ગાંધીનગર: સરકારી પ્રોજેક્ટ માટે '800 વૃક્ષો કપાશે' તો ત્યાં રહેતા 'હજારો પોપટ'નું શું થશે?

ગાંધીનગર જિલ્લાના ચરેડી ગામે સરકારી બિલ્ડિંગના પ્રોજેક્ટ માટે 'વૃક્ષછેદન'ની મંજૂરીનો વિરોધ કરતા પ્રકૃતિપ્રેમી અને સ્થાનિકો

ઇમેજ સ્રોત, Mehul Tuvar

ઇમેજ કૅપ્શન, ગાંધીનગર જિલ્લાના ચરેડી ગામે સરકારી બિલ્ડિંગના પ્રોજેક્ટ માટે 'વૃક્ષછેદન'ની મંજૂરીનો વિરોધ કરતા પ્રકૃતિપ્રેમી અને સ્થાનિકો
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતનું પાટનગર રાજ્યની ‘પ્લાન્ડ સિટી’ની સાથોસાથ પહોળા રસ્તા અને હારબંધ વૃક્ષો માટે જાણીતું છે.

ગાંધીનગરમાં પ્રવેશતાંની સાથે જ રોડ પર લાગેલા મોટા બોર્ડ અને તેના પરનું લખાણ મુલાકાતીનું ધ્યાન જરૂરથી ખેંચે છે.

જેના પર લખાયું હોય છે – ‘હરિયાળું શહેર ગાંધીનગરમાં આપનું સ્વાગત છે.’

પોતાની હરિયાળી માટે વખણાતાં અને તેનું શ્રેય ભોગવતું ગાંધીનગર આજકાલ આ જ ‘હરિયાળી દૂર કરવાની એક સરકારી મંજૂરી’ની પ્રક્રિયાને કારણે સમાચારમાં છે.

સ્થાનિકો અને પ્રકૃતિપ્રેમીઓની ફરિયાદ છે કે રાજ્ય સરકાના સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી વિભાગ દ્વારા શહેરના સૅક્ટર 28 પાસે આવેલી ચરેડી ગામની 14 એકર જમીનમાં બાયોટેકનૉલૉજી સેન્ટર ઊભું કરવાના મંજૂર થયેલા પ્રોજેક્ટના અમલીકરણને કારણે ‘800 જેટલાં વૃક્ષો કાપી નખાશે.’

નોંધનીય છે કે આ પ્રોજેક્ટના અમલીકરણ માટે રાજ્ય સરકારના રોડ ઍન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ફૉરેસ્ટ વિભાગને પ્રસ્તાવિત 14 એકરની જમીન પર આવેલાં વૃક્ષો દૂર કરવાની અરજી કરાઈ છે. જેની સંબંધિત અધિકારીએ પુષ્ટિ કરી હતી.

પ્રકૃતિપ્રેમીઓ આ પ્રોજેક્ટને કારણે ‘સેંકડોની સંખ્યામાં વૃક્ષછેદન થતાં સ્થાનિક સ્તરે જીવસૃષ્ટિ પર તેમજ વૃક્ષોમાં રહેતા 30 હજાર જેટલા પોપટ પર ઘાતક અસર થવાનો ભય’ વ્યક્ત કરી રહ્યા છે.

જોકે, આ મામલે વનવિભાગના અધિકારીઓ પ્રસ્તાવિત સ્થળે ‘બિલ્ડિંગનિર્માણ માટે 300-400 વૃક્ષો કપાશે’ તેવી તેમજ ‘પોપટની ખરી સંખ્યા અંગે સંશોધન’ની વાત કરી રહ્યા છે.

તેમજ રાજ્ય સરકારના મંત્રીએ આ બાબતે ‘ટિપ્પણી કરવાનો ઇનકાર’ કર્યો છે.

નોંધનીય છે કે આ મામલો સામે આવતાં સ્થળની ‘જીવસૃષ્ટિ બચાવવા’ સ્થાનિક પ્રકૃતિપ્રેમીઓએ આંદોલન શરૂ કર્યું છે, જેમાં સોશિયલ મીડિયા કૅમ્પેન પણ સામેલ છે.

સાથે જ રાજ્ય સરકારને પ્રસ્તાવિત સ્થળે વૃક્ષો ન કાપવા માટે આવેદનપત્ર પણ અપાયું છે. તેઓ આ પ્રોજેક્ટ ગાંધીનગરમાં અન્ય કોઈ ખાલી સ્થળે ખસેડવાની માગ કરી રહ્યા છે.

સ્થળની જૈવ વિવિધતાના પુરાવા એકત્રિત કરવા અભ્યાસની માગ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મામલામાં હવે સરકારી વિભાગ દ્વારા વૃક્ષછેદનની અરજી અંગે વિવાદ થઈ રહ્યો છે.

સમગ્ર પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા સ્થળની બાયૉડાઇવર્સિટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. દાવા પ્રમાણે આ સ્થળે રહેલાં વૃક્ષો પર મોટા પ્રમાણમાં પક્ષીઓના માળા અને વસવાટ છે.

તેમજ સાંજના સમયે આ સ્થળે ‘રાતવાસા માટે હજારોની સંખ્યામાં પોપટ’ આવતા હોવાનો દાવો છે.

આ મુદ્દે ‘પકૃતિ બચાઓ ગ્રૂપ’ દ્વારા આ સ્થળે ‘ફ્લોરા અને ફૉના’ રિસર્ચ કરાવવાનો આગ્રહ કરાઈ રહ્યો છે.

શહેરના પ્રકૃતિપ્રેમીઓએ ચેરડી ગામની ‘જૈવવિવિધતા બચાવવા મુદ્દે’ સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું છે.

આ માગ કરનાર પ્રકૃતિરક્ષા અભિયાનના સભ્ય મેહુલ તુવરે બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ પ્રોજેક્ટ માટે માટે વર્ષો જૂનાં ઘટાદાર 800 વૃક્ષો કાપવાનાં છે. ગાંધીનગરનો વિકાસ થાય તે સારી બાબત છે, પરંતુ વર્ષો જૂનાં વૃક્ષો કાપીને વિકાસ થાય તો તે આવનારી પેઢી માટે વિનાશકારી સાબિત થઈ શકે છે."

તેઓ આ પ્રોજેક્ટને સ્થાનિક જૈવવૈવિધ્ય માટે ‘વિનાશક’ ગણાવતાં કહે છે : "આજના સમયમાં વૃક્ષોની સંખ્યા સતત ઘટતી જતી હોવાને કારણે પ્રદૂષણ જેવી પર્યાવરણસંબંધી સમસ્યાઓ ખૂબ ગંભીર બની રહી છે અને વૃક્ષોને વાવીને તેને ઉછેરવાનું કામ ખૂબ એ કપરું હોય છે. જો આવા મોટા ગ્રીન ક્લસ્ટર કાપી નાખવામાં આવે તો તેનાથી બાયૉડાઇવર્સિટીમાં મોટું ગાબડું પડી જશે."

તેઓ સવાલ ઉઠાવતાં કહે છે કે, "બાયોટેકનૉલૉજી સેન્ટર માટે જીવ સૃષ્ટિનો ભોગ લેવો હોય એ કેટલું યોગ્ય છે?"

મેહુલા તુવરે આ મામલે વધુ દાવા કરતાં કહ્યું હતું કે, "ગાંધીનગરમાં અલગ અલગ પક્ષીઓની કૉલોની હતી. જેમાંથી ત્રણ કૉલોની નામશેષ થઈ ગઈ છે. ચરેડી વિસ્તાર જૈવ વિવિધતાની દ્રષ્ટિએ અતિ મહત્ત્વ ધરાવે છે. ત્યાં પોપટ જેવાં પક્ષી રાતવાસો કરવા આવે છે. જેની સંખ્યા 30 હજાર જેટલી છે."

"સાંજે આ જગ્યા પર સૂકા ઝાડ પણ લીલા રંગના લાગે એટલા બધા પોપટ આવે છે. આ ઉપરાંત અહીં નાના જીવ, પતંગિયાં, સાપ વગરેનોય વસવાટ છે."

તેઓ આ તમામ મુદ્દા મૂકીને પ્રોજેક્ટને અન્યત્રે ખસેડવાની માગ કરતાં કહે છે કે, "ગાંધીનગરમાં અન્ય પણ ખાલી જગ્યા છે. તેથી આ જગ્યા પરનાં વૃક્ષો ન કાપી, એ ખુલ્લી પડેલી જગ્યાએ રિસર્ચ લૅબ બનાવવી જોઈએ."

"અમે પ્રકૃતિ બચાઓ ગ્રૂપના નેજા હેઠળ આ સ્થળે વૃક્ષો ન કાપવા માટે મુખ્ય મંત્રી તેમજ પર્યાવરણમંત્રીને પણ આવેદન પત્ર આપ્યું છે."

આવેદનપત્રમાં આ પણ માગો કરાઈ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

‘પ્રકૃતિ બચાઓ અભિયાન’ દ્વારા આ મુદ્દે અપાયેલા આવેદનમાં વધુ કેટલીક બાબતો અંગે પણ રજૂઆત કરાઈ છે.

  • આવા વિસ્તારમાં ફ્લોરા અને ફૉનાનો સાઇન્ટિફિક રિસર્ચ કરાવ્યા બાદ જ કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ વિશે આગળ વિચારવું જોઈએ.
  • ગાંધીનગર વિસ્તારમાં ઘણી ખાલી સરકારી પડતર જગ્યા છે, ત્યાં આ પ્રકારના પ્રોજેક્ટ બનાવવા જોઈએ.
  • ગાંધીનગર શહેરમાં આવા ગ્રીન ક્લસ્ટર ખૂબ ઓછા છે, જે શહેરનાં ફેફસાં સમાન કામ કરી રહ્યાં છે. જેમાં ચરેડી, વિધાનસભા પાછળનો વિસ્તાર, સૅક્ટર 18, નદીનો તટ, ઘ-0 જેવાં ક્લસ્ટરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોને ‘વન આરક્ષિત’ જાહેર કરીને રક્ષણ કરવું જોઈએ.

ઍન્વાયરમૅન્ટ ઍજ્યુકેટર મધુ મેનને બીબીસી ગુજરાતી સાથે બાયૉડાઇવર્સિટી, પર્યાવરણના રક્ષણ સાથે તેનો જટિલ સંબંધ અને તેના સંરક્ષણના મહત્ત્વ અંગે વાત કરી હતી.

તેમણે આ વિશે કહેલું કે, "જ્યારે કોઈ વૃક્ષ કાપવામાં આવે ત્યારે માત્ર તે વૃક્ષ નથી કપાતું પરંતુ તેની સાથે સંકળાયેલી ઇકૉસિસ્ટમને પણ અસર પડતી હોય છે. જેમાં કીડી, મકોડા, ખિસકોલી, પતંગિયાં જેવી જીવસૃષ્ટિ પણ સામેલ છે.”

"બાયોડાઇવર્સિટી અચાનક ઊભી થતી નથી, તેમાં વર્ષો લાગી જાય છે. વૃક્ષો કાપીને તેના પર આધારિત જીવસૃષ્ટિનું અન્ય સ્થળે પુનર્વસન નથી કરી શકાતું."

તેઓ વિકાસ અને પર્યાવરણના જતન વચ્ચે સંતુલન સાધવાની સલાહ આપતાં કહે છે કે, "વિકાસ કરવો એ ખૂબ જ જરૂરી છે, પરંતુ તેની સાથે સાથે બાયોડાઇવર્સિટીના મહત્ત્વને પણ સમજવું જોઈએ."

તેઓ પ્રસ્તાવિત વિસ્તારની ખાસિયત અંગે ધ્યાન દોરતાં કહે છે કે, "રિસર્ચમાં આ જગ્યા પર વર્ષોથી જીવસૃષ્ટિ છે. જેમાં પક્ષીઓ, ખિસકોલી, પતંગિયાં, સાપ, નોળિયા, પાટલા ઘો જેવી જીવસૃષ્ટિ સામેલ છે. જે એક ઇકૉસિસ્ટમ છે. આ ઇકૉસિસ્ટમને નુકસાન ન થાય તે અંગેનું રિસર્ચ કરી ત્યાર બાદ નિર્ણય કરવો જોઈએ."

અધિકારીઓએ કહ્યું ‘દાવા અંગે રિસર્ચ કરાવીશું’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Mehul Tuvar

ગાંધીનગર જિલ્લાના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ ચંદ્રેશકુમાર સનાડ્રેએ બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતાં જણાવેલું કે, "ચરેડીમાં રિસર્ચ સેન્ટર બનાવવા માટે વૃક્ષો કાપવાની અરજી અમારી પાસે આવી છે. આ બિલ્ડિંગના બાંધકામ પ્લાન અમને આપવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે કેટલાં વૃક્ષો કપાશે. પ્લાન હજુ અમને મળ્યો નથી."

"આ જમીન એ રોડ ઍન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની છે. પ્રોજેક્ટ માટે અહીં કદાચ 300થી 400 વૃક્ષો કપાશે. અમારું કામ છે કે રોડ ઍન્ડ બિલ્ડિંગ વિભાગ તરફથી અરજી પર કાર્યવાહી કરી સ્થળ પરથી વૃક્ષો હઠાવવાનું."

"અહીંયા બિલ્ડિંગ બનાવવા અંગે સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી ડિપાર્ટમેન્ટ દ્વારા અરજી કરવામાં આવી હતી. જે રોડ ઍન્ડ બિલ્ડિંગ દ્વારા જગ્યા નક્કી કરીને અમને અરજી કરવામાં આવી છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "અહીંયા છ હજાર જેટલા પોપટ રહેતા હોવાનો આંકડો અમે મીડિયા અહેવાલોમાં જોયો છે. પરંતુ આ આંકડો ક્યાંથી આવ્યો? કોણે મૂક્યો? એ વાત અંગે મને ખબર નથી."

ગુજરાત સરકારના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ નિત્યાનંદ શ્રીવાસ્તવે બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, "પ્રસ્તાવિત જગ્યાએ વધુ સંખ્યામાં પોપટ હોવા અંગેની અમને જાણ થઈ છે. અમે અહીંયા કેટલા પોપટ છે, તે જાણવા માટે બર્ડ વૉચર પાસે રિસર્ચ કરાવી રહ્યા છીએ. આ સિવાય આ સ્થળે અન્ય કેટલાં પક્ષી છે, તે અંગે પણ રિસર્ચ કરાવી રહ્યા છીએ. એક વાર રિસર્ચ થયા બાદ જ આ અંગે હું વાત કરી શકીશ.”

ગુજરાત સરકારના પર્યાવરણમંત્રી મુકેશ પટેલ સાથે બીબીસી ગુજરાતી એ વાત કરતા તેમણે આ મુદ્દે કહ્યું હતું કે, "આ અંગે મને કંઈ જાણ નથી. તેથી હું આ મુદ્દે કંઈ કહી શકીશ નહીં."

રેડ લાઇન
રેડ લાઇન