વાઇરલ તાવ H3N2 : ભારતમાં ફેલાયેલી એ મહામારીઓ જેમાં યુદ્ધથી પણ વધારે લોકોનાં મોત થયાં

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
- લેેખક, પ્રોફેસર બદ્રીનારાયણ
- પદ, સમાજશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
ભારતના નકશામાંથી ભૂંસાઈ ગયું હોય એવું ઘણું બધું છે. તેમાં રોગચાળાને કારણે બરબાદ થઈ ગયેલાં ગામો પણ સામેલ છે, જ્યાં કોઈ બચ્યું ન હતું.
ઉત્તર ભારતમાં વિવિધ સામાજિક સંશોધન માટેની યોજનાઓના અધ્યયન માટે અમારે ગામડાંમાં જવું પડતું હતું. ગામડાંમાં અધ્યયન સંદર્ભે ફરતી વખતે દૂરના વિસ્તારોમાં કેટલાક ટેકરા દેખાતા હતા.
આજુબાજુના લોકોને એ વિશે પૂછીએ ત્યારે જાણવા મળતું કે એ ટેકરાઓ પર ક્યારેક ગામ વસતું હતું. લોકોની વસતી હતી, પણ મહામારીમાં એ ગામ બરબાદ થઈ ગયું હતું.
લોકો મૃત્યુ પામ્યા હતા અથવા ગામ છોડીને ચાલ્યા ગયા હતા. ઘણાં સ્થળોમાં તે એવા વિસ્તારોને 'બીમારીની ટેકરી' કહે છે. ગામડાંમાં મહામારીને લોકો 'કૉલેરા, શીતળા'ના નામે યાદ કરે છે.
ક્યાંક એવું પણ સાંભળવા મળતું હતું કે કેટલાક ટેકરાઓ 1857ના આંદોલનમાં બરબાદ થયેલાં ગામોના અવશેષ છે.
મહામારીમાં બરબાદ થયેલાં ગામો વિશે સ્થાનિક લોકો પાસેથી ત્યારે જે જાણવા મળ્યું હતું તેના વિશે અધ્યયન કરીને અમે ઇતિહાસ ઉકેલી શક્યા ન હતા, પણ આજે કોરોના મહામારીનો વર્તમાન આપણને એ અતીત તરફ લઈ જાય છે.
ખાસ કરીને એ વસાહતી ભૂતકાળ તરફ લઈ જાય છે, જ્યારે મહામારીઓએ ભારતીયોની વસતીના એક મોટા હિસ્સાને પાયમાલ કરી નાખ્યો હતો.

ભારતમાં કૉલેરા, પ્લેગ, શીતળા, મલેરિયા, ટાઈફૉઈડ, ટી.બી. વગેરે જેવા રોગનો પ્રકોપ ફેલાતો રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ઇતિહાસમાં 1870થી 1910 સુધીના કાળખંડને 'મહામારી તેમજ દુષ્કાળનો યુગ' જ કહેવામાં આવે છે. દુષ્કાળની માફક મહામારીઓએ પણ ભારતમાં વ્યાપક જનસંહાર કર્યો હતો.
1892થી 1940 દરમિયાન ભારતમાં પ્લેગને લીધે એકાદ કરોડ લોકો મૃત્યુ પામ્યા હોવાનું જણાવવામાં આવે છે.
1880માં પ્રત્યેક 1,000માંથી 40 લોકો મૃત્યુ પામતા હતા. એવી જ રીતે કૉલેરા, મલેરિયા વગેરેમાં મૃત્યુ પામેલાઓના આંકડાઓ પણ મોજૂદ છે.
આ મહામારીઓએ ભારતીય સમાજની જનસંખ્યામાં મોટા ફેરફાર કર્યા હતા. એ મહામારીઓને કારણે અનેક ગામ આપણા નકશામાંથી ગાયબ થઈ ગયાં હતાં.
1880ની આસપાસ લોકો પોતાના ગામ છોડીને કઈ રીતે નાસી રહ્યા હતા, તેનું વર્ણન ઇતિહાસકારોએ કર્યું છે.
એ સમયે મહામારીઓ ગામડાંમાં વધારે ફેલાયેલી હતી. શહેરોમાં તેનો પ્રસાર ઓછો હતા. અત્યારે નવી કોરોના મહામારીનો પ્રભાવ શહેરોમાં વધુ જોવા મળી રહ્યો છે.
ગામડાંમાંના તેનો પ્રસાર હજુ ઘણો ઓછો છે.
ગોવામાં સેન્ગુએમ તાલુકામાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહામારીને કારણે 1900થી 1910ના દાયકામાં ત્યાંના 15 ગામડાં ગાયબ થઈ ગયાં હતાં.
એ જ સમયગાળામાં દક્ષિણ ગોવાના કોના-કોના ક્ષેત્રમાં ચાર ગામડાં ભૌગોલિક નકશામાંથી ગાયબ થઈ ગયાની માહિતી પણ મળે છે.
આ મહામારીઓના સમયમાં ભારતમાં જનસંખ્યાનો દર 0.37 ટકાથી વધારે ન હતો. 1920 પછી ભારતીય જનસંખ્યા દરમાં વધારો થતો જોવા મળ્યો હતો.


ઇમેજ સ્રોત, CENTRAL PRESS
માત્ર ગોવા અને ઉત્તર ભારતમાં જ નહીં, પંજાબમાં થયેલા અધ્યયનોમાં પણ જાણવા મળ્યું છે કે ત્યાંના અનેક ગામ મહામારીને કારણે ખતમ થઈ ગયાં હતાં.
મહામારીને કારણે સંખ્યાબંધ ગામડાં કઈ રીતે પાયમાલ થઈ ગયાં હતાં એ ઇતિહાસકારોએ તેમના દક્ષિણ ભારતના અને ખાસ કરીને તામિલનાડુના અધ્યયનોમાં જણાવ્યું છે.
યુદ્ધના સમયમાં લોકો આજુબાજુની પહાડીઓ અને જંગલમાં આશરો લઈ લેતા હતા.
યુદ્ધ પૂરું થાય પછી બધા ગામમાં પાછા ફરતા હતા, પણ મહામારીના સમયગાળામાં બચવા માટે ક્યાંય શરણ લેવાનું મુશ્કેલ હતું.
તેથી તેમની પાસે પોતાની અંદરની રોગપ્રતિકારક શક્તિ તથા દેશી જીવનશૈલીને લીધે કોઈ પણ રીતે બચી જવાનો અથવા મહામારીમાં બરબાદ થઈ જવાનો એમ બે જ વિકલ્પ હતા.
દક્ષિણ ભારતમાં 68 વહીવટી એકમોનાં 32,993 સ્થળોના અધ્યયનમાં લગભગ 12.8 ટકા એવાં સ્થળો જોવા મળ્યાં હતાં, જ્યાં એક સમયે ગામ હતાં અને ત્યાં લોકોની વસતી હતી, પરંતુ 1800થી 1825ના સમયગાળામાં એ બધાં બરબાદ થઈ ગયાં હતાં.
માત્ર ભારતમાં જ નહીં, આફ્રિકન દેશોમાં પણ મહામારીઓને કારણે આખેઆખાં ગામ કે સમુદાયો પાયમાલ થઈ ગયાની માહિતી મળે છે.
ઈબોલા તથા શીતળાને કારણે ચિલી તથા એમેઝોન સહિતના અનેક દેશોમાં અનેક ગામડાંઓ સાફ થઈ ગયાં હતાં. અનેક લોકસમુદાય બરબાદ થઈ ગયા હતા.
રોગચાળાને કારણે ગામ ઉજ્જડ થઈ ગયાની માહિતી પશ્ચિમના અનેક દેશોના સામાજિક ઇતિહાસનો અભ્યાસ કરવાથી પણ મળે છે.
ઘણી વખત યુદ્ધથી વધારે પાયમાલી મહામારીઓને કારણે થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધથી વધુ પાયમાલી 1918-20માં આવેલા ફ્લૂએ દુનિયામાં કરી હતી.
તબીબી વિજ્ઞાન અને વ્યવસ્થા આજના જેટલાં મજબૂત ન હતાં ત્યારે લોકોએ પોતાની દેશી જીવનશૈલી, દેશી ક્વોરૅન્ટિન અને દેશી ચિકિત્સાપદ્ધતિથી આ રોગોનો પ્રતિકાર કર્યો હતો.
પૂજાપાઠ વગેરેનો સહારો માનવસમાજે ત્યારે લીધો હશે. બધી આફતોનો સામનો કરીને આપણે અહીં પહોંચ્યા છીએ.
આધુનિક ચિકિત્સાપદ્ધતિનો પહેલો ડૉક્ટર 1600ના વર્ષમાં બંગાળમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજમાંથી એક જહાજી ડૉક્ટર તરીકે ઊતર્યો હતો.
અંગ્રેજોએ ધીમે-ધીમે ભારતમાં આધુનિક ચિકિત્સાપદ્ધતિનો વિકાસ કર્યો હતો, જેને અંગ્રેજી ચિકિત્સા કહેવામાં આવતી હતી.


ઇમેજ સ્રોત, KEYSTONE
19મી સદીમાં બંગાળમાંથી ભારતના અન્ય ભાગોમાં ફેલાયેલી ઘાતક મહામારી મલેરિયાને 'બર્દઘવાન ફીવર' એવું નામ આપવામાં આવ્યું હતું.
અંગ્રેજી ચિકિત્સાપદ્ધતિનો ભારતમાં પૂરતો વિકાસ થયો ન હતો ત્યાં અઢારમી તથા ઓગણીસમી સદીમાં ભારતે ગામડાંઓમાં ફેલાઈ રહેલી પ્લેગ, મલેરિયા વગેરે જેવી મહામારીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ ચિકિત્સાપદ્ધતિ ભારતમાં મહામારીઓ સામે લડવા માટે કેટલી સક્ષમ થઈ છે એ કહેવાનું તો મુશ્કેલ છે, પણ માનવસમાજ એ આફતોમાંથી પાર ઊતરી શક્યો છે.
એ આફતોમાં આપણે વસતીના એક મોટા હિસ્સાને ગૂમાવ્યો, આપણાં અનેક ગામ નેસ્તનાબૂદ થઈ ગયાં એ પણ હકીકત છે.
એ નકશાઓ અને સ્મૃતિમાંથી પણ ગાયબ થઈ ગયાં છે, પરંતુ ભારતીય સમાજ દરેક મહામારીમાંથી કશુંક શીખ્યો છે અને પોતાની જીવનશૈલીમાં સુધારા કર્યા છે.
મહામારીઓએ માનવ સ્થળાંતરને ત્યારે વેગ પણ આપ્યો હતો. જે પ્રદેશોમાં મહામારીઓનો વધુ પ્રભાવ હતો એ પ્રદેશો છોડીને લોકો ભાગ્યા હતા અને દૂરના ક્ષેત્રમાં જઈને વસ્યા હતા.
મધ્ય પ્રદેશના બુંદેલખંડના એક ગામના કેટલાક પરિવારોને યાદ છે કે તેમના પૂર્વજ બિહારના રહેવાસી હતા, પણ 1920ની આસપાસ ફેલાયેલી મહામારીના દૌરમાં બિહાર છોડીને બુંદેલખંડ આવ્યા હતા અને અહીં જ વસી ગયા હતા.
આ રીતે મહામારીઓએ આપણી વસતીના એક હિસ્સાને 'કાયમી વિસ્થાપન'ની ફરજ પાડી હતી.
આજે કોરોનાના સમયમાં થઈ રહેલી મજૂરોની ઘરવાપસી કે વિસ્થાપન કામચલાઉ છે.
કોરોનાની અસર ઘટશે, કામકાજ ફરી શરૂ થશે એટલે તરત જ આ લોકો પોતપોતાનાં ગામથી, જેઓ જેને છોડી ગયા હતા એ શહેરોમાં ફરી આવી જશે.
આજે વહીવટ ડૉક્યુમેન્ટેશન પર એટલા મોટા પ્રમાણમાં આધારિત છે કે કાયમી સ્થળાંતર પહેલાં જેટલું આસાન રહ્યું નથી.
બીજું એ કે જમીનના ભાવ હવે બહુ વધી ગયા છે. તેથી એક સ્થળ છોડીને બીજા સ્થળે વસવાટ કરવાનું આસાન નથી.
અત્યારે આપણે જ્યાં છીએ ત્યાં રહીને જ કોરોના સામે લડવાનું છે.
ઉપનિવેશકાળમાં ફેલાયેલી મહામારીઓના દૌરમાં માનવસમાજ લાચાર હતો, પણ માહિતી, સુવિધા અને વિજ્ઞાનની શક્તિ આજે આપણને એટલા લાચાર નહીં થવા દે.
નુકસાન તો નુકસાન જ છે. એ નુકસાનમાંથી ઊગરવાનો સંઘર્ષ આખી દુનિયાનો માનવસમાજ આજે કરી રહ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













