ઓમિક્રૉન વૅરિયન્ટ એ કોરોના મહામારીનો અંત છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કોરોના વાઇરસના નવા ઓમિક્રૉન વૅરિયન્ટે અનેક દેશોની ચિંતા વધારી દીધી છે અને વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ અંગે અનેક વખત સૂચના આપી છે.
ભારતમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે અને ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.
જોકે ઓમિક્રૉન વૅરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો હોવા છતાં તે ઓછો જીવલેણ હોવાનો મત અનેક આરોગ્ય સંલગ્ન બાબતોને તજજ્ઞો ધરાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ સ્થિતિમાં એક પ્રશ્ન એવો પણ ઊઠી રહ્યો છે કે કેટલાક દેશોમાં કોરોનાની ત્રીજી અને ચોથી લહેરનું કારણ બનેલો આ વૅરિયન્ટ શું કોરોના મહામારીનો અંત છે?
ઓમિક્રૉન વૅરિયન્ટ અંગે આ અને આના જેવા અન્ય પ્રશ્નોના જવાબ શોધવા માટે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક ડૉ. દિલીપ માવળંકર સાથે વાત કરી હતી.
તેઓ કહે છે કે વર્ષ 2006માં આફ્રિકાથી ભારતમાં ચિકનગુનિયા નામનો રોગ આવ્યો હતો, શરૂઆતમાં તેણે ખૂબ તબાહી મચાવી, પરંતુ બે-ત્રણ વર્ષમાં રોગનો વાઇરસ નબળો પડી ગયો અને હાલમાં તે એક સામાન્ય બીમારી બની ગઈ છે.
તેઓ કહે છે કે તે રીતે સ્વાઇન ફ્લૂ પણ આવ્યો, શરૂના એકાદ-બે વર્ષ તે ખૂબ ઘાતકી રીતે પ્રસર્યો. સમય જતાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધી અને તે નબળો પડ્યો. જેથી હવે તે પણ સામાન્ય બીમારી બની ગઈ છે.

ઓમિક્રૉન વૅરિયન્ટ છે કે કેમ તે કઈ રીતે ખબર પડે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
સામાન્ય રીતે આરટીપીસીઆર તેમજ રેપિડ ટેસ્ટમાં ખબર પડે છે કે તમે કોરોના વાઇરસથી સંક્રમિત છો કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. દિલીપ માવળંકરના જણાવ્યા પ્રમાણે આ ટેસ્ટની મદદથી એ પણ જાણી શકાય છે કે વ્યક્તિ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત છે કે નહીં.
તેઓ કહે છે કે "આરટીપીસીઆર તેમજ રેપિડ ટેસ્ટમાં ત્રણ જીનની ચકાસણી કરવામાં આવતી હોય છે."
"આ ત્રણ જીન પૈકી ‘એસ’ જીનની ગેરહાજરી એ ઓમિક્રૉન વૅરિયન્ટની પ્રબળ શક્યતા દર્શાવે છે. જોકે તે એકદમ ચોક્કસ નથી."
આરટીપીસીઆર તેમજ રેપિડ ટેસ્ટમાં જો સેમ્પલમાં આ ‘એસ’ જીન જોવા ન મળે તો સેમ્પલને જિનેટિક સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતું હોય છે. જ્યાંથી ચોક્કસ માહિતી મળી રહે છે.

ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસો વધશે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. માવળંકર કહે છે કે ભારતમાં પહેલાં ટેસ્ટિંગના કુલ સેમ્પલો પૈકી પાંચ ટકાનું જિન સિક્વન્સિંગ કરવામાં આવતું હતું. જે ઓમિક્રૉન બાદ વધારી દેવામાં આવ્યું છે.
તેમના કહેવા પ્રમાણે ભારતમાં જિનેટિક સિક્વન્સિંગ કરી શકે તેવી 20 જેટલી લૅબોરેટરી છે, જોકે પ્રક્રિયા લાંબી હોવાથી રિપોર્ટ આવતા સમય લાગે છે.
સાથે જ તેઓ કહે છે કે, "જેમ-જેમ સેમ્પલિંગ વધશે, તેમ-તેમ વૅરિયન્ટના કેસો પણ વધશે પરંતુ તેનાં લક્ષણો જોતાં લાગતું નથી કે તે ડેલ્ટા વૅરિયન્ટ જેટલો ઘાતકી સાબિત થશે."
ડૉ. માવળંકરના જણાવ્યા પ્રમાણે ઓમિક્રૉન વૅરિયન્ટ ડેલ્ટા કરતાં વધુ ઝડપથી પ્રસરે છે, પરંતુ આ સિવાય તેના દર્દીઓમાં કોઈ ગંભીર લક્ષણો દેખાતાં નથી. ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત લોકોમાં માત્ર હળવાં અથવા તો નહિવત્ લક્ષણો જોવા મળે છે.
જેથી કહી શકાય કે ભારતમાં આગામી દિવસોમાં ઓમિક્રૉનના કેસો વધશે, પરંતુ મૃત્યુદર તેમજ હૉસ્પિટલાઇઝેશનનો દર ઘટી શકે છે.

શું રસીના બે ડોઝથી ઓમિક્રૉનને ટાળી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. માવળંકર કહે છે કે જો લોકો માનતા હોય કે રસીના બે ડોઝ લીધા બાદ ઓમિક્રૉન વૅરિયન્ટથી બચી જવાશે, તો તે વાત ખોટી છે.
તેમના જણાવ્યા પ્રમાણે, "ઓમિક્રૉન વૅરિયન્ટના શરૂઆતી કેસો નોંધાયા, એ બાદ તે 90થી વધારે દેશોમાં પ્રસરી રહ્યો છે."
"તેના પરથી સાબિત થાય છે કે આ વૅરિયન્ટ વૅક્સિનેટેડ લોકોમાં પણ રહી શકે છે અને તેમને ભલે કોઈ લક્ષણો ન જણાય, પરંતુ તેઓ પણ આ વૅરિયન્ટના વાહક બની શકે છે."
સાથે જ તેઓ જણાવે છે કે જ્યારે રસી આવી ત્યારે શરૂઆતમાં એમ હતું કે રસીની વાઇરસ સામે પ્રતિરોધકતા 90 ટકા છે.
જે બાદ ડેલ્ટા વૅરિયન્ટ આવ્યો, અને તે ઘટીને 70 ટકાએ પહોંચી હતી. જે ઓમિક્રૉન આવ્યા બાદ ઘટીને 30 ટકા સુધી પહોંચી હોવાનું શરૂઆતી અભ્યાસ સૂચવે છે.
દક્ષિણ આફ્રિકામાં સિવાય હાલમાં બ્રિટન તેમજ યુરોપમાં ઓમિક્રૉનના મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આ દેશોમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.
ત્યારે ભારતમાં બૂસ્ટર ડોઝની આપી શકવાની સ્થિતિ અંગે ડૉ. માવળંકર કહે છે કે કેન્દ્ર સરકારની વિવિધ કમિટીઓ હાલમાં રસીનો ત્રીજો ડોઝ આપવો કે નહીં તે માટે વિચારવિમર્શ કરી રહી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
એમ્બેડ કરવાના વીડિયો -












