ટ્રમ્પ અને કિમની મુલાકાતમાં ભારતનો શું રોલ હોઈ શકે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતે જણાવ્યું છે કે તેણે પોતાના એક મંત્રીને બે દાયકા બાદ ઉત્તર કોરિયા મોકલ્યા છે.
આ પહેલાં 1998માં છેલ્લી વખત કોઈ ભારતીય મંત્રીએ ઉત્તર કોરિયાનો પ્રવાસ કર્યો હતો.
તે સમયે ભાજપના નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર હતી અને તત્કાલીન સૂચના અને પ્રસારણ મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી પ્યોંગયાંગમાં એક ફિલ્મ મહોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
આ વખતે ભારત સરકારે પોતાના વિદેશ રાજ્ય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ વી. કે. સિંહને ઉત્તર કોરિયા મોકલ્યા છે. તેમના આ પ્રવાસને ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
વી. કે. સિંહે પોતાના આ પ્રવાસ દરમિયાન ઉત્તર કોરિયાના ઘણા વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
આ અઠવાડિયાની શરૂઆતમાં બે દિવસ ચાલેલી વાર્તાઓમાં બન્ને દેશો વચ્ચે રાજકીય, ક્ષેત્રીય, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ હતી.

ઐતિહાસિક મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
ખાસ વાત એ પણ છે કે આ પ્રવાસ એવા સમયે થયો છે જ્યારે થોડાં અઠવાડિયાં પહેલાં જ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે એક દાયકા કરતાં પણ વધારે સમયમાં પહેલું શિખર સંમેલન થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગામી મહિને ઉત્તર કોરિયા અને અમેરિકાના નેતાઓ વચ્ચે પહેલી ઐતિહાસિક મુલાકાત થવાની તૈયારી ચાલી રહી છે.
જોકે, કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 12 જૂનના રોજ યોજાનારી વાર્તા પર આશંકાના વાદળ પણ મંડરાવા લાગ્યા છે.
ઉત્તર કોરિયાના નેતાએ કહ્યું છે કે અમેરિકા તેના પર પરમાણુ હથિયાર છોડવાનું દબાણ કરશે તો તેઓ આ મુલાકાત રદ કરી દેશે.

ભારત- ઉત્તર કોરિયાના સંબંધ
આ સમયે ભારતના ઉત્તર કોરિયા પાસે જવાનાં કારણો શું છે?
શું તે એ વાત અંગે મનનું સમાધાન કરી લેવા માગે છે કે અચાનક થયેલા રાજકીય બદલાવના સમયગાળામાં તે ક્યાંક પાછળ છૂટી ન જાય? કે પછી તે પોતાના સહયોગી અમેરિકાનો પક્ષધર બનીને ઉત્તર કોરિયા પહોંચ્યું છે?
ઘણા લોકોને એ યાદ પણ નહીં હોય કે ઉત્તર કોરિયા અને ભારત વચ્ચે 45 વર્ષો સુધી સારા એવા રાજકીય સંબંધ રહ્યા છે. દિલ્હી અને પ્યોંગયાંગમાં બન્નેના નાના દૂતાવાસ પણ છે.
બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન સાથે જોડાયેલા કાર્યક્રમનું આયોજન થતું અને બન્નેએ વિજ્ઞાન અને ટેકનિકના ક્ષેત્રમાં સહયોગને લઈને સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા.
ભારતમાં વિદેશી રાજનેતાઓ માટે જે કોર્સ ચલાવવામાં આવ્યા તેમાં પણ ઉત્તર કોરિયાના રાજનેતાઓએ ભાગ લીધો હતો.
સંયુક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમ અંતર્ગત ભારત ઉત્તર કોરિયામાં ફૂડ સપ્લાય કરી ચૂક્યું છે અને જ્યારે 2004માં ભારતમાં સુનામી આવ્યું ત્યારે ઉત્તર કોરિયાએ 30 હજાર ડોલરની મદદ કરી હતી.
જોકે, આ વાતને વીસ વર્ષ વીતી ગયાં છે કે જ્યારે ભારતે પોતાના કોઈ મંત્રીને ઉત્તર કોરિયા મોકલ્યા હોય.
આ તરફ ઉત્તર કોરિયાના વરિષ્ઠ નેતા વર્ષોથી ભારત આવતા રહ્યા છે.

ઇમેજ સ્રોત, EPA
એપ્રિલ 2015માં ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી ભારત આવ્યા હતા અને પોતાના ભારતીય સમકક્ષને મળીને સહાયતાની માગ કરી હતી.
તો 2016માં એક ભારતીય મંત્રી ઉત્તર કોરિયાના સ્વતંત્રતા દિવસના અવસર પર ઉત્તર કોરિયાના દૂતાવાસ ગયા હતા.
કદાચ આ પહેલો મોકો હતો જ્યારે ઉત્તર કોરિયાના કોઈ અધિકારિક સમારોહમાં ભારત સરકારના કોઈ મંત્રી સામેલ થયા હતા.
તે સમયે ભારતીય મંત્રી કિરણ રિજીજૂએ કહ્યું હતું કે વેપાર-વાણિજ્ય પર આધારિત બન્ને દેશોના સંબંધ લાંબા ચાલશે.
2013માં ચીન અને દક્ષિણ કોરિયા બાદ ભારત ઉત્તર કોરિયાનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો.
ભારત, ઉત્તર કોરિયામાં મુખ્ય રૂપે ઔદ્યોગિક રસાયણ, કાચું તેલ અને કૃષિ પેદાશોની નિકાસ કરતું હતું અને ત્યાંથી સૂકા તેમજ તળેલા મેવા, ગુંદર અને હિંગની આયાત કરતું હતું.
2014માં બન્ને દેશો વચ્ચે થતો 200 મિલિયન ડોલર કરતાં વધારે કિંમતનો વેપાર ઘટીને 130 મિલિયન ડોલર રહી ગયો.
પરંતુ 2017માં ઉત્તર કોરિયાના મિસાઇલ કાર્યક્રમને લઈને જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવ્યા તો ભારતે તેની સાથે થતા વેપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો હતો.

'જૂના સંબંધ'

ઇમેજ સ્રોત, Reuters
પૂર્વ એશિયામાં ભારતની ભાગીદારી અંગે જાણકારી રાખતા પ્રશાંતકુમાર સિંહે બીબીસીને જણાવ્યું, "ભારત એ કેટલાક દેશોમાંથી એક છે કે જેની સાથે ઉત્તર કોરિયાએ રાજકીય સંબંધ બનાવીને રાખ્યા છે. ઉત્તર કોરિયા માટે ભારત દુનિયા સુધી પહોંચવાનો મહત્ત્વનો રસ્તો છે. બન્ને દેશો વચ્ચે લાંબા સમય સુધી સંબંધ રહ્યા છે."
ગત વર્ષે જ્યારે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી રેક્સ ટિલરસને ભારતને પ્યોંગયાંગમાં પોતાની રાજકીય હાજરી ઘટાડવા સલાહ આપી તો ભારતે તેને માનવાથી ઇનકાર કરી દીધો હતો.
ત્યારે ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટિલરસનને કહ્યું હતું, "તમારા કેટલાક મિત્ર દેશોના દૂતાવાસ ઉત્તર કોરિયામાં રહેવા જોઈએ જેથી વાતચીતના કેટલાક રસ્તા ખુલ્લા રહી શકે."
ભારતીય સરકારે જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ વી. કે. સિંહને કોરિયાઈ પ્રાયદ્વીપમાં તાજી ઘટનાઓ અંગે જાણકારી આપી છે.
સાથે જ વી. કે. સિંહે પણ કોરિયામાં શાંતિ જાળવી રાખવાના પ્રયાસોમાં ભારતનો સહયોગ હોવાની વાત કહી છે.
કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પની આગામી મુલાકાત સાથે પણ કોઈ લેવા દેવા છે?
આ સવાલના જવાબમાં પ્રશાંત કુમાર સિંહ કહે છે, "આપણે આ વાતનું માત્ર અનુમાન જ લગાવી શકીએ છીએ."
"ટ્રમ્પ ક્યારેય પોતાની શિખર વાર્તાને ખતરામાં નાખવા માગશે નહીં. એવું બની શકે છે કે અમેરિકાના લોકો આ શિખર વાર્તાને રદ થવાથી બચાવવા માટે ભારતનો કોઈ સહયોગ ઇચ્છતા હોય."
ભારત એક નાનું પ્લેયર છે પરંતુ કોરિયાઈ પ્રાયદ્વીપની સમસ્યામાં તે કોઈ પાર્ટી નથી. પરંતુ તેના ઉત્તર કોરિયા સાથે સારા સંબંધ છે.
જ્યારે એક અલગ પડેલા દેશ સાથે વાતચીતની વાત આવે છે, ત્યારે એક નાનો મિત્ર પણ મદદ કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













