vaccination day : એ શખ્સ જેણે પોતાના પર રસીના પ્રયોગો કરીને ભારતને મહામારીઓમાંથી બચાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હરજિંદર
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે
મુંબઈની હૉફકિન બાયૉ-ફાર્માસ્યુટિકલ કૉર્પોરેશન થોડાં વર્ષો પહેલાં ચર્ચામાં આવી ગઈ હતી, કેમ કે તેના પરિસરમાં 'શિવસેના'એ બાલ ઠાકરે મેમોરિયલનું નિર્માણ કરવાના પ્રયાસો કર્યા હતા.
બાદમાં સ્મારકનું સ્થળ બદલી નાખવામાં આવ્યું, પરંતુ તે પ્રકરણને કારણે એ વ્યક્તિનું નામ ઘણાને જાણવા મળ્યું, જેમણે એક નહીં પણ બે મહામારીમાંથી ભારતને ઉગારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
યુક્રેનના ઑદેસામાં જન્મેલા વૉલ્દમર મૉર્દેચાઇ હૉફકિન સંજોગોવશાત મુંબઈ પહોંચી ગયા હતા. મુંબઈ આવ્યા પછી જીવનના સૌથી અગત્યનાં 22 વર્ષો તેમણે અહીં જ વિતાવ્યાં.
તેમણે સેન્ટ પીટર્સબર્ગમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી હતી પણ તેઓ પ્રોફેસર બની શક્યા નહીં, કેમ કે તેઓ યહુદી હતા અને રશિયામાં આટલો ઊંચો હોદ્દો યહુદીને મળે નહીં.
તેથી તેઓ વતનને અલવિદા કરીને જીનિવા પહોંચ્યા. અહીં ફિઝિયૉલૉજીના અધ્યયનું કામ મળ્યું, પણ તેનાથી સંતોષ થાય તેમ નહોતો. ત્યાંથી તેઓ પેરીસ પહોંચ્યા પોતાના ગુરુ લુઈ પાશ્ચર પાસે.
પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં પણ તેમણે મદદનીશ લાઇબ્રેરિયન તરીકે જ નિમણૂક મળી, પણ તેમણે બૅક્ટેરિયૉલૉજીનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. અભ્યાસ સાથે તેઓ કોલેરા માટેની રસી શોધવાના કામમાં પણ લાગ્યા.
હૉફકિને રસી તૈયાર પ્રથમ મરઘા અને ગિનીપિગ પર તેનો પ્રયોગ કર્યો. બાદમાં તેમણે જાતે તે રસીનું ઇન્જેક્શન લીધું. તેમણે તૈયાર કરેલી રસીમાં નિશ્ચિત સમયાવધિમાં બે વાર ઇન્જેક્શન લેવાનાં થતાં હતાં.
જાતપ્રયોગ પછી આત્મવિશ્વાસ સાથે તેમણે રસીનો ઉપયોગ મોટા પાયે થાય તે માટે વિચાર્યું, પરંતુ મોટા ભાગના નિષ્ણાતો તે માટે સહમત થયા નહીં. એટલું જ નહીં, તેમના ગુરુ લુઈ પાશ્ચર પણ તૈયાર થયા નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભારતમાં પણ વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
કોલેરાની એક રસીનો દાવો અગાઉ જ નિષ્ફળ ગયો હતો. કોલેરા મુખ્યત્વે આંતરડાની બીમારી છે એટલે તેમાં રસી કામ નહીં આવે તેવું સૌ કહેવા લાગ્યા હતા.
દરમિયાન સંજોગોવશાત હૉફકીનની મુલાકાત લૉર્ડ ફ્રેડરિક હેમિલ્ટન ડફરિન સાથે થઈ. તેઓ પેરીસમાં બ્રિટિશ રાજદૂત તરીકે કામ કરતા હતા. અગાઉ તેઓ ભારતમાં વાઇરરૉય તરીકે પણ રહી ચૂક્યા હતા.
ભારતમાં તે વખતે કોલેરાનો રોગચાળો બહુ ફેલાયો હતો. લૉર્ડ ફ્રેડરિકને લાગ્યું કે આ રસીનો ઉપયોગ બંગાળમાં કરવો જોઈએ. તેમણે કરેલા પ્રયાસોને કારણે હૉફકિન આખરે ભારત પહોંચ્યા.
માર્ચ 1893માં તેઓ કોલકાતા પહોંચ્યા હતા, પણ ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. રસી કેટલી અસરકારક થશે તેના વિશે શંકા હતી જ. ઉપરાંત ભારતમાં ફેલાયેલા કોલેરાના વિષાણુ જુદા પ્રકારના છે તેવું પણ કહેવામાં આવી રહ્યું હતું.
જર્નલ ઑફ મેડિકલ બાયૉલૉજીમાં લેખ પ્રગટ થયો હતો કે પેરીસમાં તેમણે જે પ્રયોગો કર્યા હતા તે જુદા પ્રકારના વિષાણુઓ પર હતા.
ભારતમાં મહામારીને દેવીપ્રકોપ માનવામાં આવે છે એટલે અહીં કોઈ ઍલૉપેથી દવાઓ લેશે નહીં એવું પણ કહેવાતું હતું. તે સંજોગોમાં દર્દી ઇન્જેક્શન લેવા માટે કેવી રીતે તૈયાર થાય?
આવા વિરોધ વચ્ચે પણ હૉફકિને પોતાની પ્રયોગશાળા તૈયાર કરી દીધી. જોકે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને બંગાળ પહોંચ્યા ત્યારે ત્યાં કોલેરાનો રોગચાળો લગભગ નાબૂદ થવાની તૈયારીમાં હતો.
જોકે હજુ અવધ અને પંજાબ પ્રાંતમાં કોલેરાનો રોગચાળો ફેલાયેલો જ હતો.

દુનિયાનું સૌપ્રથમ વ્યાપક રસીપરીક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી વધુ પરેશાનીમાં સેના હતી, તેથી સેનાએ હૉફકિનનો સંપર્ક કર્યો. તેઓ આગ્રા પહોંચ્યા અને ઉત્તર ભારતની સેનાની છાવણીઓમાં ફરીફરીને લગભગ 10 હજાર સૈનિકોને તેમણે ઇન્જેક્શન આપ્યાં.
આ પ્રયોગ સફળ રહ્યો અને હવે દેશભરમાંથી હૉફકિનને મોકલવા માટેની માગણી થવા લાગી.
કોલકાતામાં ફરી કોલેરોનો પ્રકોર દેખાયો ત્યારે તેમને બોલાવાયા. આસામના ચાના બગીચાના મજૂરો વચ્ચે જઈને તેમને પણ રસી આપી. થોડા જ વખતમાં તેમણે 42 હજારથી વધુ લોકોને રસી આપી હતી.
દુનિયામાં આટલા વ્યાપક પ્રમાણમાં પ્રથમ વાર થયેલું રસીનું પરીક્ષણ તેને માનવામાં આવે છે.
આ દરમિયાન હૉફકિને રસીની નવી આવૃત્તિ પણ તૈયાર કરી લીધી હતી. હવે બેના બદલે એક જ ઇન્જેક્શનથી કામ થઈ જતું હતું.
ભારતમાં હજી કોલેરાના મહામારીને માંડમાંડ કાબૂમાં લેવાઈ ત્યાં બ્યૂબોનિક પ્લેગ દેખાયો. પ્લેગનો ભય અને ત્રાસ કોલેરાથી પણ વધારે ભયાનક હતો. કેમ કે તેમાં ચેપ લાગનારા લોકોમાં મૃત્યુનું પ્રમાણ બહુ વધારે હતું.
આ વખતે રસી તૈયાર કરવાની જવાબદારી હૉફકિનને સોંપવામાં આવી. આ માટે તેમને મુંબઈ બોલાવાયા. ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં રસી તૈયાર કરવા માટેની પ્રયોગશાળા બનાવવામાં આવી.
હૉફકિન ઑક્ટોબર 1896માં મુંબઈ પહોંચ્યા હતા અને ત્રણ જ મહિનામાં તેમણે રસી તૈયાર કરી લીધી. એટલું જ નહીં તેમણે પ્રયોગશાળામાં સસલા પર તેનું સફળ પરીક્ષણ પણ કરી લીધું હતું.
આ વખતે પણ તેમણે હિંમત કરીને ફરી એકવાર જાતે જ રસી લેવાનું જોખમ લીધું. આ રીતે તેમણે સ્વંય મનુષ્યમાં પરીક્ષણ કર્યું.
જોકે બાદમાં વધુ પરીક્ષણ કરવાની તક નજીકમાં જ આવેલી ભાયખલા જેલમાં મળી હતી. તે દિવસોમાં જેલમાં રહેલા કેદીઓ પર પ્રયોગો કરવાની વાત નવી નહોતી.
તેમણે આ માટે 154 કેદીઓને તૈયાર કર્યા. તેમને પ્લેગનો ચેપ લગાવાયો અને બાદમાં રસી આપવામાં આપી. રસી આપવામાં આવી તેના પ્રથમ દિવસે જ ત્રણ કેદીનાં મૃત્યુ થયાં.
આગામી અઠવાડિયાંમાં થોડા વધુ કેદીઓનાં મૃત્યુ થયાં. પણ સરવાળે પ્રયોગ સફળ થયેલો મનાયો. તે પછી તરત જ પ્લેગ ફાટ્યો વિસ્તારોમાં એક હજાર લોકોને રસીના ઇન્જેક્શન આપવામાં આવ્યા.
વિશ્વના તબીબી જગતે મહદંશે આ રસીને સફળ માની હતી. જોકે બાદમાં લાંબા ગાળાના અભ્યાસો પછી ખ્યાલ આવ્યો હતો કે તે રસી ફક્ત 50 ટકા કેસમાં જ કામિયાબ રહી હતી.
આમ છતાં મહામારી વખતે 50 ટકા લોકોના જીવ બચાવી લેવા તે પણ કંઈ નાનીસૂની વાત નહોતી.
આગલાં વર્ષો દરમિયાન હૉફકિન આ રસી પર વધુ સંશોધન કરતા રહ્યા હતા. દરમિયાન પંજાબના એક ગામ મુલ્કોવાલમાં એક ઘટના બની, જેને તબીબી ઇતિહાસમાં મુલ્કોવાલ ડિઝાસ્ટર કહેવામાં આવે છે.
30 ઑક્ટોબર 1902ના રોજ આ ગામમાં 107 લોકોને આ રસી આપવામાં આવી. થોડા દિવસોમાં આ લોકોમાં ટિટનસ થયાનું માલૂમ પડ્યું. થોડા જ દિવસોમાં તે બધાનાં મૃત્યુ થયાં.
આ માટેની જવાબદારી હૉફકિન પર નાખવામાં આવી અને તેમને હોદ્દા પરથી દૂર કરી દેવાયા. મામલો એટલો ચગ્યો હતો કે બ્રિટનમાં સંસદમાં પણ તેની ચર્ચા થઈ હતી.
નિરાશ થયેલા હૉફકિન ફરી પેરીસ જતા રહ્યા અને ત્યાંથી પત્રો લખીને પોતાનો બચાવ કરતા રહ્યા હતા. બાદમાં તપાસ થઈ ત્યારે ખબર પડી કે ખરેખર તેમની કોઈ ભૂલ નહોતી.
તેમના એક મદદનીશે રસીની બૉટલ પર કાટ ખાયેલું ઢાંકણું લગાવ્યું હતું તેથી આ સમસ્યા ઊભી થઈ હતી.
હૉફકિન ભારત પરત ફર્યા અને હવે તેમને કોલકાતાની બાયૉલૉજિકલ લૅબોરેટરીના ડિરેક્ટર બનાવાયા. જોકે આ લેબમાં રસીની શોધ અને ઉત્પાદન માટેની કોઈ વ્યવસ્થા નહોતી.
કદાચ હજીય મુલ્કોવાલ કાંડને કારણે થયેલા આક્ષેપો તેમનો પીછો છોડતા નહોતા.

હૉફકિન આપી શકે પ્રેરણા

ઇમેજ સ્રોત, Getty Images
એવું કહેવાય છે કે આ દરમિયાન તેઓ જૈન ધર્મના અહિંસાવાદથી પ્રભાવિત થયા હતા. તેમણે પશુપક્ષીઓનો પરીક્ષણમાં ઉપયોગ કરવાનું બિલકુલ બંધ કરી દીધું.
જાણીતા વૅક્ટિરિયોલૉજિસ્ટ વિલિયમ બ્લૉચે લખ્યું છે કે કોલકતામાં પોતાના છેલ્લા દિવસો દરમિયાન તેઓ આવી બાબતોમાં હઠાગ્રહી બની ગયા હતા.
એક ટેપવૉર્મનું ડિસેક્શન એક મદદનીશ કરી રહ્યો હતો ત્યારે તેમણે તેને ખખડાવી નાખ્યો હતો તેમ કહેવાય છે.
દરમિયાન 1915માં તેઓ 55 વર્ષના થયા ત્યારે તેમને નિવૃત્ત કરી દેવાયા એટલે ફરીથી યુરોપ જતા રહ્યા. ત્રણ વર્ષ બાદ સ્પેનિશ ફ્લૂની મહામારી આવી પહોંચી ત્યારે ભારતને ફરી તેમની યાદ આવી.
આ વખતે હૉફકિન તબીબી સેવા માટે આવી શકે તેમ નહોતા. તેમણે પોતાનું જીવન યહુદી ધાર્મિક માન્યતાઓ અનુસાર જીવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે એક લેખ પણ લખ્યો હતો, જેનું મથાળું હતું 'રૂઢિપાલન માટે અરજ'.
તેમને મળેલી સફળતાને કારણે કેટલા લોકોએ તેમને 'મહાત્મા હૉફકિન' પણ કહ્યા છે. આવા જ શીર્ષક સાથેનું પુસ્તક પણ તેમના પર લખાયું છે.
1925માં ગ્રાન્ટ હૉસ્પિટલમાં આવેલી તેમની પ્રયોગશાળાનું નામ બદલીને હૉફકિન ઇન્સ્ટિટ્યૂટ કરી દેવામાં આવ્યું હતું. 1964માં ભારતના ટપાલ વિભાગે તેમના સ્મરણમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













