આ રીતે એકબીજાને ઉતારી પાડતા ટ્રમ્પ-કિમ

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન સાથે મંત્રણાની ઓફર અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સ્વીકારી છે. બન્ને નેતાઓ મૈત્રીપૂર્ણ સંબંધ ભણી આગળ ધપવાના છે, પણ ભૂતકાળમાં બન્નેએ એકમેકનું અનેક વખત અપમાન કર્યું હતું.
બન્ને વચ્ચે 'રોકેટ મેન' અને ' અશક્ત બુઢ્ઢો' સહિતના અપમાનની આપલે થઈ હતી.
કિમ જોંગ-ઉને ગત 19 સપ્ટેમ્બરમાં સંબોધનમાં ડોનલ્ડ ટ્રમ્પને ડોટર્ડ એટલે કે શારીરિક રીતે અશક્ત બુઢ્ઢા ગણાવ્યા, ત્યારે બન્ને વચ્ચેનો અપમાનનો સિલસિલો ચરમ શિખર પર પહોંચ્યો હતો.
'ડોટર્ડ' શબ્દનો અર્થ શોધવા માટે લોકો ડિક્શનરીનાં પાનાં ફેરવવા લાગ્યા હતા.
ડોનલ્ડ ટ્રમ્પે ગયા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ ઉત્તર કોરિયાનો 'સંપૂર્ણ સફાયો' કરી નાખશે.
ટ્રમ્પના એ નિવેદનના પ્રતિભાવમાં કિમ જોંગ-ઉને ઉપરોક્ત વિધાન કર્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે


ઇમેજ સ્રોત, Twitter
પોતાના નેતાના નિવેદનમાંથી પ્રેરણા લઈને અને કિમ પરના ટ્રમ્પના સીધા આક્રમણનો જવાબ આપતાં ઉત્તર કોરિયાના મીડિયાએ પણ અમેરિકાના પ્રમુખનું વ્યક્તિગત અપમાન શરૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતાનું અપમાન કરવું અને માઉન્ટ પાઈક્તુ (કિમના પરિવાર)ની કથિત મહાન વ્યક્તિઓની પ્રતિષ્ઠા ખરડાય તેવા નિવેદનો કરવા બદલ ઉત્તર કોરિયામાં મૃત્યુદંડની જોગવાઈ છે.
ટ્રમ્પ માટે ઉત્તર કોરિયાના મીડિયાએ તાજેતરમાં 'ઝેરી મશરૂમ', 'કીડો', 'ગેન્ગસ્ટર', 'ઠગ', 'અશક્ત બુઢ્ઢો', 'હડકાયો કૂતરો', અને 'ચક્રમ' વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર કોરિયાના મીડિયાએ 'બુઢ્ઢા' કહ્યા પછી ડોનલ્ડ ટ્રમ્પે એવી ટ્વીટ કરી હતી કે તેમણે ઉત્તર કોરિયાના નેતાને 'ઠીંગણા અને જાડિયા' કહ્યા ન હતા.
ઉત્તર કોરિયાની એજન્સી કેસીએનએએ યુનિયન ઑફ એગ્રીકલ્ચર વર્કર્સ અને જનરલ ફેડરેશન ઑફ ટ્રેડ યુનિયન્સને ટાંકતાં ગત 26 સપ્ટેમ્બરે જણાવ્યું હતું:
"ટ્રમ્પ ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવતાં પ્રાણીઓ કરતાં પણ નાનો કીડો અને ઝેરી મશરૂમ છે."
ઉત્તર કોરિયાના સરકારી દૈનિક રોડોંગ સિન્મુને ગત 23 સપ્ટેમ્બરે જણાવ્યું હતું, "(ટ્રમ્પ) ખામીયુક્ત માણસ, રાજકીય મવાલી, ઠગ અને બાળક જેવી વ્યક્તિ છે."


ઇમેજ સ્રોત, Twitter
પોતાની ડેસ્ક પર અણુશસ્ત્રો છોડવા માટેનું મોટું બટન હોવાનું જણાવતી ટ્વીટ ડોનલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં કરી ત્યારે રોડોંગ સિન્મુને અમેરિકાના પ્રમુખને "મનોવિકૃત માણસ, નિરંકુશ ચક્રમ, હારેલી વ્યક્તિ" ગણાવ્યા હતા અને તેમના નિવેદનને "હડકાયા કૂતરાના ભસવા" જેવું ગણાવ્યું હતું.
ઉત્તર કોરિયન પક્ષના મુખપત્ર રોડોંગ સિન્મુને 16 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે ટ્રમ્પની "માનસિક બિમારી"થી વિશ્વ ચિંતિત છે.
રોડોંગ સિન્મુને ઉમેર્યું હતું કે અમેરિકાના અણુશસ્ત્રોનું બટન "જૂનવાણી વિચારવાળા ચક્રમ"ના હાથમાં છે.
કિમિલ્સુંગિસ્ટ-કિમ્જોંગિલિસ્ટ યૂથ લીગની કેન્દ્રીય સમિતિનો હવાલો આપીને કેસીએનએએ ગત 25 સપ્ટેમ્બરે જણાવ્યું હતું, "ગુંડાઓનો સરદાર અને હડકાયો કૂતરો માણસ નથી."
ટ્રમ્પ તથા કિમ વચ્ચે મેમાં ખરેખર વ્યક્તિગત મંત્રણા યોજાશે તો અને ત્યારે બન્ને નેતાઓ એકમેક માટે આવી ભાષાનો ઉપયોગ કરે એવી શક્યતા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













