પિતાનું દેશ માટે બલિદાન, પુત્ર એ જ બટાલિયનમાં ‘અફસર’ બન્યા

ઇમેજ સ્રોત, Prasant kumar
- લેેખક, પ્રીત ગરાલા
- પદ, બીબીસી ગુજરાતી
ભારતીય આર્મીની જે બટાલિયનમાં પિતા લાન્સ નાયક હોય એ જ બટાલિયનમાં જો પુત્ર લેફ્ટનન્ટ બને તો પિતાની છાતી ગજગજ ફૂલે.
જોકે, રાજપૂતાના રાઇફલ્સની બીજી બટાલિયનમાં જોડાયેલા લેફ્ટનન્ટ હિતેશ કુમારના પિતા લાન્સ નાયક બચન સિંહ તેમના પુત્રની આ સફળતા જોવા હયાત નથી.
12 જૂન, 1999ના રોજ કારગિલ યુદ્ધમાં તોલોલિંગ પહાડી પર કબજો મેળવવા માટે થયેલી એ ભીષણ લડાઈમાં બચન સિંહે જીવ ગુમાવ્યો હતો.
એ સમયે માત્ર છ વર્ષના તેમના પુત્ર હિતેશ કુમારને જીવનનું એક લક્ષ્ય આપ્યું - મોટા થઈને પિતાની જેમ જ ભારતીય સૈન્યમાં જોડાવવું.
19 વર્ષ બાદ હવે હિતેશ કુમાર દેહરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાંથી તાલીમ બાદ લેફ્ટનન્ટ બનીને ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
એટલું જ નહીં તેમની નિમણૂક પણ તેમના પિતા લાન્સ નાયક બચન સિંહ જે બટાલિયનમાં હતા તે રાજપૂતાના રાઇફલ્સની બટાલિયનમાં જ થઈ હતી.

માતાનું સપનું સાકાર થયું

ઇમેજ સ્રોત, Hitesh kumar
હિતેશ કુમારે પોતાના વિશે વાત કરતા બીબીસી ગુજરાતીને કહ્યું, "મેં છેલ્લાં 19 વર્ષથી માત્ર સેનામાં જોડાવવાનું સપનું જોયું હતું."
"મારી માતાનું પણ એ જ સપનું હતું અને હવે તે પૂર્ણ થયું છે. હું નિષ્ઠા અને ઈમાનદારીથી દેશની સેવા કરીશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેહરાદૂન સ્થિત મિલિટરી એકૅડેમીમાંથી હિતેશ કુમારે પાસઆઉટ પરેડ બાદ પોતાના જિલ્લા મુઝફ્ફરનગરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલી તેમના પિતા બચન સિંહની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.
હિતેશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે તેઓ પિતાની જેમ જ દેશસેવા કરવા માગે છે.
એ વાત તેમના માટે ગર્વની વાત છે કે તેઓ પિતાની બટાલિયનમાં જ જોડાયા છે.
તેમણે માતાનો આભાર માનતા કહ્યું કે તેમની માતાના સંઘર્ષ અને પ્રાર્થનાને કારણે જ તેમને સફળતા મળી છે.
હિતેશ કુમારે બીબીસીને જણાવ્યું કે ઋષિપાલ સિંહ તેમના મામા છે અને તેઓ પણ પિતાની બટાલિયનમાં સાથી રહી ચૂક્યા છે.
ઋષિપાલ સિંહે બચન સિંહની બહાદુરીનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે તેઓ એક નીડર સૈનિક હતા.


ઇમેજ સ્રોત, Prasant Kumar
ઋષિપાલ સિંહે જૂની ઘટનાને વર્ણવતા કહ્યું હતું, ''દુશ્મનોએ કારગિલના તોલોલિંગ પર હુમલો કર્યો ત્યારે અમે 17 જવાન ગુમાવ્યા હતા.
''આ લડાઈમાં જવાન બચ્ચન સિંહના માથા પર ગોળી વાગી હતી. હિતેશની આ સિદ્ધિથી આજે પણ પિતાને ગર્વ થતો હશે.''
હિતેશનાં માતા કામેશ બાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે મારું એકમાત્ર સપનું હતું કે હિતેશ તેના પિતાની જેમ જ સૈન્યમાં જોડાય અને દેશની સેવા કરે.
"હવે એ સપનું પૂર્ણ થયું છે. આથી વધુ મારે કંઈ પણ જોઈતું નથી. પતિ શહીદ થયા બાદ જીવન ખૂબ જ સંઘર્ષમય બની ગયું હતું."
"મેં મારું સંપૂર્ણ જીવન પુત્રના યોગ્ય ઉછેર માટે સમર્પિત કરી દીધું હતું. મને ગર્વ છે કે હિતેશની પસંદગી સેનામાં થઈ છે."

જ્યારે માતા પર મામાનો ફોન આવ્યો

ઇમેજ સ્રોત, Hitesh Kumar
જ્યારે દેશ માટે પિતાએ બલિદાન આપ્યું ત્યારે હિતેશ પરિવાર સાથે તેમના નાનાને ઘરે હતા.
હિતેશ કુમાર જણાવે છે, ''હું, મારો ભાઈ અને મારી મમ્મી વૅકેશનમાં મારા નાના ઘરે ગયા હતા. હું અને મારો ભાઈ નીચે રમતાં હતા અને મારી માતા ઘરમાં કામ કરતી હતી.''
''ત્યારે અચાનક મારા મામા ઋષિપાલ સિંહનો ફોન આવ્યો અને મારા પિતા શહીદ થયાની વાત મારી માતા સાથે કરી. તે સમયે સંપૂર્ણ પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો.''
''ત્યારબાદ અમે અમારા ઘરે પહોંચ્યા અને થોડા દિવસ બાદ મારા પિતાનો દેહ આવ્યો. દેહ સાથે અનેક સૈનિકો પણ આવ્યા હતા. બાદમાં અમારી જ જમીન પર પિતાજીનું સ્મારક બનાવ્યું હતું.''

પિતાની બટાલિયનમાં જજોડાયા

ઇમેજ સ્રોત, Prasant Kumar
જ્યારે હિતેશને પૂછવામાં આવ્યું કે દેશ માટે પોતાના પિતાએ જીવ ગુમાવ્યો ત્યારે પોતે પણ દેશની સેવા કરવાનો નિર્ણય ક્યારે કર્યો?
ત્યારે તેમણે જવાબ આપ્યો કે મારી માતા અને મારું બંનેનું સપનું હતું કે હું સેનામાં સામેલ થઉ અને દેશની સેવા કરું.
''બાળપણમાં જ્યારે શાળામાં બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમે શુ બનવા માંગો છો તો ત્યારે મેં જવાબ આપ્યો કે 'સૈનિક'. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ મારી સામે જોવા લાગ્યા હતા.
''ત્યારબાદ મેં શહીદ જવાનના પુત્રને આપવામાં આવતા પેરેન્ટલ ક્લેમનો ઉપયોગ કર્યો.''
''પેરેન્ટલ ક્લેમ એટલે કોઈ જવાન શહીદ થાય તો તેના પુત્રને એ જ બટાલિયનમાં જોડાવાનો વિશેષ અધિકાર મળે છે. આથી મેં તેના થકી પિતાની જ બટાલિનમાં સ્થાન મેળવ્યું હતું''

કેક સમજી ગુલાબજાંબુ કાપી બર્થ-ડેની ઉજવણી

ઇમેજ સ્રોત, Prasant kumar
બાળપણની વાતો યાદ કરતાં હિતેશ જણાવે છે કે પિતા જ્યારે પણ રજાઓમાં ઘરે આવતા હતા ત્યારે અમને તેઓ બહાર ફરવા અને જમવા માટે લઈ જતા હતા.
એક બનાવને યાદ કરતાં તેઓ કહે છે કે ''એ વખતે અમારી ઉંમર ચાર-પાંચ વર્ષની હશે. હું અને મારો ભાઈ જોડિયા છીએ."
"મારા પરિવારે અમારો જન્મદિવસ ઊજવવાની તૈયારી કરી હતી, ત્યારે મારા પિતા પણ ત્યાં હાજર હતા."
''મારા માસીએ વિવિધ વાનગીઓ તૈયાર કરી હતી. આ સમયે નાની ઉંમર હોવાથી મેં ગુલાબજાંબુને કેક સમજી તેને કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
''એ સમયે ઘરમાં હળવો માહોલ સર્જાયો હતો.''

જ્યારે માતાએ પિતાનું સ્થાન લીધું

ઇમેજ સ્રોત, AFP
તેમના જીવન વિશે હિતેશ જણાવે છે, ''પિતાના ગયા બાદ મારી માતાનું જીવન ખૂબ જ સંઘર્ષમય બની ગયું હતું. તેમણે અમને કોઈ મુશ્કેલી પડવા દીધી નહોતી.''
''અમે બંને ભાઈઓમાં હું ખૂબ જ તોફાની હતો અને નાનો ભાઈ મારાથી શાંત હતો. માતા પાસે મારી અવારનવાર શાળાએથી ફરિયાદ આવતી હતી.
''મારી માતા પિતા કરતાં પણ ખૂબ જ કડક સ્વભાવનાં હતાં. તેઓ જરાક પણ ખોટું ચલાવી લેતાં નહોતાં.''
''મમ્મીએ કેટલાક નિયમ બનાવ્યા હતા કે જેને અમારે અનુસરવા પડતા. જેમ કે, રાત્રે આઠ વાગ્યા પછી ઘરની બહાર ન નીકળવું.''
''અમારે પૉકેટ મની જેવું કંઈ નહોતું, પરંતુ તેની બદલે અમારે જે પણ વસ્તુ જોઈએ એ સીધી માગી લેવાની હતી.''

શું હતી સમગ્ર ઘટના?

ઇમેજ સ્રોત, Getty Images
1999ના યુદ્ધમાં રાજપૂતાના રાઇફલ્સની બીજી બટાલિયને તોલોલિંગને કબજે કર્યું હતું.
કારગિલમાં મળેલી આ પ્રથમ સફળતા હતી, જે આગળની સફળતા માટે લૉન્ચિંગ પેડ સાબિત થઈ હતી.
તોલોલિંગને ઘૂસણખોરોના કબજામાંથી મુક્ત કરાવવા માટે સેનાએ અનેક વખત પ્રયાસ કરવા પડ્યા હતા, જેમાં 100થી વધુ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
અંતિમ હુમલામાં ચાર અધિકારી, બે જેસીઓ (જુનિયર કમિશન્ડ ઑફિસર) અને 17 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં અને 70 જવાન ઘાયલ થયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












