ક્રાઇમ સિરીઝ જોઈને એક યુવતીએ કેવી રીતે ટીચરની હત્યા કરી નાખી?

ઇમેજ સ્રોત, BUSAN POLICE
- લેેખક, ફ્રાન્સિસ માઓ
- પદ, બીબીસી ન્યૂઝ
દક્ષિણ કોરિયાની એક અદાલતે ક્રાઇમ સિરિયલો જોવાની આદત ધરાવતી યુવતીને આજીવન કેદની સજા ફટકારી છે. આ યુવતીએ પોલીસને કહ્યું કે, ‘તેને સિરિયલો જોઈને ઉત્કંઠા થઈ એટલે તેણે એક અજાણી વ્યક્તિની હત્યા કરી.’
23 વર્ષીય જંગ યૂ-જંગ ક્રાઇમ સિરિયલો અને નવલકથાઓથી પ્રેરાઈને હત્યા માટે ખૂબ જ ઉત્કંઠા અનુભવી રહી હતી. તેણે મનોરોગ માટેની જે ટેસ્ટ આવે છે તેમાં પણ સારો સ્કૉર કર્યો હતો.
હત્યાનો આઇડિયા આવતા તેણે એક ઍપ્લિકેશન પર અંગ્રેજીના ટીચરને મળવાનો પ્લાન બનાવ્યો પછી મે મહિનામાં તેમના ઘરમાં ચાકુથી તેમની હત્યા કરી દીધી.
આ પ્રકારની હત્યાએ દક્ષિણ કોરિયાને સ્તબ્ધ કરી દીધું છે.
જઘન્ય અપરાધો માટે આપવામાં આવતા મૃત્યુદંડની સજા આ યુવતીને થાય એવી ફરિયાદીની માગણી છે.
તેમણે કોર્ટને કહ્યું કે જૂંગ એક એકલતામાં જીવતી યુવતી છે જે તેના દાદા સાથે રહે છે. તેણે મહિનાઓ સુધી શિકારની શોધ કરી. આ માટે તેણે ઑનલાઇન ઍપ્લિકેશનની મદદ લીધી.
તેણે 50થી વધુ લોકોનો સંપર્ક કર્યો અને ખાસ તે મહિલાની શોધમાં હતી. તે તેમને પૂછતી કે તેમના ઘરે તેઓ ટ્યુશન લઈ શકે છે?

કઈ રીતે હત્યા કરી?
મે મહિનામાં તેણે અંગ્રેજીના ટ્યુશન માટે દક્ષિણ-પૂર્વીય શહેર બુસાનમાં રહેતી 26 વર્ષીય પીડિતાનો સંપર્ક કર્યો હતો. તેમની ઓળખ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફરિયાદીનું કહેવું છે કે, જંગ ત્યાર પછી શિક્ષિકાના ઘરે શાળાના યુનિફૉર્મમાં દેખાઈ હતી, જે તેણે ઑનલાઇન ખરીદ્યો હતો.
શિક્ષકે તેને અંદર પ્રવેશ આપ્યો પછી તેણે મહિલા પર હુમલો કર્યો. તેણે શિક્ષિકા પર 100થી વધુ વખત છરીના ઘા કર્યાં. પીડિતાના મૃત્યુ પછી પણ જંગે હુમલો ચાલુ જ રાખ્યો.
ત્યારબાદ તેણે મહિલાના શરીરના ટુકડા કરી નાખ્યા અને બુસાનની ઉત્તરે આવેલી નદીની નજીકના દૂરના પાર્કલૅન્ડમાં કેટલાક અવશેષો ફેંકવા માટે ટૅક્સી લીધી.
ટૅક્સી ડ્રાઇવરે પોલીસને એક ગ્રાહક વિશે જાણ કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી જેણે લોહીથી લથપથ સૂટકેસ જંગલમાં ફેંકી દીધી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, જંગની ઑનલાઇન બ્રાઉઝિંગ હિસ્ટ્રી દર્શાવે છે કે તેણે કેવી રીતે હત્યા કરવી અને શરીરથી કેવી રીતે છુટકારો મેળવવો તે અંગે મહિનાઓ સુધી રિસર્ચ કર્યું હતું.
પરંતુ એણે ભૂલ કરી અને સીસીટીવી કૅમેરાથી બચવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો, જેમાં તે ઘણી વખત શિક્ષિકાનાં ઘરમાં પ્રવેશતા અને બહાર જતા કૅપ્ચર થઈ હતી.
શુક્રવારે બુસાન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સજા સંભળાવતા ન્યાયાધીશે જણાવ્યું હતું કે, હત્યાએ "સમાજમાં ભય ફેલાવ્યો હતો કે કોઈ કારણ વિના તેઓ શિકાર બની શકે છે" અને સમુદાયમાં "સામાન્ય અવિશ્વાસને ઉશ્કેર્યો હતો.”
જૂનમાં ગુનાની કબૂલાત કરનાર જંગે વધુ નમ્ર સજાની વિનંતી કરતાં કહ્યું હતું કે, તે સમયે તે હલૂસિનેશનમાં હતી અને અન્ય માનસિક વિકૃતિથી પીડાતી હતી.
પરંતુ કોર્ટે યુવતીની દલીલને ફગાવી દીધી હતી, કારણ કે ગુનો "ચોક્કસાઈપૂર્વક આયોજનથી હાથ ધરવામાં આવ્યો હતો અને તેની માનસિક અને શારીરિક અસ્વસ્થતાના દાવાને સ્વીકારવો મુશ્કેલ છે."
તેઓએ નોંધ્યું હતું કે, પોલીસ સમક્ષ તેનાં નિવેદનો વારંવાર બદલાતાં હતાં. શરૂઆતમાં જંગે જણાવ્યું હતું કે, અન્ય કોઈએ મહિલાની હત્યા કર્યા પછી તેણે માત્ર મૃતદેહ ખસેડ્યો હતો. જોકે, પછીથી દાવો કર્યો હતો કે હત્યા દલીલના પરિણામે થઈ હતી.
અંતે તેણે કબૂલાત કરી કે હત્યા કરવામાં તેની રુચિ ક્રાઇમ શો અને ટીવી સિરિયલો દ્વારા પ્રેરિત હતી.
દક્ષિણ કોરિયામાં મૃત્યુદંડની સજાની જોગવાઈ યથાવત્ રખાઈ છે પણ 1997થી ફાંસીની સજા કરાઈ નથી.
જેક ક્વોન દ્વારા વધારાનું રિપોર્ટિંગ.














