કબડ્ડી : ચાર હજાર વર્ષ પહેલાં જ્યારે ભારતમાં રમતની શરૂઆત થઈ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડા કપ અંતર્ગત રમાઈ રહેલી કબડ્ડી
    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

'કબડ્ડી.. કબડ્ડી.. કબડ્ડી' કે પછી 'હુતુતુ... તુ... તુ...' આ શબ્દોથી તમામ લોકો વાકેફ હશે.

શારીરિક અને માનસિક પરિશ્રમના સમન્વય સાથે રમાતી કબડ્ડી ભારતમાં એટલી પ્રચલિત નથી જેટલી ક્રિકેટ છે.

પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને ખેલપ્રેમીઓ કબડ્ડી તરફ વળ્યા છે. બીજું કે કબડ્ડીને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણા પ્રયાસો થઈ રહ્યા છે.

હાલમાં પ્રો-કબડ્ડી ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં શુક્રવારના રોજ ગુજરાત ફૉર્ચ્યુન જાયન્ટ્સ અને યુપી યોદ્ધા વચ્ચે મૅચ છે.

આ અહેવાલમાં કબડ્ડીના એ 'અજાણ્યા' ઇતિહાસને ફંફોળવામાં આવ્યો છે જે ખૂબ જ રોચક પણ છે.

line

કબડ્ડીનો ઇતિહાસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કબડ્ડી પ્રાચીન સમયથી રમાતી હોવાનું માનવામાં આવે છે. આ રમતમાં બન્ને ટીમમાં સાત-સાત ખેલાડીઓ હોય છે.

ઍમેચ્યૉર કબડ્ડી ફેડરેશન ઑફ ઇન્ડિયા મુજબ સમગ્ર ભારત અને દક્ષિણ એશિયાના અમુક પ્રાંતોમાં આધુનિક કબડ્ડીની શરૂઆત વર્ષ 1930માં થઈ હતી.

પરંતુ એક થિયરી એવો પણ દાવો કરે છે કે કબડ્ડીનો મૂળ ઉદ્ભવ 4 હજાર વર્ષ પહેલાં તામિલનાડુમાં થયો હતો.

તેને પાંચ પ્રકારમાં વહેંચવામાં આવી હતી, જેમાં 'સુરંજીવી, જેમિની, અમર, સર્કલ અને ગૂંગી'નો સમાવેશ થાય છે.

કબડ્ડીના નિયમો પર સૌપ્રથમ કામ વર્ષ 1921માં મહારાષ્ટ્રમાં થયું હતું. આ નિયમો 'સુંરજીવી' અને 'જેમિની'ના સમન્વયથી એક સ્પર્ધા માટે બનાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ 1923માં એક કમિટીનું ગઠન થયું જેણે નિયમોમાં પરિવર્તન કરી કબડ્ડીને અદ્યતન સ્વરૂપ આપવામાં મદદ કરી.

ગુજરાતીમાં એક કહેવત છે 'જેવો દેશ એવો વેશ'. આવું જ કંઈક કબડ્ડી સાથે પણ થયું છે.

કબડ્ડી અલગઅલગ જગ્યાએ અલગઅલગ નામોથી ઓળખાઈ.

ઉત્તર ભારતમાં તે 'હુ-તુ-તુ'થી ઓળખાય છે. ઉત્તર-પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં 'હા-ડો-ડો' તરીકે જાણીતી છે.

જો તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં 'ચેડુ-ગુડુ' અને ત્યાંથી પણ નીચે દેશની સમુદ્ર સીમાને પેલે પાર શ્રીલંકામાં 'ગુડુ' નામે જાણીતી છે.

line

કબડ્ડીનો મહાભારત સાથે 'સંબંધ'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

માનવવિકાસના પ્રારંભિક તબક્કામાં સ્વરક્ષણનો મુદ્દો મહત્ત્વનો હતો. અમુક થિયરી એવું કહે છે કે આ વિચાર કબડ્ડી સાથે સંકળાયેલો છે.

ભારતમાં એક થિયરી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે 'મહાભારત'નું યુદ્ધ લડાઈ રહ્યું હતું ત્યારે બન્ને તરફના લોકો વિજય માટે લોહી રેડી રહ્યા હતા.

એ વખતે અર્જુનના પુત્ર અભિમન્યુ દુશ્મનના મેદાનમાં ઘૂસી ગયા હતા. તેમનો મૂળ ઉદ્દેશ જેટલા બને તેટલા દુશ્મનોનો સફાયો કરવાનો હતો.

દુશ્મનના મેદાનમાં જવું અને ત્યાં બને તેટલા ખેલાડીઓને આઉટ કરીને પરત ફરવું, કબડ્ડીનો એ નિયમ અભિમન્યુએ પાળ્યો હોવાનું મનાય છે.

આ રીતે કબડ્ડી અને મહાભારતના પ્રસંગને સરખાવવામાં આવ્યા છે. ભારતીય ગુરુકુળમાં વર્ષોથી વિદ્યાર્થીઓને શારીરિક પરિશ્રમ માટે કબડ્ડી રમાડવામાં આવતી હતી.

line

કબડ્ડીનો વૈશ્વિક સ્તરે ઉદય

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1936માં જર્મનીની રાજધાની બર્લિન ખાતે ઑલિમ્પિક રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મહારાષ્ટ્રના અમરાવતીની એક ટીમે નામ કાઢ્યું હતું.

ત્યારબાદ સમાયંતરે કબડ્ડી દેશની અલગઅલગ જગ્યાએ રમાતી ગઈ અને રમતની દુનિયામાં પોતાનું સ્થાન બનાવતી ગઈ.

વર્ષ 1950માં ઑલ ઇન્ડિયા ફેડરેશનનું ગઠન કરવામાં આવ્યું હતું. તેના બે વર્ષ બાદ 1952માં સિનિયર નેશનલ ચૅમ્પિયનશિપની શરૂઆત થઈ.

કબડ્ડીનો એશિયાના દેશો અને ભારતમાં સફળતાપૂર્વક વ્યાપ વધે તે હેતુસર વર્ષ 1972માં ઍમેચ્યૉર કબડ્ડી ફેડરેશન ઑફ ઇન્ડિયા (AKFI)નું ગઠન કરવામાં આવ્યું.

આ તમામ પગલાં કબડ્ડીનો વ્યાપ વધારવા માટે મહત્ત્વનાં સાબિત થયાં. બાદમાં રાષ્ટ્રીય સ્તરે જુનિયર અને સબ-જુનિયર લેવલે પણ કબડ્ડી રમાવવાની શરૂઆત થઈ.

1972નું આ એ જ વર્ષ હતું જ્યારે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશે કબડ્ડીને રાષ્ટ્રીય રમતનો દરજ્જો આપ્યો.

વર્ષ 1972માં એશિનય ઍમેચ્યૉર કબડ્ડી ફેડરેશનની સ્થાપના કરવામાં આવી અને પ્રાદેશિક સ્તરે કબડ્ડીની સ્પર્ધાઓ રમાવવાની શરૂ થઈ.

આ સમયગાળામાં કબડ્ડી ખેલાડીઓનાં દિલમાં જગ્યા બનાવી ચૂકી હતી. ઍમેચ્યૉર કબડ્ડી ફેડરેશનની સ્થાપના બાદ એશિયન ગેમ્સમાં ભારતની ટીમે ભાગ લેવાનું શરૂ કર્યું.

line

ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1987માં કોલકાતામાં ત્રીજી સાઉથ ઇન્ડિયન ફેડરેશન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ભારતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

ત્યારબાદ વર્ષ 1990માં ચીનના બેજિંગ ખાતે 11મી એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બર માસમાં શરૂ થયેલી આ ગેમ રાઉન્ડ રોબિન પ્રકારે રમાઈ રહી હતી. આ સમયે ભારતે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો.

આ બાદ તો વિશ્વફલક પર કબડ્ડીમાં ભારતે ડંકો વગાડ્યો. એશિનય ગેમ્સ સ્પર્ધામાં 1994 હિરોશિમા, 1998 બૅંગકૉક, 2002 ભુટાન અને 2006માં દોહા ખાતે ભારતે સતત ગોલ્ડ મેડલ જીતી ભારતનો ઝંડો ફરકાવ્યો.

વર્ષ 2004માં ભારતની આર્થિક રાજધાની મુંબઈ ખાતે પ્રથમ વખત કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું.

અદ્ભુત પ્રદર્શન અને રમતની કાબેલિયતના જોરે ભારત ફાઇનલમાં પહોંચ્યું. ટુર્નામેન્ટની અંતિમ મૅચ ભારત અને ઈરાન વચ્ચે હતી.

ભારતે આ વર્લ્ડ કપની આ મૅચ 55-27ના સ્કોરથી જીતી લીધી હતી.

ત્યારબાદ વર્ષ 2007માં મહારાષ્ટ્રના પાનવેલ ખાતે વર્લ્ડ કપનું આયોજન થયું હતું જે પણ ભારતના નામે રહ્યો હતો.

વર્ષ 2016માં અમદાવાદ ખાતે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પણ ભારતે 38-29ના સ્કોરથી ઈરાનને હરાવી વિશ્વચૅમ્પિયનનો ખિતાબ પોતાને નામે કર્યો હતો.

line

મહિલાઓએ અપાવ્યો ગોલ્ડ મેડલ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 17મી એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

કબડ્ડી માત્ર પુરુષો માટે જ છે એવું નથી. ભારતની દીકરીઓએ પણ કબડ્ડીમાં વિશ્વફલક પર ભારતનું નામ રોશન કર્યું છે.

વર્ષ 2005માં હૈદરાબાદ ખાત પ્રથમ એશિયન વુમન ચૅમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૅમ્પિયનશિપમાં મહિલાઓએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

વર્ષ 2012માં બિહારના પટના ખાતે પ્રથમ મહિલા કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મૅચમાં ભારતની મહિલા ટીમે 25-19ના સ્કોર સાથે ઈરાનને હરાવી દેશને વિશ્વ ચૅમ્પિયનનો ખિતાબ અપાવ્યો હતો.

(આ લેખ સૌપ્રથમ વાર 2019માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો