ખેડા : 'આલ્કોહોલિક સિરપ' પીવાથી ટપોટપ પાંચનાં મૃત્યુ, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Laxmi Patel
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના એક ગામમાં દેવદિવાળીના તહેવારને અનુલક્ષીને યોજેલી માંડવીના આયોજનમાં કેટલાક લોકોએ શંકાસ્પદ સિરપ પીધા બાદ હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. જેમાં છેલ્લા 3-4 દિવસમાં 5 વ્યક્તિનાં મોત થયા હતા.
કથિતરૂપે શંકાસ્પદ સિરપ પીધા બાદ મોત થયાના સમાચારે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. જેમાં આ બનાવને લઠ્ઠાકાંડ સાથે પણ સાંકળી દેવાઈ છે. જોકે, પોલીસે લઠ્ઠાકાંડની થિયરીને ફગાવી દીધી છે અને તેમનું કહેવું છે કે શંકાસ્પદ આયુર્વેદિક સિરપ હોઈ શકે છે. જેથી તેમણે તપાસ હાથ ધરી છે.
મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદની નજીક આવેલા બિલોદરા ગામમાં આ બનાવ બન્યો હતો. માંડવીના આયોજનમાં બગડું ગામ સહિતના ગામના લોકો આવ્યા હતા. ત્યાં તેમણે એ સિરપ પીધા બાદ તેમની તબિયત લથડી હતી જેથી અલગ અલગ હૉસ્પિટલમાં તેમને લઈ જવાયા હતા.
તેમાંથી 5 વ્યક્તિનાં મોત થતા આ બનાવે રાજ્યમાં મોટી ચર્ચા જગાવી દીધી હતી.
કેવી રીતે બની ઘટના?

ઇમેજ સ્રોત, LAXMI PATEL
ગામમાં માંડવીના કાર્યક્રમ સમયે લોકોએ સિરપ પીધા તબિયત લથડી અને પછી કેટલાંક લોકોનાં મોત થતાં પોલીસે પરિવારજનોની મુલાકાત લીધી હતી.
તેમની સાથેની વાતચીતમાં બનાવ પ્રકાશમાં આવ્યો કે તે તમામે એક શંકાસ્પદ સિરપ પીધું.
આ વાત સામે આવતા જ રાજ્ય સરકારના ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા. પરંતુ આયુર્વેદિક સિરપ પીધા પછી થયેલા મોત શંકાસ્પદ મોતને કારણે સરકાર સામે પણ સવાલ ઊભા થયા છે અને ટીકા થઈ રહી છે.
વિપક્ષે સરકાર પર આ મામલે પ્રહાર કર્યાં છે અને બીજી બાજુ પોલીસે આ વિવાદમાં સઘન તપાસ શરૂ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ અંગે ખેડા જિલ્લાના પોલીસ વડા રાજેશ ગઢીયાએ મીડીયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, "29 નવેમ્બરના દિવસે બપોર બાદ પોલીસને માહિતી મળી હતી કે, ખેડા જિલ્લાનાં બિલોદરા અને બગડું ગામમાં અમુક લોકોના શંકાસ્પદ મોત થયેલાં છે. તાત્કાલિક પોલીસ ટીમ ઍક્શનમાં આવી હતી અને વિગત જાણવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી.”
આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, “વડદલા ગામમાં મિતેષ ચૌહાણ 27 તારીખે તેમના બનેવીના ઘરે પ્રસંગમાં બગડું ગામ ગયા હતા. રાત્રે જમીને ઊંઘી ગયા હતા. સવારમાં મિતેષ ચૌહાણને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. તાત્કાલિક એમને મહેમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
“એમને સારવાર મળી ન હતી અને જ્યારે અંતિમવિધિના સમયે બનેવી અલ્પેશભાઈ સોઢાને પણ છાતીમાં દુખાવાની તકલીફ થઈ હતી. તે દરમિયાન તેમને પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ મૃત્યુ થયું હતું. અલ્પેશભાઈ કૅન્સરના દર્દી હતા. આ બે મોત થયા ત્યાં સુધી તેમના પરિવાર કે હૉસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ન હતી અને તેમની અંતિમવિધિ કરી દેવામાં આવી હતી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "બિલોદરા ગામની ત્રણ વ્યક્તિ છે. અશોકભાઈ, અર્જુનભાઈ અને નટુભાઈ. અશોકભાઈની તબિયત બગડતાં ગામમાં જ એમનું મોત થયું હતુ. તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. અર્જુનભાઈને તેમના પરિવારના લોકો મહાગુજરાત હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓને સંજય હૉસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હૉસ્પિટલમાં તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું.”
મોતનો સિલસિલો

ઇમેજ સ્રોત, LAXMI PATEL
રાજેશ ગઢીયાએ વધુમાં જણાવ્યું, “ઉપરોક્ત આ ચારેય મોત વિશે પોલીસને હૉસ્પિટલ કે પરિવાર દ્વારા જાણ કરવામાં આવી ન હતી. તેમની અંતિમવિધિઓ કરી દેવામાં આવી હતી. પોલીસને આ અંગે માહિતી મળતા ખબર પડી કે કંઈક શંકાસ્પદ છે. જ્યારે મહાગુજરાત હૉસ્પિટલમાં પાંચમા દર્દી નટુભાઈને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ત્યાં જઈ ડૉક્ટર સાથે ચર્ચા કરી તેમના શું લક્ષણો છે તેમજ શું કારણો છે તે અંગે ચર્ચા કરી માહિતી મેળવી હતી.”
“દર્દી નટુભાઈના પરિવારના લોકો નટુભાઈને ડિસ્ચાર્જ કરીને ઘરે લઈ ગયા હતા પરંતુ મોડી રાત્રે નટુભાઈનું મૃત્યુ થયું હતું. નટુભાઈના પરિવારને પીએમ (પોસ્ટ મોર્ટમ) કરવા માટે સમજાવી તેમના મૃતદેહને સિવિલ હૉસ્પિટલ ખાતે લાવી પેનલ દ્વારા પીએમ કાર્યવાહી કરવામાં આવી હતી. પછી ઍક્સિડેન્ટલ ડેથ (અચાનક મોત)નો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ત્યાર બાદ તેમના લોહીના નમૂના લઈને એફએસએલમાં મોકલી આપવામાં આવેલા. વળી જે કુલ 5 મોત થયાં તેમાંથી 27 નવેમ્બરના રોજ ત્રણ અને 28 તારીખના રોજ બે મોત થયાં હતાં."
આ સમગ્ર ઘટનામાં આ તમામ મોત સિરપ પીવાથી થયાં હોવાની જાણ કેવી રીતે થઈ? તેના જવાબમાં પોલીસ અધિકારી રાજેશ ગઢીયા જણાવે છે, "બગડું ગામ અને વડદલા ગામનાં જે મોત છે, એ બાબતમાં વિગતવાર પૂછપરછ કરતા સિરપ વિશેની વાત સામે આવી. આર્યુવેદિક મેઘાસવ સિરપ વેચનારાં બિલોદરાના નારણભાઈ ઉર્ફે કિશોરભાઈ સોઢાએ કહ્યું કે, બગડુંમાં અત્યાર સુધી કોઈને સિરપ આપેલી નથી. માત્ર ગામ લોકોને જ સિરપ આપેલી છે.”
“આસવ આયુર્વેદિક સિરપ છે. બૉટલ ઉપર શું કન્ટેન્ટ છે, તેમજ કેટલા ટકા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ છે તે અંગેની માહિતી આપવામાં આવેલી છે. આ સિરપ શરદીમાં વાપરતા હોય છે. આ અંગે નિષ્ણાતોના અભિપ્રાયની જરૂરિયાત હોવાને કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમૅન્ટના અધિકારીઓ તેમજ એફએસએલના અધિકારીઓ અમારી મદદમાં છે. આયુર્વેદિક સિરપને પ્રૉડક્શન માટે લાઇસન્સ લેવાની જરૂરિયાત હોય છે, પરંતુ તેના વેચાણ માટે કોઈ પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત નથી તેમજ કોઈપણ વ્યક્તિ વેચી શકે છે."
સિરપ કોણ વેચતું હતું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સિરપ વિશે વાત બહાર આવતા પોલીસે આ દિશામાં વધુ પૂછપરછ ચાલુ કરી હતી.
સિરપ વિશેની તપાસ મામલે અધિકારી રાજેશ ગઢીયા જણાવે છે, "ગામમાં શંકાસ્પદ મોત અંગે ચર્ચા થતા કિશોર નામની એક વ્યક્તિ ભાગી ગઈ હતી. કિશોરની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. કિશોરે પૂછપરછમાં તે નડિયાદના એક શખ્સ પાસેથી સિરપ લેતો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે નડિયાદના શખ્સની પૂછપરછ કરવામાં આવી છે.
“તેની પૂછપરછના આધારે અમદાવાદના એક વ્યક્તિની અટકાયત કરી તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કિશોરના કહેવા પ્રમાણે બિલોદરામાં તેની કરિયાણાની દુકાન છે. તે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની આયુર્વેદિક સિરપ વેચતો હતો. તે આ સિરપ 100 રૂપિયામાં ખરીદી ગામમાં 130 રૂપિયામાં વેચતો હતો.”
“પૂછપરછમાં ખબર પડી કે સિરપ વેચનાર કિશોર સોઢાના પિતા શંકરભાઈ સોઢાએ દુકાનમાંથી સિરપ પીધી હતી. તેમની તબિયત ખરાબ થતાં તેમને સારવાર ચાલી રહી હોવાનું ધ્યાને આવતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શંકરભાઈ સોઢાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે, એમને એમના દીકરાની દુકાનમાંથી આ સિરપ પીધા બાદ તેમને બેચેની લાગતી હતી જેથી તેઓ દાખલ થયા હતા.”
“બિલોદરા ગામના બળદેવભાઈએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે, 26 તારીખે તેમને કિશોરભાઈની દુકાનમાંથી આ સિરપ પીધી હતી. ત્યારબાદ તેમને બેચેની, છાતીમાં દુખાવો અને ઊલટીની સમસ્યા થઈ હતી. જેથી તેઓ ખાનગી હૉસ્પિટલમાં ગયા હતા. જ્યાં તેમણે પ્રાથમિક સારવાર લીધી હતી. હાલ તેમની તબિયત સારી છે."
લોહીના નમૂનાની તપાસમાં મિથાઇલ આલ્કોહોલ મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
મેડિકલ તપાસ અને એફએસએલની ભૂમિકા પણ આ બનાવમાં મહત્ત્વની રહી છે.
તેને જણાવતા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા કહે છે, “નટુભાઈ અને શંકર સોઢાનું લોહીનું સૅમ્પલ એફએસએલ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યું હતું. જેના રિપોર્ટ અનુસાર મિથાઈલ આલ્કોહોલની હાજરી મળી આવેલી છે. ઈથેનોલ આલ્કોહોલની હાજરી મળી આવેલી નથી. આ રિપોર્ટ અમારા માટે ખૂબ જ અગત્યનો છે.”
“કેમકે તે ઈથેનોલ નથી. ઈથેનોલ એટલે કે શરાબ. પરંતુ મિથાઈલ આલ્કોહોલ (મિથેનોલ) આયુર્વેદિક સિરપમાં કેવી રીતે ઉમેરાયો? શું કંઈ ભેળસેળ થઈ છે? કોના દ્વારા અને ક્યારે આ મિથેનોલ ઉમેરાયો? તે અંગે તપાસ ચાલી રહી છે. અમે ફૂડ એન્ડ ડ્રગ્સના કર્મચારીઓ તેમજ એફએસએલના કર્મચારીઓ સાથે સતત સંપર્કમાં છીએ."
"હાલ અમે ત્રણ લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ તેમજ પરિવાર સાથે વાત કરી રહ્યા છીએ. જેમાં એક પરિવારના સભ્યોએ કહ્યું કે, તેઓ છેલ્લા છ મહિનાથી આ સિરપનું સેવન કરી રહ્યા હતા. તેમજ એક પરિવારના સભ્યોનું કહેવું છે કે, તેમને દારૂ પીવાની આદત ન હતી. આ અંગે અમે ગામના આગેવાનો તેમજ સરપંચને સાથે રાખીને માહિતી મેળવી રહ્યા છીએ.
“55 જેટલા લોકોએ આ સિરપ પીધી છે. જેમાંથી 7 જેટલા લોકોને અસર થઈ છે. અમે આ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ. કિશોર સામે અત્યાર સુધીમાં પ્રોહિબિશનને લગતી કોઈપણ ફરિયાદ દાખલ નથી કરાઈ. તેની સામે ભૂતકાળમાં શરાબના સેવન કે એ પ્રકારનો કોઈ ગુનો પણ દાખલ નથી. સિરપની માત્રાની વાત કરીએ તો, એક બૉટલમાં 375 એમએલ સિરપ આવે છે. બૉટલ પર ડૉઝ પણ લખવામાં આવ્યા હોય છે. ગામ લોકોને પૂછતા ખબર પડી કે, તેઓ એવું માને છે કે આયુર્વેદિક સિરપની કોઈ આડઅસર હોતી નથી જેથી તેઓ તેનું સેવન કરે છે. જેથી તેમણે વધુ સેવન કરેલું હોવાની શક્યતા છે."
ક્યાં બનતી હતી સિરપ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આયુર્વેદિક સિરપનું વેચાણ કિશોર સોઢા કરતો હતો. એને તેણે પોતે 50થી 55 લોકોને આ દવા આપી હતી. આ દવા આયુર્વેદિક કફ સિરપ અને ટૉનિક જેવું છે. આ સિરપ પીવાથી ત્રણ લોકોનાં મોત થયાં છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે અન્ય બે લોકોનાં મોત થયાં છે તેમને સિરપ નહોતું આપવામાં આવ્યું. આથી એ તપાસનો વિષય છે. આ કિશોર સિરપ ક્યાંથી લઈ આવ્યો તે અંગેની પૂછપરછ કરવામાં આવી છે. એના આધારે અન્ય બે લોકોને પણ લઈ આવ્યા છીએ જેની પૂછપરછ ચાલી રહી છે.”
“પ્રથમ દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે, આ એક આયુર્વેદિક સિરપ છે અને એમાં મૅન્યુફેક્ચરિંગમાં કંઈ ડિફેકટ થયું હોય એના કારણે મિથેનોલનું અંશ એમાં આવી ગયું હોઈ શકે છે. એના કારણે જે લોકોએ પીધું છે એમનું અવસાન થયું છે. કિશોરના કહેવા મુજબ 50થી 55 લોકોને આ સિરપ આપવામાં આવી હતી. આ તમામ લોકોની ખેડા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. તમામની તબિયત સારી છે. કોઈને કોઈ સમસ્યા નથી. એક જ વ્યક્તિને તકલીફ હતી. જે દવાખાને ગયા હતા અને પાછા આવી ગયા છે."
રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ ઘટના સંદર્ભે જણાવ્યું, "રાજ્યમાં કોઈપણ પ્રકારના કૅફી પદાર્થોના વેચાણ માટે પરવાનગી અપાઈ નથી. આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે પરવાના લેવા ફરજિયાત છે. નડિયાદમાં થયેલ ઘટનામાં આયુર્વેદ પદાર્થમાં કોઈ અન્ય કૅમિકલની મિલાવટ હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. જે રાજ્ય બહારથી આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે. આ ઘટનાક્રમની જાણ થતાં પોલીસ વિભાગે તપાસ હાથ ઘરી છે. વધુમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં આયુર્વેદ દવા સાથે અન્ય ઝેરી હાનિકારક કૅમિકલની ભેળસેળ થઈ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યું છે જેની વધુ તપાસ માટે FSLમાં નમૂના મોકલી આપવામાં આવ્યા."
‘ગંભીર અને ચિંતાજનક બનાવ’

ઇમેજ સ્રોત, ARTISTGNDPHOTOGRAPHY
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "ગુજરાતના ખેડા જિલ્લામાં કફ સિરપ સાથેના નશાકારક પદાર્થથી 5 યુવાન લોકોનાં મોત થયાં છે. જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક વાત છે. અગાઉ લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં જે તે સમયે 70થી વધુ લોકોનાં મોત થયાં હતાં. જેમાંથી સરકારે શીખ ન લીધી. સરકારે અસમાજિક તત્વોને બેરોકટોક છૂટ આપી છે, જેથી બેરોકટોક નશાનો કારોબાર ચાલી રહ્યો છે.”
“દારૂ ,ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થ બેરોકટોક અસામાજિક તત્ત્વો દ્વારા ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યા છે. પરંતુ સરકારે ચલાવેલા હપ્તા રાજ અને અસમાજિક તત્વોને આપવામાં આવેલી છૂટના લીધે નશીલા પદાર્થોનું સેવન થાય છે. એના લીધે જ યુવાનો તેમજ ઘરના મોભીઓ મોતને ભેટી રહ્યા છે. અમે માંગ કરીએ છીએ કે સરકાર તેમજ ગૃહ વિભાગ આવા અસામાજીક તત્ત્વો ઉપર કડકમાં કડક પગલાં લે. જેથી ગુજરાતમાં નશાના વેપલા પર રોક લાગશે અને યુવાધનને આપણે બચાવી શકીશું."
રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમૅન્ટના નિયામક હેમંત કોશિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આ કોઈ કફ સિરપ નથી પરંતુ આસવ અરિષ્ઠ છે. આ બનાવવા માટે લાઇસન્સની જરૂરિયાત હોય છે પરંતુ વેચવા માટે કોઈ લાયસન્સની જરૂરિયાત હોતી નથી. આસવ અરિષ્ઠ બનાવવા માટે ગુજરાતમાં પહેલા ચારથી પાંચ લોકો પાસે લાઇસન્સ હતું પરંતુ તેનો દુરુપયોગ થતો હોવાનું ધ્યાને આવતા તમામના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.
“હાલ આ પ્રકારની સિરપ બનાવવા માટે ગુજરાતમાં કોઈ પાસે લાયસન્સ નથી. આ સિરપ ઉપર સરખેજનું ઍડ્રેસ આપવામાં આવ્યું હતું. અમારી ટીમ દ્વારા આ અંગે તપાસ કરતા સ્થળ પર આ પ્રકારની કોઈ ઑફિસ કે ગોડાઉન મળી આવેલું નથી."
તેઓ વધુમાં જણાવે છે કે, " આસવ અરિષ્ઠ જો ઑરીજનલ બનાવવામાં આવે તો, તેમાં 12% સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ હોય છે જેનાથી કોઈનું મૃત્યુ થાય નહીં. પરંતુ આ અન્ય પદાર્થ મેળવી બનાવવામાં આવેલું છે. આ ગુનાહિત કૃત્ય છે. રાજયભરની અમારી ટીમ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે."














