સાઇનાઇડ કિલર : ઘરની વહુએ જ 6 લોકોને ઝેર આપી મારી નાખ્યા, 14 વર્ષ બાદ કેવી રીતે ખુલ્યું રહસ્ય?

ઇમેજ સ્રોત, K.SASI
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સંબંધીના ગૃહપ્રવેશના કાર્યક્રમ દરમિયાન ટીનએજર યુવતી જોલીની મુલાકાત રૉય નામના એક યુવક સાથે થઈ અને તેમની વચ્ચે પ્રણય પાંગર્યો. મુગ્ધાવસ્થાના પ્રેમના મુસાફરોને તેમની મંઝિલ સરળતાથી નથી મળતી, પરંતુ 10 વર્ષની વાટ જોયા બાદ આ પ્રેમીયુગલનો સંબંધ પરિણયમાં પરિણમ્યો.
એક લવસ્ટોરીની સારી શરૂઆત તો થઈ ગઈ હતી, પરંતુ તેનો અંત ભયાનક થવાનો હતો. 14 વર્ષના ગાળામાં એક પછી એક છ પરિવારજનોનાં અપમૃત્યુ થયાં અને જ્યારે તેનો પર્દાફાશ થયો ત્યારે તમામ પુરાવા પરિવારની વહુ જોલી જોસેફની સંડોવણી છતી થઈ હતી.
આ જાણીને પરિવારજનો અને પાડોશના લોકો ચોંકી ગયાં, કારણ કે જોલી સારી શૈક્ષણિકસંસ્થામાં પ્રાધ્યાપક હતાં અને પરગજુ હતાં. તેઓ લોકોને જરૂરિયાતમાં મદદ કરતાં, સૌમ્ય અને શાલીન હતાં.
તપાસમાં બહાર આવ્યું કે જોલી બેવડી જિંદગી જીવતાં હતાં અને એક દાયકા કરતાં વધુ સમય સુધી પરિવારજનોને અંધારામાં રાખવામાં સફળ રહ્યાં હતાં. જોલીનાં જીવનમાં પરપુરુષનો પ્રવેશ થયો હતો, જેની સાથે તેમણે લગ્ન પણ કર્યું.
જોલીના જીવનની દાસ્તાન ઓટીટી પ્લૅટફૉર્મ નૅટફ્લિક્સ પર 'કરી ઍન્ડ સાયનાઇડ'ના નામથી શુક્રવારે રજૂ થઈ રહી છે. ત્યારે જોલી પરના આરોપો પર નજર કરીએ.
નોંધ- આ અહેવાલના કેટલાક અંશ વાચકને વિચલિત કરી શકે છે.
ઘરની વહુએ જ કેવી રીતે શરૂ કર્યો હત્યાનો ખેલ?

ઇમેજ સ્રોત, Getty Images
રૉયનો પરિવાર કોઝીકોડ જિલ્લાના કોડ્ડાથાઈ ગામમાં રહેતો હતો. જુલાઈ 1997માં તેમના અને જોલીનાં લગ્ન થઈ ગયાં. મુસ્લિમોની બહુમતીવાળા ગામમાં ખ્રિસ્તીઓનાં બહુ થોડાં ઘર હતાં એટલે જોલી તરત જ લોકપ્રિય થઈ ગયાં હતાં.
શાંત, મિલનસાર, સૌજન્યપૂર્ણ, ધાર્મિક અને પરગજુ સ્વભાવને કારણે સમુદાય અને પાડોશના લોકો તેમને પસંદ કરવા લાગ્યા હતા. જમીન અને ઘરનો હિસાબકિતાબ જોલીનાં સાસુ અન્નામા થૉમસ સંભાળતાં અને સસરા ટૉમ તેમાં દખલ નહોતાં દેતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્રણ માળના ઘરમાં ચાર લોકોનો પરિવાર રહેતો હતો. પછીનાં વર્ષો દરમિયાન સુખી દામ્પત્યજીવનના ફળરૂપે પરિવારમાં રેમો અને રેનૉલ્ડ નામના બે બાળસભ્યો ઉમેરાયાં. રૉયનાં ભાઈ રોજો અને બહેન રેંજી અન્યત્ર રહેતાં હતાં.
માત્ર પ્રી-ડીગ્રીનો અભ્યાસ કરનારાં જોલી બનાવટી સર્ટિફિકેટોના આધારે પરિવારજનોને એ વાતનો વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યાં હતાં કે તેમણે એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે.
જોલીએ આગળ બીએડનો અભ્યાસ કરવા માટે સાસુ અન્નામાની મંજૂરી માગી. નિવૃત્ત શિક્ષિકા અન્નામાએ આ વાતની સહમતિ આપી દીધી, એટલું જ નહીં અભ્યાસ પછી કોઈક નોકરી કરવાનો આગ્રહ પણ કર્યો.
જોલીએ પાલાની મિશનરી કૉલેજમાં ગેસ્ટ લેક્ચરર તરીકે નોકરી મળી હોવાનું પરિવારને જણાવ્યું અને તેમને મળવા આવતાં રહેશે એમ જણાવ્યું.
અમુક વર્ષ પછી જોલીએ દાવો કર્યો કે તેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં નોકરી મળી ગઈ છે. આઈડીકાર્ડ તથા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના દસ્તાવેજો દ્વારા પરિવારજનોને એ વાતની ખાતરી કરાવી દીધી હતી. જોલી સવારે ઑફિસ જવાના કપડાં પહેરીને બહાર નીકળતાં. લોકો તેમને સન્માનથી 'જોલી ટીચર' કહીને સંબોધતાં.
જોકે, તેઓ હકીકતમાં ક્યાંય કામ કરતાં જ ન હતાં. જોલીએ આ નવું જુઠ્ઠાણું શરૂ કર્યું, તે પહેલાં તેમણે એક જૂના સંબંધને શાંત કરી દીધો હતો.
14 વર્ષમાં છ લોકોને કેવી રીતે ઝેર આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images
એક તબક્કે જોલીને લાગવા માંડ્યું હતું કે તેમનાં સાસુ અન્નામાને તેમનાં જુઠ્ઠાણાં વિશે ખબર પડી જશે, તો તેમની નાલેશી થશે અને મુશ્કેલીમાં મૂકાઈ જશે. પોતાની સ્વતંત્રતા છીનવાઈ જશે. આથી, જોલીએ તેમનાં સાસુનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું.
જોલી પરના આરોપનામા મુજબ, તેમણે જિલ્લાની પશુ હૉસ્પિટલમાંથી કૂતરાં મારવા માટેની દવા લીધી અને ઑગસ્ટ-2002માં તેમનાં સાસુને સૂપમાં ઝેર આપ્યું. જોત-જોતામાં અન્નામાનું પ્રાણપંખેરું ઊડી ગયું. તેમને હૃદયની બીમારી હોવાથી મૃત્યુ થયું હોવાનું લોકોએ માની લીધું.
પરિવારનો આર્થિકવહીવટ જોલીના હાથમાં આવી ગયો હતો અને સસરા ટૉમ પણ રોજબરોજના વહીવટમાં દખલ દેતા ન હતા.
2008માં સસરા ટૉમનું અવસાન થયું. પરિવાર ઉપર મોભીઓની છત ન રહી. સરકારી પક્ષના આરોપ મુજબ, એ સમયે જોલી જ તેમની સાથે હતાં અને તેમણે જ સસરાને ઝેર આપ્યું હતું. એટલું જ નહીં, તેમણે સહ-આરોપીઓ સાથે મળીને બનાવટી વસિયતનામું તૈયાર કર્યું હતું, જેમાં રૉય અને જોલીને જ સંપત્તિના વારસદાર બનાવ્યાં હતાં.
આ વાત જાણીને રૉયના ભાઈ રોજોને આંચકો લાગ્યો હતો, કારણ કે તેમને તથા બહેન રેંજીને કશું મળ્યું ન હતું. આમ કરવા પાછળ પિતા ટૉમ પાસે કોઈ દેખીતું કારણ પણ ન હતું. જોકે, જોલીના પ્રભાવ હેઠળ કોઈએ રોજોની વાત પર ધ્યાન ન આપ્યું.
સપ્ટેમ્બર-2011માં બંધ બાથરૂમમાં જોલીના પતિ મૃત્યુ પામ્યા. પાડોશીઓની મદદથી દરવાજો તોડીને રૉયને સારવાર માટે ખસેડ્યા. કથિત રીતે જોલીએ જ તેમને જમવામાં ઝેર આપ્યું હતું, એટલું જ નહીં એ પછી ડિશ, ગ્લાસ અને વાસણ પણ સાફ કરી નાખ્યા હતા.
અન્નામાના ભાઈ અને રૉયના મામા એમ. મૅથ્યૂને ભાણેજના મૃત્યુની સ્થિતિ સંદિગ્ધ લાગી હતી. તેમના ભારપૂર્વકના આગ્રહથી મૃતદેહનું પૉસ્ટમૉર્ટ્મ કરવામાં આવ્યું, જેમાં ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું.
રૉયનું મૃત્યુ સાયનાઇડથી થયું હતું. જોલી તેમનાં પરિવારજનોને એમ જ કહેતાં કે તેઓ રૉયને માટે જમવાનું બનાવી રહ્યાં હતાં, ત્યારે બાથરૂમમાં તેમનું મૃત્યુ થયું. હૃદયની બીમારીને કારણે રૉયનું અવસાન થયું. ઘર જ અપશુકનિયાળ છે, જે પરિવારના ત્રણ-ત્રણ સભ્યોને ભરખી ગયું.
આ તબક્કે કેરળ પોલીસથી એક ચૂક થઈ. પોટેશિયમ સાયનાઇડ તથા સોડિયમ સાયનાઇડ ખૂબ જ ઝેરી પદાર્થ છે. તેનો ઉપયોગ સોના-ચાંદીની સફાઈ તથા તેમાંથી અશુદ્ધિઓને દૂર કરવા માટે થાય છે. તે સરળતાથી મળતાં નથી અને તે કોને અને કેટલું વેંચવામાં આવ્યું તેનો હિસાબ રાખવાનો હોય છે.
પોલીસે સાયનાઇડના સ્રોતની તપાસ ન કરી. જેના કારણે વધુ ત્રણ હત્યા થવાની હતી અને તેના આરોપી તરીકે જોલીનું નામ પોલીસના ચોપડે નોંધાવાનું હતું.
આ અરસામાં રોજોએ પોલીસને અનેક વખત રજૂઆત કરી કે તેમના ભાઈના મૃત્યુની તપાસ કરવામાં આવે. પોલીસને લાગતું હતું કે સંપત્તિ નહીં મળવાને કારણે બદઇરાદાપૂર્વક તેઓ જોલીને બદનામ કરી રહ્યા છે.
રોજોએ ભાઈના મૃતદેહના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટની નકલ મેળવી. જે મુજબ, તેમના પેટમાં ખોરાક હતો. જ્યારે જોલીનું કહેવું હતું કે તેઓ ખાવાનું બનાવી રહ્યાં હતાં, ત્યારે રૉય બાથરૂમમાં ફસડાઈ પડ્યા અને રાંધ્યા ધાન રઝળી પડ્યા. અહીંથી રોજોને જોલી ઉપર શંકા જવા લાગી હતી. તેની તપાસમાં જોલી કામે ન જતાં હોવાનું પણ બહાર આવ્યું.
મામા એમ. મૅથ્યૂને પહેલાં બહેન, પછી બનેવી અને હવે ભાણેજના અકાળે અવસાનની વાત ગળે ઊતરતી ન હતી. તેમણે પોતાની રીતે તપાસ કરવાનું ચાલુ રાખ્યું અને ફેર પૉસ્ટમૉર્ટમ માટે રજૂઆત કરતા રહ્યા. હવે, જોલીને મામાજી સસરા સ્વરૂપે જોખમ દેખાવા લાગ્યું હતું. વર્ષ 2014માં તેમનું મૃત્યુ થયું. જોલી ઉપર તેમને ઝેર આપવાનો આરોપ છે.
ઘરના લોકોને કેવી રીતે જોલી પર શંકા ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે રૉયે આત્મહત્યા કરી હોવાની વાત ચર્ચામાં આવવા લાગી ત્યારે જોલીએ કુટુંબજનોને કહ્યું કે 'પરિવારજનોની આબરુ' બચાવવા તેમણે આ વાતને છુપાવી હતી.
આરોપનામા મુજબ ટૉમના ભાઈના દીકરા સાજુ સાથે જોલીના અનૈતિકસંબંધ હતા. જોલી તેને કાયદેસરનું સ્વરૂપ આપવા માગતાં હતાં, પરંતુ તેના આડે બે અડચણ હતી. સાજુનું લગ્ન સિલી સાથે થયું હતું અને તેમને અલ્ફાઇન નામની દીકરી પણ હતી.
વર્ષ 2014માં જ જોલીએ દોઢ વર્ષનાં અલ્ફાઇનને ઝેર આપ્યું, તેના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું. લોકોને લાગ્યું કે ખાવાનું ફસાવાથી શ્વાસ રુંધાવાને કારણે તેનું મૃત્યુ થયું.
સેજુનાં પત્ની સિલીએઆ વાતને સ્વીકારી લીધી અને જીવનને આગળ વધારવા પ્રયાસ કરી રહ્યાં હતાં. વર્ષ 2016માં સિલીનું અવસાન થયું. દીકરી અલ્ફાઇનની જેમ જ તેમનાં મોઢામાંથી ફીણ નીકળી રહ્યાં હતાં.
એમ. મૅથ્યૂ, અલ્ફાઇન અને સિલીનાં અવસાનથી રોજોની શંકા પ્રબળ બનવા લાગી હતી. આ અરસામાં એવી એક ઘટના બની કે ન કેવળ તેના પરંતુ અન્યોના મનમાં પણ શંકાનો કીડો સળવળવા લાગ્યો હતો.
સિલીના અવસાનને એક વર્ષ પણ નહોતું થયું કે જોલી અને સાજુએ લગ્ન કરી લીધાં. આ વાત રેંજીને માટે પણ આંચકાજનક હતી, જે ભાભીને મોટાબહેન અને આદર્શવહુ માનતાં હતાં.
કબરમાંથી મૃતદેહને કાઢ્યો અને ખુલ્યું રહસ્ય

ઇમેજ સ્રોત, INDIATODAY@X
કહેવાય છે કે ગુનો એ બીજ જેવું હોય છે, તેને જમીનમાં દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તે ધરતી ચીરીને બહાર આવી જાય છે અને અપરાધની ચાડી ફૂંકી દે છે. આવું જ કંઈક કેરળની હત્યાઓના કિસ્સામાં પણ થયું હતું.
રોજોનું કહેવું હતું કે પરિવારમાં છ-છ અપમૃત્યુ થયાં હતાં અને દરેક વખતે એક જ વ્યક્તિ ત્યાં હાજર હતી, જોલી. તેમણે પોલીસને રજૂઆત કરી અને પ્રાથમિક તપાસ પછી રોજોના આરોપોમાં તથ્ય જણાયું હતું.
ઑગસ્ટ-2019માં રૉયના મૃતદેહને બહાર કાઢીને તેની ફૉરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી. જેમ-જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ-તેમ વધુ પાંચ મૃતદેહને બહાર કાઢીને તેમની ફૉરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી.
ઑક્ટોબર-2019માં છ-છ હત્યાના આરોપમાં જોલીમ્મા ઉર્ફ જોલી, તેમના પતિ તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી. જેમાંથી એક જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાથી તેણે સાયનાઇડ પૂરું પાડ્યું હોવાનો પોલીસે આરોપ મૂક્યો હતો.
આરોપ અનુસાર એક મહિલાએ અનેક હત્યાઓને અંજામ આપ્યો હોવાથી ન કેવળ કેરળ પરંતુ દેશભરમાં ચકચાર મચી જવા પામી હતી અને સ્થાનિક ઉપરાંત રાષ્ટ્રીય મીડિયાએ તેને વ્યાપક રીતે કવર કર્યું હતું.
જો તેઓ પ્રોફેસર તરીકે કામ નહોતાં કરતાં તો દરરોજ ક્યાં જતાં,કોને મળતાં અને કેવી રીતે સમય પસાર કરતાં તે વાત પોલીસ માટે કોયડો હતી. આ મુદ્દે કેરળમાં અફવાઓ અને અટકળોનું બજાર ગરમ હતું.
જોલીને નકલી વીલ બનાવવામાં સ્થાનિક અધિકારીઓ તથા અનેક રાજકીય પક્ષના નેતાઓએ મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ સિવાય એક ક્રિમિનલ લૉયરની જોલીનાં ઘરે અવરજવર હતી. એક સરકારી સંચાર કંપનીના કર્મચારી અને જોલીની વચ્ચે મોડી રાત્રે વાતો થતી.
પોલીસના દાવા પ્રમાણે આરોપીએ તેના ગુનાની કબૂલાત કરી હતી. દીકરા તથા નજીકના પરિવારજનોએ જ જોલીની સામે નિવેદન આપ્યા હતા. જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમને જોવા ઊમટી પડતાં અને એક તબક્કે તેમનો હુરિયો પણ બોલાવ્યો હતો.
ચાર્જશીટ દાખલ થયા બાદ જોલીએ જામીન મેળવવા માટે પ્રયાસ કર્યા. કેરળના વિખ્યાત અને દિગ્ગજ વકીલોએ તેમની પેરવી કરી, પરંતુ તેમાં સફળતા ન મળી. જોલીએ જેલમાં આત્મહત્યાના પ્રયાસ પણ કર્યા છે.
મહિલા સિરિયલ કિલર્સ પર શું કહે છે રિપોર્ટ્સ?
સિરિયલ કિલર્સની વાત આવે ત્યારે મહિલાઓ કરતા પુરુષોના કિસ્સા વધુ પ્રકાશમાં આવ્યા છે. (વર્ષ 1998માં એફબીઆઈની કૉન્ફરન્સમાં તેમના પ્રોફાઇલરે મહિલા સિરિયલ કિલર હોવાની વાતને નકારી હતી.)
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના ડેટા મુજબ, વર્ષ 2022માં (વૉલ્યુમ-1, પેજ 166-176) દેશભરમાં મનોવિકૃત કે સિરિયલ કિલરના 24 કેસ નોંધાયા હતા. જેમાં તામિલનાડુમાં સૌથી વધુ છ, આંધ્ર પ્રદેશમાં ચાર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતા.
વર્ષ 2021માં આંકડો 13નો હતો. (વૉલ્યુમ-1, પેજ 166-176) મધ્ય પ્રદેશમાં ચાર, છત્તીસગઢમાં ત્રણ, તામિલનાડુમાં બે, ગુજરાત-મિઝોરમ-ઉત્તર પ્રદેશમાં એક-એક કેસ નોંધાયા હતા.
ભારતમાં સિરીયલ કે મનોવિકૃત હત્યાઓના કિસ્સાની ઓછી સંખ્યા અને વૈજ્ઞાનિક અભ્યાસને કારણે મહિલાઓ શા માટે સિરિયલ કિલર બની જાય છે, તે દિશામાં પૂરતા અભ્યાસ નથી થયા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વર્ષ 2023માં મલ્લિકા નામના મહિલાને સિરિયલ કિલિંગ માટે સજા થઈ, જે ભારતમાં મહિલા સિરિયલ કિલરને થયેલી પ્રથમ સજા છે.
યોગાનુયોગ તેણે પણ હત્યા કરવા માટે જોલી દ્વારા ઉપયોગમાં લેવાયેલા ઝેરનો જ વપરાશ કર્યો હતો, જેના કારણે તેને 'સાયનાઇડ મલ્લિકા' એવું ઉપનામ મળ્યું હતું.
જે વર્ષે જોલીનો કેસ બહાર આવ્યો, ત્યારે જ અમેરિકાની પેન યુનિવર્સિટી દ્વારા 55 પુરુષ અને 55 મહિલા સિરિયલ કિલર સંદર્ભે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
જેના આધારે 'હંટર ઍન્ડ ગૅધરર મૉડલ' તારવવામાં આવ્યું હતું, જે મુજબ પુરુષ સિરિયલ કિલર તેના શિકારનો પીછો કરતા જ્યારે મહિલા ઓળખીતાની જ હત્યા કરે તેની સંભાવના વધુ હતી. હત્યા પાછળ મહિલાઓનો હેતુ મોટાભાગે આર્થિક લાભ મેળવવાનો હોય છે.
પીટર વરૉન્સ્કી તેમના પુસ્તક 'ફિમેલ સિરિયલ કિલર : હાઉ ઍન્ડ વ્હાઇ વૂમન બિકમ મૉન્સ્ટર્સ'માં (પેજનંબર ચાર-પાંચ) પર લખે છે કે મહિલા સિરિયલ કિલરો માટે એક સર્વસામાન્ય માન્યતા એ હોય છે કે તે ઝેરનો ઉપયોગ કરતી હોય છે અને પીડિત કે મૃતકને ઓળખતી હોય છે.
તે મૃતક કે પીડિતને તેમના જ ઘર કે વિસ્તારમાં મોતને ઘાટ ઉતારે છે. તે તેની સાથે રહેતી હોય એવું પણ બને. તે પૈસા માટે એક કરતાં વધુ પતિ કે પ્રેમી સાથે સંબંધ બાંધીને તેમની હત્યા કરે છે. આના માટે પ્રચલિત શબ્દપ્રયોગ છે, 'બ્લૅક વિડો.'
48 વર્ષીય જોલીના કિસ્સામાં તે 'બ્લૅક વિડો' છે કે નહીં, તેનો ચુકાદો કેરળની અદાલત આપશે અને જો તે દોષિત ઠરશે તો બાકીનું જીવન કદાચ જેલના સળિયા પાછળ જ વિતાવવું પડશે.












