ઓમિક્રૉન વૅરિયન્ટ : સૌથી અસરગ્રસ્ત આફ્રિકા, અમેરિકા અને યુરોપના દેશોની શું છે પરિસ્થિતિ?

ભારતમાં મહારાષ્ટ્રમાં નોંધાયેલો ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ દર્દીના સાજા થવાના અહેવાલ છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, નવેમ્બરના અંતમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવેલા 33 વર્ષીય મરિન ઍન્જિનિયર કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત થયા હતા.

જેની સારવાર પૂર્ણ થતા તેમને બુધવારના રોજ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક અઠવાડિયા માટે હૉમ ક્વોરૅન્ટીન રાખવામાં આવ્યા છે.

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટથી સૌથી વધુ અસરગ્રસ્ત આફ્રિકા, અમેરિકા અને યુરોપના દેશો છે

ઓમિક્રૉન વૅરિયન્ટ ઝડપથી ફેલાવા લાગ્યો ત્યારથી એવી ચિંતાઓ પણ પ્રસરી રહી હતી કે આ વૅરિયન્ટ અત્યાર સુધીનો સૌથી ખતરનાક વૅરિયન્ટ છે જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વૅરિયન્ટ ડૅલ્ટા કરતા ઓછો જોખમી લાગી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે હાલ દુનિયામાં કોરોના સંક્રમિતોમાંથી 90 ટકાથી વધારે કેસ ડેલ્ટા વૅરિયન્ટના છે.

ધ ગાર્ડિયનના અહેવાલ પ્રમાણે, છેલ્લા 60 દિવસમાં ગ્લોબલ કોવિડ ડેટાબેઝમાં મોકલવામાં આવેલા 8,99,935 કોરોના ટૅસ્ટના પરિણામો પૈકી 8,97,886 એટલે કે 99.8 ટકા કેસોમાં ડેલ્ટા વૅરિયન્ટની હાજરી જોવા મળી હતી. જ્યારે, માત્ર 713 પરિણામો એટલે કે 0.1 ટકા કેસોમાં ઓમિક્રૉન વૅરિયન્ટની હાજરી જોવા મળી હતી.

ત્યારે ઓમિક્રૉન વૅરિયન્ટ મળ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યક્ષેત્રના સાત ઝોન પૈકી સૌથી વધુ અસરગ્રસ્ત એવા આફ્રિકન, અમેરિકન અને યુરોપ ઝોનમાં શું પરિસ્થિતિ છે તે અમે જાણવાનો પ્રયાસ કર્યો.

આ દેશોમાં હાલની કોરોનાની પરિસ્થિતિ અંગે આપને જણાવી રહ્યા છે.

line

આફ્રિકન દેશોની શું છે સ્થિતિ?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના વાઇરસ

વિશ્વ આરોગ્ય સંસ્થાના ‘આફ્રિકન ઝોન’માં દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, નાઇજેરિયા, યુગાન્ડા સહિત તમામ આફ્રિકન દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઝોનમાં જ સૌથી પહેલા ઓમિક્રૉન વૅરિયન્ટની હાજરી જોવા મળી હતી.

ઓમિક્રૉનને ‘વૅરિયન્ટ ઑફ કન્સર્ન’ જાહેર કરાયા બાદ આફ્રિકન દેશોમાં નવા કેસોની સંખ્યા ખૂબ જ ઝડપી વધી રહી છે, પરંતુ ઓમિક્રૉનના સંક્રમણમાં મૃત્યુદર ખૂબ જ ઓછો હોવાનું જાણવા મળ્યું છે.

29 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન આ દેશોમાં 79 હજાર નવા કેસો નોંધાયા હતા. જે અગાઉના સપ્તાહની સરખામણીએ 79 ટકાનો વધારો સૂચવે છે.

જ્યારે આ સપ્તાહ દરમિયાન આફ્રિકન દેશોમાં કુલ મૃત્યુ 500થી ઓછાં જોવાં મળ્યાં છે. જે અગાઉના સપ્તાહની સરખામણીએ 13 ટકાનો ઘટાડો સૂચવે છે.

વીડિયો કૅપ્શન, ઓમિક્રૉનનો વધતો વ્યાપ – COVER STORY

ઓમિક્રૉન વૅરિયન્ટ મળી આવ્યા બાદ દક્ષિણ આફ્રિકામાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દર અઠવાડિયે આફ્રિકન દેશોમાં સૌથી વધુ કેસ દક્ષિણ આફ્રિકામાંથી જ મળી આવે છે.

દક્ષિણ આફ્રિકામાં એક અઠવાડિયામાં 62,021 નવા કેસ નોંધાયા હતા. જે ગત અઠવાડિયાની સરખામણીએ 111 ટકાનો વધારો સૂચવે છે.

ત્યારે ઝિમ્બાબવેમાં 136 ટકાનો વધારો થયો છે.

જોકે, દક્ષિણ આફ્રિકામાં આ અઠવાડિયા દરમિયાન કોરોનાથી 174 લોકોનાં મોત નીપજયાં છે. ચોંકાવનારી બાબત છે કે, દક્ષિણ આફ્રિકાના સાપ્તાહિક મૃત્યુઆંકમાં 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

line

અમેરિકન દેશોની શું છે સ્થિતિ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં કોરોનાના નવા વૅરિયન્ટ ઓમિક્રૉન માટે બનાવ્યા ખાસ વૉર્ડ, કેવી છે સુવિધા?

વિશ્વ આરોગ્ય સંસ્થાના ‘અમેરિકન ઝોન’માં મધ્ય અમેરિકા, લૅટિન અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, કૅરેબિયન દ્વીપ સમૂહના 35 દેશોનો સમાવેશ થાય છે.

ઓમિક્રૉનને ‘વૅરિયન્ટ ઑફ કન્સર્ન’ જાહેર કરાયા બાદ આ દેશોમાં નવા કેસોની સંખ્યા તો વધી છે, પરંતુ તેની સામે મૃત્યુદર ઓછો હોવાનું જાણવા મળ્યું છે.

29 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન આ દેશોમાં 9,35,000 કેસો નોંધાયા છે. ગત સપ્તાહની સરખામણીએ નવા કેસમાં 21 ટકા વધુ છે.

અમેરિકન દેશોમાં સાપ્તાહિક મૃત્યુદરમાં 38 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સપ્તાહ દરમિયાન 13 હજાર લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

આ દેશોમાં સૌથી વધારે કેસ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં નોંધાયા છે.

અમેરિકા(યેએસએ)માં આ સપ્તાહ દરમિયાન 7,52,394 કેસ નોંધાયા છે. જે અગાઉના સપ્તાહ કરતા 30 ટકાનો વધારો દર્શાવે છે.

મૃત્યુદરના મામલે પણ અમેરિકા (યુએસએ) આ ઝોનમાં તમામ દેશોથી આગળ છે. ત્યાં એક સપ્તાહમાં 8,527 લોકોનાં કોરોનાથી મોત નીપજ્યાં છે. જે 56 ટકાનો વધારો દર્શાવે છે.

line

યુરોપના દેશોની શું છે સ્થિતિ?

વિશ્વ આરોગ્ય સંસ્થાના ‘યુરોપીયન ઝોન’માં યુરોપના તમામ દેશો સહિત રશિયા, સર્બિયા સહિત કુલ 53 દેશોનો સમાવેશ થાય છે.

ઓમિક્રૉનને ‘વૅરિયન્ટ ઑફ કન્સર્ન’ જાહેર કરાયા બાદ યુરોપના દેશોમાં નવા કેસોની સંખ્યા અને મૃત્યુદર સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

29 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન આ દેશોમાં 26 લાખ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 29 હજાર લોકોનાં કોરોનાથી મૃત્યું થયાં છે.

આ સમય દરમિયાન સૌથી વધુ 3,96,429 કેસો જર્મનીમાં અને ત્યારબાદ 3,10,696 કેસો યુનાઇટેડ કિંગ્ડમમાં નોંધાયા છે.

આ દેશોમાં ફ્રાન્સ એક એવો દેશ છે, જ્યાં સાપ્તાહિક કેસોમાં 49 ટકા વધારો જોવા મળ્યો છે. આ સપ્તાહ દરમિયાન ફ્રાન્સમાં કુલ 2,83,500 નવા કેસ નોંધાયા છે.

મૃત્યદરની વાત કરવામાં આવે તો 29 નવેમ્બરથી પાંચ ડિસેમ્બર દરમિયાન યુરોપમાં સૌથી વધુ 3163 મૃત્યું યુક્રેનમાં નોંધાયાં છે. જોકે તે અગાઉના સપ્તાહની સરખામણીએ 18 ટકા ઓછાં છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો