ગુજરાતના મૃતક કોરોના વોરિયરનાં વિધવા માતા સહાય માટે ધક્કા ખાવા મજબૂર કેમ?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારો દીકરો હોમગાર્ડમાં હતો. કોરોના વખતે સતત ફરજ બજાવતો હતો અને એને કોરોના થયો, જે બાદ થોડા જ દિવસમાં તે ગુજરી ગયો."

"એની અંતિમક્રિયા વખતે મને દૂરથી માત્ર મોઢું જ દેખાડ્યું. બીજી કોઈ સહાયની વાત તો દૂર રહી પણ હું હજી કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનાં સગાંને મળતી ગુજરાત સરકારની પચાસ હજારની સહાય માટે ભટકું છું."

"સરકારી ઑફિસોના ધક્કા ખાવામાં પૈસા વપરાય છે અને ઘરકામ કરવા ન જઉં તો પૈસા કપાઈ જાય છે. મહિનામાં પાંચ દિવસ મારા ઘરનો ચૂલો સળગતો નથી."

વટવામાં રહેતાં જયાબહેન પટેલ આ શબ્દોમાં પોતાની વ્યથા વર્ણવે છે.

જયાબહેનની જેમ અનેક મૃતકોનાં સગાં પોતાના સ્વજનોને કોરોનામાં ગુમાવ્યા બાદ મૃત્યુ સહાય માટે મુશ્કેલી વેઠી રહ્યા છે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, જયાબહેનની જેમ અનેક મૃતકોનાં સગાં પોતાના સ્વજનોને કોરોનામાં ગુમાવ્યા બાદ મૃત્યુ સહાય માટે મુશ્કેલી વેઠી રહ્યા છે

જયાબહેન વટવાની એક સોસાયટીમાં રહે છે. એમના પતિ નોકરી કરતા હતા અને એમનું અવસાન જાન્યુઆરી 2011માં થયું હતું.

તેમના પતિ સુરેશભાઈની જિંદગીભરની કમાણી એમની બે દીકરીઓનાં લગ્નમાં વપરાઈ ગઈ. બાકી વધેલી મૂડી અસ્વસ્થ સુરેશભાઈની સારવારમાં ખર્ચ થઈ ગઈ. ઘરનો બધો આધાર દસ ધોરણ ભણેલા એમના દીકરા પર આવી પડ્યો.

કોરોનાએ આ માતાના એક માત્ર આધાર એવા એમના દીકરાને પણ છીનવી લીધો.

line

વિધવા માતા થયાં નિરાધાર

કોરોનાના શંકાસ્પદ દર્દીઓનાં મૃત્યુ અંગે સહાય ચૂકવવામાં કેમ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનાના શંકાસ્પદ દર્દીઓનાં મૃત્યુ અંગે સહાય ચૂકવવામાં કેમ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે?

જયાબહેન પટેલ આગળ જણાવતાં કહે છે કે, "મારા પતિ બીમાર પડ્યા એટલે મારા 29 વર્ષના દીકરાએ ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી હતી. દિવસે નાનું-મોટું કામ કરતો અને રાત્રે હોમગાર્ડની નોકરી કરતો હતો."

"2020માં કોરોનાની પ્રથમ લહેર આવી, ત્યારે મારો દીકરો ડબલ શિફ્ટમાં કામ કરતો હતો. એ સમયે લૉકડાઉન હતું, એટલે માત્ર ન્હાવા માટે ઘરે આવતો."

"અચાનક એની તબિયત બગડી પણ નોકરીએ જવાનું ચાલુ રાખ્યું કારણકે એ પૈસા ન કમાય તો અમારે ઘર કેમ ચલાવવું એ પ્રશ્ન હતો. ધીમે-ધીમે તબિયત લથડવા માંડી અને 18મી મેએ એને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યો. એને આઈસીયુમાં રાખ્યો હતો અને અઠવાડિયામાં એ મરણ પામ્યો".

તેઓ આગળ કહે છે કે, "એની અંતિમવિધિ વખતે કોરોનાના કારણે મને એનું મોઢું જ જોવા મળ્યું. અમારાં સગાં પણ અંતિમક્રિયામાં આવ્યાં ન હતાં."

"મારે માથે આભ તૂટી પડ્યું, કારણ કે દીકરી અને જમાઈ પાસે હું હાથ લંબાવી શકું એમ હતી નહીં, એટલે છેવટે મારે ઘર ચલાવવા માટે લોકોનાં ઘરકામ કરવાનું શરૂ કરવું પડ્યું."

તેઓ વહીવટી તંત્રનાં બેવડાં વલણ તરફ આંગળી ચીંધતાં કહે છે કે "એ ગુજરી ગયો ત્યારે બધાએ કોરોના વોરિયર કહીને નવાજ્યો. પણ કોઈ મદદ મળી નહીં. ઘરકામ કરીને હું ઘર ચલાવું છું."

"મને જાણ થઈ કે કોરોનામાં ગુજરી જનારના પરિવારને સરકાર 50 હજાર રૂપિયાની સહાય આપે છે. એટલે મેં આર્થિક સહાય મેળવવા માટે અરજી કરી; પરંતુ મૃત્યુના પ્રમાણપત્રમાં લખ્યું હતું કે મારા દીકરાનું મોત કોરોનાનું શંકાસ્પદ મોત છે."

"એટલે મને ક્યાંયથી સહાય મળી નહીં. તેથી મારે એક ઑફિસથી બીજી ઑફિસમાં ધક્કા ખાવા પડે છે. ઘરકામ કરીને કમાવેલા પૈસામાંથી અડધા પૈસા સરકારી ઑફિસના ધક્કા ખાવામાં બસ અને રીક્ષાભાડામાં વપરાઈ જાય છે."

"જે દિવસે હું સરકારી ઑફિસે જઉં તે દિવસનો પગાર પણ કપાઈ જાય છે. ખૂબ વેઠી રહી છું. પણ મારી કોઈ સાંભળવાવાળું નથી. "

line

સરકાર આંકડા કરતાં મૃતકોનો આંકડો વધુ?

કોરોનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા

અમદાવાદમાં સરકારે કોરોનાથી 3,411 લોકોનાં મોત થયાં હોવાનું જાહેર કર્યું છે. પણ 10500 લોકોએ એમના સગાં કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું જણાવી સહાય માટેનાં ફોર્મ લીધાં છે. જે પૈકી 50 ટકાથી ઓછા, એટલે કે 5200 લોકોએ સરકારની 50 હજારની સહાય માટે ફોર્મ સબમિટ કર્યાં છે.

અહીં આશ્ચર્યની વાત તો એ છે કે સરકારે અમદાવાદમાં 3,411 લોકોનાં કોરોનાથી મોત થયાં હોવાની જાહેરાત કરી છે પણ 4,259 લોકોને કોરોનાથી મોત થવા બદલ અત્યાર સુધીમાં 50 હજાર લેખે સહાય ચૂકવી દેવાઈ છે.

આ અંગે બીબીસી ગુજરાતીએ અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેનો સંપર્ક સાધતાં એમણે કહ્યું કે, "મારી પાસે જે ઢગલાબંધ અરજીઓ આવી તે પછીથી સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે."

"20 નવેમ્બર, 2021એ સરકારે નવો નિયમ બનાવી સંસ્થાકીય મૃત્યુ પ્રમાણપત્ર અને બિનસંસ્થાકીય મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના દેખાડ્યું હોય એને કોરોનાના કારણે મોત થયું હોવાનું ગણવું, શંકાસ્પદ કોરોના લખાયેલા કેસને પણ કોરોનાનું મોત ગણવું, તદુપરાંત જે દર્દીઓને આરટીપીસીઆર ટેસ્ટ, રેપિડ એન્ટિજન ટેસ્ટ અને ઇન હૉસ્પિટલ ફેસિલિટીમાં દાખલ થયેલા લોકોનું કોરોનાનું નિદાન થયું હોય એવા કેસને પણ કોવિડ પૉઝિટિવ કેસ ગણવાના રહેશે તેવી જાહેરાત કરી હતી."

તેઓ આ અંગે આગળ જણાવતાં કહે છે કે, "જો કોઈ દર્દીના કોરોના નિદાનની તારીખથી અથવા ક્લિનિકલી કોરોના પૉઝિટિવ કેસ તરીકે નક્કી થયાની તારીખથી 30 દિવસમાં હૉસ્પિટલની અંદર કે બહાર કોવિડ -19થી અવસાન થયું હોય એને કોરોનાના રોગથી મૃત્યુ પામેલા જાહેર કરાશે અને સહાય આપવામાં આવશે."

"આ ઉપરાંત ગંભીર કેસમાં જો 30 દિવસથી વધુ સારવાર ચાલી હોય તો પણ મૃતકના પરિવારજનો કોરોનાને કારણે વ્યક્તિનું અવસાન થયું હોવાનું ગણી કરોનાની સહાય આપવામાં આવશે. આવા કિસ્સામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને તાત્કાલિક સહાય આપવાની અમે શરૂ કરી છે."

સંદીપ સાંગલે કહે છે કે જે કિસ્સામાં કોરોનાથી મોત નહીં લખાયું હોય અને શંકાસ્પદ કોરોનાનો કેસ હોવાનું લખાયું હશે, તેવા કેસ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.

આ સમિતિ સામે જો કોઈ દર્દીને તકલીફ પડી હોય તો 29મી ઑક્ટોબરે નવી નિમાયેલી ફરિયાદ સમિતિએ તેનો તાત્કાલિક નિકાલ કરવાનો રહેશે. એટલે જ અમદાવાદમાં કોરોનાના સત્તાવાર આંકડા જાહેર થયા હતા તેનાથી વધુ લોકોને સહાય ચૂકવાઈ છે. આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો.

line

શંકાસ્પદ કોરોનાનાં મૃત્યુ અને સહાયની મુશ્કેલી

સરકારી જાહેરાતો છતાં અમલવારીમાં વિલંબ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકારી જાહેરાતો છતાં અમલવારીમાં વિલંબ કેમ? (પ્રતીકાત્મક તસવીર)

જયાબહેન જેવા સંખ્યાબંધ લોકો એવા છે કે જેમનાં સગાનાં મરણનાં પ્રમાણપત્રમાં શંકાસ્પદ કોરોના લખાયું છે અને તેઓ સહાય માટે રઝળી રહ્યા છે.

આ અંગે બીબીસી ગુજરાતીએ આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગના ઉપસચિવ અતુલ પટેલનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, "આ અંગેની તમામ કાર્યવાહી સરળ બને તે માટે એક સમિતિની રચના કરવામાં આવી છે."

"તમામ ખાનગી અને સરકારી હૉસ્પિટલોને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા ચાલુ હોવાથી એમણે સરકારે જાહેર કરેલા કોવિડના મૃત્યુના આંકડા કરતાં વધુ સહાય કેમ અપાઈ છે તે અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો