથી.
એ પછી તેઓ એવું કહેતાં કે તેઓ શાળાના ઉત્સવમાં ડાન્સ કરવાના છે, ત્યારે હું તેમને કહેતી કે કોઈએ જવાનું નથી.
તેઓ કહેતાં કે જે બન્યું એમાં તેમનો દોષ નથી. એમની વાત સાચી હતી. સદનસીબે, મારાં સંતાનોએ મારી પાસેથી ક્યારેય કશું માગ્યું ન હતું.
વર્ષો વીતવાં લાગ્યાં. મારી બીજી બે દીકરી પણ હતી, પરંતુ દર વર્ષે જુઆનાનો જન્મદિવસ આવે ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરતી કે જુઆના જ્યાં હોય ત્યાં સલામત રહે અને મને તેને ફરી મળવાની તક મળે.
સમયનું ચક્ર સતત ચાલી રહ્યું હતું, પરંતુ મેં જુઆનાને ફરી શોધી કાઢવાની આશા ક્યારેય છોડી ન હતી.
જુઆના મને કાયમ પૂછતી કે એ તેનું જીવન કેવું હશે? એ તેની બહેનો જેવી જ થશે? તેને સંતાનો થશે?
આ બધા સવાલો અનુત્તરિત હતા. આવી રીતે 20, 21, 22 વર્ષ પસાર થઈ ગયાં.
ઘણીવાર હું જુઆના જેવી દેખાતી છોકરીઓને, જેમણે જુઆનાના ગુમ થયાની જાહેરાત જોઈ હોય તેવા લોકોને મળવા, જુઆની મળી આવશે એવું વિચારીને જતી હતી.
મને અનેક છોકરીઓની કથા સાંભળવા મળી હતી, પણ એમાંથી એકેય જુઆના ન હતી.

પુનર્મિલન

ઇમેજ સ્રોત, MARCOS GONZÁLEZ / BBC
મારા પતિનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું.
હું બહુ બીમાર પડી ગઈ હતી. મારા પર ઑપરેશન કરવું પડ્યું હતું, પરંતુ એ દરમિયાન હું મારી એક દીકરીને પૂછતી કે જુઆનાના કોઈ સમાચાર મળ્યા?
તે જીવંત ન હોય તો તેની શોધ બંધ કરવી જોઈએ.
મેં મારી દીકરીને કહ્યું હતું કે મને જુઆના મળી નથી એટલે તમને મળે તેવી શક્યતા નથી.
એ કામ પડતું મૂકો અને તમારા જીવનમાં આગળ વધો.
જુઆનાના ગુમ થવાની વાતને તમારી ખુશી આડે આવવા દેશો નહીં. દુઃખ તથા પીડા મારાં છે અને હું તેને મારી જ સાથે લઈને જઈશ.
એ બધું ગંભીર હતું, પણ ભગવાનનો આભાર કે બધું સારું થયું.
11 જુલાઈએ મારી સર્જરી થઈ હતી અને પહેલી ઑગસ્ટે મને એક મેસેજ મળ્યો હતો.
એ મેસેજ કોઈએ પોતાના ગુમ થયેલા કુટુંબીજનો શોધી રહેલા પરિવારો માટેના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કર્યો હતો.
તેમાં લખ્યું હતું કે “હું જુઆના બર્નલ છું અને મારા જૈવિક માતા-પિતાને શોધી રહી છું.”
તેની અસર જોરદાર હતી. મને ખબર પડતી ન હતી કે શું કરવું.
હું રડવા લાગી. મારી એક દીકરીએ તેનો સંપર્ક કર્યો હતો અને તેને પૂછ્યું હતું કે તું જુઆના છે તેની ખબર તને કેવી રીતે પડી?

ઇમેજ સ્રોત, CORTESÍA
એ છોકરીએ જવાબ આપ્યો હતો કે “જે માણસ મને ઉઠાવી ગયો હતો તે મને એ નામે બોલાવતો હતો અને તે મને ચપુલ્ટેપેક જંગલમાં મળ્યો હતો.”
તેમણે ઍક્ચ્યુઅલ ફોટોગ્રાફ્સની આપ-લે કરી હતી અને મારી દીકરીએ મને તેના ફોટોગ્રાફ્સ દેખાડ્યા ત્યારે હું દિગ્મૂઢ થઈ ગઈ હતી.
હું જાણતી હતી કે તે જુઆના જ છે, કારણ કે તે મારી અન્ય દીકરીઓ જેવી જ લાગતી હતી. શંકાને કોઈ સ્થાન ન હતું.
થોડા દિવસો પહેલાં જ મારી સર્જરી થઈ હતી અને હું ઘરમાંથી નીકળી શકું તેમ ન હતી, પરંતુ મારાં સંતાનો જાહેરાતના ત્રણ દિવસ પછી જ તેને મળવાં પહોંચી ગયાં હતાં.
એ છોકરીએ મારાં સંતાનોને જણાવ્યું હતું કે તેને તેના પિતા અને બે ભાઈ હોવાનું યાદ છે.
સંતાનોએ મને જણાવ્યું હતું કે જુઆના મને મળવાં ઇચ્છે છે. મારા મન અને હૃદય બંનેએ હા પાડી, પરંતુ એવું કંઈક હતું તે મને શાંત રહેવા કહેતું હતું.
એ નર્વસ હતી, મને ખરાબ લાગતું હતું. એટલે કે હું મિશ્ર લાગણી અનુભવતી હતી, પરંતુ મેં તેને ઘરે આવવા જણાવ્યું હતું.
તેણે દરવાજો ખોલ્યો ત્યારે હું થંભી ગઈ હતી.
એ અંદર આવી અને 27 વર્ષ પછી મને આલિંગન આપ્યું.
તેણે મને જોઈને કહ્યું, “તમે જ મારી મમ્મી છો.” મેં કહ્યું, “ખરું. તું પણ મારી દીકરી જ છો. તને ફરી મળવાની તક આપવા બદલ આભાર.”

સંખ્યાબંધ સવાલ

ઇમેજ સ્રોત, CORTESÍA
એ પછી તેણે સંખ્યાબંધ સવાલો પૂછ્યા, “તમે મારી શોધ કેમ ન કરી?”
મેં કહ્યું, “એવું નથી. મેં તને શોધવાનું ક્યારેય બંધ કર્યું નથી તેના પુરાવા આ રહ્યા.”
મેં તેને એમ પણ પૂછ્યું હતું કે તેની સાથે શું થયું હતું અને તેણે અમને કેવી રીતે શોધી કાઢ્યા?
જુઆનાએ જણાવ્યું હતું કે એ દિવસે ચપુલ્ટેપેકમાં માતા-પિતાને વળગેલી રહી હતી અને તેણે છટકવાનો પ્રયાસ કર્યો ત્યારે માતાએ તેને ઊંચકી લીધી હતી.
જુઆના માને છે કે તે ઊંઘી ગઈ ત્યારે ભગવાન તેને લઈ ગયા હતા અને જાગી ત્યારે ત્રણ બાળકોવાળા એક અન્ય ઘરમાં હતી.
ઉઠાવી ગયેલા માણસે જુઆનાને કહ્યું હતું, “હવે આ તારા નાના ભાઈઓ છે.”
હું મારા પિતાને બહુ પ્રેમ કરું છું એવું જુઆનાએ જણાવ્યું ત્યારે પેલા માણસે કહ્યું હતું કે હું તારો પિતા બનીશ. એ પછી જુઆના રડવા લાગી હતી અને રડતી રહી હતી.
એ પછી 1992ની પહેલી ઑક્ટોબરે તે માણસે જુઆનાના જન્મની નોંધણી રોકિઆ નામ હેઠળ કરાવી હતી.
જુઆનાને જે દિવસે ઉઠાવી જવામાં આવી હતી એ જ દિવસ તથા વર્ષે તેની નોંધ કરાવવામાં આવી હતી.
જુઆના ટોલુકા શહેરમાં મોટા થયાં હતાં.
જુઆનાના જણાવ્યા મુજબ, તેઓ સાત વર્ષના થયાં ત્યારથી જ રાંધતા શીખી ગયાં હતાં. એ ઘરની મહિલા તેમને મારતી હતી.
પ્રાણીઓને ખવડાવવાની અને શાળાએ જતા પહેલાં સફાઈ કામની જવાબદારી જુઆનાની હતી તેઓ મિત્રો સાથે રમવા જતાં ન હતાં. તેમનું જીવન આવું હતું.
જુઆનાએ 17 વર્ષની વયે તે ઘર છોડી દીધું હતું અને લગ્ન કરી લીધાં ત્યાં સુધી તેની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો.
તેઓ જુઆના પરિવારની એક વ્યક્તિ હોય તેવો ડોળ કરતા હતા, પણ વાસ્તવમાં એવું ન હતું.
જુઆના જાણે કે શેરીમાંથી મળી આવી હોય એવું તેમનું વર્તન હતું.

ઇમેજ સ્રોત, FISCALÍA DE JUSTICIA DE CDMX
એક દિવસ જુઆનાએ તે મહિલાને પૂછ્યું હતું કે તમે મારાં મમ્મી નથી તો મારાં માતા કોણ છે? એ મહિલાએ જવાબ આપ્યો હતો કે તારાં માતા-પિતાએ તને ચપુલ્ટેપેકમાં ત્યજી દીધી હતી અને ત્યાંથી અમે તને અહીં લાવ્યાં છીએ. તારું સાચું નામ જુઆના બર્નેલ છે.
મારી દીકરીએ લગભગ આઠ વર્ષ પહેલાં ઇન્ટરનેટ પર સર્ચ કરી ત્યારે તેને તેના નામનો એક કેસ મળી આવ્યો હતો, પરંતુ કોનો સંપર્ક કરવો એ તે જાણતી ન હતી.
જુઆનાએ તે પોસ્ટમાં જોયું કે ફોટામાંની છોકરી તેના જેવી જ દેખાય છે.
તેથી તેણે પેલી મહિલાને આ વાત જણાવી હતી, પરંતુ એ મહિલાએ જુઆનાને જણાવ્યું હતું કે તને તારાં અસલી માતા-પિતા ક્યારેય મળવાના જ નથી, કારણ કે તેઓ તને સંતાન તરીકે ઇચ્છતા જ ન હતાં.
એ પછી જુઆનાએ તે મૅસેજ ફેમિલી સર્ચ પેજ પર મૂકવાનો નિર્ણય કર્યો હતો.
આમ મને ખબર પડી ગઈ હતી કે એ મારી દીકરી જુઆના જ છે, પરંતુ આનુવંશિક પરીક્ષણ ખૂટતું હતું.
એ મુશ્કેલ હતું તેની મને ખબર હતી, પણ જીવન આપણી સાથે ગડબડ કરી શકે અને પરિણામ કહી શકે કે એ છોકરી જુઆના નથી, બરાબર?
એક દિવસ અમે બન્ને સરકારી વકીલની ઑફિસે પહોંચ્યા હતાં અને તેમણે જેનેટિક પરીક્ષણનું પરિણામ વાંચવાનું શરૂ કર્યું હતું.
હું બહુ નર્વસ હતી. એ પછી સરકારી વકીલે જણાવ્યું હતું કે જેનેટિક પરીક્ષણનું પરિણામ 99.9 ટકા પૉઝિટિવ છે. એ બન્ને મા-દીકરી છે.
મેં મારી દીકરીને ગળે વળગાડી, તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, "આપનો આભાર. આટલાં વર્ષો સુધી તમારા કોઈ સગડ ન હતા, પરંતુ ભગવાને મને તમારી સાથે રહેવાની તક ફરી આપી છે."

એ પછીનું જીવન

ઇમેજ સ્રોત, MARCOS GONZÁLEZ / BBC
અમને પરિણામ મળ્યાના છ મહિના વીતી ગયા છે અને રોકિઓ (જુઆના) તથા મારી વચ્ચે બહુ સારો મનમેળ છે.
અમે ઘરમાં તેના વિશે વાત કરીએ છીએ ત્યારે આજે પણ તેનો ઉલ્લેખ જુઆના તરીકે કરીએ છીએ, પણ મારાં સંતાનો તેની સાથે વાત કરે છે ત્યારે તેને ચિઓ કહે છે.
સંબંધ જાળવી રાખવો સરળ નથી. એક દિવસ મેં જુઆનાને ગુમાવી હતી. મારે બહુ સહન કરવું પડ્યું એટલે મેં તેને ફરી શોધી કાઢી.
હું એમ નથી કહેતી કે અત્યારે મને પીડા નથી થતી, પણ એ મુશ્કેલ છે, કારણ કે હું તેને સંપૂર્ણપણે જાણતી નથી.
મારી ત્રણ વર્ષની દીકરી ગુમ થઈ ગઈ હતી અને હવે મને 30 વર્ષની મહિલા મળી આવી છે.
હું જુઆનાના જીવનના વચ્ચેના તબક્કામાં તેની સાથે ન હતી. એ તેના જીવનનો હિસ્સો છે, જે મારી પાસેથી ચોરી લેવામાં આવ્યો હતો.
આજે હું એ નથી જાણતી કે તેને શું ગમે છે? તેને શું જોઈએ છે?
જુઆનાનો જન્મદિવસ આવી રહ્યો છે અને મને ખબર નથી હું તેને શું આપું, કારણ કે હું તેને સંપૂર્ણપણે જાણતી નથી.
હું તેને જોઉં છું. ભેટું છું અને તેને ચુંબન કરું છું. અમે એકમેકને મૅસેજીસ મોકલીએ છીએ. હું લખું છું, “હાય, માય ગર્લ.” એ જવાબ આપે છે, “હેલ્લો મમ્મી, તમે કેમ છો?” બધું ધીમે ધીમે થશે એવું લાગે છે.
અમે આ ક્રિસમસ સાથે ઊજવી હતી. તેની તથા મારા બધા સંતાન સાથે અને બધા જ પૌત્ર-પૌત્રીઓ સાથે. જુઆનાને પણ બે સંતાન છે.
મારી ક્રિસમસ ખરેખર હેપ્પી હતી.
મારા પરિવારનો મુખ્ય હિસ્સો અમારી સાથે નથી અને એ મારા પતિ હતા.
મને ખબર છે કે તેઓ અમારી સાથે છે અને ખુશ છે, કારણ કે આખો પરિવાર ફરીથી જોડાઈ ગયો છે.
તેઓ આ દિવસ જોવા સુધી જીવતા રહ્યા હોત તો કેટલું સારું હતું. અમે વિચારીએ છીએ કે તેઓ સૌથી સુખી માણસ હોત.

ઇમેજ સ્રોત, FISCALÍA DE JUSTICIA DE CDMX
મારી દીકરીને ઉઠાવી ગયેલા માણસની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે તે જેલમાં છે.
મેં 27 વર્ષ પહેલાં કહ્યું હતું કે મારી દીકરીને ઉઠાવી ગયેલો માણસ મને મળશે તો હું તેની હત્યા કરીશ.
મારું હૈયું ચિરાઈ ગયું હતું. હવે હું તેમને રૂબરૂ મળી શકું છું.
મારું અંતરમન કહે છે, “ભગવાન, તેણે જે કર્યું તેના માટે હું તેને માફ કરું છું.”
તેણે મને નુકસાન પહોંચાડ્યું હતું. મારું જીવન ખેદાનમેદાન કરી નાખ્યું હતું, પરંતુ મારે માટે ભગવાન પ્રેમ છે.
એ ભગવાન બધાની સંભાળ લેશે તે ન્યાય છે.
તેમણે જે કુકર્મ કર્યું છે તેનું ફળ તેમણે ભોગવવું પડશે. ભગવાન કદાચ તેમને માફ કરશે.
એક માતા તરીકે અને એક મહિલા તરીકે આ મારું જીવન છે.
અત્યાર સુધી હું જીવવા ખાતર જીવતી હતી. હું કઠોર, આક્રમક મહિલા બની ગઈ હતી.
મારાં અન્ય સંતાનો સાથે પણ મારું વર્તન કઠોર હતું, કારણ કે તમામ બાબતોમાં મારું વલણ રક્ષણાત્મક હતું.
હું તેમને હંમેશાં કહેતી રહી છું કે હું કહું ત્યાં જ રહેવાનું, જરાય આઘુંપાછું થવાનું નહીં.
તેઓ મારી વાત ન માને તો હું તેમની ધૂળ કાઢી નાખું.
એ ક્ષણોમાં મેં શું અનુભવ્યું હશે તેની કલ્પના તમે કરી શકો? એ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે.
મારી દીકરી ક્યારેય મળી આવશે એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું.
હું એવું વિચારતી હતી કે હું તેને કાયમ માટે ગુમાવી ચૂકી છું.
કમનસીબે બધા એકસરખા સદભાગી હોતા નથી. આજે પણ એવા અસંખ્ય બાળકો છે, જેમનું તેમનાં અસલી માતા-પિતા સાથે પુનર્મિલન થયું નથી.
મેં જેવી પીડા ભોગવી છે તેવી પીડા ભોગવતી તમામ માતાઓને તેમનાં ગુમ થયેલાં સંતાન સાથે પુનર્મિલનની તક ભગવાન આપશે, તેવી મને આશા છે, કારણ કે તમારા પ્રિયજનની કોઈ ભાળ ન મળે ત્યારે જિંદગી મોત જેવી બની જાય છે.
હવે હું ખુશ છું અને ઈશ્વરના આશીર્વાદ પામી છું.
મારી દીકરી સાથેનો ખોવાયેલો સમય તો પાછો નહીં મળે, પણ અત્યારે જીવવું પડશે અને ક્ષણેક્ષણનો આનંદ માણવો પડશે.
જીવન એટલું ટૂંકું છે કે આવતીકાલે શું થશે તે આપણે જાણતા નથી...આપણે આનંદપૂર્વક જીવવું જોઈએ.














