કોરોના વાઇરસ : 19મી સદીની એ ભયંકર મહામારી જેણે પોણા બે કરોડ ભારતીયોનો ભોગ લીધો
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, ભારત સંવાદદાતા
ભારત કોરોના વાઇરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. 98 વર્ષ અગાઉ 1918માં ગુજરાતમાં ફ્લૂની મહામારી ફેલાઈ હતી. એ વખતે આશ્રમમાં રહેલા એક સાથીને મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જીવનમાં કશો રસ રહ્યો નથી.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તેઓ પછી ચાર વર્ષથી આશ્રમમાં રહેતા હતા ત્યાં ચેપનો ભોગ બન્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
48 વર્ષના ગાંધીજીએ 'પોતાના જીવનની આ સૌથી લાંબી પહેલી બીમારીમાં' આરામ કર્યો અને માત્ર પ્રવાહી ખોરાક પર જ રહ્યા.
ગાંધીજીની તબિયત બગડી હોવાના સમાચાર આવ્યા તે પછી એક સ્થાનિક અખબારે લખ્યું હતું કે : "ગાંધીજીનું જીવન માત્ર તેમનું પોતાનું નથી - તે ભારતનું છે."
આશ્રમની બહાર ફ્લૂ હાહાકાર મચાવી રહ્યો હતો. જૂન 1918માં મુંબઈ પરત આવેલા જહાજમાં સૈનિકો આવ્યા તેમની સાથે ફ્લૂનો ચેપ પણ આવ્યો હતો.
આરોગ્ય અધિકારી જે. એસ. ટર્નરના જણાવ્યા અનુસાર રોગચાળો "રાતના ચોરની જેમ આવ્યો અને બહુ ઝડપથી ફેલાઇ ગયો." સપ્ટેમ્બરમાં દક્ષિણ ભારતમાં રોગચાળાએ ઉથલો માર્યો અને સમગ્ર દરિયાકાંઠે ફેલાઈ ગયો હતો.
નિરાલાએ લખ્યું, 'મારું આખું કુટુંબ, આંખના પલકારામાં ગુમ થઈ ગયું'

ઇમેજ સ્રોત, PRINT COLLECTOR
ઇન્ફ્લૂએન્ઝાના રોગચાળાને કારણે 1.7થી 1.8 કરોડ ભારતીયોના મૃત્યુ થયાં હતાં, જે સમગ્ર પ્રથમ વિશ્વ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો કરતાંય મોટી સંખ્યા હતી.
ભારતની વસતીના 6% લોકો નાશ પામ્યા હતા. કૂપોષણથી પીડાતી, ગંદકી વચ્ચે રહેતી અને પુરુષોની સારવાર માટે મથતી સ્ત્રીઓનાં મૃત્યુ વધુ પ્રમાણમાં થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વની ત્રીજા ભાગની વસતિને તે મહામારીનો ચેપ લાગ્યો હતો અને પાંચથી 10 કરોડ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ગાંધીજી અને તેમના આશ્રમવાસીઓ નસીબદાર હતા કે બીમારીમાંથી બેઠા થઈ શક્યા.
ઉત્તર ભારતમાં હિન્દી ભાષાના નિરાલાના નામે જાણીતા કવિ સૂર્યકાંત ત્રિપાઠીનાં પત્ની અને ઘણા કુટુંબીજનો બીમારીનો ભોગ બની ગયાં હતાં.
નિરાલાએ લખ્યું હતું કે મારું આખું કુટુંબ, "આંખના પલકારામાં ગુમ થઈ ગયું".

ઇમેજ સ્રોત, NATIONAL MUSEUM OF HEALTH AND MEDICINE
તેમણે જોયું કે ગંગા નદીમાં "મૃતદેહો ઉભરાઈ પડ્યા હતા". લાશોનો ખડકલો થઈ ગયો હતો, કેમ કે બાળવા માટે પૂરતાં લાકડાં પણ નહોતાં. અધૂરામાં પૂરું ચોમાસું પણ નિષ્ફળ ગયું અને દુકાળની સ્થિતિ આવી પડી. તેના કારણે ગામડાંથી લોકો શહેરોમાં ઉભરાવા લાગ્યા અને તેના કારણે રોગચાળો વધુ ઝડપથી ફેલાયો.
એ વાત સાચી કે આજે તબીબી સુવિધા ઘણી સારી છે. આમ છતાં હજી કોઈ ઉપચાર મળ્યો નથી અને વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસનો જિનેટિક મેપ બનાવી લીધો છે. રસી શોધી લેવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.
1918ની મહામારી થઈ ત્યારે હજી ઍન્ટિબાયૉટિક શોધાઈ નહોતી. તે વખતે ગંભીર બીમારને સારવાર આપવા માટેનાં જરૂરી સાધનો પણ નહોતાં.
તે વખતે ભારતમાં પશ્ચિમની દવાઓ એટલી સ્વીકારાતી પણ નહોતી અને મોટા ભાગના લોકો દેશી ઔષધીઓ પર જ આધાર રાખતા હતા.
આમ છતાં કેટલીક નોંધપાત્ર સમાનતા એક સદી પછી પણ દેખાઈ રહી છે. સાથે જ કેટલાક બોધપાઠ પણ તેમાંથી લેવા જેવા છે, કેમ કે ફ્લૂનો સામનો કરવામાં ભૂલો કરવામાં આવી હતી.
સૌથી ગીચ વસતી ધરાવતા મુંબઈમાં રોગચાળાની શરૂઆત થઈ હતી. લોકોને અત્યારે પણ એ જ ચિંતા છે કે મુંબઈમાં ચેપ ફેલાઈ શકે છે. 2 કરોડથી વધુ વસતી ધરાવતા મુંબઈમાં જ અત્યારે કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે.
જુલાઈ 1918ના પ્રારંભના દિવસોમાં જ રોજના 230 લોકોનાં મૃત્યુ ફ્લૂથી થવાં લાગ્યાં હતાં. જૂનના અંત કરતાં આ પ્રમાણ ત્રણ ગણું હતું.
"મુખ્ય લક્ષણ તાવ આવવો અને પીઠમાં દુખાવો થવો તે છે અને આવું ત્રણ દિવસ ચાલે છે," એમ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ ત્યારે અહેવાલમાં જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે "મુંબઈમાં લગભગ દરેક ઘરમાં કોઈ ને કોઈને તાવ છે."

ઇમેજ સ્રોત, PRINT COLLECTOR
કામદારો ઑફિસ અને ફૅક્ટરીમાં આવતા બંધ થયા હતા. સ્થાનિક યુરોપિયન કરતાં વધુ ભારતીય પુખ્તો અને બાળકોને ચેપ લાગ્યો હતો.
અખબારોએ ત્યારે લોકોને ઘરે જ રહેવા અને બહાર ના ફરવા સલાહ આપી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ લખ્યું હતું કે "મુખ્ય ઉપાય એ જ છે કે આરામ કરવો અને ચિંતા ના કરવી." લોકોને જણાવાયું હતું કે ચેપ "મુખ્યત્વે બીજાની સાથેના સંપર્કમાં આવવાથી અને નાકમાંથી અને મોઢામાંથી ચેપ લાગે છે."
"ચેપ ના લાગે તે માટે ભીડ હોય ત્યાંથી દૂર રહેવું જોઈએ, જેમ કે મેળો, તહેવાર, થિયેટર, જાહેર ભાષણના હૉલ, સિનેમા, મનોરંજન પાર્ટીઓ, ભીડભર્યા રેલવેના ડબ્બા વગેરે," એમ અખબારે લખ્યું હતું.
લોકોને બંધિયાર જગ્યાના બદલે ખુલ્લામાં સૂવાનું અને સારો ખોરાક લેવાનું તથા કસરત કરવાનું પણ જણાવાયું હતું.
આ ઉપરાંત ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ લખ્યું હતું કે "સૌથી અગત્યનું છે કે રોગ વિશે બહુ ગભરાશો નહીં."
ચેપ ક્યાંથી લાગે છે તે વિશે અમલદારો જુદા મતના હતા. આરોગ્ય અધિકારી ટર્નર માનતા હતા કે મુંબઈ બંદરે આવેલા જહાજોના માણસોમાંથી ચેપ આવ્યો છે.
તેની સામે સરકારનું કહેવું હતું કે જહાજના ખલાસીઓ શહેરમાં આવ્યા પછી ત્યાંથી તેમને ચેપ લાગ્યો.
"સત્તાધીશોનો રાબેતા મુજબનો જ આ પ્રતિસાદ હતો. પોતે જે રોગચાળો કાબૂમાં ના રાખી શક્યા તેના માટેનો દોષ ભારત પર નાખી દેવા માગતા હતા. તે માટે ભારતીયોની અસ્વચ્છતાને જવાબદાર ગણવામાં આવી હતી," એમ તબીબી ઇતિહાસકાર મૃદુલા રામન્નાએ પોતાના અભ્યાસમાં જણાવ્યું હતું.
બાદમાં એક સરકારી અહેવાલમાં ભારત સરકારની ટીકા કરીને જણાવાયું હતું કે તેનો વિસ્તાર કરવાની અને સુધારા કરવાની તાકીદની જરૂર છે. અખબારોએ ફરિયાદો કરી હતી કે અમલદારો કટોકટીની સ્થિતિ વખતે હવા ખાવાના સ્થળે જ રહ્યા હતા અને લોકોને "નસીબના ભરોસે છોડી દેવામાં આવ્યા હતા".

ડૉક્ટરોની અછત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પેલ રાઇડર પુસ્તકના લેખક લૌરા સ્પીનીએ લખ્યું હતું કે "મુંબઈના સફાઈકામદારો ફ્લૂની સારવાર લઈ રહેલા બ્રિટિશ સૈનિકોથી દૂર રહ્યા હતા. 1886 અને 1914માં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે બ્રિટિશરોએ કેવી રીતે કામ કર્યું હતું તે સફાઈકામદારોએ જોયું હતું અને યાદ રાખ્યું હતું."
"સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે સામ્રાજ્યના અધિકારીઓએ બેદરકારી રાખી તેની કિંમત પણ ચૂકવવી પડી હતી. તે લોકો કટોકટીને પહોંચી વળવા માટે સજ્જ નહોતા," એમ સ્પીનીએ લખ્યું છે.
"તે વખતે ડૉક્ટરોની પણ અછત હતી, કેમ કે ઘણાને યુદ્ધ માટે મોકલી દેવાયા હતા."

ઇમેજ સ્રોત, PRINT COLLECTOR
આખરે સ્વંયસેવી સંસ્થાઓ અને સ્વંયસેવકોએ બાજી હાથમાં લીધી હતી. તેમણે દવાખાનાં ખોલ્યાં, મૃતદેહોનો નિકાલ કર્યો, નાનીનાની હૉસ્પિટલો ખોલી, દર્દીઓની સારવાર શરૂ કરી અને દાન એકઠું કરીને દવા તથા વસ્ત્રો વહેંચવાનું શરૂ કર્યું.
નાગરિકોએ ફ્લૂનો સામનો કરવા માટે સમિતિઓ બનાવી હતી. એક સરકારી અહેવાલમાં જણાવાયું હતું કે "અગાઉ ભાગ્યે જ ભારતના ઇતિહાસમાં સમૃદ્ધ લોકોએ આ રીતે આગળ આવીને સમુદાયના લોકોની સેવા કરી હશે."
આજે દેશ સામે ફરીથી ખતરનાક ચેપનો ખતરો ઊભો થયો છે ત્યારે સરકારે ઝડપથી પગલાં ભર્યાં છે.
પરંતુ એક સદી પહેલાં થયું હતું તે પ્રમાણે નાગરિકોએ જ મુખ્ય ભૂમિકા ભજવવાની રહેશે કે જેથી ચેપનો ફેલાવો ના થાય. કોરોના વાઇરસનો વ્યાપ વધતો જાય છે ત્યારે ભારતીય નાગરિકોએ આ વાત ખાસ યાદ રાખવાની છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













