સિંગાપોરનો આટલો ઝડપી વિકાસ કેવી રીતે થયો?

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપોર, એક એવો દેશ છે કે જેનું ક્ષેત્રફળ દિલ્હી અને ઇસ્લામાબાદ કરતાં પણ નાનું છે.
જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે તેમની પાસે ભાગ્યે જ એ કોઈ વસ્તુ હશે, જેનાથી તેઓ દેશને ગરીબીમાંથી બહાર લાવી શકે.
સિંગાપોર પાસે ખેતીલાયક જમીન કે ખનીજ સંસાધનો નહોતા, લોકો ઝૂંપડીઓમાં રહેતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
પણ આજે સિંગાપોર એ દેશ છે જે દેશના લોકોનું સરેરાશ વેતન વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી વધુ છે.
કન્સલ્ટિંગ ફર્મ જૂનિપર રિસર્ચ પ્રમાણે, મોબિલિટી, સ્વાસ્થ્ય, સુરક્ષા અને ઉત્પાદકતામાં સિંગાપોર વિશ્વના તમામ દેશો કરતાં આગળ છે.
એટલું જ નહીં, 'ધી ઇકોનૉમિસ્ટ'ના રૅન્કિંગમાં સિંગાપોર છેલ્લાં પાંચ વર્ષોમાં સૌથી મોંઘું શહેર રહ્યું છે.
પણ સિંગાપોર પહેલાંથી જ આવું નહોતું, એક સમયે ભારત, ઑસ્ટ્રેલિયા અને મ્યાનમારની જેમ સિંગાપોર પણ બ્રિટિશ કોલોની હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જ્યારે સિંગાપોર પર બૉંબમારો થયો

ઇમેજ સ્રોત, Getty Images
આ બીજા વિશ્વયુદ્ધની વાત છે, સિંગાપોર 'જિબ્રાલ્ટર ઑફ ધી ઈસ્ટ' તરીકે ઓળખાતું હતું. કારણકે બ્રિટિશ સેનાઓ મોટી સંખ્યામાં સિંગાપોરમાં તૈનાત કરાઈ હતી.
પણ વર્ષ 1942માં જાપાને બ્રિટનને કારમી રીતે પરાસ્ત કર્યું.
ત્યારે બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે આ હારને "બ્રિટનના ઇતિહાસનું સૌથી મોટું નુક્શાન અને સૌથી મોટું આત્મ-સમર્પણ” ગણાવ્યા હતાં.
પણ 1944-45માં અમેરિકાનાં વિમાનોએ જાપાન શાસિત સિંગાપોર પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં સિંગાપોર પર ભયાનક બૉંબમારો કરવામાં આવ્યો, જેનાથી ત્યાંના વેપારી બંદરો ધ્વંસ થઈ ગયા.
પણ ત્યારબાદ સિંગાપોરે જાણે કે પોતાનું ભવિષ્ય જાતે લખ્યું.

જ્યારે સિંગાપોરને મળ્યો તેમનો હીરો 'હૈરી લી'

ઇમેજ સ્રોત, AFP
જાપાનના શાસન સમયે સિંગાપોરના લોકોએ તમામ પ્રકારનો ત્રાસ વેઠ્યો.
16 સપ્ટેમ્બર 1923એ જન્મેલા કુઆન યી એક ચીની પરિવારની ત્રીજી પેઢીના પુત્ર હતા.
સિંગાપોરની અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરનાર લી કુઆન યીનો વ્યવહાર પણ અંગ્રેજો જેવો જ હતો, એટલે જ બાળપણમાં લોકો તેમને હૈરી લી કહીને બોલાવતા હતા.
જાપાનના શાસન દરમિયાન લી કુઆનનું ભણવાનું બગડ્યું હતું, પણ યુદ્ધ પૂર્ણ થવાની સાથે જ કુઆને લંડન સ્કૂલ ઑફ ઇકૉનોમિક્સ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો.
વિદ્યાર્થીકાળથી જ સમર્પિત સમાજવાદી રહેલા લી કુઆન સિંગાપુર પાછા આવીને એક ટ્રેડ યુનિયનના વકીલ બન્યા હતા.

સિંગાપોરને આઝાદી અપાવી

ઇમેજ સ્રોત, Getty Images
1954માં લી કુઆને પીપલ્સ એક્શન પાર્ટી (પીએપી)ની સ્થાપના કરી. ત્યારબાદ લી 40 વર્ષ સુધી આ પાર્ટીના મહાસચિવ રહ્યા.
1959ની ચૂંટણીમાં પીએપીને બહુમતી મળી. આ રીતે સિંગાપોર સંપૂર્ણ રીતે અંગ્રેજોના રાજમાંથી નિકળીને સ્વશાસિત રાજ્ય બની ગયું.
લી કુઆને 1963માં સિંગાપોરનું મલેશિયા સાથે વિલીનીકરણ કર્યુ, પણ ઘણાં બધા કારણોસર આ ગઠબંધન લાંબા સમય સુધી ટક્યું નહીં.
ત્યારબાદ 1965માં વૈચારિક ગજગ્રાહ અને જાતીય સમૂહો વચ્ચે થયેલા સંઘર્ષ પછી સિંગાપોર સંઘમાંથી નિકળી ગયું અને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. લી કુઆને તેને કપરો સમય ગણાવ્યો હતો.

સિંગાપોરને ફરીથી ઊભું કરવાની પ્રક્રિયા શરૂ

ઇમેજ સ્રોત, AFP
પહેલાં વર્ષો સુધી બ્રિટિશ રાજ, જાપાનનું શાસન અને પછી મલેશિયાના અંકુશમાંથી આઝાદ થઈને સિંગાપોર એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આકાર લઈ રહ્યું હતું.
પણ આ દેશ પાસે એવી કોઈ ચીજ નહોતી જે દેશના વિકાસમાં ઉપયોગી સાબિત થઈ શકે.
મોટાભાગના લોકો ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર હતા.
વર્લ્ડ બૅન્કના રિપોર્ટ પ્રમાણે 1965માં સિંગાપોરની વ્યક્તિદીઠ જીડીપી 516 યુએસ ડૉલર હતી અને દેશની લગભગ અડધી જનસંખ્યા અશિક્ષિત હતી.
પણ આમ છતાં સિંગાપોરની વ્યક્તિદીઠ જીએનપીમાં 1960 થી 1980 સુધીમાં 15 ગણો વધારો થયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપોરના પૂર્વ વડાપ્રધાન લી કુઆન માનતા હતા કે ઇઝરાયલની જેમ સિંગાપોર પણ ઝડપથી વિકાસ કરીને અન્ય દેશોને પાછળ છોડશે અને મલ્ટિનૅશનલ કંપનીઓને આકર્ષિત કરશે.
જોકે એક પાયમાલ અને નાના દેશથી કાચની ઇમારતોનો દેશ બનાવવાની પ્રક્રિયામાં સિંગાપોરના લોકોએ મોટી કિંમત ચૂકવી છે.
સિંગાપોરની સરકારે વસ્તી નિયંત્રણ માટે બે કરતાં વધું બાળકોને જન્મ આપતા લોકો પર કર લગાવવાનું શરૂ કરી દીધું છે.
એટલું જ નહીં, ભ્રષ્ટાચારની સમસ્યાનો સામનો કરવા માટે સિંગાપોરમાં એવા કડક કાયદા બનાવવામાં આવ્યા કે જેનાથી ભ્રષ્ટાચાર ઘટતો જોવા મળ્યો.
સિંગાપોરમાં રસ્તા અને હાઈવે બનાવવા પર ભાર મૂકાયો જેના થકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી શકાય.

સિંગાપોરે આટલી કમાણી કેવી રીતે કરી

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપોરની સ્થિતિ સુધરી એ બદલ તેમની ભૌગોલિક સ્થિતિનું પણ યોગદાન છે. આ દેશ એવી જગ્યાએ આવેલો છે કે વિશ્વનો 40 ટકા સમુદ્રી વેપાર આ જગ્યા સાથે સંકળાયેલો છે. જેના કારણે આ દેશને સારી કમાણી થાય છે.
તેના 190 કિલોમીટર લાંબા તટ પર ઘણાં બંદરો છે. લી કુઆન સરકારે શરૂથી જ સિંગાપોરમાં રહેતી મિશ્ર વસ્તીને શિક્ષિત કરી હતી અને માનવ સંસાધન પાછળ પણ નાણાં ખર્ચ્યા હતા.
હાલમાં સિંગાપોરને દુનિયાનો આર્થિક અડ્ડો ગણવામાં આવે છે કેમકે સિંગાપોરની બૅન્ક વિશ્વ સ્તરે સેવાઓ આપવામાં સક્ષમ છે.
વર્ષ 2017માં ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટર ઇન્ડેક્સમાં લંડન અને ન્યૂયૉર્ક પછી સિંગાપોર ત્રીજા સ્થાને રહ્યું હતું.
સિંગાપોર સરકાર પ્રમાણે વર્ષ 2017માં એક કરોડ 74 લાખ આંતરરાષ્ટ્રીય પર્યટકોએ સિંગાપોરની મુલાકાત લીધી હતી, જે સિંગાપોરની વસ્તી કરતાં ત્રણ ગણી વધારે છે.

સામાન્ય લોકો માટે સિંગાપોર કેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપોરમાં રહેતા ઘણાં પ્રવાસી આ દેશની મોંઘવારીથી પોતાને પ્રભાવિત નથી ગણતા, કારણકે આ દેશમાં લોકોની આવક બીજા દેશના લોકો કરતાં વધારે છે.
સિંગાપોરની સરકાર પ્રમાણે સિંગાપોરમાં 100માંથી 90.7 લોકો પોતાનું ઘર ખરીદી ચૂક્યાં છે.
સિંગાપોરની સફળતાની જ્યારે-જ્યારે વાત કરાય છે ત્યારે-ત્યારે પૂર્વ વડાપ્રધાન લી કુઆનને પણ યાદ કરાય છે.
તેમની એક વાતને યાદ કરાયે છે કે, "આખરે મને શું મળ્યું? એક સફળ સિંગાપોર. સામે મેં શું આપ્યું? મારું જીવન."

ભ્રષ્ટાચારની નાબૂદી

ઇમેજ સ્રોત, Getty Images
લી કુઆને અરબ દેશોથી ઘેરાયેલા ઇઝરાયલને મૉડલ બનાવ્યું. તેમનું કહેવું હતું કે ઇઝરાયલની જેમ, અમે પણ હરણફાળ ભરીશું અને મલ્ટિનૅશનલ કંપનીઓને આકર્ષિત કરીશું.
તેઓ ચીન સાથે સારા સંબંધ રાખવાનું મહત્ત્વ સમજે છે. ચીનના નેતા દેંગ જિયાઓપિંગ સાથેની તેમની મિત્રતાથી તેમના માટે મદદરૂપ સાબિત થઈ છે.
દેંગે 1978માં સિંગાપોરની મુલાકાત લીધી હતી અને લી કુઆનની આર્થિક નીતિઓની પ્રશંસા પણ કરી હતી. દેંગ દ્વારા ચીનમાં કરાયેલા સુધારાથી કુઆન પણ પ્રભાવિત હતા.
સિંગાપોરમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે લી કુઆને નવા ઉપાય કર્યા અને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે ઔદ્યોગીકરણના કાર્યક્રમો પણ હાથ ધર્યા હતા.
તેમણે સિંગાપોરની બહુ-સંસ્કૃતિવાદ આધારિત નવી ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. જેના માટે લી કુઆને વિવિધ જાતી અને સમુદાયોને એક સાથે જોડવાનું કામ કર્યુ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














