ખેડા: BSC ભણેલા નીતિન કોટવાણીએ જેલમાં બેસીને આલ્કોહોલિક સિરપનો પ્લાન કેવી રીતે ઘડ્યો?

આરોપી નીતિન કોટવાણી

ઇમેજ સ્રોત, LAXMI PATEL

ઇમેજ કૅપ્શન, આરોપી નીતિન કોટવાણી
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બિલોદરા અને બગડુ ગામમાં કથિત આલ્કોહોલિક આર્યુવેદિક સિરપ પીધા બાદ અત્યાર સુધીમાં છ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.

આ સમગ્ર ઘટનામાં નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

ખેડા જિલ્લા પોલીસ દ્વારા માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

ખેડામાં સિરપકાંડના મુખ્ય આરોપી વડોદરાના ગોરવા વિસ્તારના રહેવાસી નીતિન અજિતભાઈ કોટવાણી સામે અગાઉ પણ ગુનાહિત કેસ નોંધાયેલા છે.

નીતિન કોટવાણી સામે ભૂતકાળમાં ત્રણ ગંભીર પ્રકારના આલ્કોહોલિક પ્રોડક્ટ બનાવીને લોકોના જીવ જોખમમાં મૂકવાના ગુના નોંધાઈ ચૂક્યા છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "નીતિન કોટવાણી સામે રાજ્યમાં અલગઅલગ જગ્યા પર ગુના નોંધાયેલા છે. નીતિન કોટવાણી સામે વડોદરામાં પણ નકલી સેનિટાઇઝર મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી."

"ઉપરાંત નકલી સિરપ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પણ તેની વિરુદ્ધ ગુનો નોંધયેલો છે. તાજેતરમાં જ ખેડામાં સિરપ પીધા બાદ થયેલા મૃત્યુના મામલે નોંધવામાં આવેલી ફરિયાદમાં નીતિન અને ભાવેશનું નામ બહાર આવ્યું છે."

કોણ છે નીતિન કોટવાણી?

 નીતિનએ કૅમેસ્ટ્રી વિષય સાથે બીએસએસીનો અભ્યાસ કરેલો છે

ઇમેજ સ્રોત, LAXMI PATEL

ઇમેજ કૅપ્શન, નીતિનએ કૅમેસ્ટ્રી વિષય સાથે બીએસએસીનો અભ્યાસ કરેલો છે

ખેડા પહેલાં રાજકોટ અને વડોદરામાં જેમની પર ગંભીર બાબતોમાં ગુના નોંધાયેલા છે નીતિન કોટવાણી કોણ છે એ જાણવા માટે બીબીસી ગુજરાતીએ વડોદરા અને ખેડા પોલીસ સાથે વાત કરી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડોદરાના ગોરવા તળાવ પાસે રહેતા નીતિન કોટવાણી કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થઈને કૅમિકલનો ધંધો કરતા હતા.

પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું કે આરોપી નીતિન કોટવાણી અભ્યાસ બાદ વાઘોડિયા ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. બાદમાં તેણે મોબાઇલ શૉપ, કરિયાણાની દુકાન, ઇલેક્ટ્રૉનિક્સનો શો રૂમ વગેરે ધંધામાં હાથ અજમાવ્યો હતો.

વડોદરા પોલીસના ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે "આરોપી નીતિન કોટવાણીને વડોદરાની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં અન્ય આરોપીઓ સાથે મળીને જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ કથિત રીતે આલ્કોહોલિક મિશ્રિત બોગસ કફ સિરપની બૉટલો તૈયાર કરવાનું નક્કી કર્યું હતું."

વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીનો સમય હતો. તે વખતે અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં કોરોનાના સંક્રમણથી બચવા માટે સેનિટાઇઝરની માગ વધી રહી હતી.

"કોરોના મહામારીના સમયગાળામાં એપ્રિલ 2021માં વડોદરા પોલીસે ગોરવાના જીઆઈડીસી ખાતે એ.કે. ઇન્ડસ્ટ્રીઝ નામની સેનિટાઇઝર બનાવતી યુનિટના શેડ પર દરોડો પાડ્યો હતો અને નકલી સેનિટાઇઝર બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું."

તે વખતે પોલીસને આ શેડમાં તપાસ દરમ્યાન જુદી-જુદી બ્રાન્ડનાં હૅન્ડ સેનિટાઇઝર્સનો કુલ 45 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો

વડોદરા પોલીસ અનુસાર આ કંપનીના શેડના કમ્પાઉન્ડમાં પ્લાસ્ટિક તથા લોખંડના બૅરલમાં ભરેલું વિશિષ્ટ પ્રકારની વાસવાળું પ્રવાહી રૉ-મટીરિયલ મળી આવ્યું હતું

આ શંકાસ્પદ પ્રવાહીની ફૉરેન્સિક તપાસ કરાવતાં મિથેનૉલની પ્રાથમિક હાજરી જણાઈ હતી, આ મિથેનૉલની માત્રા 20 ટકાથી 73 ટકા હોય છે.

આ મિથેનૉલની અસર બાબતે વડોદરા પોલીસે ડિપાર્ટમેન્ટ ઑફ ફૉરેન્સિક ઍન્ડ ટૉકસિકોલૉજીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, "મિથેનૉલ ઝેરી પ્રકારનું કેમિકલ છે, તેનો સેનિટાઇઝર તરીકે ઉપયોગ કરવાથી શરીરમાં ચામડી, શ્વાસ કે મોઢાં, જઠર કે આંતરડામાંથી મિથેનૉલ લોહીમાં શોષાય અને તેનાથી અંધાપો, કોમા અને મૃત્યુ સુધીની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેમજ ચામડીને નુકસાન થાય છે."

આ બાબતે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ 274, 284, 308, 420, 468, 471 અને 38 વગેરે મુજબનો ગુનો દાખલ કરાયો હતો.

આ ગુનામાં પોલીસે 34 વર્ષીય વેપારી નીતિન કોટવાણીની ધરપકડ કરાયા બાદ તેમની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ખેડામાં શંકાસ્પદ સિરપનો મામલો

ફૉરેન્સિક તથા ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગની તપાસમાં લીધેલાં સૅમ્પલોમાં આલ્કોહૉલનું પ્રમાણ તથા અન્ય કેમિકલ હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો

ઇમેજ સ્રોત, LAXMI PATEL

ખેડામાં દિવાળીના દિવસોમાં શંકાસ્પદ સિરપ પીધા બાદ એક પછી એક છ લોકોનાં મોત થયાં હતાં.

આ મામલામાં ખેડા જિલ્લા નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમ હેઠળ આરોપી નીતિન કોટવાણી સામે ગુનો નોંધાયો છે.

ખેડા જિલ્લામાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર આ ગુનામાં કાલમેધાસવ નામનું લેબલ લગાડેલી બૉટલ (જે આયુર્વેદિક ઔષધી તરીકે દર્શાવાઈ હતી)માં નશાકારક પીણું પૅક કર્યું હતું.

એફઆઈઆર અનુસાર, બૉટલની અંદર રહેલા નશાકારક પીણાંથી પીનારનું મૃત્યુ પણ નીપજી શકે તેવું જાણવા છતાં આરોપી (વડોદરાના નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી)એ આ પદાર્થ બનાવ્યો હતો.

રાજકોટના કેસમાં આરોપી નીતિન કોટવાણી સામે જે ફરિયાદ નોંધાઈ તેમાં કોરોના દરમ્યાન વડોદરામાં માનવજીવન જોખમાય એવું સેનિટાઇઝરમાં મિથાઇલ એલ્કોહોલ ભેળવવાના કેસમાં તેમને શરતી જામીન પર મુક્ત કરાયા હોવાનો ઉલ્લેખ છે.

આરોપીએ જેલમાં રચેલા કાવતરા મુજબ, જેલમાં રહેલા સહઆરોપી ભજનલાલના નામે વડોદરાના સાંકરદા ગામની સામે નંદેસરી ખાતે શેડ ભાડે લીધો હતો. આ શેડમાં હર્બલ પ્રોડક્ટની આડમાં આલ્કોહોલ મિકસ કરી અલગ-અલગ પ્રોડકટનું ઉત્પાદન ચાલુ કર્યું હતું.

પોલીસને બાતમી મળતાં આ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ શેડ ખાતેથી અલગ-અલગ કેમિકલ મળી આવ્યાં હતાં.

ફૉરેન્સિક તથા ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગની તપાસમાં લીધેલાં સૅમ્પલોમાં આલ્કોહોલનું પ્રમાણ તથા અન્ય કેમિકલ હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.

આ અંગે ત્રીજી ડિસેમ્બર 2021ના રોજ વડોદરા ખાતેના નંદેસરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 272, 273, 406, 465, 468, 471, 482, 120બી તેમજ પ્રોહિબિશન ઍકટ કલમ 65એ, 67એ 68, 81, 83, 86, 98(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં તપાસ કરતાં પોલીસે કુલ 1,05,29,350 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

અલગઅલગ ટીમો બનાવી તપાસ કરી

શોકમગ્ન મહિલાઓ

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

ઇમેજ કૅપ્શન, શોકમગ્ન મહિલાઓ

આ બંને આરોપી (નીતિન અને ભાવેશ) સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈપીસીની કલમ 272, 273, 406, 420, 435, 467, 468, 471, 482, 483, 123 (બી)નો ગુનો નોંધવામાં આવેલો છે.

આ ગુનાની તપાસ દરમ્યાન ગોરવાનાં રહેવાસી આશા ચાવડા, નીતિન ઉર્ફે વિક્કીભાઈ અજિતભાઈ કોટવાણી અને તૃપ્તિ પંચાલ, ભાવેશ ઉર્ફે મહેશભાઈ જેઠાનંદ સેવકાણી, સુનીલ પરિયાણી, લખધીરસિંહ કાળુભા જાડેજા, રાજસ્થાનના હનુમાનરામ વગતારામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી.

આ તમામ આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. આ ગુનામાં ભજન બિશ્નોઈ વૉન્ટેડ છે.

ખેડામાં તાજેતરમાં છ લોકોનાં મૃત્યુના કેસમાં આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીએ ભૂતકાળમાં આચરેલા ગુના તેમજ ગુનાહિત પ્રવૃત્તિની મૉડસ ઑપરેન્ડી તથા અન્ય સાથીઓની બારીકાઈથી તપાસ પોલીસ કરી રહી છે.

ફરિયાદ અનુસાર મહારાષ્ટ્ર નંદુરબાર ખાતે આવેલી કંપની તેમજ ભિવંડી ખાતેના ગોડાઉનમાંથી સિરપ બનાવવાની મશીનરી તથા સાધન-સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.

પોલીસે મહારાષ્ટ્રના નાસિક, પૂણે, મુંબઈ વગેરે અલગ-અલગ જગ્યાએ ટીમો તપાસ માટે મોકલી હતી.

પોલીસને જાણવા મળ્યું કે ભાવેશ સેવકાણી પરિવારને મળવા માટે દિલ્હીથી વડોદરા ફ્લાઇટમાં આવતો હતો ત્યારે જ તેની અટકાયત કરી લેવામાં આવી હતી.

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, "નીતિન અને ભાવેશ વિરુદ્ધ વડોદરામાં કોઈ કેસમાં ધરપકડ બાકી નથી. રાજકોટ અને ખેડામાં બંને આરોપીઓ વૉન્ટેડ હતા. અમે બંને આરોપીને ખેડા પોલીસને સોંપી દીધા છે."

ખેડા જિલ્લા પોલીસ અધીક્ષક રાજેશ ગઢિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું, "આરોપી ભાવેશ અને નીતિન બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે."

પોલીસના જણાવ્યા અનુસાર, ભાવેશ વધુ ભણેલો નથી તેમજ અવિવાહિત છે.