મ્યાનમાર : ભારતનો એ પાડોશી દેશ જ્યાં સેનાએ જ અનેક નાગરિકોની 'હત્યા કરી'

"એ લોકો જે રીતે અમારા ઘરના સભ્યોને બેરહમીથી મારી રહ્યાં હતાં, એ અમારાથી જોઈ શકાય એમ નહોતું. અમે રડતાં-રડતાં માથું ઝુકાવી દીધું હતું અને હાથ જોડીને કરગરી રહ્યાં હતાં, પણ એમનાં મોઢાં પર સહેજ પણ ખચકાટ જોવા મળ્યો નહોતો."

આ શબ્દો એક એવાં મહિલાના છે, જેમણે મ્યાનમારમાં સૈનિકોની યાતનાથી પોતાના ભાઈ, ભત્રીજા અને જમાઈને ગુમાવ્યા છે.

તેમના જણાવ્યા મુજબ હત્યા બાદ સૈનિકો તેમની પાસે આવ્યા અને મૃતકોમાંથી કોઈ તેમના પરિવારજનો હોય તો અંતિમસંસ્કાર કરી દેવા જણાવ્યું હતું.

મ્યાનમાર

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વર્ષે જુલાઈમાં મ્યાનમારની સેનાએ ઘણા નાગરિકોની સામૂહિક હત્યા કરી નાખી છે. આ તપાસમાં 40થી વધુ પુરુષોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓ અને બચી ગયેલા લોકોનું કહેવું છે કે સૈનિકોએ પહેલાં પુરુષોને અલગ કર્યા અને ત્યાર પછી તેમની હત્યા કરી દીધી.

આ સૈનિકોમાં 17 વર્ષના સગીરો પણ હોવાનું આ લોકોએ જણાવ્યું હતું.

ઘટનાનાં વીડિયો ફૂટેજ અને તસવીરો બતાવે છે કે લોકોને મારતા પહેલાં તેમને અસહ્ય યાતનાઓ આપવામાં આવી હતી અને ત્યાર બાદ ખાડો ખોદીને સામૂહિક રીતે દાટી દેવામાં આવ્યા હતા.

line

સત્તારૂઢ સેનાના વિરોધીઓનો ગઢ

મ્યાનમારમાં સેનાએ બળજબરીથી સત્તા આંચકી લીધી, એ બાદ મહિલાઓ પર અત્યાચારના કિસ્સા પણ બહાર આવ્યા છે.
ઇમેજ કૅપ્શન, મ્યાનમારમાં સેનાએ બળજબરીથી સત્તા આંચકી લીધી, એ બાદ મહિલાઓ પર અત્યાચારના કિસ્સા પણ બહાર આવ્યા છે.

આ હત્યાઓ જુલાઈમાં કાની ટાઉનશિપની ચાર અલગ-અલગ ઘટનાઓ દરમિયાન થઈ હતી.

કાની મધ્ય મ્યાનમારના સાગૅંગ જિલ્લાનો એક નાનકડો વિસ્તાર છે. જે સત્તારૂઢ સેનાના વિરોધીઓનો ગઢ મનાય છે.

મ્યાનમારમાં સેનાએ ફેબ્રુઆરી મહિનામાં બળજબરીથી સત્તા આંચકી લીધી હતી.

આ ગેરબંધારણીય ગતિવિધિમાં તેમણે આંગ સાન સુ ચીના નેતૃત્વવાળી લોકતાંત્રિક સરકારને હઠાવીને તેમને બંધી બનાવી લીધાં હતાં. જે બાદ સેનાને લોકોના પ્રતિરોધનો સામનો કરવો પડ્યો હતો.

કાનીમાં બીબીસીએ 11 પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી અને ‘મ્યાનમાર વિટનેસ’ નામના એનજીઓના મોબાઇલ ફોન ફૂટેજ અને તસવીરો સાથે તેની સરખામણી કરી હતી.

મ્યાનમાર વિટનેસ એ બ્રિટનસ્થિત એક એનજીઓ છે, જે મ્યાનમારમાં માનવાધિકારના ઉલ્લંઘનના કિસ્સાઓની તપાસ કરે છે.

line

યાતનાઓની કહાણી, સાક્ષીઓની જુબાની

ફેબ્રુઆરી મહિનામાં સેનાએ મ્યાનમારમાં બળજબરીથી સત્તા આંચકી લીધી હતી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ફેબ્રુઆરી મહિનામાં સેનાએ મ્યાનમારમાં બળજબરીથી સત્તા આંચકી લીધી હતી.

બીબીસીને જાણવા મળ્યું કે સામૂહિક હત્યાની સૌથી મોટી ઘટના યીન નામના ગામમાં થઈ હતી. જ્યાં 14 જેટલા લોકોને યાતના આપવામાં આવી હતી અને કેટલાક લોકોની હત્યા કરીને મૃતદેહોને જંગલમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

યીન ગામમાં બનેલી આ ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જણાવ્યું કે હત્યા પહેલાં લોકોને દોરડા વડે બાંધી દેવામાં આવ્યા હતા અને ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યા હતા.

એક મહિલાના ભાઈ, ભત્રીજા અને બનેવીની હત્યા કરવામાં આવી હતી.

તેઓ કહે છે કે “અમે ત્યાં ઊભા રહીને આ જોઈ શકતાં ન હતાં. જેથી અમે માથું ઝુકાવી દીધું હતું. અમે રડી રહ્યાં હતાં.”

“અમે તેમની સામે હાથ જોડીને કરગરતાં હતાં કે આમ ન કરો, પણ તેમને કોઈ ખચકાટ ન હતો. તેમણે મહિલાઓને પૂછ્યું હતું કે ”શું આમાં તમારા પતિ છે? જો હોય તો અંતિમક્રિયા કરી લો.”

અહીંથી નાસી છૂટવામાં સફળ રહેનારા એક પુરુષે જણાવ્યું કે પકડી લેવામાં આવ્યા, ત્યાંથી હત્યા થઈ ત્યાં સુધી પુરુષો સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું.

વીડિયો કૅપ્શન, 10 લાખથી વધુ શરણાર્થીઓ વતન ફરતાં કેમ જોખમ લાગે છે?

તેઓ કહે છે કે, “અમને લોકોને બાંધી દેવામાં આવ્યા હતા અને પથ્થરો તેમજ રાઇફલના પાછળના બટથી વારંવાર મારવામાં આવી રહ્યા હતા.”

તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક સૈનિકો કદાચ 17 કે 18 વર્ષના હોય તેમ લાગતું હતું અને કેટલાક તેથી પણ નાના હતા. આ સૈનિકોમાં મહિલાઓ પણ સામેલ હતાં.

નજીકમાં આવેલા ઝી બિન ડ્વિન નામના ગામમાં જુલાઈના અંતમાં એક ખાડામાં 12 મૃતદેહો મળી આવ્યા હતા.

આ મૃતદેહોમાં એક દિવ્યાંગ વ્યક્તિ અને એક બાળકનો પણ સમાવેશ થતો હતો. જ્યારે એક વૃદ્ધનો મૃતદેહ ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ વૃદ્ધના મૃતદેહના વીડિયોમાં તેમને હત્યા પહેલાં અપાયેલી યાતનાઓનાં નિશાન સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આ વૃદ્ધના પરિવારજનોએ જણાવ્યું કે જ્યારે સેના ગામમાં પ્રવેશી ત્યારે તેમનો પુત્ર અને પૌત્ર નાસી ગયાં હતાં પણ તેઓ અહીં રોકાઈ ગયા હતા.

તેમનું માનવું હતું કે તેમની ઉંમર વધારે હોવાથી તેમની સાથે કોઈ દુર્વ્યવહાર નહીં કરવામાં આવે.

line

સામૂહિક હત્યાનું કારણ શું?

મ્યાનમારમાં ફરી લોકશાહી લાવવાની માગ સાથે વિરોધ થઈ રહ્યો છે અને એક જૂને સેના પર પણ હુમલો કર્યો હતો.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મ્યાનમારમાં ફરી લોકશાહી લાવવાની માગ સાથે વિરોધ થઈ રહ્યો છે અને એક જૂને સેના પર પણ હુમલો કર્યો હતો.

આ હત્યાઓને સેના તરફથી આપવામાં આવેલી સજા તરીકે જોવામાં આવે છે, કારણ કે અહીંના એક જૂથે સેના પર હુમલો કર્યો હતો. આ લોકોની માગ મ્યાનમારમાં ફરીથી લોકશાહી લાવવાની છે.

પીપલ્સ ડિફેન્સ ફોર્સ નામના આ જૂથની સ્થાનિક શાખાઓ અને સેના વચ્ચે લડાઈ ચાલી રહી હતી. તે સમયે જ સામૂહિક હત્યાઓ પહેલાં કરતાં ઝડપી બની ગઈ હતી.

બીબીસીને મળેલી તસવીરો અને સાક્ષીઓના કથનના આધારે એવું પણ કહી શકાય કે સામૂહિક હત્યાની આ ઘટનાઓમાં પુરુષોને નિશાન બનાવવામાં આવ્યા છે.

પીપલ્સ ડિફેન્સ ફોર્સ અને સેના વચ્ચેની લડાઈમાં ગામના લોકોને સામૂહિક રીતે સજા આપવામાં આવી છે.

line

ગામના લોકોએ સેના પર હુમલો કર્યો હતો?

વીડિયો કૅપ્શન, લશ્કરી બળવાના 8 મહિના બાદ ગૃહયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે મ્યાનમાર

ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોનું કહેવું છે કે સેના વિરૂદ્ધ થયેલા હુમલામાં આ પુરુષો સામેલ ન હતા.

પોતાના ભાઈને ગુમાવનારાં એક બહેન કહે છે કે તેમણે હાથ જોડીને સૈનિકોને આજીજી કરી કે ’મારો ભાઈ એક ગલોલ પણ સંભાળી શકે તેમ નથી.’

જેના જવાબમાં એક સૈનિકે કહ્યું હતું કે “કંઈ કહેવાની જરૂર નથી, નહીં તો અમે તને પણ મારી દઈશું.”

મ્યાનમારમાં સત્તાપરિવર્તન બાદ વિદેશી પત્રકારો રિપોર્ટિંગ કરી શકતા નથી અને મોટાભાગની વિદેશી મીડિયા સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ અસંભવ થઈ ગયું છે.

line

શું કહે છે સેના?

વીડિયો કૅપ્શન, મ્યાનમારમાં સૈન્ય બળવા સામે લોકોનો ભારે વિરોધ યથાવત

બીબીસીએ આ આરોપો અંગે સેનાનો પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેના માટે મ્યાનમારના માહિતી ઉપમંત્રી અને સેનાના પ્રવક્તા જનરલ ઝૉ મિન તુનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

તેમણે સેના દ્વારા કરવામાં આવેલી સામૂહિક હત્યાની વાતને ફગાવી ન હતી.

તેમણે કહ્યું હતું કે, ”આ થયું હોઈ શકે છે. જો લોકો અમારી સાથે દુશ્મનોની જેમ વ્યવહાર કરી શકતા હોય તો અમારી પાસે પણ સ્વરક્ષાનો અધિકાર છે.”

મ્યાનમારની સેના દ્વારા કરવામાં આવેલા કથિત માનવાધિકાર ભંગની તપાસ સંયુક્ત રાષ્ટ્ર હાલમાં કરી રહ્યું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો