વિયેતનામ યુદ્ધ : વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા જ્યારે એક ગરીબ દેશ સામે ઘૂંટણિયે પડી ગયો

સૈનિકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, માર્ક શે
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા નિર્વિવાદ રીતે વિશ્વની સૌથી અગ્રણી આર્થિક શક્તિ બની ગયું હતું અને ખુદના સૈન્યને એટલું જ શક્તિશાળી ગણવા લાગ્યું હતું.

લગભગ આઠ વર્ષના યુદ્ધમાં અખૂટ ધન અને સૈન્ય સંસાધનોના ઉપયોગ કરવા છતાં અમેરિકાએ ઉત્તર વિયેતનામના સૈન્ય અને તેના ગેરીલા સહયોગી વિયતકાંગ સામે માઠી હારનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકન સૈનિકો 1973ની 29 માર્ચે પાછા ફર્યાની પચાસમી વર્ષગાંઠે અમે બે નિષ્ણાતો અને શિક્ષણવિદોને સવાલ કર્યો હતો કે અમેરિકા આખરે એ યુદ્ધ હાર્યું શા માટે?

એ સમયે શીતયુદ્ધ તેના ચરમ પર હતું અને સામ્યવાદી તથા મૂડીવાદી વૈશ્વિક શક્તિઓ એકમેકની વિરુદ્ધમા હતી, આમને-સામને હતી.

બીજા વિશ્વયુદ્ધને કારણે ફ્રાન્સ લગભગ દેવાળિયું થઈ ગયું હતું અને ઇન્ડોચાઇના ક્ષેત્રમાં પોતાની કૉલોનીને બચાવી શક્યું નહોતું. એક શાંતિ સંમેલનમાં વિયેતનામનું વિભાજન થઈ ગયું હતું. ઉત્તરમાં સામ્યવાદી અને દક્ષિણમાં અમેરિકા સમર્થિત સરકાર રચાઈ હતી.

જોકે, ફ્રાન્સની હાર પછી પણ વિયેતનામમાં લડાઈ અટકી નહોતી. આખું વિયેતનામ અને તેના પાડોશી દેશો સામ્યવાદી ન થઈ જાય એ ડરને કારણે સંઘર્ષ ચાલુ રહ્યો હતો. એ ડર અમેરિકાને એક એવા યુદ્ધમાં ખેંચી ગયો હતો, જે એક દાયકા સુધી ચાલ્યું હતું અને તેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા.

સવાલ એ છે કે વિશ્વનું સૌથી વધુ શક્તિશાળી લશ્કર, વિદ્રોહીઓ અને દક્ષિણ-પૂર્વ એશિયાના ગરીબ દેશ સામે ઘૂંટણિયે કેમ પડી ગયું?

અહીં બે નિષ્ણાતો સામાન્ય રીતે સૌથી વધુ જાણીતાં કારણો પર પ્રકાશ ફેંકે છે.

ગ્રે લાઇન

બહુ વિશાળ મિશન હતું

સૈનિકની તસવીર

ઇમેજ સ્રોત, CORBIS VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વિયેતનામમાં યુદ્ધ તીવ્ર સ્તરે હતું ત્યારે અમેરિકાએ 5 લાખથી વધુ સૈનિકોને ત્યાં ખડકી દીધા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દુનિયાના બીજા છેડે યુદ્ધ લડવાનું નિશ્ચિત રીતે એક બહુ જ મોટો ઍક્શન-પ્લાન હતો. યુદ્ધ તેના ચરમ પર હતું ત્યારે અમેરિકાના પાંચ લાખથી વધુ સૈનિકો વિયેતનામમાં હતા.

આ યુદ્ધનો ખર્ચ પણ આશ્ચર્યજનક હતો. અમેરિકન સંસદમાં 2008માં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે યુદ્ધમાં લગભગ 686 અબજ ડૉલરનો ખર્ચ થયો હતો, જે આજના હિસાબે 950 અબજ ડૉલરથી વધારે છે.

અલબત, એ પહેલાં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં તેનાથી ચાર ગણો ખર્ચ કર્યો હતો અને જીત્યું હતું. તેના થોડા જ સમય પહેલાં તે કોરિયા જેવા દૂરના દેશમાં યુદ્ધ લડ્યું હતું. તેથી તેનામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો.

બ્રિટનની સેન્ટ ઍન્ડ્રયુઝ યુનિવર્સિટીમાં અમેરિકાની વિદેશ તથા સંરક્ષણનીતિના નિષ્ણાત ડૉ. લ્યુક મિડડુપના જણાવ્યા મુજબ, યુદ્ધની શરૂઆતનાં વર્ષોમાં દેખીતી રીતે આશાવાદી ભાવના હતી.

બીબીસી સાથેની વાચતીતમાં ડૉ. મિડડુપે કહ્યું હતું કે “અનેક બાબતોમાં આ પણ એક વિચિત્ર બાબત હતી, જે વિયેતનામના સમગ્ર યુદ્ધમાં યથાવત્ રહી હતી. અમેરિકા અનેક સમસ્યાઓથી વાકેફ હતું. અમેરિકન સૈન્ય એવા માહોલમાં કામ કરી શકશે કે કેમ એ બાબતે પહેલાં આશંકા હતી. તેમ છતાં 1968 સુધી અમેરિકન સરકારને ખાતરી હતી કે અંતે વિજય તેમનો જ થશે.”

એ દૃઢ વિશ્વાસ ઝડપથી નબળો પડવા લાગ્યો હતો. ખાસ કરીને જાન્યુઆરી, 1968માં કમ્યુનિસ્ટ સ્ટેટના આક્રમણથી ભારે નુકસાન થયું અને આખરે યુદ્ધના ખર્ચ માટે કૉંગ્રેસના ટેકાના અભાવે 1973માં અમેરિકાના સૈનિકોને પાછા બોલાવી લેવાની ફરજ પડી હતી.

જોકે, ડૉ. મિડડુપે સવાલ કર્યો હતો કે અમેરિકાના લડાયક સૈનિકોએ વિયેતનામમાં રહેવું જરૂરી હતું? આવો જ સવાલ બીજા નિષ્ણાત અને અમેરિકાની ઑરેગોન યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાન વિભાગના વડા પ્રોફેસર તુઓંગ વુનો પણ છે.

ગ્રે લાઇન

અમેરિકન સૈન્ય માટે આવી લડાઈ અયોગ્ય હતી

સૈનિકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બંને દેશો માટે યુદ્ધ સમયે વિયેતનામના કેટલાક વિસ્તારોના ગાઢ જંગલો મોટી સમસ્યા બન્યા હતા

હોલીવૂડની ફિલ્મોમાં અમેરિકન સૈનિકોને જંગલના વાતાવરણમાં સંઘર્ષ કરતા દેખાડવામાં આવે છે, પરંતુ વિયતકાંગના વિદ્રોહીઓ અચાનક હુમલા માટે ગાઢ ઝાડીઓમાંથી પણ ચતુરાઈથી રસ્તો શોધી લેતા હતા.

ડૉ. મિડડુપે કહ્યું હતું કે “કોઈ પણ વિશાળ સેનાએ આવા વાતાવરણમાં લડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. એ વાતાવરણમાં લડવાનો આદેશ અમેરિકન સૈનિકોને આપવામાં આવતો હતો. દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી ગાઢ જંગલ આ પ્રદેશમાં જોવા મળે છે.”

બન્ને પક્ષ વચ્ચેની ક્ષમતામાં થોડું કે વધારે અંતર હોઈ શકે છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે “ઉત્તર વિયેતનામનું લશ્કર અને વિયતકાંગ લડવૈયાઓ જે પરિસ્થિતિથી ટેવાયેલા હતા એ પરિસ્થિતિમાં અમેરિકન સૈન્ય કામ કરી શકે તેમ ન હતું એવું માનવામાં આવે છે, જે વાસ્તવમાં સાચું નથી. ઉત્તર વિયેતનામના લશ્કર અને વિયતકાંગના લડવૈયાઓએ પણ એ પરિસ્થિતિમાં બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો.”

ડૉ. મિડડુપના જણાવ્યા મુજબ, વિદ્રોહીઓ પોતાની લડાઈનો સમય તથા જગ્યા નક્કી કરી શકતા હતા અને તેઓ લાઓસ તથા કંબોડિયામાં સીમા પાર જવામાં સક્ષમ હતા, જ્યાં પીછો કરતા અમેરિકન સૈન્યને જવાની પરવાનગી ન હતી. આ વાત વધારે મહત્ત્વની છે.

પ્રોફેસર તુઓંગ વુ માને છે કે અમેરિકાનું ધ્યાન વિયતકાંગ ગેરીલાઓ સામે લડવા પર કેન્દ્રીત હતું. તેને કારણે તેની હાર થઈ હતી.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે “દક્ષિણના વિસ્તારમાં વિદ્રોહીઓ સાઈગોનને હરાવી શકે તેમ ન હતા.”

બીબીસી ગુજરાતી

અમેરિકા ઘરમાં જ યુદ્ધ હાર્યું

લોકો

ઇમેજ સ્રોત, CORBIS VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, યુદ્ધવિરોધી પ્રદર્શનોમાં ઘણા પ્રદર્શનકારીઓ જોડાયા હતા

અભૂતપૂર્વ મીડિયા કવરેજને કારણે આ યુદ્ધને ઘણીવાર ‘પહેલું ટેલિવિઝન યુદ્ધ’ કહેવામાં આવે છે.

અમેરિકન આર્કાઇવ્ઝનું અનુમાન છે કે 1966 સુધી 93 ટકા અમેરિકન પરિવારો પાસે ટેલિવિઝન સેટ હતા અને તેઓ જે ફૂટેજ નિહાળતા હતા તે ઓછાં સેન્સર થયેલાં હતાં અને તેની સરખામણી અગાઉના યુદ્ધ સાથે કરવામાં આવે છે.

પાનખર દરમિયાન સાઈગોન પરના હુમલામાં અમેરિકન રાજદૂતાવાસ પરિસરની આસપાસની લડાઈનું ફૂટેજ આટલું શક્તિશાળી હોવાનું કારણ એ છે.

વિયતકાંગ લડવૈયાઓએ તે યુદ્ધને દક્ષિણી સરકારના ઘરની સાથે અમેરિકન જનતાના બેડરૂમ સુધી લાવી દીધું હોવાનું દર્શકોએ બહુ નજીકથી અને રિયલ ટાઈમમાં નિહાળ્યું હતું, પરંતુ 1968 પછી ટીવી કવરેજ સામાન્ય રીતે યુદ્ધ માટે પ્રતિકૂળ સાબિત થયું હતું. અખબારોમાં અને ટીવી પર નિર્દોષ નાગરિકોનાં મોતના, ઘાયલ થવાના તેમજ તેમના પરના અત્યાચારના ફોટોગ્રાફ્સ પ્રકાશિત કરવામાં આવતા હતા.

એ ફોટોગ્રાફ્સથી અમેરિકન નાગરિકો વિચલિત થઈ ગયા હતા અને યુદ્ધનો વિરોધ કરવા લાગ્યા હતા. સમગ્ર દેશમાં યુદ્ધવિરોધી આંદોલન ફૂટી નીકળ્યાં હતાં.

1970ની ચોથી મેએ ઓહાયોમાં શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન કરી રહેલા કેન્ટ સ્ટેટ યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓને નેશનલ ગાર્ડ્સમેને ઠાર કર્યા હતા. તે ‘કેન્ટ સરકાર નરસંહાર’ને કારણે વધારે લોકો યુદ્ધનો વિરોધ કરવા લાગ્યા હતા.

લશ્કરી સેવા માટે ફરજિયાત ભરતીની સરકારની નીતિ લોકોને પસંદ નહોતી અને તેની જનતાના મનોબળ પર નકારાત્મક અસર થઈ હતી. એ ઉપરાંત વિયેતનામથી મોકલવામાં આવતી અમેરિકન સૈનિકોની શબપેટીઓએ પણ આવી જ અસર કરી હતી. એ યુદ્ધમાં 58,000 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા અથવા ગુમ થઈ ગયા હતા.

પ્રોફેસર તુઓંગ વુએ જણાવ્યું હતું કે ઉત્તર વિયેતનામમાં સૈનિકો માટે તે ફાયદાની વાત હતી. તેમને બહુ મોટું નુકસાન જરૂર થયું હતું. તેમની અધિનાયકવાદી સરકારનું મીડિયા પર સંપૂર્ણ નિયંત્રણ હતું અને માહિતી પર એકાધિકાર હતો.

તેમણે કહ્યું હતું કે “અમેરિકા અને દક્ષિણ વિયેતનામમાં લોકોના અભિપ્રાયને એટલી હદે મનગમતો આકાર આપવાની ક્ષમતા તથા ઇચ્છા ન હતી, જેટલું કમ્યુનિસ્ટ કરી શકતા હતા. તેમણે સરહદ બંધ કરી દીધી હતી અને અસંતોષને દબાવી દીધો હતો. જે લોકો યુદ્ધ સાથે અસહમત હતા તેમને જેલમાં ગોંધી દીધા હતા.”

બીબીસી ગુજરાતી

અમેરિકા દક્ષિણ વિયેતનામમાં લોકોનાં દિલ જીતી ન શક્યું

પ્રદર્શનની તસવીર

ઇમેજ સ્રોત, CORBIS VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સત્તાધિશો અને પ્રદર્શનકારીઓ વચ્ચે વારંવાર અથડામણો થઈ

આ એક અત્યંત ક્રૂર સંઘર્ષ હતો, જેમાં અમેરિકાએ અનેક ભયાનક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. તેમાં નાપામ તથા એજન્ટ ઑરેંજનો ઉપયોગ સમાવિષ્ટ છે.

નાપામ એક જ્વલનશીલ પેટ્રોકેમિકલ પદાર્થ હોય છે, જે 2,700 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર સળગે છે અને જે ચીજના સંપર્કમાં આવે તેને ચોંટી જાય છે.

એજન્ટ ઑરેંજ એક એવું રસાયણ હતું, જેનો ઉપયોગ જંગલને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ તેને લીધે વિયેતનામનાં ખેતરોમાં ઊભો પાક નાશ પામ્યો હતો અને એ કારણે સ્થાનિક લોકોએ ભૂખમરાનો સામનો કરવો પડ્યો હતો.

આ બન્નેના ઉપયોગથી વિયેતનામની ગ્રામ્ય જનતાના મનમાં અમેરિકાની નકારાત્મક છાપ ગાઢ થઈ હતી.

અમેરિકાના સર્ચ ઍન્ડ ડિસ્ટ્રોય ઑપરેશનમાં અનેક નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા. તેમાં 1968ના માઈ લાઈ નરસંહારનો સમાવેશ થાય છે. તેમાં અમેરિકન સૈનિકોએ વિયેતનામના સેંકડો નાગરિકોની હત્યા કરી હતી.

સામાન્ય નાગરિકોના મોતને કારણે સ્થાનિક વસ્તી લગભગ વિખૂટી પડી ગઈ હતી. આ લોકો વાસ્તવમાં વિયત કોન્ગને સમર્થન આપવાની તરફેણમાં ન હતા.

ડૉ. મિડડુપે કહ્યું હતું કે “દક્ષિણ વિયેતનામના મોટા ભાગના લોકો ડાબેરીઓને સમર્પિત ન હતા. આ લોકો કોઈને કોઈ રીતે પોતાનું જીવન આગળ ધપાવીને યુદ્ધથી બચવા ઇચ્છતા હતા.”

પ્રોફેસર વુ માને છે કે અમેરિકા સામાન્ય લોકોનાં દિલ અને દિમાગમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે “સામાન્ય લોકોને રાજી કરવાનું વિદેશી સૈન્ય માટે કાયમ મુશ્કેલ હોય છે. વિદેશી સૈન્ય સામાન્ય લોકોના પ્રેમને પાત્ર ન બને એવો વિચાર પણ સ્વાભાવિક છે.”

બીબીસી ગુજરાતી

ડાબેરીઓનું ઊંચુ મનોબળ

સૈનિકોની તસવીર

ઇમેજ સ્રોત, CORBIS VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, શંકમંદ વિયેત કૉંગની ધરપકડ થઈ હતી. પ્રો. વુ અનુસાર ત્રીજા ભાજગની દક્ષિણી વસ્તી સામ્યવાદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી છે.

ડૉ. મિડડુપ માને છે કે દક્ષિણ વિયેતનામ દ્વારા યુદ્ધ માટે ભરતી કરવામાં આવેલા લોકોની સરખામણીએ ડાબેરી જૂથો માટે લડતા લોકો યુદ્ધ જીતવા પ્રત્યે વધારે સમર્પિત હતા.

તેમણે કહ્યું હતું કે “અમેરિકાએ સંખ્યાબંધ ડાબેરી કેદીઓની આકરી પૂછપરછ કરી હોવાનું અમેરિકા દ્વારા યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યા અભ્યાસમાં બહાર આવ્યું છે. અમેરિકાના સંરક્ષણ વિભાગ ઉપરાંત અમેરિકન સૈન્ય સાથે જોડાયેલી થિંક ટેન્ક રેંડ કૉર્પોરેશન આ અભ્યાસ દ્વારા એ જાણવા માગતી હતી કે ઉત્તર વિયેતનામના લોકોએ અને વિયત કોન્ગના લોકોએ સંઘર્ષ શા માટે કર્યો હતો. તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે ઉત્તર વિયેતનામના લોકો માનતા હતા કે તેઓ જે કામ કરી રહ્યા છે તે દેશભક્તિ છે. તેને કારણે દેશ એક સરકાર હેઠળ ફરી એક થયો હતો.”

ડાબેરીઓએ તેમના સૈનિકો મોટા પ્રમાણમાં માર્યા ગયા હોવા છતાં પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો, જે તેમના મજબૂત મનોબળનો પુરાવો છે.

અમેરિકન નેતૃત્વ એ યુદ્ધમાં વધુમાં વધુ સૈનિકોની હત્યા કરવા કટિબદ્ધ હતું. અમેરિકન નેતૃત્વ માનતું હતું કે તેઓ તેમના દુશ્મનોને ઝડપથી ખતમ કરી નાખશે તો ડાબેરીઓનું મનોબળ તૂટી જશે.

આ યુદ્ધમાં ઉત્તર વિયેતનામ અને વિયત કોન્ગના 11 લાખ લડવૈયાઓ માર્યા ગયા હતા. એ પછી પણ ડાબેરીઓ છેલ્લે સુધી યુદ્ધ લડતા રહ્યા હતા.

ઉત્તર વિયેતનામનું મનોબળ મજબૂત હતું કે નહીં એ બાબતે પ્રોફેસર વૂને ખાતરી નથી, પરંતુ તેઓ એવું માને છે કે ઉત્તર વિયેતનામના સૈનિકોના દિમાગમાં જે વાતો ભરવામાં આવી હતી તેને કારણે તેઓ વધારે ખતરનાક બની ગયા હતા.

તેમણે કહ્યું હતું કે “તેઓ લોકોને આ ઉદ્દેશની ખાતરી કરાવવામાં સફળ થયા હતા. દુષ્પ્રચાર અને પોતાની શિક્ષણ વ્યવસ્થા વડે તેઓ તેમના લોકોને બંદૂકની ગોળી જેટલા ઘાતક બનાવી શક્યા હતા.”

બીબીસી ગુજરાતી

દક્ષિણ વિયેતનામની બિન-લોકપ્રિય અને ભ્રષ્ટ સરકાર

સૈનિકો

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સામ્યવાદી સૈન્ય દક્ષિણી વિયેતનામ આર્મી અને સાથી આર્મી કરતા વધુ પ્રોત્સાહિત ગણવામાં આવી હતી.

ડૉ. મિડડુપ માને છે કે દક્ષિણ વિયેતનામ સામે સૌથી મોટી સમસ્યા ઓછી ભરોસાપાત્રતા અને ભૂતપૂર્વ વસાહતી દેશ સાથેનો સંબંધ હતી.

તેમણે કહ્યું હતું કે “ઉત્તર અને દક્ષિણ વિયેતનામ વચ્ચેના ભાગલા કાયમ કૃત્રિમ હતા. એ ભાગલા શીતયુદ્ધને કારણે પડ્યા હતા. વિયેતનામના બે ભાગ પાડવા માટે કોઈ સાંસ્કૃતિક, વંશીય કે ભાષાનું કોઈ કારણ ન હતું.”

તેઓ માને છે કે દક્ષિણ વિયેતનામમાં રહેતા લોકો પૈકીના મોટા ભાગના ખ્રિસ્તી ધર્મને અનુસરતા હતા. જોકે, વિયેતનામના કુલ વસ્તીમાં આ સમૂહનો હિસ્સો માત્ર 10-15 ટકા હતો.

ઉત્તર વિયેતનામના ઘણા લોકો તેમની સામે પગલાં લેવાશે એવા ડરથી દક્ષિણ વિયેતનામ ભાગી ગયા હતા. તેને લીધે દક્ષિણ વિયેતનામના રાજકારણમાં ‘ક્રિટિકલ માસ’ની સ્થિતિ સર્જાઈ હતી.

સમાજશાસ્ત્રમાં ક્રિટિકલ માસ એટલે એવી સ્થિતિ, જેમાં કોઈ ખાસ ક્ષેત્રમાં મોટા ભાગના લોકો એક પ્રકારની વિચારધારામાં વિશ્વાસ કરતા હોવાથી તે વિચાર વાસ્તવમાં આકાર પામવા લાગે છે.

દક્ષિણ વિયેતનામના પહેલા રાષ્ટ્રપતિ એંગો દિન્હ દિએમના અમેરિકામાં શક્તિશાળી કેથલિક દોસ્ત હતા. તેમાં અમેરિકાના પ્રમુખ જ્હૉન એફ. કૅનેડીનો પણ સમાવેશ થતો હતો.

ડૉ. મિડડુપે કહ્યુ હતું કે “ધાર્મિક લઘુમતી સમૂહના પ્રભુત્વને લીધે દક્ષિણ વિયેતનામ સરકાર મોટા ભાગના નાગરિકોમાં બિન-લોકપ્રિય બની ગઈ હતી. તેઓ બૌદ્ધ ધર્મને અનુસરતા હતા.”

તેઓ માને છે કે આ કારણસર દક્ષિણ વિયેતનામ સરકાર સમક્ષ કાયદેસરતાનું સંકટ સર્જાયું હતું, કારણ કે વિયેતનામના મોટા ભાગના લોકો આ સરકારને એક વિદેશી સરકાર માનતા હતા, જે ફ્રાન્સના રાજના વારસા જેવી હતી અને મોટા ભાગના કેથલિક લોકો ફ્રાન્સ તરફથી યુદ્ધ લડ્યા હતા.

ડૉ. મિડડુપે કહ્યું હતું કે “અમેરિકાના પાંચ લાખ સૈનિકોની હાજરી, દક્ષિણ વિયેતનામ સરકાર દરેક રીતે વિદેશીઓ પર નિર્ભર હતા એ હકીકતને રેખાંકિત કરે છે. દક્ષિણ વિયેતનામનું રાજકીય સપનું એવું ક્યારેય ન હતું કે જેના માટે લડવા વધુ લોકોને તૈયાર કરી શકાય.”

તેમના જણાવ્યા મુજબ, આ સંદર્ભે સવાલ થાય છે કે પહેલેથી અત્યંત ભ્રષ્ટાચારી સરકારને ટેકો આપવા માટે અમેરિકન સૈનિકોને મોકલવા જરૂરી હતા?

તેમણે કહ્યું હતું કે “રિપબ્લિક ઑફ વિયેતનામ પ્રારંભથી અંત સુધી અત્યંત ભ્રષ્ટ દેશ હતો, જ્યાં 1960થી 1975 દરમિયાન અમેરિકાએ મોકલેલી જંગી આર્થિક મદદને લીધે ભ્રષ્ટાચાર નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. તેનાથી દક્ષિણ વિયેતનામનું અર્થતંત્ર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. તેનો અર્થ એ હતો કે સૈન્ય હોય કે નાગરિક સરકાર, લાંચ આપ્યા વગર કશું મેળવવાનું શક્ય ન હતું.”

ડૉ. મિડડુપ માને છે કે આ બાબતની સશસ્ત્ર દળો પર ગંભીર અસર થઈ હતી.

તેમણે કહ્યું હતું કે “આ કારણે અમેરિકા દક્ષિણ વિયેતનામમાં ક્યારેય સક્ષમ તથા ભરોસાપાત્ર સૈન્ય તૈયાર કરી શક્યું ન હતું. તેથી આમ થવું નક્કી જ હતું અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રિચર્ડ નિકસને કહ્યું પણ હતું કે અમેરિકન સૈનિકો ભવિષ્યમાં વિયેતનામમાંથી રવાના થશે ત્યારે દક્ષિણ વિયેતનામ ખતમ થઈ જશે.”

બીબીસી ગુજરાતી

અમેરિકા અને દક્ષિણ વિયેતનામની મજબૂરી

સૈનિકો

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સને ધાર્યું હતું કે દક્ષિણ વિયેતનામ અમેરિકી લશ્કરની વિદાય પછી ભાંગી પડશે

પ્રોફેસર વુ માને છે કે દક્ષિણ વિયેતનામ સરકારની હાર નિશ્ચિત ન હતી અને અમેરિકન નિષ્ણાતો વિયેતનામ સંદર્ભે કારણો શોધે છે.

તેમણે કહ્યું હતું કે “તેઓ આ નુકસાન માટે કોઈને આરોપી સાબિત કરવા ઇચ્છે છે અને દક્ષિણ વિયેતનામને આરોપી સાબિત કરવાનું સૌથી આસાન છે.”

તેમણે એવું પણ જણાવ્યુ હતું કે અમેરિકાના રિપોર્ટ્સમાં કેથલિક ધર્મનું પાલન કરતા લોકોના ભ્રષ્ટાચાર તથા સગાવાદની જોરદાર ઝાટકણી કાઢવામાં આવી છે.

આ સંદર્ભે દલીલ કરતાં તેમણે કહ્યું હતું કે “ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે હતું, પરંતુ એટલું જંગી ન હતું કે તે યુદ્ધનું કારણ બની જાય. ભ્રષ્ટાચારે અનેક નબળાઈ અને નબળા સૈન્ય એકમોને જન્મ આપ્યો હતો, પરંતુ વ્યાપક રીતે જોઈએ તો દક્ષિણ વિયેતનામનું સૈન્ય ઘણી સારી રીતે લડ્યું હતું.”

બીજી તરફ પ્રોફેસર વુ માને છે કે દક્ષિણ વિયેતનામનું સૈન્ય પોતાની ક્ષમતા અનુસાર અને અમેરિકાના હથિયાર તથા પૈસા વડે યુદ્ધ લડ્યું હોત તો સારું હતું. આ યુદ્ધમાં દક્ષિણ વિયેતનામ સૈન્યના બેથી અઢી લાખ સૈનિકો માર્યા ગયા હતા.

તેમને જણાવ્યા મુજબ, ઉત્તર વિયેતનામની લાંબા સમય સુધી યુદ્ધમાં ટકી રહેવાની ક્ષમતાએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. દક્ષિણ વિયેતનામની ઉદારવાદી સરકાર લાંબો સમય ટકી શકી ન હતી.

રાજકીય માળખું જ એવું હતું કે લોકોને યુદ્ધમાં ભરોસો હતો, પરંતુ તેમને મૃતકોની સંખ્યા બાબતે ખાસ કંઈ ખબર ન હતી.

પ્રોફેસર વુએ કહ્યું હતું કે “જે રીતે ડાબેરીઓ લોકમતને ધાર્યો આકાર આપવામાં સફળ થયા એ રીતે અમેરિકા તથા દક્ષિણ વિયેતનામ સફળ થયા ન હતા. મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હોવા છતાં તેઓ નવા સૈનિકો ઊભા કરી શક્યા હતા. તેનો અર્થ એ થાય કે ઉત્તર પાસે આત્મઘાતી હુમલા કરવાની સુવિધા હતી, પરંતુ દક્ષિણ પાસે ન હતી.”

તેમણે ઉમેર્યું હતું કે ઉત્તર વિયેતનામને સોવિયેટ સંઘ અને ચીન તરફથી પૂરતા પ્રમાણમાં આર્થિક મદદ તથા સૈન્ય સમર્થન મળતું રહ્યું હતું. તેનો સામનો દક્ષિણ વિયેતનામે કરવો પડ્યો હતો.

રેડ લાઇન
લાઇન