કટ્ટર દુશ્મન ઉત્તર કોરિયાને અમેરિકાની આર્થિક મદદની ઓફર!

ઇમેજ સ્રોત, EPA
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ જણાવ્યું છે કે ઉત્તર કોરિયા તેનાં અણુશસ્ત્રોનો નાશ કરશે તો તેના અર્થતંત્રને ફરી ધમધમતું કરવામાં અમેરિકા મદદ કરશે.
માઇક પોમ્પિયોએ શુક્રવારે કહ્યું હતું, "દક્ષિણ કોરિયાની માફક ઉત્તર કોરિયાને પણ સમૃદ્ધિને હાંસલ કરવામાં મદદરૂપ થવા અમેરિકા તૈયાર છે."
ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગથી તાજેતરમાં જ પાછા ફરેલા માઇક પોમ્પિયોએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથેની મારી વાતચીત સારી રહી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
કિમ જોંગ-ઉન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 12 જૂને શિખર બેઠક યોજાવાની છે.
બન્ને નેતાઓએ અગાઉ એકમેકનું અપમાન કર્યું હતું અને ધમકીઓ આપી હતી, પણ એપ્રિલમાં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ઐતિહાસિક મંત્રણા પછી શિખર બેઠકની જાહેરાત કરી હતી.

અમેરિકાના વિદેશ પ્રધાને બીજું શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન કાંગ ક્યુંગ-હા સાથે શુક્રવારે વાતચીત બાદ માઇક પોમ્પિયોએ વોશિંગ્ટનમાં કહ્યું હતું, "ચેરમેન કિમ જોંગ-ઉન યોગ્ય માર્ગની પસંદગી કરશે તો ઉત્તર કોરિયાના લોકો માટે શાંતિ તથા સમૃદ્ધિભર્યા ભાવિનું નિર્માણ થશે."
"અણુશસ્ત્રોથી ઝડપભેર મુક્ત થવાની" વિનતી માઇક પોમ્પિયોએ પ્યોંગયાંગને કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સંબંધે અમેરિકા અને અન્ય દેશો દ્વારા "ચોકસાઈભરી ચકાસણી" હાથ ધરવામાં આવે એ જરૂરી છે.
માઇક પોમ્પિયોની ઉત્તર કોરિયાની આ સપ્તાહની અણધારી મુલાકાત દરમ્યાન પ્યોંગયાંગે અમેરિકાના ત્રણ અટકાયતીઓને મુક્ત કર્યા હતા.

ઉત્તર અને દક્ષિણ કોરિયાનું અર્થતંત્ર

ઇમેજ સ્રોત, EPA
બન્ને દેશોના નાગરિકોના દૈનિક જીવનમાં મોટો ભેદ છે.
દક્ષિણ કોરિયા અમેરિકાનું સાથી રાષ્ટ્ર છે અને 1953માં કોરિયન યુદ્ધના અંત પછી તેણે મૂડીવાદી વિચારધારા અપનાવી હતી.
એ પછી દક્ષિણ કોરિયા એશિયાનાં સૌથી વધુ સમૃદ્ધ રાષ્ટ્રો પૈકીના એક તરીકે ઊભર્યું છે.
1960ના દાયકામાં સરકારે ઔદ્યોગિકીકરણને આપેલા વેગ પછી સેમસંગ અને હ્યુન્ડે જેવી વિરાટ કંપનીનું નિર્માણ થયું છે.
દક્ષિણ કોરિયાની કુલ વસતી 5.12 કરોડ લોકોની છે, જ્યારે ઉત્તર કોરિયામાં 2.54 કરોડ લોકોની છે.
દક્ષિણ કોરિયાનું કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) 1.4 ટ્રિલિયન ડોલર્સનું છે, જ્યારે ઉત્તર કોરિયાની જીડીપી 20 અબજ ડોલરથી ઓછી છે.
દક્ષિણ કોરિયામાં લોકોનું સરેરાશ આયુષ્ય 82 વર્ષનું છે, જ્યારે ઉત્તર કોરિયામાં એ પ્રમાણ 70 વર્ષનું છે.
દક્ષિણ કોરિયાનો સમાવેશ વિશ્વનાં ટોચનાં 20 અર્થતંત્રોમાં થાય છે. તેની સામે ઉત્તર કોરિયાનો સમાવેશ વિશ્વના ટોચનાં 100 અર્થતંત્રોમાં પણ થતો નથી.
ઉત્તર કોરિયાએ સામ્યવાદી વ્યવસ્થા અપનાવી છે, પણ દેશમાં મૂડીવાદ ધીમે-ધીમે પ્રસરી રહ્યો છે.
દેશમાં ખરીદવા જેવી ચીજો ઘણી મળે છે, પણ પૈસાપાત્ર લોકો જ એ ખરીદી શકે છે. ઉત્તર કોરિયાના મોટાભાગના લોકો ગરીબીમાં જીવે છે.
કિમ જોંગ-ઉને સ્પષ્ટ જણાવી દીધું છે કે વિકાસને તેઓ સર્વોચ્ચ અગ્રતા આપશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















