ટ્રમ્પ-કિમ બેઠકની આ પાંચ વાત તમારે જાણવી જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન વચ્ચે સિંગાપોરમાં ઐતિહાસિક બેઠક પૂર્ણ થઈ છે.
આ બેઠક કેપેલા હોટલની લાઇબ્રેરીમાં થઈ હતી અને 38 મિનિટ સુધી બંને નેતાઓએ વાતચીત કરી હતી.
ટ્રમ્પ અને કિમ જોંગ-ઉને બેઠક બાદ લંચ કરી ગાર્ડનમાં હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
આ સમગ્ર મુલાકાતમાં શું થયું?, સિંગાપોરમાં જ બેઠક શા માટે? તેમજ આ મુલાકાતનું મહત્ત્વ શું છે? એવા તમને વિવિધ પ્રશ્નો ઉદ્ભવતા હશે. તો તેવામાં આ 5 મુદ્દામાં સમજો સમગ્ર ઘટના.

આ બેઠક શા માટે મહત્ત્વની છે?

ઇમેજ સ્રોત, Getty Images
પરમાણુ પરિક્ષણની બાબતે હંમેશા ચર્ચામાં રહેતા ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન પોતાની 'એકલા અને આક્રમક લડવૈયા'ની છાપ બદલીને આંતરરાષ્ટ્રીય કૂટનીતિજ્ઞની છાપ ઊભી કરી રહ્યાં છે.
જ્યારે અમેરિકાની વાત કરીએ તો ડેલાવેયર યુનિવર્સિટીના પ્રોફેસર મુક્તદર ખાને બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ટ્રમ્પ આ મુલાકાત દ્વારા તેમના વિરોધીઓને પોતે સકારાત્મક કામ કરી શકે છે તેઓ સંદેશ આપવા માંગે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
બેઠક પહેલાં ટ્રમ્પ અને કિમ જોંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બેઠકની શરૂઆત પહેલાં પત્રકારોને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "મને ખૂબ ખુશી છે. અમે એક મહાન બેઠક માટે જઈ રહ્યા છીએ. મને લાગે છે કે તે ખૂબ સફળ થશે. અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો હશે એમાં મને કોઈ શક નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિમ જોંગ-ઉને કહ્યું, "વાસ્તવમાં અહીં સુધી આવવું સરળ ન હતું, જૂના પૂર્વગ્રહો, પ્રથાઓ અને બાધાઓ અમને નડ્યાં, અમે એ બધા વિઘ્નોને પાર કરીને અહીં પહોંચ્યા છીએ."

આ બેઠકને ઐતિહાસિક શા માટે ગણવામાં આવે છે?

ઇમેજ સ્રોત, AFP
ટ્રમ્પ અને કિમની આ મુલાકાતને ઐતિહાસિક કહેવામાં આવી રહી છે. પરંતુ લોકોને પ્રશ્ન થતો હશે કે આ બેઠકને ઐતિહાસિક શા માટે ગણવામાં આવે છે.?
તો તેના જવાબમાં આ વાત છે કે અત્યારસુધીમાં પ્રથમ વખત બન્યું છે કે કોરિયાના કોઈ નેતા અમેરિકાના રાષ્ટ્રપતિને મળ્યા હોય.
આ મુલાકાત માટે સિંગાપોર જ કેમ પસંદ કરાયું?

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે બીબીસી એશિયાના બિઝનેસ રિપોર્ટર કરિશ્મા વાસવાણી જણાવે છે, "ઉત્તર કોરિયા સાથે વેપાર કર્યો હોય એવા જૂજ દેશો છે. 2016માં નોર્થ કોરિયા સાથે વેપાર કરતા દેશોની યાદીમાં સિંગાપોર આઠમાં સ્થાને હતું.''
''સિંગાપોર બહુ ઓછાં એવા દેશો પૈકી એક છે કે જે ઉત્તર કોરિયાની ઍમ્બૅસી ધરાવતા હોય. યુએનના પ્રતિબંધો છતાં પણ સિંગાપોરની બે કંપનીઓએ ઉત્તર કોરિયા સાથેનો વેપાર ચાલુ રાખ્યો છે એવું મારા ધ્યાને આવ્યું છે, જોકે આ કંપનીઓ આ બાબતને નકારી કાઢે છે."
કરિશ્માએ કહ્યું, "ઇન્ટેલિજન્સ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે કિમ અહીં રાહત અને સુરક્ષા પણ અનુભવે છે. અહીં તેમના બૅંક એકાઉન્ટ હોવાનું તથા તે અહીં મેડિકલ ટેસ્ટ માટે આવતા હોવાનું પણ મનાય છે."
કોની પાસે કેટલાં અણુશસ્ત્રો?

ઇમેજ સ્રોત, Getty Images
પરમાણુ હથિયારોની તાકત પર આ બેઠક યોજાઈ હતી એમ કહીએ તો ખોટું ન કહેવાય. તેવામાં તમને પ્રશ્ન થતો હશે કે કયા દેશ પાસે વાસ્તવમાં છે કેટલાં અણુશસ્ત્રો છે?
તો તમને જણાવી દઈએ કે વિશ્વના કુલ 93% ટકા અણુશસ્ત્રો માત્ર અમેરિકા અને રશિયા પાસે છે. અમેરિકા અને રશિયા બંને પાસે અંદાજે ચાર-ચાર હજાર અણુશસ્ત્રો છે.
ફ્રાન્સ પાસે 300, ચીન પાસે 270, બ્રિટન પાસે 215 અણુશસ્ત્રો છે.
ઉત્તર કોરિયા પાસે કેટલાં શસ્ત્રો છે તેની જાણકારી મળી નથી, પરંતુ ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસનું માનવું છે કે ઉત્તર કોરિયા પાસે 20 જેટલાં અણુહથિયારો હોય તેવી શક્યતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












