હવે ગપસપ રોકવા આ દેશ વૉટ્સઍપ-ફેસબુક યુઝર્સ પાસેથી ટૅક્સ વસૂલશે

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો માટે હવે આવા કપરા દિવસો પણ આવી શકે છે.
યુગાન્ડાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ વૉટ્સએપ, ફેસબુક, વાયબર અને ટ્વિટરનો ઉપયોગ કરતા યુઝર્સ પાસેથી ટૅક્સ વસૂલવાનું નક્કી કર્યું છે.
આ માટે ત્યાંની સરકારે સંસદમાં એક કાયદો પણ પસાર કર્યો છે.
આ કાયદામાં યુઝર્સ પાસેથી દરરોજના 200 શિલિંગ(આશરે 3.35 રૂપિયા) વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.
યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ જ આ ટૅક્સ લાદવા પર ભાર મૂક્યો હતો. તેમની દલીલ હતી કે સોશિયલ મીડિયા ચર્ચાને પ્રોત્સાહન આપે છે, જેથી તેના પર ટૅક્સ હોવો જોઈએ.
આ કાયદાને પહેલી જુલાઈથી લાગુ કરવામાં આવશે, પરંતુ કાયદાનો અમલ કઈ રીતે કરવામાં આવશે તે મામલે હજી આશંકા છે.
નવી એક્સાઇઝ ડ્યૂટી (સુધારા) બિલમાં મોબાઇલ ટ્રાન્ઝેક્શનની કુલ રકમ પર 1 ટકા ટૅક્સ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ટૅક્સનો વિરોધ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, AFP
નવા કાયદા સામે હવે વિરોધના સૂર શરૂ થયા છે. અહીંની સિવિસ સોસાટીના લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો છે.
વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે યુગાન્ડાની ગરીબ પ્રજા ભાગ્યે જ મોબાઇલ બૅન્કિગનો ઉપયોગ કરે છે.
રાજ્યકક્ષાના નાણામંત્રી ડેવિડ બહાતીએ સંસંદને જણાવ્યું કે દેશના વધી રહેલા દેવાને ચૂકવવા માટે ટૅક્સમાં વધારો કરવાની જરૂર હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
બીબીસીના કેથરીન બ્યારુહાન્ગાના અહેવાલ અનુસાર નિષ્ણાતો અને મુખ્ય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરે આ કાયદાના અમલ પર શંકા વ્યક્ત કરી છે.
સરકાર મોબાઈલ ફોનના સિમ કાર્ડની યોગ્ય રીતે નોંધણી મામલે પણ સંઘર્ષ કરી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર દરરોજ ટૅક્સનું પાલન કઈ રીતે કરશે.

યુગાન્ડામાં 23.6 મિલિયન ઇન્ટરનેટ યુઝર્સ

રોઇટર્સના અહેવાલ અનુસાર યુગાન્ડામાં 23.6 મિલિયન મોબાઇલ ફોન વપરાશકર્તામાંથી માત્ર 17 મિલિયન જ ઇન્ટરનેટ વાપરે છે.
આથી એ બાબત સ્પષ્ટ નથી થઈ શકી કે યુગાન્ડામાં સોશિયલ મીડિયા વાપરતા યુઝર્સને સરકાર કઈ રીતે ઓળખી શકશે.
રાષ્ટ્રપતિ મુસેવેનીએ માર્ચ મહિનામાં સોશિયલ મીડિયા માટે કાયદો બનાવવાની વાત કરી હતી.
આથી તેમને નાણાંમંત્રી માશિયા કાસાઇજાને ભારપૂર્વક કહ્યું હતું કે દેશમાં સોશિયલ મીડિયા પર ટૅક્સ વસૂલવાથી દેશમાં ગપસપને કારણે આવતા પરિણામો પર અંકુશ મેળવી શકાશે.
જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે ઇન્ટરનેટ ડેટા પર કોઈ ટૅક્સ નહીં વસૂલવામાં આવે કેમ કે શિક્ષણ, સંશોધન અને રૅફરન્સના હેતુ માટે તે જરૂરી છે.
બીજી તરફ વિવેચકોનું કહેવું છે કે આ કાયદો વાણી સ્વાતંત્ર્ય પર કામ મૂકવા સમાન છે.

સોશિયલ મીડિયા એક મહત્ત્વનું રાજકીય સાધન

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે માર્ચ મહિનામાં રોઇટર્સને જણાવ્યું હતું કે, "દેશની સુરક્ષા અને વીજળીની સુવિધામાં સુધારો કરવો કરે છે જેથી લોકો વધુ પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે પણ આ માટે અમારે વધુ નાણાંની જરૂર છે."
અમારા સંવાદદાતા અનુસાર યુગાન્ડામાં શાસક પક્ષ અને વિપક્ષ બન્ને માટે સોશિયલ મીડિયા એક મહત્ત્વનું રાજકીય સાધન બની ગયું છે.
અત્રે નોંધવું રહ્યું કે વર્ષ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર રોક લગાવી દેવાઈ હતી.
એ સમયે રાષ્ટ્રપતિ મુસેવેનીએ કહ્યું હતું કે અફવાઓ અને ખોટા સમાચાર ન ફેલાવવામાં આવે તેથી આવું કરવામાં આવ્યું હતું.
અન્ય પૂર્વ આફ્રિકન દેશો દ્વારા પાસ કરવામાં આવી રહેલા કાયદાને પણ વિવેચકો વખોડી રહ્યા છે કેમ કે તે વાણી સ્વાતંત્ર્યને અસર કરી રહ્યા છે.

કેન્યામાં પણ નવો સાયબર કાનૂન
મે-29ના રોજ તાન્ઝાનિયાની સરકારે આવા જ એક નિયમ મામલે કોર્ટમાં એક કેસ જીત્યો હતો.
કાયદો એવો હતો કે બ્લૉગર્સે બ્લૉગ લખવા માટે લાયસન્સ ફી ચૂકવવાની હતી અને તેમને કોના તરફથી આર્થિક ટેકો મળી રહ્યો છે તે જાણકારી પણ આપવાની હતી.
વળી 30-મેથી કેન્યામાં પણ નવો સાયબર કાનૂન લાગુ કરવામાં આવ્યો છે.
પત્રકારો અને બ્લૉગર્સ કાનૂન હેઠળ લાવવામાં આવેલા કેટલાક કડક નિયમો દૂર કરાવવા કોર્ટમાં સફળ રહ્યા.
તેમાં ખોટી માહિતીનો નિયમ પણ સામેલ હતો. તેમનો દાવો હતો કે આ નિયમથી મીડિયાની આઝાદી છીનવી લેવાનો પ્રયાસ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












