હિમંતા બિસ્વા સરમા : આસામમાં ભાજપના 5 ધારાસભ્યથી વધારીને છેક 82 સુધી લઈ જનાર ભાજપના 'પોસ્ટર બૉય'

ઇમેજ સ્રોત, Getty Images
આસામ વિધાનસભા ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટીએ 82 બેઠકો પર જીત મેળવી છે. આ સાથે જ મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાનીમાં લડાયેલી આ ચૂંટણીમાં ભાજપની બહુમતી બાદ તેમનો ફરી મુખ્ય મંત્રી બનવાનો માર્ગ લગભગ મોકળો થઈ ચૂક્યો છે.
નોંધનીય છે કે રાજ્યની કુલ 126 વિધાનસભા બેઠકોમાં બહુમત માટે 64 બેઠકોની જરૂર હોય છે.
આ ચૂંટણી પરિણામોમાં સૌથી મોટું નુકસાન એઆઇયુડીએફને થયું છે અને તેનો સીધો ફાયદો ભાજપને થયો છે.
માત્ર દસ વર્ષમાં હિમંતા બિસ્વા સરમા ન માત્ર રાજ્યમાં ભાજપનો મોટો ચહેરો બન્યા છે, પણ તેમણે આસામમાં પોતાના અનેક રાજકીય હરીફોને પણ પાછળ છોડી દીધા છે.
હવે જ્યારે ભાજપ અને હિમંતા બિસ્વા સરમા આસામમાં ફરી એક વાર જીત તરફ અગ્રેસર જોવા મળી રહ્યા છે ત્યારે એક નજર હિમંતાની અત્યાર સુધીની રાજકીય કારકિર્દી તરફ.
હિમંતા બિસ્વાની રાજકીય સફર
55 વર્ષના હિમંતા બિસ્વા સરમાનો જન્મ ગુવાહાટીની ગાંધી બસ્તીમાં થયો હતો. તેમના પરિવારમાંથી કોઈ પણ રાજકારણમાં ન હતું.
શાળામાં જ હિમંતે એક સારા વક્તા તરીકે પોતાની છબિ બનાવી હતી.
તેઓ શાળામાં ભણતા હતા ત્યારે આસામમાં ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (એએએસયુ)ના નેતૃત્વમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ એક રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષક અબ્દુલ મન્નાને અગાઉ બીબીસીને કહ્યું હતું કે, "આ આંદોલનથી પ્રભાવિત થઈને હિમંતા બિસ્વા ઑલ આસામ સ્ટુડન્ટ યુનિયનમાં જોડાઈ ગયા. ત્યાર બાદ તેઓ તત્કાલીન મુખ્ય મંત્રી હિતેશ્વર સૈકિયાના સંપર્કમાં આવ્યા અને તેમણે હિમંતાને પોતાની ટીમમાં સમાવ્યા."
"અહીંથી તેમનું વિદ્યાર્થી રાજકારણ શરૂ થયું અને તેઓ ત્રણ વખત ગુવાહાટી કૉટન કૉલેજના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા."
મન્નાનનું માનવું છે કે હિતેશ્વર સૈકિયા એ હિમંતના પ્રથમ રાજકીય ગુરુ હતા અને તેમણે જ હિમંતાને પહેલી વાર ટિકિટ આપી હતી.
1996માં હિમંતા આસામ ચળવળના બીજા અગ્રણી નેતા ભૃગુ ફુકન સામે જાલુકબારી વિધાનસભા મતક્ષેત્રમાં ચૂંટણી લડ્યા, ત્યારે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો.
ત્યાર પછીની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભૃગુ ફુકનને લગભગ 10 હજાર મતોના માર્જિનથી હરાવ્યા હતા.
કહેવાય છે કે 2001માં તરુણ ગોગોઈ આસામના મુખ્ય મંત્રી બન્યા ત્યારથી હિમંતાનો સુવર્ણ યુગ શરૂ થયો હતો.
શરૂઆતમાં હિમંતાને કૃષિ જેવાં મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા, પછી તેઓ નાણા, શિક્ષણ અને આરોગ્ય જેવાં મોટાં મંત્રાલયો સંભાળીને રાજ્યમાં નંબર ટુના દરજ્જા સુધી પહોંચી ગયા હતા.
પરંતુ વર્ષ 2011માં તરુણ ગોગોઈએ જ્યારે ત્રીજી વખત મુખ્ય મંત્રી તરીકે પદભાર સંભાળ્યો, ત્યારે તેમણે પોતાના પુત્ર ગૌરવ ગોગોઈને રાજકારણમાં આગળ લાવવાનું શરૂ કર્યું અને અહીંથી તેમના સંબંધોમાં તિરાડની શરૂઆત થઈ.
હિમંતાને આશા હતી કે કૉંગ્રેસ હાઇકમાન્ડ તેમની વાત સાંભળશે, પરંતુ એવું ન થયું ત્યારે તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા.
જે સમયે હિમંતા બિસ્વા સરમા ભાજપમાં સામેલ થયા એ સમયે રાજ્યની વિધાનસભામાં ભાજપના માત્ર પાંચ ધારાસભ્યો હતા, જે વર્ષ 2011ની ચૂંટણી જીત્યા હતા.
વર્ષ 2016માં પહેલી વખત આસામમાં ભાજપની સરકાર બની હતી, પરંતુ પાર્ટીએ સર્બાનંદ સોનોવાલને મુખ્ય મંત્રી તરીકે પસંદ કર્યા હતા.
અંતે વર્ષ 2021માં હિમંતા બિસ્વાનું મુખ્ય મંત્રી બનવાનું સપનું પૂરું થયું.
હિમંતાનાં અનેક ચર્ચાસ્પદ નિવેદનો અને વિવાદો

ઇમેજ સ્રોત, Getty Images
આસામમાં અત્યારે હિમંતા બિસ્વા સરમાની સરકાર છે. કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હિમંતા બિસ્વા જ્યારથી મુખ્ય મંત્રી બન્યા છે, ત્યારથી તેમણે ઘણા વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે.
- આસામ વિધાનસભામાં શુક્રવારની નમાજ માટે દર શુક્રવારે ત્રણ કલાકનો વિરામ આપવામાં આવતો હતો, પરંતુ હવે તેને બંધ કરવામાં આવ્યો છે
- 'સ્વદેશી મુસ્લિમો'ના સામાજિક-આર્થિક સર્વેક્ષણ માટે મંજૂરી. હિમંત બિસ્વા સરકારે ગોરિયા, મોરિયા, જોલા, દેશી અને સૈયદ સમુદાયોને 'સ્વદેશી મુસ્લિમ' જાહેર કર્યા છે
- 'આસામ મુસ્લિમ મૅરેજ બિલ' પસાર કર્યો. મુસ્લિમો માટે તેમના લગ્ન મૌલવી સાથે રજિસ્ટર કરાવવા જરૂરી નહીં રહે. લગ્ન અને છૂટાછેડાની સરકારી નોંધણી ફરજિયાત કરવામાં આવી છે
- આ ઉપરાંત સરકારી ગ્રાન્ટ મેળવતી લગભગ 1200 મદરેસાઓને સરકારી શાળાઓમાં ફેરવવામાં આવી છે
હિમંતા બિસ્વા સરમા પોતાના આ નિર્ણયોને પ્રગતિશીલ ગણાવે છે. તેઓ કહે છે કે તેઓ મુસ્લિમ સમુદાયમાં બાળલગ્ન, બહુપત્નીત્વ પ્રથા અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને આસામમાં ઘૂસતા અટકાવવા માગે છે.

હિમંતા બિસ્વા સરમા પોતાનાં નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. આવાં કેટલાંક નિવેદનો પર એક નજર કરીએ.
રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત:
"રાહુલ ગાંધીનો અમેરિકા જવાનો હેતુ ભારતને બદનામ કરવાનો છે. જે વ્યક્તિ વિદેશમાં જઈને ભારત વિરુદ્ધ બોલે છે તેના વિશે બોલવાનો કોઈ અર્થ નથી."
ભારત જોડો યાત્રા વિશે:
"તમારો ચહેરો થોડો બદલાઈ ગયો છે. તમારે ચહેરો બનાવવો જ હોય તો જવાહરલાલ નહેરુ જેવો બનાવો, જે તમારા નાના હતા. તમારે કમસે કમ ગાંધીજી જેવો ચહેરો બનાવવો જોઈએ, સદ્દામ હુસૈન જેવો ચહેરો લઈને ક્યાં ફરો છો."
રાજસ્થાનમાં કનૈયાલાલ હત્યા કેસ વિશે:
"એક બાજુ કનૈયાલાલની ઘટના બની અને પાંચ મિનિટમાં બીજી ઘટનાના સમાચાર પણ ટીવી પર આવવા જોઈએ. હિસાબ બરાબર. હિસાબમાં કોઈ ખામી ન હોવી જોઈએ. આ બહાદુરોની ભૂમિ છે અને અમે બહાદુરોની જેમ જવાબ આપીશું. "
આસામમાં કથિત ઘૂસણખોરી વિશે:
"મારા આસામમાં મુસ્લિમોની વસતી 40 ટકા પર પહોંચી ગઈ છે. 1951માં તે 12 ટકા હતી, આજે તે 40 ટકા છે. અમે એક પછી એક જિલ્લા ગુમાવ્યા છે. મારા માટે આ કોઈ રાજકીય મુદ્દો નથી. મારા માટે તે જીવન અને મૃત્યુનો મુદ્દો છે."
ધર્મનિરપેક્ષતા વિશે:
"આ દેશ હિંદુઓનો દેશ છે અને હંમેશાં હિંદુઓનો જ રહેશે. અમને ધર્મનિરપેક્ષતાની ભાષા ન શીખવો. તમારે મારી પાસેથી સેક્યુલરિઝમની ભાષા શીખવાની જરૂર નથી... બિનસાંપ્રદાયિકતાનો અર્થ એ નથી કે તમે રામમંદિરને તોડીને બાબરના નામે મસ્જિદ બનાવો."
રાજ્યની બહાર હિમંતાને જવાબદારી

ઇમેજ સ્રોત, Getty Images
આસામના રાજકારણમાં હિમંતા બિસ્વા સરમાની સફળતાને નજીકથી જોનારા લોકો માને છે કે હાલમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં હિમંતાથી મોટા બીજા કોઈ નેતા નથી.
એટલું જ નહીં, ભાજપે તેમને ઉત્તર-પૂર્વની બહાર ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને કેરળમાં પણ સ્ટાર પ્રચારક તરીકે મોકલ્યા હતા.
લગભગ 10 વર્ષમાં જ તેઓ ભાજપના ટોચના નેતાઓના પ્રિય બની ગયા છે.
તાજેતરમાં જ ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેન ભાજપમાં જોડાયા હતા.
હિમંતા બિસ્વા સરમાએ તેમને પાર્ટીમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. તેમને ઝારખંડના સહ-પ્રભારી પણ બનાવાયા હતા.
હિમંત અને કૉંગ્રેસ વચ્ચેનો સંબંધ
2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને મોટી જીત મળી અને બરાબર 15 મહિના પછી 28 ઑગસ્ટ 2015ના રોજ, હિમંતા બિસ્વા સરમા કૉંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.
હિમંતાનું રાજકારણ હંમેશાં આવું નહોતું. તેમણે તેમની રાજકીય કારકિર્દી કૉંગ્રેસમાંથી શરૂ કરી હતી. એક સમયે હિમંતા આસામની તરુણ ગોગોઈ સરકારમાં નંબર ટુનું પદ સંભાળતા હતા.
તે વખતે તેઓ ઘણી વાર ભાજપ અને નરેન્દ્ર મોદી પર 'મુસ્લિમ વિરોધી' હોવાનો આરોપ લગાવીને નિશાન તાકતા હતા.
2014ની લોકસભા ચૂંટણી સમયે એક સભાને સંબોધતા હિમંતા બિસ્વાએ નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "તમે કહો છો કે ગુજરાતમાં પાણીની પાઇપની અંદર મારુતિ કાર ચાલી શકે છે. તમે આસામના લોકોને સત્ય જણાવો કે આસામમાં પાણીની પાઇપલાઇનમાંથી પાણી જ વહે છે જ્યારે ગુજરાતમાં પાણીની પાઇપમાંથી મુસ્લિમોનું લોહી વહે છે."
આ ભાષણને લગભગ એક દાયકા પછી જે ભાષણમાં તેમણે જેમના પર રાજકીય પ્રહારો કર્યા હતા તે નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જ તેઓ હવે સભ્ય બન્યા હતા.
તેમનાં તાજેતરનાં ભાષણોમાં લૅન્ડ જેહાદ, લવ જેહાદ, ફ્લડ જેહાદ, મદરેસા જેહાદ જેવા શબ્દો સંભળાય હતા અને તેઓ રાહુલ ગાંધીને નિશાન બનાવતા હતા.
2017માં રાહુલ ગાંધીએ પોતાના કૂતરાને બિસ્કિટ ખવડાવતો વીડિયો ટ્વીટ કર્યો હતો.
તેના જવાબમાં હિમંતાએ લખ્યું હતું કે, "રાહુલ ગાંધીસર, આ વાત મારાથી વધુ સારી રીતે કોણ જાણી શકે. મને હજુ પણ યાદ છે કે જ્યારે અમે તમારી સાથે આસામના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતા હતા ત્યારે તમે તેને (કૂતરાને) બિસ્કિટ ખવડાવવામાં વ્યસ્ત હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























