ઓમિક્રૉન વૅરિયન્ટ : પહેલો કેસ જ્યાં નોંધાયો હતો એ દક્ષિણ આફ્રિકા પાસેથી ભારતે શું શીખવું જોઈએ?
- લેેખક, રાશેલ શ્રેઅર અને પિટર મ્વાઈ
- પદ, બીબીસી રિયાલિટી ચેક
દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં સામે આવેલા ઓમિક્રૉન વૅરિયન્ટનું સંક્રમણ બીજા દેશોમાં પણ ફેલાઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) જણાવે છે કે, "અગાઉના કોઈ પણ વૅરિયન્ટ કરતાં આ વૅરિયન્ટ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે."
દક્ષિણ આફ્રિકાના અનુભવમાંથી આપણને બીજા કયા બોધપાઠ મળે તેમ છે?

શું ઓમિક્રૉનથી માત્ર હળવી બીમારી થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકામાં હૉસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, દરેક પ્રાંતમાં બહુ ઝડપથી સંક્રમણ પ્રસરી રહ્યું છે.
જોકે, આંકડાઓ પરથી આવતા અંદાજ મુજબ કેસની સંખ્યામાં આપણને લાગે છે તેટલો વધારો જોવા મળી રહ્યો નથી. હાલમાં ઓછી સંખ્યામાં દર્દીઓને ઑક્સિજનની તથા વૅન્ટિલેટર્સની જરૂર પડી રહી છે. દર્દીઓને ઓછો સમય માટે હૉસ્પિટલમાં રાખવા પડે છે.
દેશની જાણીતી આરોગ્ય સંસ્થા ડિસ્કવરી હૅલ્થના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રિકામાં પ્રથમ લહેર વખતે જેટલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા, તેની સરખામણીએ ઓમિક્રૉનનો ચેપ લાગ્યા બાદ પુખ્ત વયના દર્દીઓમાંથી 30 ટકા ઓછા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
અગાઉની લહેર કરતાં આ વખતે સ્થિતિ એ રીતે પણ જુદી છે કે, વધારે પ્રમાણમાં રસીકરણ થયું છે અને જનસમૂહમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધી છે.
વૅક્સિનના બંને ડોઝ લીધા હોય અને અગાઉ કોરોનાનો ચેપ લાગ્યો હોય, તેવી વ્યક્તિઓને પણ ઓમિક્રૉનનો ચેપ લાગવાની શક્યતા છે, પરંતુ આવા લોકોને થતી બીમારી ઘણી ઓછી તીવ્ર હોય છે.

નવા વૅરિયન્ટ પર રસીની શું અસર છે?

ઇમેજ સ્રોત, Getty Images
જોહાનિસબર્ગની ક્રિસ હેની બરાગવનાથ હૉસ્પિટલના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. વિકી બેઈલી કહે છે કે લોકોમાં વધુ ઇમ્યુનિટી આવી છે. તેના કારણે જ કદાચ હૉસ્પિટલમાં ઓછા લોકોને સારવાર આપવી પડી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "એવા કોઈ પુરાવા નથી કે આ વૅરિયન્ટ ઓછો જોખમી હોય."
વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવી પણ ચેતવણી આપી છે કે હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે. તેના કારણે પણ આ વૅરિયન્ટ હળવો છે તેવી છાપ ઊભી થઈ શકે છે.
બીજું કે હૉસ્પિટલમાં દાખલ થનારા મોટા ભાગના દર્દીઓ 40થી ઓછી ઉંમરના છે અને આ ઉંમરના લોકોને ગંભીર બીમારીનું જોખમ ઓછું જ હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રકારના દર્દીઓ અન્ય કારણોસર હૉસ્પિટલ પહોંચતા હોય છે. દક્ષિણ આફ્રિકામાં હૉસ્પિટલ પર આવનારા દરેકનો કોરોના ટેસ્ટ થાય છે અને તે રીતે આ કેસો નોંધાય છે. અન્ય કારણોસર આવેલા હોય અને સંક્રમણની જાણ થાય ત્યારે લક્ષણો ખૂબ જ નહિવત્ જોવા મળે છે.
બીજું કારણ એ પણ છે કે દક્ષિણ આફ્રિકામાં 60થી વધુની ઉંમરના મોટા ભાગના લોકોને રસી આપી દેવામાં આવી હોય તેવું બન્યું છે. તેના કારણે પણ તેમની સામે ગંભીર બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે.
આમ પણ દક્ષિણ આફ્રિકાની વસતી યુવા વયની વધારે છે. કેમ કે નાગરિકોની સરેરાશ ઉંમર 27.6 વર્ષની છે. યુકેમાં સરેરાશ ઉંમર 40.4ની છે, તેના કરતાં ઘણી ઓછી ઉંમર ગણાય. તેથી વધુ મોટી ‘સરેરાશ ઉંમર’ ધરાવતા દેશો કરતાં દક્ષિણ આફ્રિકામાં સ્થિતિ અલગ હોઈ શકે છે.

શું વધારે બાળકોને ઓમિક્રૉનનું સંક્રમણ લાગી રહ્યું છે?
દક્ષિણ આફ્રિકાના ગૌટૅંગ સહિતના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોના આંકડા પરથી ખ્યાલ આવે છે કે હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં બાળકોનું પ્રમાણ વધી રહ્યું છે.
આ આંકડા તરફ ધ્યાન દોરીને કેટલાક લોકોએ ચેતવણી આપી છે કે યુવાઓ માટે આ વૅરિયન્ટ વધારે જોખમી બની શકે છે.
જોહાનિસબર્ગની વિટવૉટર્સરેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હૅલેન રીસ કહે છે કે થોડા કેસના આધારે આ તારણ નીકળ્યું છે. બીજું કે મોટેરાની જેમ જ બાળકો પણ બીજા કારણસર હૉસ્પિટલમાં દાખલ થાય ત્યારે તેમના ટેસ્ટ થકી કોરોનાનો ખ્યાલ આવે છે.
ડૉ. બેઈલીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમની હૉસ્પિટલમાં કોવિડને કારણે ગંભીર સ્થિતિમાં હોય તેવા થોડા બાળકો દાખલ થયા હતા. જોકે તેઓ બે કે ત્રણ દિવસમાં સ્વસ્થ થઈ ગયાં હતાં.
તેમણે એ વાત તરફ ધ્યાન દોર્યું કે આ આંકડા ગરીબ વિસ્તારમાંથી આવેલા બાળકોના છે. આ વિસ્તારોમાંથી આવતાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેથી તેમનામાં સંક્રમણનું જોખમ પણ વધારે હોઈ શકે છે.
ગૌટૅંગ પ્રાંતમાં હૉસ્પિટલમાં દાખલ થનારા બાળકોની સંખ્યા ઓછી પણ થવા લાગી છે. પ્રથમ અઠવાડિયે દાખલ થતા બાળકોનું પ્રમાણ 14% જેટલું હતું, જે ત્રીજા અઠવાડિયે ઘટીને 8% થયું છે.

ઓમિક્રૉન સામે રસીકરણ કેટલું અસરકારક?
દક્ષિણ આફ્રિકામાં રસીકરણની ગતિ ધીમી છે. દેશની વસતીના માત્ર 26 ટકાને જ બંને ડૉઝ મળેલા છે.
તેથી વધુ રસીકરણ થયું હોય તેવા દેશ સાથે તેની સરખામણી કરી શકાય તેમ નથી. જોકે દક્ષિણ આફ્રિકાના લોકોમાં કુદરતી રીતે વધારે રોગપ્રતિકારક શક્તિ જોવા મળી રહી છે.
સેન્ટ એન્ડ્રૂઝ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. મુગે સેવિક જણાવે છે કે, "રસીકરણને કારણે ચેપના ફેલાવાનું જોખમ ઓછું થઈ જાય છે. રસી લીધેલી હોય ત્યારે દર્દીને ઓછો સમય ચેપ રહે છે અને વાઇરસ ઝડપથી નાશ પામે છે. તેના કારણે અન્ય લોકો સુધી ચેપ ફેલાવાની શક્યતા ઘટી જાય છે."
આમ છતાં આ નવો વૅરિયન્ટ વધારે રસીકરણ થયું હોય તેવા ક્ષેત્રોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ચેપને સંપૂર્ણપણે રોકવામાં બહુ ઓછી રસી અસરકારક છે, પણ રસી લીધેલી હોય ત્યારે બીમારીની તીવ્રતા ઘટી જાય છે તે સ્પષ્ટ છે.
જોકે કેટલા પ્રમાણમાં ઘટી જાય છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકતો નથી.
દક્ષિણ આફ્રિકામાં થયેલા પ્રાથમિક પરીક્ષણમાં ખ્યાલ આવ્યો છે કે ફાઇઝરની વૅક્સિનને કારણે હૉસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 70 ટકા ઘટી જાય છે. ઘણા મહિનાનું અંતર રાખીને બે ડૉઝ લેવાયા હોય ત્યારે આવું પરિણામ આવે છે, જ્યારે ત્રીજો બૂસ્ટર ડૉઝ લીધા પછી દવાખાને દાખલ થવાની શક્યતા 90 ટકા સુધી ઘટી જાય છે.
જોકે દક્ષિણ આફ્રિકામાં અન્ય રસીનો પણ ઉપયોગ થયો છે. ઘણા બધાએ જૉન્સન ઍન્ડ જૉન્સનની રસી લીધેલી છે. તેથી જુદી-જુદી રસી કેટલા પ્રમાણમાં અસરકારક નીવડે છે તે માટે વધારે સંશોધનની જરૂર છે.
એડિશનલ રિપોર્ટિંગ નિકોલા મોરિસન, બીબીસી મોનિટરિંગ



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














