સુંદર ચિયરલીડર્સ મારફતે ઉતર કોરિયા કયો દાવ રમી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયામાં થઈ રહેલા શિયાળુ ઑલિમ્પિક્સમાં ઉત્તર કોરિયા ભાગ લેવાનું છે.
એવું કહેવાય છે કે ઉત્તર કોરિયા પોતાના પ્રતિનિધિમંડળમાં ઍથ્લેટ્સ, કલાકારો, અધિકારીઓ, ફેન્સ, પત્રકારો અને ચિયરલિડર્સની એક વિશેષ ટીમ મોકલશે.
જ્યારે પણ ઉત્તર કોરિયાની વાત થાય છે ત્યારે દેખીતી રીતે વાતમાં ચિયરલીડર્સની ટીમ હોતી નથી. તેનો ઉલ્લેખ પ્રથમ વખત કરવામાં આવ્યો છે.
પરંતુ યુવાન અને સુંદર યુવતીઓની આ ટીમે વર્ષોથી એશિયાના દેશોના રાજકીય ફલક પર તેમની ભૂમિકા ભજવી છે.
દક્ષિણ કોરિયામાં તેમની હાજરી ઉત્સાહ વધારશે. ઉત્તર કોરિયા તેમની મારફતે સારી છબી બનાવવાની કોશિશ કરશે.
જેથી પાડોશી દેશ દક્ષિણ કોરિયા સાથેનાં સંબંધો સરળ બનાવી શકાય.
તમને આ પણ વાંચવું ગમશે

ઉત્તર કોરિયાના સરમુખત્યારને વફાદાર

ઇમેજ સ્રોત, Getty Images
કોરિયાના બન્ને દેશો વચ્ચેની રમતને પ્રોત્સાહન આપતા વિભાગના નિર્દેશક કિમ ગેયોંગ સુંગ જણાવે છે કે આ ટીમમાં મોટા ભાગની ચિઅરલીડર્સ 20થી 25 વર્ષની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિમ ગેયોંગ સુંગ દક્ષિણ કોરિયાથી છે. તેમણે 'ધ કોરિયા ટાઇમ્સ'ને જણાવ્યું હતું કે આ ચિઅરલીડર્સની પસંદગી તેમની સુંદરતાને કારણે થઈ છે.
કિમ ગેયોંગ સુંગ મુજબ આ યુવતીઓ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગને વફાદાર છે.
ચાઇના ઇન્ટરનેશનલ રેડિયો અનુસાર આ યુવતીઓ યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે.
તેઓ સંગીત શીખે છે અને ઉત્તર કોરિયાના પ્રૉપેગેન્ડાનો ભાગ છે.
ચિઅરલીડર્સ ગ્રૂપમાં પસંદગી માટે યુવતીઓની પારિવારિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેવાય છે.
પસંદ કરેલી કેટલીક યુવતીઓ ટોચના અધિકારીઓની પુત્રીઓ પણ હોય છે.

ચિઅરલીડર્સની પસંદગી

ઇમેજ સ્રોત, Getty Images
જે લોકો ઉત્તર કોરિયા છોડી ચૂક્યા છે તેમના સંબંધી અથવા જાપાન પ્રત્યે કૂણી લાગણી ધરાવતા પરિવારની યુવતીઓનાં નામ પસંદગી માટેની યાદીમાંથી દૂર કરવામાં આવે છે.
ચિઅરલીડર્સની આ ટીમને ડાન્સ અને સંગીત સાથે ઉત્તર કોરિયાના લોકોનાં મનોરંજન માટે ખાસ તાલીમ આપવામાં આવે છે.
ચિઅરલીડર્સને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતી ઉત્તર કોરિયાની ટીમ સાથે મોકલવામાં આવે છે.
દક્ષિણ કોરિયામાં જોકે તેમના પર સખત નિયંત્રણ રખાશે.
કોરિયન યુદ્ધની શરૂઆત પછી એવા ત્રણ પ્રસંગો છે જ્યારે ઉત્તર કોરિયાએ ચિઅરલીડર્સને દક્ષિણ કોરિયામાં મોકલી હોય.
જેનો હેતુ સ્પષ્ટ હતો કે ગીતો અને નૃત્ય દ્વારા બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવો.

ઉત્તર અને દક્ષિણ કોરિયા

ઇમેજ સ્રોત, EPA
આ ત્રણ પ્રસંગો આ પ્રમાણે હતા. બુસાન એશિયન ગેમ્સ(2002)માં 288 ચિઅરલીડર્સ મોકલવામાં આવી હતી.
ડાએગુ સમર યુનિવર્સિટી ગેમ્સ(2003)માં 303 ચિઅરલીડર્સ અને એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપ(2005)માં 100 ચિઅરલીડર્સ મોકલવામાં આવી હતી.
2014ની એશિયન ગેમ્સમાં પણ ઉત્તર કોરિયા તેની ચિઅરલીડર્સની ટીમ દક્ષિણ કોરિયા મોકલવા ઇચ્છતું હતું પરંતુ જાહેરાત થઈ ગઈ હોવા છતાં આવું ન થયું.
ખર્ચ અને અન્ય મુદ્દાઓ પર સહમતી ન બની એટલે ઉત્તર કોરિયાએ આ ઓફર પાછી ખેંચી લીધી.
ચિઅરલીડર્સના ફેન્સ દક્ષિણ કોરિયામાં મોટી સંખ્યામાં છે. મીડિયાએ તો ચિઅરલીડર્સની ટીમને 'બ્યૂટી ટીમ' નામ આપ્યું છે.

કિમ જોંગ ઉનની પત્ની

ઇમેજ સ્રોત, EPA
એવું કહેવાય છે કે લોકોને ખેલાડીઓ કરતાં આ ચિઅરલીડર્સમાં વધુ રસ હોય છે.
ચિઅરલીડર્સની આ ટીમમાં એક યુવતીનું નામ ખાસ રીતે લેવામાં આવે છે.
જે નામ રી સોલ-જુ છે. રી સોલ-જુ ઉત્તર કોરિયાનાં પ્રથમ મહિલા છે. જોકે તેમના વિશે દુનિયાને બહુ ઓછી માહિતી છે.
કિમ જોંગ-ઉન સાથે લગ્ન પહેલાં રી સોલ-જુ ચિઅરલીડર્સની ટીમનો ભાગ હતાં.
2005માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ માટે સાઉથ કોરિયા ગયેલી ચિયરલિડર્સ ટીમમાં રી સોલ-જુ પણ સામેલ હતા.
વર્ષ 2012માં તેમનાં કિમ જોંગ ઉન સાથે લગ્નની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારથી રી સોલ-જુ જાહેરમાં કીમ જોંગ-ઉન સાથે દેખાવાં લાગ્યાં. આ પહેલાંનાં જીવન વિશે ખૂબ જ ઓછી માહિતી બહાર આવી છે.
લોકો તેમની ઉંમર વિશે જાણતા નથી. કિમ જોંગ-ઉન વિશે પણ આવું જ છે.

દસ વર્ષમાં પહેલી વખત

ઇમેજ સ્રોત, Getty Images
દસ વર્ષમાં પહેલી વખત ઉત્તર કોરિયા પોતાની ચિયરલીડર્સની ટીમ દક્ષિણ કોરિયામાં મોકલી રહ્યું છે.
જેને સમાધાનની દિશામાં નવી પહેલ તરીકે જોવામાં આવે છે.
જાણકાર લોકો સાથે એ પણ કહે છે કે ઉત્તર કોરિયા શિયાળુ ઑલિમ્પિકમાં તેની હાજરીનો ઢોલ પીટવા માંગે છે.
કોરિયન દ્વીપકલ્પમાં વધી રહેલા તણાવ સાથે ઉત્તર કોરિયાએ શાંતિના પ્રયાસો ઘટાડી દીધા હતા.
વર્ષ 2017માં ઉત્તર કોરિયાએ ઘણાં મિસાઇલ પરીક્ષણો કર્યાં હતાં.
અમેરિકાએ ભલે ઉત્તર કોરિયા સામે સીધી લશ્કરી કાર્યવાહીના સંકેત આપ્યા છે.
પરંતુ આ ચિયરલીડર્સની ટીમે દુનિયાથી અલગ પડેલા દેશની એક અલગ છબી ઊભી કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images
કોરિયાની આ યુવતીઓ એક જ સ્ટેજ પર અમેરિકન ચિયરલીડર્સ સાથે દેખાશે. પરંતુ તેનો ફાયદો માત્ર ઉત્તર કોરિયાને થવાનો નથી.
આયોજકોને ટિકિટો વેચવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
જ્યાં આ શિયાળુ ઑલિમ્પિક યોજાશે ત્યાંથી ઉત્તર કોરિયા માત્ર 90 કિલોમીટર દૂર છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શિયાળુ ઑલિમ્પિકના આયોજકોને ચિયરલીડર્સની હાજરીથી ટિકિટ વેચવામાં સરળતા રહેશે.
આ સાથે જ 'સ્પોર્ટ્સ ડિપ્લોમસી'થી બન્ને દેશોનું ભલું થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












