ટ્રમ્પ અને કિમ જોંગ આ મુલાકાતમાંથી શું મેળવી શકે?

ઇમેજ સ્રોત, REUTERS
12 જૂનના રોજ થનારી ખાસ મુલાકાત માટે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સિંગાપોર પહોંચી ગયા છે.
કિમ જોંગ ઉન સિંગાપોર પહોંચ્યા તેના થોડા કલાકો બાદ ટ્રમ્પ ઍર ફોર્સ વનના એક ખાસ વિમાન દ્વારા ત્યાં પહોચ્યા હતા.
ઐતિહાસિક ગણાતી આ બેઠક સિંગાપુરના સેંટોસા દ્વિપ પર આવેલી એક હોટલમાં થશે. બંને વચ્ચે આ પહેલી મુલાકાત છે.
ટ્રમ્પે આ મુલાકાતને શાંતિની કોશિશ માટે એક વધારાની તક ગણાવી છે અને કહ્યું છે કે બંને નેતાઓ હવે અજાણ્યા વિસ્તારમાં છે.
અમેરિકાને આશા છે કે ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોનો કાર્યક્રમ બંધ કરે તે અંગેની પ્રક્રિયા આ મુલાકાતથી શરૂ કરવામાં મદદ મળશે.
છેલ્લા 18 મહિનામાં બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.

ટ્રમ્પ અને કિમ એકબીજા પાસેથી શું ઇચ્છે છે?

ઇમેજ સ્રોત, EPA
સિંગાપોરમાં થઈ રહેલી આ બેઠકને ઐતિહાસિક ગણાવવામાં આવી રહી છે.
પહેલી વખત એવું બનશે કે કોરિયાના કોઈ નેતા અમેરિકાના રાષ્ટ્રપતિને મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ સવાલ એ છે કે આ બંને દેશના વડા આ બેઠક શા માટે કરી રહ્યા છે.
અમેરિકા ઇચ્છે છે કે કોરિયા તેણે શરૂ કરેલો પરમાણુ કાર્યક્રમ બંધ કરે અને અણુ હથિયારોનું ઉત્પાદન ના કરે.
સામે પક્ષે ઉત્તર કોરિયા પોતાના અર્થતંત્ર પર ધ્યાન આપવા માગે છે.
જેથી ઉત્તર કોરિયા ઇચ્છે છે કે અમેરિકાએ તેમના પર મૂકેલાં નિયંત્રણો ઉઠાવી લે.
જોકે, આ તમામ બાબતોનો આધાર બંને દેશના નેતાઓ વચ્ચે બેઠક કેવી રહે તેના પર છે.

ખરેખર આ બેઠકમાં થવાનું શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ઉત્તર કોરિયાના નેતાઓ વચ્ચે થનારી આ મિટિંગમાં ખરેખર થવાનું શું તે કહેવું બહુ મુશ્કેલ છે.
જોકે, ટ્રમ્પે એવો ઇશારો કર્યો છે કે આ મિટિંગમાં ઔપચારિક રીતે કોરિયન યુદ્ધની સમાપ્તિ અંગેના દસ્તાવેજો પર સહી કરવામાં આવશે.
1953માં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે થયેલા યુદ્ધને સમાપ્ત કરતા દસ્તાવેજો પર હજી કોઈ સહી થઈ નથી.
એટલે ટેક્નિકલી બંને રાષ્ટ્રો હજી યુદ્ધના દોરમાં જ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું છે કે જો બેઠક ધાર્યા પ્રમાણે વ્યવસ્થિત નહીં ચાલે તો તેઓ બેઠક છોડી બહાર નીકળી જશે.
ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે જો બેઠક સફળ રહી તો કિમ જોંગ ઉનને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ મળી શકે છે.
પરંતુ ઉત્તર કોરિયા તરફથી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















