કિમ જોંગ ઉન : ઉત્તર કોરિયાના શાસકની એ વાતો જેના વિશે તમને ખબર નહીં હોય

થોડાં વર્ષો પહેલાં 27 વર્ષના કિમ જોંગ ઉનને ઉત્તર કોરિયાની સત્તા સંભાળી હતી. તેઓ અવારનવાર સમાચારમાં રહે છે.

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉનની તસવીરો દુનિયાભરના અખબારોમાં હંમેશાં જોવા મળતી હોય છે, પરંતુ તેમનું અંગત જીવન વિશ્વ માટે હજી પણ એક રહસ્ય જેવું છે.

કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, AFP

ઉદાહરણ તરીકે દુનિયા હજી પણ એ નથી જાણતી કે કિમ જોંગ-ઉનની ઉંમર શું છે.

પરંતુ તેમના સહપાઠીઓ અને ઉત્તર કોરિયા છોડીને ભાગનારા લોકો તેમના અંગત જીવન વિશે અનેક પ્રકારની મહત્ત્વની જાણકારીઓ આપતા રહે છે.

એવી જાણકારીઓ સામે આવી છે કે કિમ જોંગ-ઉન અંગેની આ પાંચ મહત્ત્વની બાબતો કદાચ તમે નહીં જાણતા હોવ.

line

1- રાજકુમારો જેવી, પરંતુ એકલવાયી જિંદગી

કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, REUTERS

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કિમ જોંગ-ઉનનો જન્મ 1982થી 1983ની વચ્ચે થયો હોવો જોઈએ. તેમનું બાળપણ રાજકુમારોની જેમ વીત્યું હતું.

'એન.કે. લીડરશિપ વૉચ' નામની વેબસાઇટના નિર્દેશક માઇકલ મેડને બી.બી.સી.ને જણાવ્યું, "તેઓ મોટા-મોટા બંગલામાં રહેતા હતા, એક વિલાસી જિંદગી જીવી છે, પરંતુ એકલવાયું જીવન પસાર કર્યું છે."

કિમ જોંગ-ઉનના પિતા કિમ જોંગ-ઉલના પૂર્વ સુરક્ષા જવાને અમેરિકાના ન્યૂઝ ગ્રૂપ 'એ.બી.સી.' સાથે વાત કરતા આવું જ કંઈક વર્ણન કર્યું છે.

વર્ષ 2017માં ટોરન્ટોમાં લીએ કહ્યું હતું, "તેમની સાથે રમવા માટે કોઈ તેમની ઉંમરના બાળકો ન હતા, ત્યાં બધા વડીલો હતા, જે તેમને શિક્ષણ આપતા હતા."

ઉત્તર કોરિયાની સરકારે જે તસવીરો બહાર પાડી છે, તેમાં તેઓ ખૂબ નાની ઉંમરમાં જ સૈનિકના પોશાકમાં જોવા મળે છે, જે તેમના પદની ઓળખાણ કરાવે છે.

મેડન કહે છે, "કિમના પરિવારમાં કોઈની રજા લીધા વિના કિમ જોંગ-ઉન સાથે સંપર્ક થઈ શકતો ન હતો."

"જો આવું કરવામાં આવે તો તેની સજા જેલ અથવા તો મોત હતી."

"તેમને બાળકોની સુરક્ષા કરવાની હતી કેમ કે, તેમનું અપહરણ થઈ શકતું હતું."

line

2. સ્વિટ્ઝરલૅન્ડમાં અભ્યાસ

કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, Reuters

કિમ જોંગ-ઉને પોતાનો અભ્યાસ સ્વિટ્ઝરલૅન્ડના બ્રર્ફિલા પ્રદેશમાં આવેલી એક જર્મન સ્કૂલમાંથી કર્યો છે.

વર્ષ 1966થી 2000 સુધી કિમ જોંગ-ઉનનો અભ્યાસ યુરોપમાં થયો.

શરૂઆતમાં તેઓ તેમના માસીના સાથે રહ્યા, બાદમાં તેમના માસી અમેરિકા જતાં રહ્યાં અને બીજું નામ ધારણ કરી લીધું.

જે દરમિયાન કિમે એક ગુપ્ત નામ સાથે જિંદગી જીવી હતી.

'ધી વૉશિંગ્ટન પોસ્ટ'ને આપેલા ઇન્ટર્વ્યૂમાં તેમના માસીએ કહ્યું, "તે સમસ્યાઓ ઊભી કરનારો બાળક ન હતો, પરંતુ તે વારંવાર ચિડાઈ જતો અને તેનામાં સહનશીલતા ન હતી."

કિમની સાથે અભ્યાસ કરનારા લોકો કહે છે તેઓ તેમને દૂતાવાસમાં કામ કરનારા કોઈ કર્મચારીનું બાળક સમજતા હતા. તે શરમાળ હતો, પરંતુ તે એક સારો મિત્ર હતો.

line

3. બાસ્કેટબૉલના દીવાના

કિમ જોંગની સ્કૂલ

ઇમેજ સ્રોત, Getty Images

એક સમયે કિમ જોંગ-ઉન સાથે બાસ્કેટબૉલ રમનારા માર્કો ઇમહૉક કહે છે, "તેઓ મોટાભાગે એક શરમાળ બાળકની જેમ રહેતા હતા.

"જોકે, બાસ્કેટબૉલ રમતી વખતે તે આક્રમક બની જતા હતા, પરંતુ સકારાત્મક અંદાજમાં."

કિમ અમેરિકન બાસ્કેટબૉલ ખેલાડી માઇકલ જોર્ડનના દીવાના હતા.

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા બન્યા બાદ પણ તેમની બાસ્કેટબૉલ પ્રત્યેની દીવાનગી ઓછી થઈ ન હતી.

અમેરિકન ખેલાડી ડેનિસ રોડમૅન કેટલીયવાર ઉત્તર કોરિયાની યાત્રા કરી ચૂક્યા છે. બંને વચ્ચેની મિત્રતા વિવાદોમાં પણ રહી છે.

રોડમેને એક ટીવી કાર્યક્રમ ધી લેટ શોમાં સ્ટીફન કોલબર્ટ સાથે વાત કરતા કહ્યું હતું, "મને એ સમજાતું નથી કે લોકો કેવી રીતે કહી દે છે કે આ વ્યક્તિ પાગલ છે. હું એને એ રીતે નથી જોતો."

line

4. વ્હિસ્કી અને એનિમેશન ફિલ્મ

કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, AFP

કિમ જોંગ-ઉનની દારૂ પીવાની આદત પર પણ ઘણા કયાસ લગાવવામાં આવે છે.

એનકે લીડરશિપ વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, કિમ જોંગ-ઉને 15 વર્ષની ઉંમરમાં દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું, એ પણ જોની વૉકર વ્હિસ્કી.

માઇકલ મેડન જણાવે છે, "ઉત્તર કોરિયાઈ લોકો માટે આ અસ્વાભાવિક વાત નથી."

કિમ જોંગ-ઉનને જાપાની એનિમેશન ફિલ્મો પસંદ છે અને માઇકલ જેક્સનથી લઈને મેડોનાનું સંગીત પસંદ છે.

કિમ જોંગ-ઉને નાની ઉંમરમાં જ સંગીત વાદ્ય વગાડવાનું શીખી લીધું હતું અને તેઓ ખૂબ સારી રીતે ગિટાર વગાડે છે.

line

5. કિમની ઉદારતા

કિમ જોંગ-ઉનના પિતાના શેફ રહેલા ફુઝિમોતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિમ જોંગ-ઉનના પિતાના શેફ રહેલા ફુઝિમોતો

એક સમયે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉલના શેફ રહેલા એક જાપાની વ્યક્તિએ કિમ જોંગ-ઉનના વ્યક્તિત્વના ઉદારતાભર્યા પાસાં સામે રાખ્યા છે.

કિમ જોંગ-ઉનના પિતા સાથે 10 વર્ષથી વધારે સમય સુધી રહેનારા આ વ્યક્તિએ 2001માં ઉત્તર કોરિયા છોડી દીધું હતું.

ફેંઝી ફુજીમોતો ઉપનામથી અનેક પુસ્તકો લખનાર આ શખ્સ એક તીર્થયાત્રા સમયે જાપાનથી ભાગી ગયો હતો.

જોકે, આ પહેલાં પણ તે લકઝરી સામાન ખરીદવા માટે વિદેશયાત્રા કરી ચૂક્યો છે.

ઉત્તર કોરિયાથી ભાગ્યા બાદ તેને ડર હતો કે ઉત્તર કોરિયાના એજન્ટ તેને મારી નાખશે, પરંતુ કિમ જોંગ-ઉને ઉત્તર કોરિયાની સરકારનો એક બીજો ચહેરો જ દેખાડ્યો.

વર્ષ 2012માં કિમ જોંગ-ઉન નિમંત્રણ પર પ્યોંગયાંગ પહોંચ્યા બાદ આ શખ્સ ખૂબ અચંબિત હતો.

કેંઝી કહે છે, "હું જ્યારે કિમ જોંગ-ઉનને જોવા માટે ગયો ત્યારે હું ખૂબ જોરજોરથી રડવા લાગ્યો"

'વૉશિંગ્ટન પોસ્ટ' સાથે ઇન્ટર્વ્યૂમાં તેમણે કહ્યું, "મેં કિંમ જોંગ-ઉનને કોરિયન ભાષામાં કહ્યું કે હું ફુઝીમોતો ગદ્દાર પરત આવી ગયો છું."

ત્યારબાદ કિમ 'ઠીક છે' એમ કહીને તેઓ મને ભેટી પડ્યા.

જોકે, ફુઝીમોતોની ઘણી કહાણી પર સવાલો ઊભા થયા છે, પરંતુ ઘણા નિષ્ણાતો તેમની વાત સાથે સહમત થાય છે.

line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો