મહેસાણા : ટ્રકની પાછળ લખાયેલા નામથી ખૂલ્યું અકસ્માતે મૃત્યુ પામેલા બાપ-દીકરાની હત્યાનું રહસ્ય

ઇમેજ સ્રોત, Sanket Sidana
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“અમારી ગિફ્ટ આર્ટિકલની દુકાન હતી, એમાં હું દિવસ-રાત મહેનત કરતો પણ મારો ભાગ આપવો ના પડે એટલે મારા કાકાએ મારા પર ચોરીનો આરોપ મૂક્યો, મારો સામાજિક બહિષ્કાર કરાવ્યો હતો. એનું વેર લેવા અઢી વર્ષ પહેલાં મેં મારા કાકાનું અકસ્માતના નામે ખૂન કરાવ્યું, હું એના પછી ના પકડાયો એટલે મેં મારા ભાઈને પણ એ જ રીતે મારી નાખ્યો.”
પોલીસ સ્ટેશનમાં જ યોગેશ પટેલ નામની વ્યક્તિએ આ વાત કબૂલી હતી.
થ્રિલર ફિલ્મની સ્ટોરી જેવી લાગતી આ ઘટના સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ જાય એ વાત સ્વાભાવિક છે.
આ કબૂલાત કરતાં મહેસાણાના નાની કડી રોડ પર આવેલા બંગલામાં રહેતા આરોપી યોગેશના ચહેરા પર કોઈ દુઃખ કે પ્રાયશ્ચિતની લાગણી દેખાતી નથી, તેઓ એવું માને છે કે તેમણે જે કર્યું છે એ બરાબર છે.
આ સમગ્ર ઘટના અને સ્વજનોની જ ‘નિર્મમ હત્યા’ના કારણની તપાસ કરવા માટે બીબીસી ગુજરાતીએ પક્ષકારો અને કેસને નજીકથી જાણતી વ્યક્તિઓ સાથે વાત કરી હતી.
અઢી વર્ષમાં બાપ-દીકરા બંનેનાં અકસ્માતમાં મૃત્યુ થયાં, પોલીસ તપાસમાં હત્યાનો આરોપી ભત્રીજો નીકળ્યો
શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Sanket Sidana
પોલીસ કર્મચારીની મદદથી બીબીસી ગુજરાતીએ યોગેશ પટેલ સાથે કરેલી વાતચીતમાં યોગેશે ઘટના અને તેનાં કારણો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
યોગેશ પટેલે વાતચીતમાં કહ્યું હતું કે, “અમારી સહિયારી મિલકત હતી, મારા કાકા જાદવજી પટેલ સાથે અમે ખેતીની કેટલીક જમીન વેચીને કડીમાં અમે ગિફ્ટ આર્ટિકલની દુકાન ચાલુ કરી હતી. દુકાન સરસ રીતે ચાલતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“2017માં મારા કાકા જાદવજી નિવૃત્ત થયા અને મારો પિતરાઈ ભાઈ વિજય ધંધામાં જોડાયો. સંતરામ કૉમ્પ્લેક્સમાં અમારી દુકાન હતી, વિજયે મારી ઉપર દુકાનમાંથી ચોરી કર્યાનો આરોપ મૂક્યો, મારા કાકા એની વાત માની ગયા ને મને ધંધામાંથી છૂટો કરી દીધો.”
કાકા અને પિતરાઈ સાથેના સંબંધોમાં આવેલી ખટાશ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “મેં મારો ભાગ માંગ્યો, પણ દુકાનના ભાવ અને ગુડવિલ પ્રમાણે મને પૈસા ના આપ્યા અને એમની પાસે પૈસા વધુ હોવાથી અમારો સામાજિક બહિષ્કાર કરાવી દીધો. એટલે મને ગુસ્સો આવ્યો.”
યુક્તિથી કાકાની હત્યા કરાવી હોવાની વાત કબૂલતાં યોગેશે કહ્યું હતું કે, “મારા કાકા જાદવજી રોજ સાંજે કૅનાલ પર ચાલવા જતા હતા, અઢી વર્ષ પહેલાં 2020માં મેં એમને નાની ટ્રકથી અકસ્માત કરાવીને મારી નાખ્યા હતા. આ ઘટનાનો કોઈ પુરાવો મળ્યો ન હતો અને અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો. બાદમાં કેસ બંધ થઈ ગયો હતો.”

ઇમેજ સ્રોત, Sanket Sidana
તેઓ કાકાની હત્યા બાદ પકડાયા ન હોવાના કારણે પોતાનામાં વધુ હિંમત આવી હોવાની વાત કબૂલતાં કહે છે કે, “એ સમયે વિજયે મારી સામે પુરાવા ભેગા કરવાની ખૂબ કોશિશ કરી હતી, પણ કંઈ મળ્યું ન હતું. મારા ભાગ તરીકે કાકાએ મને બીજા થોડા પૈસા આપવાની વાત કરી હતી, પણ વિજયે એ પૈસા આપતો ન હતો એટલે છેવટે મેં એને પણ 24 જાન્યુઆરીના રોજ કાકાની જેમ મિનિ ટ્રકથી અકસ્માત કરાવીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો, અઢી વર્ષ પહેલાં કાકાને માર્યા ત્યારે પકડાયો ન હતો પણ આ વખતે પકડાઈ ગયો.”
કેવી રીતે સામે આવ્યું સત્ય?

ઇમેજ સ્રોત, Sanket Sidana
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2023માં બનેલી આ ઘટનાના પોલીસ કેસમાં આરોપી સુધી કેવી રીતે પહોંચી અને તેમના ધ્યાને આ કેસ કેવી રીતે આવ્યો એ અંગે વાત કરતાં મહેસાણાના ડીવાય. એસ. પી. આર. આઈ. દેસાઈએ કહ્યું હતું કે, “થોડા દિવસ પહેલાં પોતાની કડીમાં આવેલી ગિફ્ટ આર્ટિકલની દુકાન બંધ કરીને ઘરે જઈ રહેલા યુવાનની બુલેટ બાઇકને નાની કડી પાસે ટક્કર મારી અજાણ્યું વાહન રાતના સમયે જતું રહ્યું હોવાની ઘટના સામે આવી હતી. સ્થાનિક લોકો એને હૉસ્પિટલે લઈ ગયા ત્યારે મોટર સાઇકલચાલક વિજય પટેલ મૃત્યુ પામ્યો હતો.”
કેસ અંગે વધુ વાત કરતાં તેઓ કહે છે કે, “શરૂઆતમાં અમે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો પણ એમના પરિવારે જયારે કહ્યું કે એક વર્ષમાં આ જ પ્રકારે અકસ્માતથી એમના પરિવારમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે અને તેમણે આ અકસ્માત નહીં પણ હત્યા હોવાની વાત કહી ત્યારે અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું અને તપાસ બાદ અમે બનાસકાંઠાનાં નાનાં ગામડાંમાંથી ત્રણ લોકોની અને પાંચ લાખની સોપારી આપી ડ્રાઇવર મારફતે વિજયની હત્યા કરાવનાર તેના પિતરાઈ ભાઈ યોગેશની ધરપકડ કરી.”
આ કેસની તપાસ કરનાર કડીના પોલીસ ઇન્સ્પેક્ટર એન. આર. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “પરિવારે જ્યારે હત્યાની આશંકા વ્યક્ત કરી ત્યારે અમે એ દિશામાં ચક્રો ગતિમાન કર્યાં, ઘટનાસ્થળે પડેલી મોટરસાઇકલ જોતાં પણ એવું ન લાગ્યું કે આ કોઈ સામાન્ય અકસ્માત છે.”
“અમે તરત ફોરેન્સિક ટીમની મદદ લીધી તો જાણવા મળ્યું કે મોટરસાઇકલને ટક્કર એ રીતે મારવામાં આવી હતી કે ચલાવનાર વ્યક્તિ પડે તો એને માથાના ભાગે ગંભીર ઈજાઓ થાય. અમે તરત એ વિસ્તારના સીસીટીવી ચેક કર્યા. તો એમાં એવી એક મિનિ ટ્રક દેખાઈ જેની નંબર પ્લેટ પર સ્ટિકર લાગેલું હતું. આ મિનિ ટ્રક અમારા માટે શંકાસ્પદ હતી.”
પટેલ કહે છે કે, “નંબર પ્લેટ વગરની મિનિ ટ્રકને શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું હતું. કારણકે કડીના માર્કેટમાંથી રોજ અલગ અલગ રાજ્યોની ઘણી મિનિ ટ્રક પસાર થાય છે. અમે એ ટ્રકના રંગને ધ્યાનથી જોયો, એની પાછળનાં ભાગે દોરેલાં ચિત્રો જોયાં જેમાં બે નામ લખ્યાં હતાં અંશ અને જયેશ, જેના પરથી અમે નક્કી કર્યું કે ટ્રકનો મલિક ગુજરાતનો જ હોવો જોઈએ”
“કારણ કે જયેશ નામ ગુજરાતમાં સામાન્ય છે, ત્યાર બાદ અમે જોયું કે ટ્રક પર દોરેલાં ફૂલ અને ડાળખી તથા અંગ્રેજીમાં 'સ્પીડ' અને 'કિલોમીટર' લખવાની પદ્ધતિ મુખ્યત્વે બનાસકાંઠાની ટ્રકોમાં વધુ જોવા મળે છે એમાંય સતલાસણાના તેલગઢ વિસ્તારની મિનિ ટ્રક પર આ પ્રકારનું લખાણ વધુ હોય છે, એટલે અમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો, તેલગઢ અને એની આસપાસના વિસ્તારમાં વાહનો પર પેઇન્ટિંગ કરતાં પેઇન્ટરોને ત્યાં ખબરી મોકલ્યા.”
ટ્રક ભાડે રાખી પિતરાઈને પતાવી દીધો?

ઇમેજ સ્રોત, Sanket Sidana
ઇન્સ્પેક્ટર પટેલ આરોપીઓ સુધી પહોંચવાના પોતાના પ્રયત્નો વિશે વાત કરતાં કહે છે કે, “ગામ નાનાં હોવાથી ઝડપથી અમે એક પેઇન્ટરને શોધી લીધો કે જેની પાસે આ મિનિ ટ્રક પર ચિત્રો બનવડાવાયાં હતાં. તે અમને મળ્યો તો તેના મારફતે અમે ટ્રકના માલિક સુધી પહોંચ્યા ત્યારે એના માલિકે કહ્યું કે અકસ્માતના દિવસે એણે કડીના યોગેશ પટેલને રોજના 1,500 રૂપિયાના ભાડાપેટે ટ્રક આપી હતી, એની પાસેથી અમને ભાડાની પહોંચ પણ મળી.”
“ત્યાર બાદ યોગેશના ફોનની લૉકેશન મરી ગામની નીકળી, તે મરી ગામ અને નજીકના ડઢાણા ગામના રાજદીપસિંહ અને રાજુભા ઝાલાના ફોન પર એ દિવસો દરમિયાન સતત સંપર્કમાં હોવાનું જણાયું. અમે એક તરફ યોગેશ પટેલ પર વૉચ ગોઠવી હતી અને બીજી બાજુ અમે રાજદીપસિંહ અને રાજુભાને પકડ્યા ત્યારે એમણે કબૂલ કર્યું કે લાલ રંગની બૂલેટ મોટર સાઇકલ ચલાવનારને રાત્રે અકસ્માતે મારવાનો છે એના માટે અમને પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.”
પુરાવાના આધારે યોગેશ પટેલ સુધી પોલીસ કેવી રીતે પહોંચી એ વિશે વાત કરતાં ઇન્સ્પેક્ટર પટેલે જણાવ્યું કે, “આ હકીકતોને આધારે અમે યોગેશની ધરપકડ કરી અને તમામને સામસામે બેસાડીને પૂછપરછ કરતા એ લોકો આ ગુનામાં સંડોવાયેલા હોવાનું કબૂલી લીધું.
તેમણે વધુમાં કહ્યું, "યોગેશે કૅનાલ પાસે એના કાકાને ટ્રકની નંબર પ્લેટ પર સ્ટિકર ચોંટાડીને મિનિ ટ્રકથી અકસ્માત કરાવી મોતને ઘાટ ઉતાર્યા હતા પણ કૅનાલ પાસે સીસીટીવી નહીં હોવાથી અઢી વર્ષ સુધી એ પકડાયો ન હતો, આ કિસ્સામાં પણ એ જ ચાલાકીથી એણે એના પિતરાઈ ભાઈનું ખૂન કરાવ્યું હતું, પણ આ વખતે એ પોલીસની આંખમાં ધૂળ ના નાખી શક્યો.”
મૃતક વિજયનાં પત્ની ભૂમિ પટેલે બીબીસી ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, “મારા પતિ વિજયનું ડ્રાઇવિંગ ખૂબ જ સલામત હતું, એટલે અકસ્માત થવાનો સંભવ જ ન હતો, બીજું કે જે રીતે મારા સસરાનું અકસ્માતમાં મોત થયું એ જ રીતે મારા પતિનું મૃત્યુ થયું હતું, મારા પતિએ મારા સસરાના મૃત્યુના પુરાવા શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો પણ એ ટ્રકનો નંબર કોઈ જોઈ શક્યું ન હતું એટલે એ કેસ પુરવાર ના થયો, પણ મારા પતિનું જે રીતે અકસ્માતમાં મૃત્યુ થયું એનાથી મને અને મારા જેઠને શંકા હતી કે કોઈએ હત્યા કરી છે, પણ હત્યારો અમારો કુટુંબી નીકળશે એની અમને કલ્પના પણ ન હતી.”












