US: ઉત્તર કોરિયા સાથે 'ધાર્યાં કરતાં ઝડપથી' મંત્રણા આગળ વધી

- લેેખક, સંવાદદાતા
- પદ, બીબીસી ગુજરાતી
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઐતિહાસિક શિખર મંત્રણા માટેનો એજન્ડા તૈયાર કરવા બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ મુલાકાત કરી રહ્યાં છે, ત્યારે અમેરિકાનું કહેવું છે કે ઉત્તર કોરિયા સાથે 'ધાર્યાં કરતાં ઝડપથી' મંત્રણા આગળ વધી છે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન 'વન-ટુ-વન' મીટિંગ કરશે. એ સમયે માત્ર દુભાષિયાઓ જ હાજર હશે.
મુલાકાત બાદ એ જ દિવસે સાંજે ટ્રમ્પ અમેરિકા જવા રવાના થશે.
ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના કહેવા પ્રમાણે, અમેરિકા સાથે 'નવા સંબંધો'ની શરૂઆત થઈ છે.
અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયોના કહેવા પ્રમાણે, ઉત્તર કોરિયા અણુ હથિયારો ત્યજી દેશે તો તેને 'વિશિષ્ટ' સુરક્ષા આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, સંપૂર્ણ અણુ નિઃશસ્ત્રીકરણથી ઓછું કાંઈપણ સ્વીકાર્ય નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બીજી બાજુ, અણુ નિઃશસ્ત્રીકરણના બદલામાં ઉત્તર કોરિયા શું ઇચ્છે છે તે હજુ સ્પષ્ટ નથી. એટલે ઘણાં નિષ્ણાતોનું માનવું છે કે આ બેઠકની ફળશ્રુતિ શું હશે, તે અંગે કાંઈ પણ કહેવું વહેલું ગણાશે.

શા માટે સિંગાપોર?
સિંગાપોરનો સંબંધ માત્ર ચીન, કોરિયા અને અમેરિકા સાથે નહીં પણ ભારત સાથે પણ ઐતિહાસિક રીતે મજબૂત રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં શિખર મંત્રણાના કવરેજ માટે સિંગાપોર પહોંચેલા બીબીસીના સંવાદદાતા ઝુબેર અહેમદ કહે છે, “સિંગાપોરનું ‘લિટલ ઇન્ડિયા’ બે કિલોમીટરના વિસ્તારમાં આવેલું એક મિની ભારત છે.
આ વિદેશમાં ભારતીયોનું પોતાનું રહેઠાણ છે જ્યાં એમની ઘણી દુકાનો છે અને એ તમામ વસ્તુઓ મળે છે જે ભારતનાં બજારોમાં વેચાય છે.”
ઝુબેરે કહ્યું, “અહીંયા તમિલનાડુથી આવેલાં લોકોની સંખ્યા સૌથી વધારે છે. તમિલનાડુથી 15 વર્ષ પહેલાં આવેલાં બેસ પ્રકાશ એક રેસ્ટોરાં ચલાવે છે.
એમનું કહેવું છે કે આ બે કિલોમીટરનાં વિસ્તારમાં 300 ભારતીય રેસ્ટોરાં છે. એમનાં જણાવ્યા અનુસાર ભારત બહાર એક નાનકડી જગ્યામાં આટલી સંખ્યામાં રેસ્ટોરાં અન્ય કોઈ દેશમાં નથી.
ભારતનાં બજારોની જેમ અહીં એટલી બધી ભીડ હોય છે કે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે.”

રસ્તાની બંને બાજુ આવેલી દુકાનોનાં નામ મોટેભાગે તમિલમાં લખેલાં જોવા મળે છે. દેશની 55 લાખ વસ્તીનો આ ભાગ સાત ટકા છે.
વીસમી શતાબ્દીની શરૂઆતમાં સિંગાપોરનાં નિર્માણમાં ચીની અને મલય મૂળનાં લોકો સિવાય ત્રીજો મોટો સમુદાય તમિલનાડુથી આવેલાં લોકોનો હતો.
તે કુટુંબો આજે પણ ત્યાં વસે છે. તમિલ ભાષા સિંગાપોરની સરકારી ભાષાઓમાંથી એક છે.

ટ્રમ્પ-કિમની મુલાકાતથી સિંગાપોરના ભારતીયો ખાસ ઉત્સાહિત નથી

અહીંનાં મંત્રીમંડળમાં તમિલ સમુદાયનાં ઘણા મંત્રીઓ છે, જેમાંથી વિદેશમંત્રી વિવિયન બાલકૃષ્ણ મુખ્ય છે.
હવે એક મોટી સંખ્યા એ લોકોની છે જે તમિલનાડુથી બે-ત્રણ દાયકા પહેલાં આવ્યાં હતા. તમિલ સમુદાય સિવાય ભારતીય મૂળમાં તેલુગુ અને પંજાબીઓની સંખ્યા સૌથી વધુ છે.
ઝુબેર કહે છે, “રવિવારની રજાના દિવસે ‘લિટલ ઇન્ડિયા’ દિલ્હીનાં લાજપત નગર જેવું દેખાય છે. શૉપિંગ મૉલ અને દુકાનો ગ્રાહકોથી ઊભરાતાં હોય છે.”
“કેટલીક જાણીતી રેસ્ટોરાંની બહાર લાંબી કતારોમાં લોકો રાહ જોતા જોવા મળે છે.”
“સિંગાપોરનું ‘લિટલ ઇન્ડિયા' સિંગાપોરનાં બીજા સમુદાયો સાથે સંબંધો જાળવી રાખે છે.”

ઇમેજ સ્રોત, EPA
“એને કદાચ આ મિની ઇન્ડિયા કે એની આસપાસનાં વિસ્તારોમાં જમવું કે શોપિંગ કરવું વધુ પસંદ છે.”
“અહીંયા એમનાં રહેઠાણ પણ ઘણાં છે. મને તો લાગ્યું છે કે તે દેશની મુખ્ય ધારાથી થોડાક અલગ રહે છે.”
ઝુબેર જણાવે છે કે, મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉન વચ્ચે યોજાનારી ઐતિહાસિક શિખર મંત્રણા બાબતે ભારતીય મૂળના લોકોને કોઈ ખાસ ઉત્સાહ નથી.
ઝુબેરે કહ્યું, “એક ડ્રાઇવરે મને કહ્યું કે, આ શિખર મંત્રણાને કારણે શહેરમાં ખૂબ જ સુરક્ષા છે અને ઘણાં માર્ગો પર નાકાબંદી છે. જેને કારણે ટેક્સી ડ્રાઇવર્સને ગ્રાહકો નથી મળી રહ્યા.”

એક સવાલ તો છે જ કે આ મુલાકાત માટે સિંગાપોર જ કેમ પસંદ કરાયું?

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે વાત બીબીસી એશિયાના બિઝનેસ રિપોર્ટર કરિશ્મા વાસવાણી કહે છે, “ઉત્તર કોરિયા સાથે વેપાર કર્યો હોય એવા જૂજ દેશો છે. 2016માં નોર્થ કોરિયા સાથે વેપાર કરતા દેશોની યાદીમાં સિંગાપોર આઠમાં સ્થાને હતું. ગયા વર્ષ સુધી સિંગાપોર ઘણાં માલ-સામાન માટે નોર્થ કોરિયા સાથે વેપાર કરતું હતું અને તાજેતરમાં જ આ બન્ને દેશો વચ્ચે વિઝા ફ્રી મુસાફરી બંધ કરાઈ છે.”
તેમણે વધુમાં જણાવ્યું, “સિંગાપોર બહુ ઓછાં એવા દેશો પૈકી એક છે કે જે ઉત્તર કોરિયાની ઍમ્બૅસી ધરાવતા હોય. યૂએનના પ્રતિબંધો છતાં પણ સિંગાપોરની બે કંપનીઓએ ઉત્તર કોરિયા સાથેનો વેપાર ચાલું જ રાખ્યો છે એવું મારા ધ્યાને આવ્યું છે, જોકે આ કંપનીઓ આ બાબતને નકારી કાઢે છે.”
તમે આ વાંચ્યું કે નહીં?
કરિશ્માએ કહ્યું, “ઇન્ટેલિજન્સ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે કિમ અહીં રાહત અને સુરક્ષા પણ અનુભવે છે. અહીં તેમના બૅંક એકાઉન્ટ હોવાનું તથા તે અહીં મેડિકલ ટેસ્ટ માટે આવતા હોવાનું પણ મનાય છે.”
સિંગાપોરમાં ઉત્તર-કોરિયાની પ્રવૃત્તિઓ અંગે રિપોર્ટ કરતી વખતે સિંગાપોરના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, સિંગાપોરની સત્તાએ આર્થિક સંસ્થાઓ માટે ઉત્તર કોરિયાની મદદ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

સિંગાપોરની પસંદગીના બિન-આર્થિક કારણો

ઇમેજ સ્રોત, Getty Images
આ બેઠક માટે સિંગાપોરની પસંદગી પાછળ બિન-આર્થિક કારણો પણ છે.
ધ ડિપ્લોમેટના અંકિત પાંડા સિંગાપોરની પસંદગીનું કારણ આપે છે કે, સિંગાપોર રોમના આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના કાયદા સાથે જોડાયેલું નથી અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં નિષ્પક્ષ વલણ ધરાવે છે.
તો આ દૃષ્ટીએ ઉત્તર કોરિયાના નેતા માટે સિંગાપોરમાં માનવ અધિકારના કેસમાં ફસાવવાની શક્યતાઓ રહેતી નથી.
સિંગાપોરમાં ટ્રમ્પ કે કિમ સામે વિરોધ-પ્રદર્શનોની શક્યતા નહિવત્ છે. કારણકે આ દેશમાં તો જાહેરમાં ભેગા થવા માટે પણ પોલીસની પરવાનગી લેવી ફરજિયાત છે.
અન્ય એક મહત્ત્વનો રાજકીય સંદર્ભ સિંગાપોર માટે એ પણ છે કે, 2015માં અહીં ચીન અને તાઇવાનના નેતાઓ વચ્ચેની વિવાદાસ્પદ ગણાતી બેઠક પણ યોજાઈ હતી.

આ ફક્ત રાજકીય મુલાકાત ન પણ હોય

ઇમેજ સ્રોત, AFP
હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ‘જિયોપોલિટિકલ’ થવું સહેલું નથી. અહીં એનો અર્થ એવો થાય છે કે એક જ સમયે અમેરિકા અને ચીન બન્ને સાથે સંબંધો જાળવી રાખવા.
સિંગાપોરે બન્ને સાથે સંબંધો સારી રીતે જાળવ્યાં છે.
આ પ્રદેશ સુરક્ષિત અને ઉત્તમ સ્થળ છે. અહીં વેપાર કરી શકાય છે અને જ્યાં સુધી તમે સિંગાપોરના કાયદાને અનુસરો ત્યાં સુધી તમને તમારા કામ અંગે કોઈ પ્રશ્ન પણ કરતું નથી.
ભૂતકાળમાં ક્લિન્ટન અને ઓબામા જેવા યુએસના શાસકોએ સિંગાપોરને પ્યોંગ્યાંગ સાથે વેપાર કરતું રોકવાના પ્રયાસો કર્યા હતા.
સિંગાપોર એક એવી જગ્યા છે કે જ્યાં વૈશ્વિક વેપારની ડીલ થતી હોય છે.
એટલે અહીં થઈ રહેલી વોશિંગ્ટન અને પ્યોંગ્યાંગ વચ્ચેની બેઠકને રાજકીય બેઠક જ ગણવાની જરૂર નથી.
વિશ્વની રાજનીતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવતી બે વ્યક્તિઓ વચ્ચે વેપાર માટે વાટાઘાટો થાય અને એમાં સિંગાપોર મધ્યસ્થી કરાવનારની ભૂમિકામાં હોય એવું પણ શક્ય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













