પાકિસ્તાનનો વીડિયો વૉટ્સઍપ પર અફવા બની ભારતના લોકોનો ભોગ લઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, FACEBOOK
ભારતમાં હાલ વૉટ્સઍપ પરથી ફેલાઈ રહેલા ફેક મૅસેજ અને ફેક વીડિયોને કારણે ઘણાં રાજ્યોમાં અરાજકતા ફેલાવાના કિસ્સા સામે આવ્યા છે.
અફવાઓ એટલા મોટા પ્રમાણમાં ફેલાય છે કે તેનાથી લોકોનાં ટોળાં એકઠાં થઈ જાય છે અને હત્યા જેવા ગુનાઓ બનવા લાગ્યા છે.
તાજેતરમાં જ આસમના કાર્બી-આંગ્લોંગ જિલ્લામાં બે યુવકો, એન્જિનિયર નિલોપલ દાસ અને ડિજિટલ આર્ટિસ્ટ અભિજીત નાથની ટોળાએ કથિત રીતે માર મારીને હત્યા કરી નાખી છે.
આ મામલામાં પોલીસે હાલ 16 લોકોની ધરપકડ કરી છે. આ બંને લોકો પણ વૉટ્સઍપ પરના એક વીડિયોની અફવાના ભોગ બન્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
બાળકોને ચોરી જવાના એક ફેક મૅસેજને કારણે બંને પર હુમલો થયો હતો.
લોકોએ તેમને બાળકો ઉઠાવી જનારા સમજી તેમની હત્યા કરી નાખી હતી.
ભારતનાં અનેક રાજ્યોમાં આ વૉટ્સઍપ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે અને અફવાઓ જોર પકડી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધી આ રીતે વૉટ્સઍપ પર ફેલાયેલી અફવાઓના કારણે સાત લોકોનાં મૃત્યું થઈ ચૂક્યાં છે.

લોકોના ભોગ લેનારા આ વીડિયોમાં શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
લોકોનું કહેવું છે કે વૉટ્સઍપ પર એક વીડિયો મોટાપાયે શેર થઈ રહ્યો છે, જેમાં કથિત રીતે બાળકોનું અપહરણ થતું દેખાડવામાં આવે છે.
બેંગ્લુરૂમાં જે જગ્યાએ ગયા મહિને બે લોકોને મારી નાખવામાં આવ્યા હતા તે વિસ્તારની બીબીસીએ મુલાકાત લીધી હતી.
બીબીસીના સંવાદદાતા ડેન જોનને સ્થાનિક લોકોએ મોબાઇલમાં આ વીડિયો બતાવ્યો હતો.
આ વીડિયોમાં બે શખ્સ મોટરસાઇકલ પર આવે છે, તેઓ બાળકોના ગ્રૂપ પાસે આવીને એક બાળકને લઈને જતા રહે છે.
પરંતુ વાત એવી છે કે આ વીડિયો ફેક છે અને ભારતનો પણ નથી. આ વીડિયોને એડિટ કરીને વૉટ્સએપ પર શેર કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયો પાકિસ્તાનનો છે. પાકિસ્તાનમાં બાળકોની સુરક્ષા માટે એક ફિલ્મ બનાવવામાં આવી હતી.
જેના કેટલાક અંશોને એડિટ કરીને વૉટ્સએપ પર ફેલાવવામાં આવી રહ્યા છે.
આ ફિલ્મ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે બનાવવામાં આવી હતી. ફિલ્મના અંતમાં એક વ્યક્તિ જાગૃતિ ફેલાવતા મૅસેજ સાથે સાઇન બૉર્ડ લઈને ઊભો રહે છે.
જોકે, વાઇરલ થયેલા આ વીડિયોમાં સંદેશ આપતો છેલ્લો સીન ડિલીટ કરી દેવામાં આવ્યો છે.

શા માટે આવી અફવાઓ રોકાતી નથી?

ઇમેજ સ્રોત, Getty Images
આવા પ્રકારના ફેક ન્યૂઝની ઘટનાઓ ઘણા સમયથી ભારતમાં બની રહી છે.
આ મામલે બીબીસી સાથે વાત કરતાં આસામના એડિશનલ જનરલ ઑફ પોલીસ મુકેશ અગ્રવાલ કહે છે, "અફવાઓ શરૂ થયા બાદ તેને રોકવામાં પોલીસને પણ થોડા દિવસો લાગી જાય છે."
"પોલીસ પોતાનાં વિવિધ સૂત્રો દ્વારા આવી ઘટનાઓ રોકવાનો પ્રયત્ન કરતી હોય છે."
આ મામલે બીબીસીના આયેશા પરેરા સાથે વાત કરતાં અલ્ટ ન્યૂઝના પ્રતીક સિંહાએ જણાવ્યું, "સ્માર્ટફોનની વધી રહેલી સંખ્યા અને સસ્તા થતા ડૅટા પૅકને કારણે અફવાઓ જલદી ફેલાય છે.
"જેના કારણે લોકો પાસે માહિતીનો ઢગલો થાય છે. મોટાભાગના લોકો એ નક્કી કરી શકતા નથી કે શું ખોટું છે? અને શું સાચું છે?
"તેમની પાસે જે માહિતી આવે તે સીધી જ શેર કે ફૉરવર્ડ કરી દે છે. વૉટ્સઍપ ભારતમાં ફેક ન્યૂઝ ફેલાવવા માટેનું મુખ્ય માધ્યમ બની ગયું છે."
મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીએ કરેલા એક સંશોધનમાં પણ એ વાત સામે આવી હતી કે ફેક ન્યૂઝ એટલા ઝડપથી ફેલાય છે કે તેની સામે મુખ્ય પ્રસાર માધ્યમો ટકી શકતાં નથી.
આ સંશોધન સાથે જોડાયેલા સોરોશ વોશોગીના કહેવા મુજબ, સોશિયલ મીડિયા પર આવતી ખોટી સામગ્રી માનવ સ્વભાવની નબળાઈના કારણે પણ ફેલાઈ રહી છે, જેના કારણે પણ સોશિયલ મીડિયા પરથી ફેક ન્યૂઝ વધારે ફેલાય છે.

કઈ રીતે ફેક ન્યૂઝને અટકાવશો?

ઇમેજ સ્રોત, Getty Images
- વૉટ્સઍપ પર કોઈ દાવા કરતા મૅસેજ આવે તો ગૂગલ પર સર્ચ કરીને તેની ખરાઈ કરી શકાય છે.
- કોઈ વીડિયો વૉટ્સઍપ પર આવે તો તેને યૂટ્યૂબ કે ગૂગલ પર જઈને ચેક કરી શકાય છે. ઘણી વખત વીડિયો એડિટ થયેલો હોય છે.
- સોશિયલ મીડિયામાં આવતા સમાચારોને મુખ્ય માધ્યમોના સમાચારો સાથે સરખાવી સમાચાર સાચા છે કે નહીં તે નક્કી કરી શકાય.
- કોઈ તસવીર આવે તો ગૂગલમાં જઈ તસવીર સર્ચ કરીને તે સાચી છે કે ખોટી તે નક્કી કરી શકાય.
- જ્યારે પણ સોશિયલ મીડિયા પર કોઈ શંકાસ્પદ કે અરાજકતા ફેલાવતો મૅસેજ જણાય તો તેની જાણ સાઇબર સેલને કરી શકાય છે.

વૉટ્સઍપની અફવાઓને કારણે થયેલાં મૃત્યુ

ઇમેજ સ્રોત, AFP
એપ્રિલ:
- તમિલનાડુના એક શહેરમાં શેરીઓમાં રખડતા એક શખ્સને જોતાં ટોળાએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મે:
- તમિલનાડુના એક ગામમાં 55 વર્ષની મહિલાને બાળકોને સ્વીટ્સ આપી રહી હતી, ત્યારે ટોળાએ શંકા કરીને તેની હત્યા કરી નાખી હતી.
- તેલંગણા પાસે એક વ્યક્તિને ટોળાએ એટલા માટે મારી નાખ્યો કે તે રાત્રે આંબાવાડીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
- તેલંગણામાં જ એક વ્યક્તિ જ્યારે તેના સંબંધીને મળવા જઈ રહ્યો હતો, ત્યારે ટોળાએ તેને મારી નાખ્યો.
- બેંગ્લુરૂમાં એક વ્યક્તિને દોરડા વડે બાંધીને ટોળાએ ક્રિકેટ બૅટ વડે માર મારીને મારી નાખ્યો હતો.
- હૈદરાબાદમાં એક ટ્રાન્સજૅન્ડર વ્યક્તિને ટોળાએ અફવાના આધારે માર માર્યો હતો.
જૂન:
- તાજેતરમાં જ વૉટ્સઍપમાં ફેલાયેલા ફેક મૅસેજના આધારે આસામમાં બે લોકોને મારી નાખવામાં આવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















