સિંગાપોરના સેન્ટોસા ટાપુ પર મળશે ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, REUTERS/CAPELLA SINGAPORE
સમગ્ર વિશ્વ એ ઘડીની રાહ જોઈ રહ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન એકબીજાને મળશે.
12 જૂને બન્ને નેતાઓની મુલાકાત થશે. એવું પણ કહેવાયું છે કે આ વિશેષ મુલાકાત સિંગાપોરમાં થશે.
પણ સિંગાપોરમાં ક્યાં? આ પ્રશ્નનો જવાબ પણ વાઇટ હાઉસે આપ્યો છે.
વાઇટ હાઉસે કહ્યું છે એ પ્રમાણે બન્ને નેતાઓની મુલાકાત સિંગાપોરના સેન્ટોસા ટાપુ પર થશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે બધું જ આયોજન પ્રમાણે ચાલી રહ્યું છે.
અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોનો ખાત્મો કરે.
જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ સંમેલનમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે.
ટ્રમ્પ કહી ચૂક્યા છે કે પ્રથમ મુલાકાતમાં વાતચીતનો લાંબો દૌર ચાલી શકે છે અને પછી પણ અનેક મુલાકાતો થાય એ શક્ય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું પહેલી વખત થવા જઈ રહ્યું છે કે ઉત્તર કોરિયાના કોઈ રાષ્ટ્રપતિ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિને મળશે.

ઇમેજ સ્રોત, TWITTER
વાઇટ હાઉસનાં પ્રેસ સચિવ સારા સૈંડર્સે ટ્વિટર પર જાણકારી આપી છે કે મુલાકાત ફાઇવ સ્ટાર કેપેલા હોટલમાં થશે.
પણ બન્ને નેતાઓની રહેવાની વ્યવસ્થા કોઈ અન્ય સ્થળે કરાશે. સમાચારો પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ શાંગરી-લા હોટલમાં રોકાઈ શકે છે.
તેઓ પહેલાં પણ અહીં રોકાઈ ચૂક્યા છે. એ પ્રકારે જ કિમ જોંગ-ઉન સેન્ટ રેગિસ સિંગાપોર હોટલમાં રોકાઈ શકે છે. આ બન્ને હોટલ મુખ્ય ટાપુ પર આવેલી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સેન્ટોસા, સિંગાપોરના 63 ટાપુઓમાંથી એક છે. મુખ્ય ટાપુથી થોડાંક અંતરે આવેલો સેન્ટોસા ટાપુ 500 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે.
અહીં ઘણાં લક્ઝરી રિસૉર્ટ્સ, પ્રાઇવેટ મરીના અને ભવ્ય ગોલ્ફ ક્લબ આવેલા છે.
પણ આ ટાપુનો સમુદ્રી લૂંટ, ખૂનરેજી અને યુદ્ધ જેવો કાળો ઇતિહાસ પણ છે.

સમુદ્રી ડાકુઓનો અડ્ડો

ઇમેજ સ્રોત, Getty Images
19મી સદીમાં સિંગાપોરને એક બ્રિટિશ વેપારી થાણા તરીકે સ્થાપિત કરવામાં આવ્યું. ભારત અને ચીનના સમુદ્રી રસ્તા પર આ થાણું આવેલ હોવાથી તેનું વિશેષ મહત્ત્વ રહ્યું હતું.
બ્રિટિશ શાસન પહેલાંથી સિંગાપોર વેપારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અહીંયા વેપારીઓની ખૂબ અવર-જવર હતી. સમુદ્રી ડાકુઓનો પણ અહીં આતંક રહ્યો છે.
સમુદ્રી ડાકુઓની લૂંટ અને હિંસક ઘટનાઓએ આ વેપારી કેન્દ્રની છબીને હાનિ પહોંચાડી છે.

વિશ્વયુદ્ધ વખતે અહીં થયો હતો નરસંહાર

ઇમેજ સ્રોત, Reuters
1942માં સિંગાપોર જાપાન હસ્તક આવી ગયું હતું. ત્યારબાદ તેને એક જાપાની નામ 'સોયોનન' આપવામાં આવ્યું હતું. જેનો અર્થ દક્ષિણની રોશની એવો થાય છે.
પછીનાં કેટલાંક વર્ષોમાં જાપાન વિરોધી તત્ત્વોને ખતમ કરવા માટે ઑપરેશન ચલાવાયું, જેમાં હજારો લોકોની હત્યા કરવામાં આવી.
સેન્ટોસાના જે તટ પર નરસંહાર થયો હતો, એ જગ્યાએ હવે કેપેલા હોટલ બની ગઈ છે. આ હોટલમાં જ ટ્રમ્પ અને કિમની મુલાકાત થશે.
સેન્ટોસામાં યુદ્ધ કેદીઓ માટે એક કેમ્પ હતો, જ્યાં 400 સૈનિકો અને બંદૂકધારીઓને રાખવામાં આવ્યા હતા.

પર્યટનનું કેન્દ્ર અને ભયાનક દુર્ઘટનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1970માં સિંગાપોરની સરકારે આ દ્વીપનું નામ સેન્ટોસા રાખ્યું જેનો અર્થ થાય છે શાંતિ. ત્યારબાદ આ જગ્યાને પર્યટન સ્થળ તરીકે સ્થાપવામાં આવ્યું હતું.
પરંતુ આ ટાપુની મુશ્કેલીઓ હજુ યથાવત છે.
વર્ષ 1983માં દરિયામાંથી તેલ કાઢતાં જહાજોને કારણે એક દુર્ઘટના થઈ અને ટૂરિસ્ટ કેબલ કારની બે બોગીઓ સમુદ્રમાં પડી ગઈ હતી.
અહીં ફેન્ટસી આઇલેન્ડ નામે એક વોટર પાર્ક ખોલવામાં આવ્યો હતો. પરંતુ સુરક્ષા સંબંધી વ્યવસ્થા ઓછી હોવાને કારણે તે વિવાદોમાં રહ્યો.
વર્ષ 2000માં રાફ્ટિંગ કરી રહેલી એક આઠ વર્ષની બાળકી પાણીમાં ડૂબી ગઈ હતી. ત્યારબાદ પાર્કને બંધ કરી દેવામાં આવ્યો હતો.
સેન્ટોસાને 'સ્ટેટ ઑફ ફન' તરીકે વિકસિત કરવામાં આવ્યો છે. અહીં યુનિવસર્લ સ્ટુડિયો થીમ પાર્ક અને એક નવો વોટર પાર્ક પણ બનાવવામાં આવ્યો. સાથે જ વર્લ્ડ કેસિનો બનાવ્યો જેણે હજારો પ્રવાસીઓને આકર્ષિત કર્યા.

વૈભવી હોટલમાં ટ્રમ્પ અને કિમની મુલાકાત

ઇમેજ સ્રોત, ROBERT RECK/CAPELLA SINGAPORE
112 રૂમો ધરાવતો કેપેલા રિસોર્ટ 30 હેક્ટરમાં ફેલાયેલો છે. એક બ્રિટિશ આર્કિટેક્ટે તેની ડિઝાઇન તૈયાર કરી છે.
અહીં પ્રીમિયર ગાર્ડન કિંગ રૂમનું એક રાતનું ભાડું લગભગ 33,500 રૂપિયા છે.
જ્યારે પ્રાઇવેટ પૂલ સાથે ત્રણ રૂમવાળા કોલોનિયલ મનોરનું એક રાતનું ભાડું લગભગ 5 લાખ રૂપિયા છે.
વાઇટ હાઉસના અધિકારીઓ પહેલેથી જ અહીં આવી સ્થળની તપાસ કરી ગયા છે.
15 જૂન સુધી આખા રિસોર્ટને બુક કરી લેવામાં આવ્યો છે. આથી અહીં કોઈ પ્રવાસી અહીં જઈ શકશે નહીં.

સેન્ટોસામાં સંમેલન શા માટે?
આઇલેન્ડનું લોકેશન આ સ્થળને સુરક્ષિત બતાવી રહ્યું છે. કોઈ સહેલાઈથી અહીં પહોંચી શકતું નથી.
આ કારણે સેન્ટોસા ટાપુને ટ્રમ્પ-કિમની મુલાકાત માટે પસંદ કરવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















