વિશ્વ પ્રતિબંધો મૂકતું રહ્યું અને ઉ. કોરિયા આ રીતે કરતું રહ્યું વેપાર!

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કરિશ્મા વાસવાની
- પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા(એશિયા)
સંયુક્ત રાષ્ટ્રનો એક અહેવાલ લીક થયો છે. જે મુજબ સિંગાપોરની બે કંપનીઓએ ઉત્તર કોરિયાને વૈભવી ઉત્પાદનો વેચીને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે.
ફાઇનલ રિપોર્ટ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલને આપવામાં આવ્યો છે. જે આ અઠવાડિયાના અંતે પ્રકાશિત થઈ શકે છે.
સિંગાપોર સરકારે જણાવ્યું છે કે તેમને મળેલી જાણકારીના આધારે તપાસ શરૂ કરી છે.
યુએન અને સિંગાપોર બન્નેએ ઉત્તર કોરિયાને વૈભવી ઉત્પાદનોનાં વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
છેલ્લાં બે વર્ષથી ઉત્તર કોરિયા પર સમગ્ર વિશ્વમાં સખત પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. કારણ કે તેણે પરમાણુ અને મિસાઇલ પરીક્ષણો ચાલુ રાખ્યાં છે.
નિષ્ણાતો જણાવે છે કે જો સિંગાપોર કંપનીઓ સામેના આરોપો સાબિત થયા તો પ્રશ્ન એ ઉઠે છે કે આખા એશિયામાં આવા કેટલાં ઉલ્લંઘન થઈ રહ્યાં હશે.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કોનું નામ?

ઇમેજ સ્રોત, Getty Images
આ રિપોર્ટમાં એશિયાની કેટલીક કંપનીઓ ઉપરાંત સિંગાપોરની બે કંપનીઓનાં નામ છે.
એવા આક્ષેપ કરવામાં આવે છે કે આ કંપનીઓએ જુલાઈ 2017 સુધી ઉત્તર કોરિયામાં વાઇન અને સ્પિરિટ્સ જેવા વૈભવી ઉત્પાદનો વેચવાનું ચાલુ રાખ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયાને 2006થી કોઇપણ લક્ઝરી પ્રોડક્ટ્સ વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવું કરવું ગેરકાયદેસર છે. સિંગાપોરમાં પણ આ પ્રકારનો કાયદો ઘણાં વર્ષોથી છે.
આ બંને કંપનીઓના નામ 'ઓસિએન' અને 'ટી સ્પેશિયાલિસ્ટ' છે. આ બંને કંપનીઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને બન્નેના ડિરેક્ટર પણ એક છે.
જોકે બંને કંપનીઓએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
આ અહેવાલમાં જણાવાયું છે કે 2011 અને 2014ની વચ્ચે દક્ષિણ કોરિયામાં બંને કંપનીઓના બૅન્ક ખાતાઓમાં અને સિંગાપોરમાં 'ટી સ્પેશિયાલિસ્ટ'ના બૅન્ક ખાતામાં આશરે બે કરોડ ડૉલરના વ્યવહાર થયા છે.
સિંગાપોરના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ સિંગાપોરે ઉત્તર કોરિયા સાથે કોઇપણ વ્યવસાય માટે નાણાંકીય મદદ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

કંપનીઓએ કર્યો પોતાનો બચાવ

ઇમેજ સ્રોત, NK NEWS
'ટી સ્પેશિયાલિસ્ટ' કંપનીએ યુનાઇટેડ નેશન્સ સમક્ષ નિવેદન આપ્યું છે કે "તેમની પાસે ઉત્તર કોરિયા તરફથી ફંડ આવ્યું નથી.
પરંતુ હૉંગકોંગની એક રજિસ્ટર્ડ કંપનીથી આવ્યું છે. જે 2012થી પહેલાંના એક બિઝનેસ સાથે સંબંધિત ફંડ છે."
યુએનએ એ પણ આરોપ મૂક્યો છે કે આ બંને કંપનીઓ લાંબા સમયથી ઉત્તર કોરિયાની રાયજયોંગ બૅન્ક સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
અમેરિકાએ 2017માં આ બૅન્ક પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બંને કંપનીઓનું કહેવું છે કે તેમનાં આ બૅન્ક સાથે કોઈ સંબંધ નથી.
કંપનીઓના વકીલ એડમંડ પરેરાએ પુષ્ટિ કરી છે કે સિંગાપોર વહીવટી તંત્ર આની તપાસ કરી રહી છે. પરંતુ આ કંપનીઓને ઉત્તર કોરિયા સાથે કોઈ વ્યવસાયિક કે બીજા કોઇપણ સંબંધ નથી.
જોકે, વકીલ પરેરાએ સ્વીકાર્યું હતું કે કંપનીઓએ ઉત્તર કોરિયામાં વ્યવસાય કર્યો છે પરંતુ યુએનએ લગાવેલા પ્રતિબંધ પહેલાં.
તેમણે એમ પણ કહ્યું હતું કે કંપનીઓએ ધીમે ધીમે ઉત્તર કોરિયામાં તેમનું કામ સમેટી લીધું છે. પરંતુ આમ કરવામાં સમય લાગે છે.
વકીલોનું કહેવું છે કે સમસ્યા એ છે કે કંપનીઓ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ આ નિયંત્રણો અમલમાં મૂકે. પરંતુ મોટા ભાગની કંપનીઓને કાયદામાં થયેલા ફેરફારો ખબર હોતા જ નથી.

સિંગાપોર અને ઉત્તર કોરિયા વચ્ચે વેપાર

ઇમેજ સ્રોત, ROMEO GACAD/Getty Images
ગયા વર્ષે નવેમ્બરમાં સિંગાપોરે ઉત્તર કોરિયા સાથેના વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલાં થોડા વેપારની છૂટ હતી.
યુએનના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બન્ને કંપનીઓએ ઉત્તર કોરિયામાં કરેલા વિવાદાસ્પદ વ્યવસાયમાં સિંગાપોરની બૅન્કોની મદદ પણ લીધી છે.
આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સભ્ય દેશોની જવાબદારી છે કે તેમની બૅન્કો ગ્રાહકો અને કંપનીઓના વ્યવહારો પર નજર રાખે.
બીબીસીએ આ અહેવાલમાં દર્શાવેલી બે બૅન્ક સાથે વાત કરવાની કોશિશ કરી. પરંતુ બન્ને વાત કરવાથી દૂર રહી છે.
સિંગાપોરની મોનેટરી ઑથોરિટીએ બીબીસીને જણાવ્યું હતું કે તે આ કેસોમાં યુએનને મદદ કરી રહી છે.

બૅન્કોની મુશ્કેલી

ઇમેજ સ્રોત, ROSLAN RAHMAN/Getty Images
સંયુક્ત રાષ્ટ્રના એક્સપર્ટ પેનલના પૂર્વ સદસ્ય વિલિયમ ન્યૂકૉમ્બે જણાવ્યું હતું કે આવી ખામીઓનો જ ઉત્તર કોરિયા ફાયદો ઉઠાવે છે.
"તેઓ એક બનાવટી કંપની બનાવે છે, બીજી કોઈ જગ્યાએ બીજી કોઈ કંપની બનાવે છે. ત્રીજા સ્થાને બૅન્ક હોય છે અને અન્ય કોઈ જગ્યાએ વેપાર કરે છે.
"આ ઉપરાંત કાયદાના અવકાશ પણ અલગ હોય છે. જેથી આ વધુ જટિલ બની જાય છે. આમ તે પ્રતિબંધોના ઉલ્લંઘન માટે ફાયદો લે છે."
આર્થિક ગુનાના જાણકારો કહે છે કે બૅન્કોના આવા ઉલ્લંઘનને પકડી પાડવું મુશ્કેલ છે.
ડેલોઇટ ફાઇનાન્સિયલ ક્રાઇમ નેટવર્કના ટિમ ફિલિપ્સનું કહેવું છે કે તમને કદાચ ક્યારેય ખબર પણ ન પડે કે નાણાં ઉત્તર કોરિયાથી આવતા હતા.
તેઓ કહે છે કે આ સમસ્યા દક્ષિણપૂર્વ એશિયામાં મોટી હોઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટમાં આ મુદ્દો પણ છે કે આ કંપનીઓએ ઉત્તર કોરિયા સાથે વેપાર કરવા સિંગાપોર જેવી મજબૂત સિસ્ટમ્સમાં નબળાઈઓ શોધી કાઢી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












