ગુજરાતમાં નકલી સરકારી કચેરીઓ ચલાવતી ગૅંગ કેવી રીતે પકડાઈ?

કચેરી

ઇમેજ સ્રોત, LAXMI PATEL

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પકડાયેલી ‘નકલી સરકારી કચેરી’ની ચર્ચાએ સરકારી વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભો કર્યો હતો. જોકે, એ મામલો શાંત પડે એ પહેલાં જ માત્ર 10 દિવસોમાં વધુ છ ‘નકલી સરકારી કચેરી’ પકડાઈ હતી.

દાહોદની નકલી સરકારી કચેરી ઊભી કરીને રૂ. 18.59 કરોડની ઉચાપત કરવાના પ્રકરણમાં મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ બાદ પોલીસની તપાસમાં દાહોદના પ્રયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા રિટાયર્ડ આઈએએસ અધિકારી બી. ડી. નિનામા પર પણ સંડોવણીનો આરોપ લાગ્યો હતો અને 28 નવેમ્બરે નિનામાની ધરપકડ કરી લેવાઈ હતી.

દાહોદ પ્રયોજના વહીવટદાર દ્વારા છેલ્લાં બે-ત્રણ વર્ષનાં કામોની ચકાસણી કરાતાં આરોપી સંદીપ રાજપૂત વિરુદ્ધ દાહોદ જિલ્લામાં પાંચ અને ડભોઈ ખાતે એક એમ કુલ છ નકલી કચેરી અને નકલી અધિકારીઓ ઊભાં કરવાનો આરોપ લગાવાયો છે.

આ અંગે દાહોદ જિલ્લાના એસ. પી. રાજદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, " દાહોદ જિલ્લા પ્રયોજના અધિકારી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, એમાં છ બનાવટી કાર્યાલયો ઊભાં કરીને ઉચાપત કરવામાં આવી હતી."

"આ કેસમાં સંદીપ રાજપૂત સરકારી અધિકારી બન્યો હતો. અંકિત સુથારે ખોટાં બૅન્ક એકાઉન્ટ ખોલ્યાં હતાં. આ સિવાય તે સમયના પ્રયોજના અધિકારી બાબુભાઈ નિનામાની સંડોવણીના પુરાવા મળતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે."

ગ્રે લાઇન

કોણ ચલાવતું હતું બનાવટી કચેરી?

આરોપી

ઇમેજ સ્રોત, LAXMI PATEL

આરોપીઓ કાર્યપાલ ઇજનેર સહિતની બનાવટી કચેરીઓ ઊભી કરી, કામકાજના પ્રપોઝલ તૈયાર કરી, મંજૂર કરવા સહિતની બનાવતી પ્રવૃત્તિઓ કરતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

26 ઑક્ટોબર-2023ના રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં બોડેલીમાં નકલી સરકારી કચેરી અંગે એક ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે તપાસ કરાતાં દાહોદ જિલ્લા પ્રયોજના વહીવટદાર કચેરીના હિસાબી અધિકારી પ્રણવ. આર. વાઘેલાએ 10માં વધુ છ નકલી સરકારી કચેરી પકડી પાડી હતી.

આ મામલે છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ. સી. પરમારે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "નકલી સરકારી કચેરી કેસમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સંદીપ રાજપૂત અને અબુ બકર સૈયદની પ્રથમ દિવસે જ ધરપકડ કરાઈ આવી હતી."

"એ બાદ અન્ય પાંચ લોકોની ધરપકડ કરાઈ, જેમાં અંકિત સુથાર સંદીપ રાજપૂતની કચેરીમાં કામ કરતો હતો. એ દરખાસ્ત તૈયાર કરી સહી કરાવવા જતો હતો. અંકિત સુથારે સંદીપ રાજપૂતનું નકલી આઇકાર્ડ પણ બનાવી આપ્યું હતું."

તેમણે વધુમાં ઉમેર્યું, "આ ઉપરાંત ફરિયાદી જાવેદ માંકનોજિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. જાવેદ પ્રયોજના વહીવટદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. દરખાસ્ત ચેક કરવાની તેની જવાબદારી હતી. તપાસ દરમિયાન તેમની પણ સંડોવણી હોવાનું બહાર આવતાં ધરપકડ કરી લેવાઈ છે."

"આ ઉપરાંત આરોપી ચંદુ કારેલીયા (ભૂતપૂર્વ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી) અને ડી. કે. ચૌધરી (મદદનીશ આદિજાતિ અધિકારી) તથા મયુર પટેલની (નાયબ કાર્યપાલક ઈજનેર) પણ સંડોવણી હોવાનું બહાર આવતાં ધરપકડ કરવામાં આવી છે."

ગ્રે લાઇન

કઈ-કઈ બનાવટી કચેરીઓ ઊભી કરાઈ હતી?

કે. સિદ્ધાર્થ

ઇમેજ સ્રોત, LAXMI PATEL

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તપાસના વ્યાપ અંગે એ. એસ. પી. કે. સિદ્ધાર્થે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રયોજનાવહીવટદાર કચેરી મામલે 18 કરોડનો જે કેસ દાખલ થયો છે. તેમાં મુખ્ય આરોપીને છોટાઉદેપુર જેલથી દાહોદ ટ્રાન્સફર વૉરંટથી લાવવામાં આવ્યો છે. જેની પૂછપરછ ચાલી રહી છે. બીજા કોની કોની સંડોવણી છે, તે અંગે હાલ તપાસ ચાલી રહી છે."

આ પહેલાં કે. સિદ્ધાર્થએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રયોજના વહીવટદાર કચેરી તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી દ્વારા છ ખોટી કચેરી ઊભી કરવામાં આવી હતી અને 100 જેટલા ખોટા પ્રોજેક્ટના રૂપિયા આ છ નકલી કચેરીનાં બૅન્ક એકાઉન્ટોમાં જમા કરાવવામાં આવ્યા હતા."

પોલીસ અનુસાર માસ્ટર માઈન્ડ ગણાતા આરોપી સંદીપ રાજપૂત દ્રારા ઊભી કરાયેલી કચેરીઓ આ મુજબ છે :

નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, નાની સિંચાઈ પેટાવિભાગ, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગ, ઝાલોદ

  • કાર્યપાલક ઇજનેરશ્રી, નર્મદા સિંચાઈ નહેર વિભાગ, નં-3 , ડભોઈ
  • કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઈ પ્રોજેકટ ડિવિઝન, દાહોદ
  • કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઈ પ્રોજેકટ ડિવિઝન-2, દાહોદ
  • કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઈ પ્રોજેકટ ડિવિઝન, દાહોદ
  • કાર્યપાલક ઇજનેરશ્રી, પાઇપ લાઇન પ્રોજેકટ ડિવિઝન, દાહોદ

"જેમાં કાર્યપાલક ઇજનેરની ઓળખ આપી, ખોટાં સહીસિક્કાનો ઉપયોગ કરી અલગઅલગ 100 કામોની દરખાસ્તો તૈયાર કરી, રૂપિયા 18.59 કરોડની ગેરરીતિની વાત સામે આવી છે.”

ગ્રે લાઇન

નકલી કચેરીઓ કઈ રીતે પકડાઈ?

બોડેલી કચેરી

ઇમેજ સ્રોત, LAXMI PATEL

કથિતરૂપે 18.59 કરોડનાં કામોમાં ગેરરીતિ આચરવાના આ મામલે પ્રયોજના વહીવટદાર કચેરીના ક્લાર્ક ભાવેશ બામણિયાએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે આરોપી સંદીપ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. કેસની વધુ તપાસ દાહોદના એ. એસ. પી. કે. સિધ્ધાર્થ કરી રહ્યા છે.

પોલીસ ફરિયાદ અનુસાર, "આરોપી એસ.આર રાજપૂત (સંજીવ રાજપૂત) તથા અન્ય ઈસમોએ કામો માટે એસ્ટીમેટ આપી, તત્કાલીન પ્રયોજના વહીવટદારની મંજૂરી આપી કુલ 100 કામો માટે રૂ.18.59 કરોડ રૂપિયાની છ ખોટી કચેરી બનાવી ઉપાચત કરી લીધી હતી."

બીબીસીએ આ મુદ્દે ગુજરાત સરકારના મંત્રી કુબેર ડિંડોર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ એમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

રેડ લાઇન
રેડ લાઇન