ગુજરાતમાં થયેલી એ લૂંટ જેણે 'મૃત' પ્રેમિકાને 15 વર્ષે જીવતી કરીને જેલ ભેગી કરી

ઇમેજ સ્રોત, JAYESH CHAUHAN
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
બનાસકાંઠા જિલ્લાના થરા પાસે 20 લાખની ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર વીજુભા રાઠોડને પકડી પાડ્યા હતા. તેમણે ચોરીની કબૂલાત તો કરી સાથેસાથે પોલીસને 15 વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી.
બનાસકાંઠાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પ્રદીપ સેજુલે બીબીસી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે "20 લાખની લૂંટ કરીને ભાગેલો માણસ અમારા હાથમાં આવ્યો ત્યારે આ રીઢો ગુનેગાર કોઈ ગુનો કબૂલ કરવાની તૈયારીમાં નહોતો."
"જ્યારે એના ઘરે તપાસ કરવા જવાનું કહ્યું તો તે ભાંગી પડ્યો અને 20 લાખની લૂંટ સિવાયના ગુના પણ કબૂલી લીધા."
"તપાસમાં જ્યાં એની પત્નીની વાત આવે ત્યાં એ નવો ગુનો કબૂલી લેતો કે જે એણે કર્યો જ નહોતો."
"આથી અમને શંકા ગઈ કે આ ગુનેગારની દુઃખતી નસ એના ઘર સાથે જોડાયેલી છે. અમે એની પત્નીની પૂછપરછ કરી તો 15 વર્ષ પહેલાના ગુનાનો ભેદ પણ ઉકેલાયો."

એ હત્યા જેના પરથી પડદો ઊઠ્યો

ઇમેજ સ્રોત, JAYESH CHAUHAN
એસપી પ્રદીપ સેજુલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, અમારી પાસે શિહોરીના ખીમાણા ગામની 20 લાખની ઘરફોડ ચોરીનો કેસ આવ્યો હતો. અમે બે મહિના પહેલાં થયેલી ઘરફોડ ચોરીના મુખ્ય સૂત્રધારને પકડી લીધો."
"આમ તો આરોપી જલદી ગુનો કબૂલ ના કરે, એ રીતે આ આરોપી પણ ગુનો કબૂલ કરતો ન હતો."
"એ આખીય લૂંટનો માસ્ટર માઇન્ડ હતો. અમે આ વીજુભા રાઠોડની ઘણી ઊલટતપાસ કરી પણ ઝડપથી કાંઈ નીકળતું નહોતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"રિમાન્ડ પૂરા થવાના આગલા દિવસે જાણવા મળ્યું કે આરોપી રીઢો છે, પણ એની પત્નીનું નામ આવે ત્યાં કાંઈક છુપાવતો હોય એમ લાગે છે."
"એ જાત્રાએ ગઈ છે, ઘરે કોઈ નથી એમ રટણ કર્યા કરે છે અને વાતને ટાળે છે."
"બસ, અહીં અમને કાંઈક શંકાસ્પદ લાગ્યું. અમે એની પત્નીને હાજર થવા કહ્યું તો આ ગુનેગાર 20 લાખની લૂંટ સિવાયના ગુના કબૂલવા માંડ્યો."
"એ કેટલાક ચોરીના એવા ગુના કબૂલવા લાગ્યો કે જેમાં તેની સંડોવણી નહોતી. આથી અમને લાગ્યું કે એની પત્ની પાછળ કોઈ મોટી કહાણી છે."
"બાદમાં એલસીબીની ટીમને તપાસમાં જાણવા મળ્યું કે એ તો મહેસાણામાં એની પત્ની સાથે 15 વર્ષથી રહેતો હતો, પણ એનાથી આગળ ખાસ કાંઈ મળતું નહોતું."
"એની પત્ની ઘરે હતી અને વીજુભા કહેતો હતો તે પિયરિયા સાથે જાત્રાએ ગઈ છે. આ આખીય વાત શંકાસ્પદ હતી."
"અમે વીજુભા પર દબાણ કર્યું કે તેં ચોરીનો માલ તારાં પત્નીનાં સગાંઓને ત્યાં છુપાવ્યો છે, આથી અમે ત્યાં દરોડો પાડીએ છીએ."
"પત્નીનાં સગાંનું નામ આવતા જ તે ભાંગી પડ્યો અને જીવતી થઈ 15 વર્ષ પહેલાં મરેલી ભીખીબહેન પંચાલ."
એસપી પ્રદીપ સેજુલે કહ્યું કે અમારી આ એક ચાલે હત્યાનો ભેદ ઉકેલી દીધો.

શું હતી આખી ઘટના?

ઇમેજ સ્રોત, JAYESH CHAUHAN
પોલીસ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે ભીખીબહેન પંચાલ બનાસકાંઠાના ખીમાણા ગામે રહેતા હતાં.
એમની આંખ નજીકના મુઠેડા ગામમાં રહેતા વીજુભા રાઠોડ સાથે મળી ગઈ અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
આ વાતની ખબર ભીખીબહેનનાં માતા સુમીબહેન પંચાલને પડતા તેમણે એમનાં લગ્ન બાલવા ગામના એમની જ્ઞાતિના પ્રકાશ પંચાલ સાથે કરાવી દીધાં.
2003માં લગ્ન થયાં પછી ભીખીબહેન અને વીજુભા રાઠોડ ખાનગીમાં ખેતરમાં મળતાં હતાં. પણ એકબીજા વગર રહી શકતાં નહોતાં.
પોલીસ કસ્ટડીમાં વીજુભા રાઠોડે પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં કહ્યું કે, "અમારો પ્રેમ સાચો હતો. અમે છૂટા પડવા માગતાં નહોતાં, પણ ભીખીનાં લગ્ન થઈ ગયાં હતાં."
"એક દિવસ રાત્રે એક ટીવી ચેનલ પર ક્રાઇમના શોમાં જોયું કે એક માણસ એક જણનું ખૂન કરી એનાં કપડાં પહેરાવીને મોઢું ન ઓળખાય એવું કરીને ભાગી જાય છે અને વીમાની રકમ એની પત્નીને મળે છે."
"તો મારા દિમાગમાં આના પરથી વિચાર આવ્યો એટલે મેં મારા દોસ્ત ઝીણાજી ઠાકોરને વાત કરી."
"ઝીણાજીએ કહ્યું કે એમના ગામમાં ભીખીની ઉંમરની એક ગાંડી બાઈ શારદા રહે છે અને ગમે ત્યારે ગામ છોડીને ભાગી જાય છે."
"એટલે અમે માનસિક અસ્થિર શારદાને જીપમાં નાખી બાલવા ગામ લાવ્યાં. ભીખીને પહેલેથી કીધું હતું એટલે તે બાલવા ગામની સીમમાં કેરોસીનનું ડબલું, એની એક સાડી, મંગળસૂત્ર અને બંગડી લઈને આવી ગઈ."
"ભીખી આવે તે પહેલાં અમે શારદા રાવળને મારી નાખી હતી. ભીખી આવી એટલે તેનું મંગળસૂત્ર અને બંગડી પહેરાવીને શારદાનો ચહેરો ના ઓળખાય એમ સળગાવી દીધી."
વીજુભાએ આગળ જણાવ્યું, "પંચાલવાડીમાં જ મૃતદેહ, ભીખીના ફિંગરપ્રિન્ટવાળું કેરોસીનનું ડબલું વગેરે છોડીને અમે નાસી ગયા. ઝીણાજી એના ગામ ખીમાણા ગયો. હું અને ભીખી ભાગી ગયાં."
"6 ફેબ્રુઆરી, 2005થી 2006 સુધી અમે આમતેમ ફરતાં રહ્યાં. ઝીણાજીએ સુમીબહેનને કહ્યું કે સાસરિયાના ત્રાસથી એમની છોકરીએ આત્મહત્યા કરી લીધી છે. ઝીણાજી અને ભીખીબહેન પંચાલ એક જ ગામ (ખીમાણા)નાં હતાં.
આ વાત જાણતા સુમીબહેન પંચાલે ભીખીના સાસરિયા પર કેસ કરી દીધો. ભીખીના સસરા અમૃત પંચાલ, સાસુ બબુબહેન પંચાલ, નણંદ કોકિલા પંચાલ અને પતિ પ્રકાશ પંચાલ પર કેસ થયો.
એનાં સાસુસસરાને ઉંમરના કારણે 15 દિવસમાં જામીન મળ્યા પણ પાટણની કોર્ટમાં કેસ ચાલુ હતો. ભીખીના સસરા લગભગ સપ્ટેમ્બર 2005માં ગુજરી ગયા.
તો જામીન પર છૂટેલા ભીખીના પતિ બાલવા છોડીને બીજે જતા રહ્યા હતા.

ભીખીનું નામ ભાવના રાઠોડ રાખ્યું

ઇમેજ સ્રોત, JAYESH CHAUHAN
વીજુભાએ પોલીસને જણાવ્યું કે "અમે ત્યાંથી નીકળીને મહેસાણા રહેવા આવી ગયાં. અહીં અમે ભીખીનું નામ ભાવના રાઠોડ રાખ્યું."
"અમે અમારી ગૅંગ (ઝીણાજી ઠાકોર, વખતસિંહ ઠાકોર) ઘરફોડ ચોરીઓ કરતા અને છૂટાં પડતાં."
"15 વર્ષથી હું અને ભીખી સાથે રહીએ છીએ. અમારે એક દીકરો છે અને તેનું નામ દેવરાજ છે. ભીખી ભાવનાના નામે મહેસાણા રહે છે."
પાટણ કોર્ટમાં ભીખીની આત્મહત્યાનો કેસ ચાલ્યો અને 2007માં પ્રકાશ અને એની બહેન નિર્દોષ છૂટી ગયાં અને પ્રકાશે કાયમ માટે બાલવા છોડી દીધું.

ભીખીના પતિ પ્રકાશનું શું થયું?

ઇમેજ સ્રોત, JAYESH CHAUHAN
ભીખીના જેનીં સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા અને પછી એની હત્યાનો જેના પર આરોપ હતો તે પ્રકાશ પંચાલ કોઈની સાથે વાતચીત કરતા નથી.
પણ પોલીસની મદદથી એમણે બીબીસી સાથે કરેલી વાતમાં જણાવ્યું, "કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા બાદ મેં બીજા લગ્નનો પ્રયાસ કર્યો પણ ન્યાતમાં કોઈ છોકરી આપવા તૈયાર હતું નહીં."
"ગામમાં મને લોકો હત્યારો કહેતા અને મારાં માબાપના મોત પછી ટોણાં મારતાં. આથી હું ઘર છોડીને નીકળી ગયો."
"મારા ઘરના દરવાજે ભગવાનના ફોટા જોડે મારાં માબાપના ફોટા લગાવ્યા છે અને ઘરની બારી પાસે મારી પત્નીનો ફોટો લગાવ્યો છે. જેથી ગામમાં પાછા જવાની ઇચ્છા થાય તો એ ફોટા જોઈ પાછા વળી જાઉં."
"આ 12 વર્ષમાં ત્રણ વખત મારા ગામ ગયો. પણ ઘરની બહાર લટકતા મારાં માબાપના ફોટા અને ભગવાનના ફોટા સાફ કરી પાછો આવી ગયો છું."
"હું ગુમનામ જિંદગી જીવવા માગું છું. એટલે જ મારાં સગાંને મળતો નથી. સગાંને મળવાની ઇચ્છા થાય ત્યારે બહેનને મળી લઉં છું, પણ ગામ જતો નથી."
પોતાના ફોટા પાડવાનો પ્રકાશે ઇન્કાર કર્યો હતો. પણ પોતાના પાકીટમાં સાચવી રાખેલો ભીખી સાથેનો ફોટો બતાવતા કહ્યું, "અમે ખૂબ ઉમંગથી લગ્ન કર્યાં હતાં અને મારે એક દીકરો છે."
"આ ફોટો પણ એટલે સાચવી રાખ્યો હતો કે દીકરો એની મા વિશે જ્યારે પૂછે ત્યારે આ ફોટો બતાવી કહેતો કે મા ભગવાનના ઘરે ગઈ છે."
"પણ હવે આ ફોટો પણ હું રાખવા માગતો નથી. ભીખીમાંથી ભાવના બનેલી આ બાઈની ઓળખપરેડમાં હું આવ્યો છું."
"પણ ફરી હું મારા દીકરાને લઈ ગુમનામ જિંદગી જીવવા લાગીશ. હવે ફરી કોઈની સાથે લગ્ન કરવાનો વિચાર પણ નહીં કરું."
તો બીજી તરફ આત્મહત્યાનું નાટક રચી ભીખીમાંથી ભાવના બનેલી ભીખીએ પોલીસને કહ્યું, "મારો અને વીજુભાનો પ્રેમ સાચો હતો. મેં જે કર્યું એનો મને કોઈ અફસોસ નથી."
"મેં અને વીજુભાએ સાથે જીવવા-મરવાના કોલ લીધા હતા. એટલે હવે સાથે જેલમાં જઈશું. અમે અમારા સુખ માટે ખૂન કર્યું અને અનેક લૂંટ કરી. જાનનું જોખમ પણ લીધું છે."
"મને એની સાથે જેલમાં જવાનો પણ અફસોસ નથી. આમેય હું 15 વર્ષથી મરેલી જ હતી. આ લૂંટે મને જીવતી કરી દીધી છે."
(આ અહેવાલ સૌપ્રથમ 23 જુલાઈ, 2019માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














