રાત દિવસ મોબાઈલ ફોનમાં મસ્ત રહેવાના વળગણથી છુટકારો કેવી રીતે મેળવશો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સોફિયા ઍપસ્ટીન
- પદ, બીબીસી ન્યૂઝ
આ વર્ષે ફેબ્રુઆરીમાં અહેવાલ આવ્યા કે સેલ્સફોર્સના સીઈઓ માર્ક બેનિઑફ 'ડિજિટલ ડિટૉક્સ' પર ચાલ્યા ગયા.
તેમણે ફ્રાન્સના પોલિનેસિયન રિસૉર્ટમાં 10 ટેક્નૉલૉજી-ફ્રી દિવસો માણ્યા. કેટલાક લોકો પોતાનાં મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સથી દૂર રહેવાનો (ડિજિટલ ડિટૉક્સનો) પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કરી શકે છે પણ મોટાભાગના લોકો માટે આ લગભગ અશક્ય છે.
ડિજિટલ ડિટૉક્સનો અર્થ એ છે કે ટેક્નૉલૉજીથી સંપૂર્ણ રીતે દૂર રહેવું. એટલે કે થોડાક દિવસો માટે તમે સ્ક્રીનથી સંપૂર્ણપણે દૂર રહેશો.
આમ કરવા પાછળનો હેતુ લોકોમાં તણાવ, ચિંતા ઘટાડીને તેમને વાસ્તવિક દુનિયા સાથે જોડવા. જોકે, ટેક્નૉલૉજીથી દૂર રહેવા દરમિયાન થનારા ફાયદા વૈજ્ઞાનિક ઢબે સાબિત થઈ શક્યા નથી. પણ ડિજિટલ ડિટૉક્સિંગ એક મોટો પડકાર બની રહ્યો છે.
પણ 2012થી આ પડકારનો સામનો કરવો વધુ મુશ્કેલ થઈ ગયો છે. એ જ વર્ષે સંશોધકોએ પ્રથમ વખત 'ડિજિટલ ડિટૉક્સ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.
ત્યાર સુધી સ્ક્રીનનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું હતું. જોકે ઍપ્લિકેશનના નવા વર્ઝન અને સોશિયલ મીડિયા ત્યારે પ્રારંભિક તબક્કામાં હતું.
જેથી ડિજિટલ ડિટૉક્સિંગનો પડકાર ઝીલવો આજની સરખામણીએ સરળ હતો. હાલમાં પોતાનું જીવન ટેક્નૉલૉજીથી અળગું કરવું લગભગ અશક્ય થઈ ગયું છે.
આજે આપણે પૈસા ચૂકવવા પણ ફોનનો ઉપયોગ કરીએ છીએ. કૉમ્પ્યુટર અને ટૅબ્લેટથી કામ કરીએ છીએ અને ઍપ્લિકેશનો દ્વારા પોતાના સંબંધો સાચવીએ છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોના મહામારી બાદ આપણા જીવનમાં ટેક્નૉલૉજીએ વધુ ઘૂસણખોરી કરી લીધી છે.

મોબાઈલ ફોન અને સ્ક્રીનથી દૂર રહેવાની શરૂઆત ક્યાંથી કરવી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જો તમે વર્ષ 2023માં ડિજિટલ ડિટૉક્સિંગ કરવા માગતા હો તો ક્યાંથી શરૂઆત કરવી?
કેટલાક દિવસો માટે ફોનથી દૂર રહેવા જેવા ઉપાયોને છોડી દઈએ તો હાલના દિવસોમાં મોટાભાગના લોકો માટે ડિજિટલ ડિટૉક્સિંગ શક્ય નથી.
અમેરિકાના સિઍટલમાં રહેતા સ્ક્રીન ટાઇમ મૅનેજમેન્ટના વિશેષજ્ઞ કન્સલ્ટન્ટ ઍમિલી ચેરકિન કહે છે, "ટેક્નૉલૉજી હવે આપણા જીવનમાં સંપૂર્ણપણે પ્રવેશી ચૂકી છે. આપણે ઍપ્લિકેશન મારફતે બૅન્કિંગ કરીએ છીએ, રૅસ્ટોરાંમાં મેનુ વાંચીએ છીએ અને સ્ક્રીન પર દર્શાવેલી સૂચનાઓ જોઈને એક્સર્સાઇઝ કરીએ છીએ."
તેઓ કહે છે, "ટેક્નૉલૉજી આપણા જીવનમાં એ હદ સુધી ગૂંથાયેલી છે કે જો એક અઠવાડિયા માટે પણ ફોનથી મુક્ત થવાની વાત કરવી એ ડિજિટલ ડિટૉક્સિંગમાં નિષ્ફળતા તરફ વધવા જેવું છે."
સ્ક્રીન, સ્ક્રીન અને સ્ક્રીન
કોરોના મહામારી દરમિયાન લોકો સ્ક્રીન સમક્ષ વધારે સમય વીતાવવા લાગ્યા. લોકોનો સ્ક્રીન ટાઇમ ઘણો વધી ગયો હતો.
કારણ કે તેમની પાસે લોકો સાથે સંપર્ક રાખવાનું અન્ય કોઈ માધ્યમ ન હતું. પણ મહામારી પૂર્ણ થયા બાદ પણ તેમની આદત યથાવત્ રહી.
લોકો પાસે હવે ઘરની બહાર નીકળીને એકબીજાને મળવાના વિકલ્પો છે પણ સ્ક્રીન જોવાની આદત હજુ પણ એવી જ છે.

ઇમેજ સ્રોત, Getty Images
2022માં લીડ્સ યુનિવર્સિટીમાં થયેલા સંશોધન અનુસાર બ્રિટનમાં રહેતા 54 ટકા વયસ્કો મહામારી પહેલાની સરખામણીએ હાલ વધારે સમય સ્ક્રીન સામે વીતાવે છે.
કોરોના અગાઉ દિવસની સરખામણીએ નવરાશમાં સ્ક્રીન સામે જોનારા લોકોનું પ્રમાણ 51 ટકા હતું. જ્યારે 27 ટકા લોકો કામ દરમિયાન સ્ક્રીનનો ઉપયોગ કરવાનો સમય વધી ગયો હતો.
સ્ક્રીન ટાઇમ વધવાથી એકબીજાના સંપર્કમાં રહેવાની ઢબ પણ બદલાઈ ગઈ છે. મહત્ત્વપૂર્ણ સંબંધો હવે વધુ ડિજિટલાઇઝ થઈ ગયા છે.
કારણ કે હવે વૉટ્સઍપ ગ્રૂપ બનાવી દેવામાં આવ્યા છે. જે વાત પહેલાં પરિવારના લોકો એકઠા થયા હોય ત્યારે સાથે બેસીને વાત કરતા હતા, એ હવે ગ્રૂપ ચૅટ અને વીડિયો કૉલ પર થવા લાગી છે.
ઑનલાઇન ડેટિંગ પણ હવે સામાન્ય થઈ ગયું છે. કોરોના દરમિયાન મિત્રતા કરવામાં અને જાળવી રાખવામાં ટેક્નૉલૉજીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. બીબીસી વર્કલાઇફે ડેટિંગ ઍપ બમ્બલના આંકડા જોયા. જે મુજબ બમ્બલ બીએફએફમાં ટ્રાફિક 2022ની સરખામણીએ અત્યારે ઘણો વધી ગયો છે.
2021ના અંત સુધીમાં બમ્બલના 4.20 કરોડમાંથી 15 ટકા યુઝર્સ બીએફએફ પર મિત્રો શોધી રહ્યા હતા. તેના એક વર્ષ પહેલાં આ આંકડો 10 ટકા હતો. 2022 સુધી મિત્રો શોધનારા પુરુષોની સંખ્યા વધીને 26 ટકા થઈ ગઈ હતી.
પોતાની ઓનલાઇન હાજરી પર 700થી વધુ સેન્સર, ડિવાઇસ અને ઍપ્લિકેશન દ્વારા નજર રાખનારા એક લેખક ક્રિસ ડેન્સી કહે છે, "ટેક્નૉલૉજી સારી હોય કે ખરાબ, તે ઍક્સેસિબિલિટીનું જ એક સ્વરૂપ છે. મને એ કહેવું સારુ નથી લાગી રહ્યું પણ વધુથી વધુ વાલીઓ, પાર્ટનર અને મિત્રો ડિજિટલ ટેક્નૉલૉજી વગર સંબંધો જાળવવા ભૂલવા લાગ્યા છે."

ડિજિટલ માઇન્ડફૂલનેસ

ઇમેજ સ્રોત, Getty Images
હકીકતમાં હાઇબ્રીડ કામ અને હાઇબ્રીડ સંબંધો તરફ વધી રહેલા લોકો માટે ડિજિટલ ડિટૉક્સનો વિચાર ન માત્ર જૂનો થઈ ગયો છે પણ લગભગ અશક્ય પણ થઈ ગયો છે. ડિજિટલ ડિટૉક્સને ચિંતા દૂર કરવાનો રામબાણ ઈલાજ કહેવામાં આવી રહ્યો છે.
પણ લોકોના જીવન અને સ્ક્રીન વચ્ચેના સંબંધ વધુ જટિલ થઈ ગયા છે. જેથી તમે જ્યારે ડિટૉક્સિંગને અપનાવવાનો પ્રયાસ કરશો અને તેમાં સફળ નહીં રહો તો ચિંતા વધી જશે.
બ્રિટનમાં ટિસ્સાઇડ યુનિવર્સિટીમાં ડિજિટલ ઍન્ટરપ્રાઇઝના એક સિનિયર લૅક્ચરર સીના જોનેડી કહે છે, "હું ટેક્નૉલૉજીને બંધ કરી શકતી નથી. આપણે બધા અલગઅલગ કારણોથી સ્ક્રીન પર હોઈએ છીએ."
તેઓ કહે છે, "મારા માટે ટેક્નૉલૉજીથી ડિટૉક્સિંગનો મામલો એક લગાવ સાથે જોડાયેલો છે. તેનો અર્થ એ છે કે કોઈ માણસ કોઈ વસ્તુને એટલા માટે ચાહે છે કારણ કે તેને લાગે છે કે તેનાથી ખુશી થશે. પણ સ્ક્રીન સાથેનો લગાવ બ્લૂ લાઇટનું ડોપામાઇન જ છે."
ટેક્નૉલૉજીથી સંપૂર્ણપણે દૂર થવાની જગ્યાએ જોનેડી ડિજિટલ માઇન્ડફુલનેસને અજમાવે છે.
તેઓ કહે છે, "હું એ નિશ્ચિત કરું છું કે ટેક્નૉલૉજીનો ઉપયોગ કોઈ કારણથી જ કરું." તેમના પ્રમાણે સંપૂર્ણપણે ડિટૉક્સિંગની સરખામણીએ ડિજિટલ માઇન્ડફુલનેસ કેટલાક લોકો માટે વધુ વ્યવહારિક હોઈ શકે છે. તેનાથી ટેક્નૉલૉજીથી સંપૂર્ણપણે દૂર થવાની ચિંતા ઓછી થશે અને કોઈ ઉદ્દેશ માટે તેનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત થશે.
તેમનું કહેવું છે કે ડિજિટલ માઇન્ડફૂલનેસના કારણે લોકો કામ વગરના સ્ક્રૉલિંગથી બચી શકે છે અને ટેક્નૉલૉજી સાથે પોતાનું જીવન વધુ ખુશીથી વીતાવી શકશે.

સ્ક્રીન ટાઇમીંગ પર કેવી રીતે કાબૂ મેળવવો?

ઇમેજ સ્રોત, Getty Images
વિશેષજ્ઞોનું કહેવું છે કે જે લોકો સંપૂર્ણપણે સ્ક્રીનથી દૂર નથી રહી શકતા તેઓ પોતાના ટેક્નૉલૉજીના ઉપયોગની પૅટર્ન પર નજર રાખી શકે છે. એમ કરવાથી તેઓ ટેક્નૉલૉજીનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકે છે.
ઓરેગનમાં રહેતા ઍન્થ્રૉપૉલૉજિસ્ટ અંબર કેસ કહે છે, "મેં મારા ફોન પર ઘણા ટ્રૅકિંગ ટૂલ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું."
અંબરને જાણવા મળ્યું કે તેઓ દિવસમાં 80 વખત ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરે છે. તેથી તેમણે એક પ્લગઇન વન સૅક ડાઉનલોડ કર્યું. આ પ્લગઇન યુઝર્સને ફોન પર કોઈ ઍપ્લિકેશન ખોલતા પહેલાં રોકાઈને પુનઃવિચાર કરવાની તક આપે છે.
કેસ કહે છે કે જ્યારે જરૂર ન હોય તો ફોનને ખુદથી દૂર રાખવાની આદત રાખો. તેઓ કહે છે કે લોકોને સિગારેટની જેમ ફોનની લત લાગી જાય છે.
તેઓ જણાવે છે, "ફોન તમારા ખાલી સમય પર કબજો કરી લે છે અને પછી તેને બીજા લોકોના આઇડિયાથી ભરી દે છે. તમે માત્ર સ્ક્રીન પર તાકતા રહો છે અને પછી કંટાળી જાઓ છો."
ડિજિટલ ડિટૉક્સિંગ એટલે ટેક્નૉલૉજીથી સંપૂર્ણપણે દૂર રહેવું નથી.

ઇમેજ સ્રોત, Getty Images
તજજ્ઞોનું કહેવું છે કે ડિજિટલ ડિટૉક્સિંગનો અર્થ સંપૂર્ણપણે ટેક્નૉલૉજીથી દૂર રહેવાનો નથી. આમ કરવાથી ખુદ પર પોતાનું દબાણ પણ ન નાખવું જોઈએ. લોકોને ઇમેઇલ કરવાની જરૂર પડે છે. તેમણે ઓનલાઇટ ટૅક્સ્ટ પણ જોવાના હોય છે. પણ તેઓ અન્ય ઓનલાઇન કન્ટેન્ટના આકર્ષણથી બચવા માટે પણ એમ કરી શકે છે.
ડેન્સી તેને 'ગ્રૅ ડિટૉક્સિંગ' કહે છે. તેમાં તમે ન તો સંપૂર્ણપણે ટેક્નૉલૉજીથી દૂર રહો છો અને ન તો તેને વળગેલા રહો છો. તેઓ કહે છે કે તેને અજમાવવાના ઘણા રસ્તા છે.
જેમ કે તમે એવી ઍપ્લિકેશન્સ અને પ્લગઇન ડાઉનલોડ કરી શકો છો, જે તમને સોશિયલ મીડિયાના તમામ મૅટ્રિક્સથી દૂર રાખી શકે. તમે મિત્રો અને નજીકના સંબંધીઓથી પણ ફોનની અદલાબદલી કરી શકો છો. જેથી એકબીજાનો સંપર્ક કરતી વખતે જ સ્ક્રીનનો ઉપયોગ થઈ શકે.
ડેન્સી કહે છે, "અઠવાડિયાના અંતિમ દિવસોમાં હું અને મારા પાર્ટનર એકબીજાના ફોનનો ઉપયોગ કરીએ છીએ. બંને એકબીજાના મૅસેજોનો જવાબ આપીએ છીએ. એકબીજાના ઍકાઉન્ટમાંથી ગીતો સાંભળીએ છીએ. ખરેખર આ અમારા માટે જીવનમાં ડૂબવાની રીત છે."
વિશેષજ્ઞોનું કહેવું છે કે એક અઠવાડિયા માટે સંપૂર્ણપણે ફોનથી સંબંધ તોડી નાખવાની જગ્યાએ પોતાના જીવનની જરૂરિયાત અનુસાર સ્ક્રીનનો ઉપયોગ કરવો વધુ સફળ સાબિત થઈ શકે છે. એટલે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ સ્ક્રીનના સંપર્કમાં રહો અને જ્યારે જરૂરત ન હોય તો તેનાથી દૂર થઈ જાઓ.

















