સંશોધન: ફેક ન્યૂઝ પર ભરોસો એ માનવ સહજ સ્વભાવ

જુઠ્ઠાણાંને પગ નથી હોતા એવી કહેવત છે, પણ સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણાંને પાંખો હોય છે.
'ફેક ન્યૂઝ' વિશેના અત્યાર સુધીના સૌથી મોટા અભ્યાસ બાદ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે ખોટા સમાચારો બહુ ઝડપથી અને વ્યાપકપણે ફેલાતા હોય છે.
ખોટા સમાચાર એટલી હદે ફેલાય છે કે તેમની સામે સાચા સમાચાર પણ ટકી શકતા નથી.
30 લાખ લોકોએ છેલ્લા દસ વર્ષમાં અંગ્રેજી ભાષામાં કરેલી સવા લાખથી વધારે ટ્વીટ્સનો ગહન અભ્યાસ કર્યા બાદ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે ખોટા અને બનાવટી સમાચારો ઝડપથી ફેલાવાની તાકાત ધરાવે છે.
જોકે, પ્રતિષ્ઠિત મેગેજીન 'સાયન્સ'માં પ્રકાશિત કરવામાં આવેલો આ અહેવાલ ટ્વિટર પર ફેલાતા જુઠ્ઠાણાં પર કેંદ્રિત છે.
તેમ છતાં વિજ્ઞાનીઓનું કહેવું છે કે ફેસબૂક હોય કે યૂ ટ્યૂબ, જુઠ્ઠાણાંની વાત સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મને લાગુ પડે છે.
તમને આ વાંચવું પણ ગમશે:
આ અભ્યાસનું નેતૃત્વ મેસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ડેટા સાયન્ટિસ્ટ સોરોશ વોશોગીએ કર્યું હતું.
સોરોશ વોશોગી કહે છે, "જુઠ્ઠાણાં ફેલાવવાનું કામ સોશિયલબોટ્સ જ નથી કરતાં. જુઠ્ઠી સામગ્રીને ફેલાવવી એ માનવ સ્વભાવની નબળાઈ પણ હોવાનું અમારા અભ્યાસમાં બહાર આવ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સહજ માનવ સ્વભાવ

ઇમેજ સ્રોત, PA WIRE
તેમના આ કથનનો અર્થ એ થયો કે અફવા ફેલાવવાનું કે અફવાઓ પર ભરોસો કરવા એ માનવ સ્વભાવનો સહજ હિસ્સો છે. સોશિયલ મીડિયાએ તેને નવો મંચ ઉપલબ્ધ કરાવ્યો છે.
આ અભ્યાસપત્રની સાથે 'સાયન્સ' સામયિકે 16 વિખ્યાત રાજનીતિશાસ્ત્રીઓએ સાથે મળીને લખેલો એક લેખ પણ પ્રકાશિત કર્યો છે.
એ લેખમાં જણાવવામાં આવ્યું છે, "એકવીસમી સદીના સમાચારોના બજારમાં એક નવી વ્યવસ્થાની જરૂર છે, પણ જુઠ્ઠાણાંની બોલબાલાને બદલે સત્યને અગ્રતા મળે એવી વ્યવસ્થા કેવી હોવી જોઈએ?"
સોરોશ વોશોગીના જણાવ્યા અનુસાર, આવી કોઈ વ્યવસ્થાનું નિર્માણ આસાન નહીં હોય. સાચા સમાચારની તુલનાએ ખોટા સમાચાર છ ગણી ઝડપે ફેલાતા હોય છે.
બિઝનેસ, આતંકવાદ, યુદ્ધ અને સાયન્સ-ટેક્નોલોજીના ખોટા સમાચારો બહુ વંચાતા હોય છે, પણ રાજકારણ સંબંધી ખોટા સમાચાર સૌથી વધુ આસાનીથી ટ્રેન્ડ બની જતા હોય છે.

આ સંશોધન શા માટે વિશિષ્ટ છે?

ઇમેજ સ્રોત, AFP
ફેક ન્યૂઝ વિશે અગાઉ થયેલાં સંશોધનો કોઈ ખાસ ઘટનાકેન્દ્રી હતાં. દાખલા તરીકે, કોઈ બોમ્બવિસ્ફોટ કે કુદરતી આપદા સંબંધી ઘટના.
હાલનું સંશોધન વિશ્વના અનેક દેશોમાં 2006થી 2016 દરમ્યાન અંગ્રેજી ભાષામાં કરવામાં આવેલી ટ્વીટ્સ પર કેન્દ્રીત છે. એ સંદર્ભમાં આ બહુ વ્યાપક સંશોધન છે.
આ સંશોધન માટે વિજ્ઞાનીઓએ એક ખાસ અલ્ગોરિધમ બનાવી હતી. હજ્જારો-લાખ્ખો ટ્વીટ્સના મહાસાગરમાંથી એવી પોસ્ટ્સને પસંદ કરવામાં આવી હતી, જે સાચી અને તથ્યસભર હોય.
આમ કરવા માટે ત્રણ માપદંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સૌપ્રથમ એ ટ્વીટ કરનાર વ્યક્તિ, તેની વિશ્વસનિયતા અને તેનું અકાઉન્ટ વેરિફાઈડ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી.
બીજું, સંબંધિત ટ્વીટ કેવી ભાષામાં લખાયેલી છે એ ધ્યાનમાં લેવાયું હતું, કારણ કે ભરોસાપાત્ર લોકો શુધ્ધ અને પ્રભાવી ભાષા લખતા હોય છે.
ત્રીજો માપદંડ કેવા પ્રકારના લોકો તેને રિટ્વીટ કરે છે એ હતો, કારણ કે ભરોસાપાત્ર લોકો ખોટી ટ્વીટ કરતા નથી.

સચ્ચાઈની ચકાસણી

ઇમેજ સ્રોત, WHATS APP
સત્યને પરિભાષિત કરવાનું, તેને તપાસવાનું કામ મુશ્કેલ હતું. એ માટે સંશોધકોએ સચ્ચાઈની ચકાસણી કરતી અનેક વેબસાઈટ્સની મદદ લીધી હતી.
એ વેબસાઈટ્સમાં સ્નોપ્સ, પોલિટિકફેક્ટ અને ફેક્ટચેકનો સમાવેશ થાય છે.
આ સાઈટ્સની મદદથી વિજ્ઞાનીઓએ 2006થી 2016 સુધીની એવી સંખ્યાબંધ ટ્વીટ્સ શોધી કાઢી હતી, જે બનાવટી હતી.
એ પછી ગ્નિપના સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને એ શોધવામાં આવ્યું હતું કે ફેક ન્યૂઝ કેવી રીતે ફેલાયા હતા.
આ રીતે વિજ્ઞાનીઓએ 1.26 લાખ ટ્વીટ શોધી કાઢ્યાં હતાં, જે 45 લાખ વખત રિટ્વીટ કરવામાં આવ્યાં હતાં.
તેમાં બીજી કેટલીક સાઈટ્સના બનાવટી સમાચારની લિંક્સ હતી. કેટલીક ટ્વીટ્સમાં લોકો લિંક વિના જુઠ્ઠું જણાવતા હતા અને કેટલાંકમાં મીમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભરોસાપાત્ર સંસ્થાઓના સાચા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
આ સાથે ભરોસાપાત્ર સંસ્થાઓના સાચા સમાચાર કેટલા ફેલાયા તેનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.
શોધકર્તાઓને જાણવા મળ્યું હતું કે ફેક ન્યૂઝ વધુ લોકો સુધી પહોંચે છે અને વ્યાપક પ્રમાણમાં ફેલાય છે.
દાખલા તરીકે, ભરોસાપાત્ર સમાચાર ચોક્કસ વર્ગ પૂરતા મર્યાદિત રહે છે, જ્યારે ફેક ન્યૂઝ દરેક પ્રકારના લોકો સુધી પહોંચે છે.
વિજ્ઞાનીઓને એ પણ જાણવા મળ્યું હતું કે ફેક ન્યૂઝ ઝડપભેર રિટ્વીટ થાય છે અને તેની વ્યાપકતા વધારે હોય છે.
દાખલા તરીકે, 'ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના એક સમાચાર એક વખતે 1,000 લોકો સુધી પહોંચતા હોય છે. પછી તેના ફેલાવાની ગતિ ધીમી થતી જાય છે.
તેનાથી વિપરીત કોઈ બિનભરોસાપાત્ર વ્યક્તિ ફેક ન્યૂઝ શરૂ કરે છે અને તે નાના-નાના સમૂહોમાં શૅર થઈને આગળ વધે છે અને થોડા સમયમાં સાચા સમાચાર પર હાવી થઈ જાય છે.
આ વલણને સમજાવવા માટે શોધકર્તાઓએ અનેક ઉદાહરણ આપ્યાં હતાં.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક બીમાર બાળકની મદદ માટે પોતાનું અંગત વિમાન આપ્યું હોવાના સમાચાર આવ્યા હતા.
આ સમાચાર સાચા હતા, પણ તેને માત્ર 1,300 લોકોએ રિટ્વીટ કર્યા હતા.
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ ન બનવું જોઈએ, એવું તેમના એક સંબંધીએ મરતાં પહેલાં પોતાની વસીયતમાં લખ્યું હોવાના સમાચાર આવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પના આવા કોઈ સંબંધી ન હતા અને એ સમાચાર ખોટા હતા, પણ તેને 38 હજાર લોકોએ રિટ્વીટ કર્યા હતા.
સંશોધકોએ જણાવ્યું હતું કે ફેક ન્યૂઝ એક ગંભીર સમસ્યા છે અને તેના નિવારણ માટે વિશ્વના અગ્રણી સંગઠનોએ વિચારવું પડશે, કારણ કે આગળનો રસ્તો સીધો કે આસાન નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












