"મેં વૅન્ટિલેટર બંધ કર્યું અને કોરોના દર્દીને શાંતિથી મરવા દીધાં" - ICU નર્સની હૃદયદ્રાવક આપવીતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્વામીનાથન નટરાજન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
વૅન્ટિલેટર મળી જાય તો ઘણા ગંભીર covid-19 દર્દીનો જીવ બચાવવાની શક્યતા ઊભી થાય.
વૅન્ટિલેટરથી ફેફસાં સુધી ઑક્સિજન પહોંચાડવામાં આવે છે અને કાર્બન ડાયૉક્સાઇડ બહાર ખેંચી લેવાય છે, કેમ કે દર્દી પોતે એમ કરી શકે તેવી સ્થિતિમાં હોતો નથી.
પરંતુ ઘણી હૉસ્પિટલો એવી છે જ્યાં પૂરતી સંખ્યામાં વૅન્ટિલેટર ઉપલબ્ધ ન હોવાથી બધા દર્દીને તે મળતાં નથી અને તેવા સંજોગોમાં કયા દર્દીનું વૅન્ટિલેટર હઠાવી લેવું તેનો બહુ વિકટ નિર્ણય કરવાનું મેડિકલ ટીમના માથે આવે છે.
"વૅન્ટિલેટર બંધ કરી દેવાનું કામ કંપારી છોડાવી દે તેવું હોય છે અને પીડાથી ભરપૂર હોય છે. ક્યારેક મને થાય કે હું જ દર્દીના મોત માટે જવાબદાર છું," આ શબ્દો જૌનતા નિતલાના છે.
લંડનની રૉયલ ફ્રી યુનિવર્સિટી હૉસ્પિટલના આઈસીયુમાં નર્સિંગના વડાં તરીકે તેઓ કામ કરે છે.
ભારતમાં જન્મેલાં જૌનિતા નિતલા છેલ્લાં 16 વર્ષથી બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) સાથે ઇન્ટેન્સિવ કેર નર્સ તરીકે કામ કરે છે.
"વૅન્ટિલેટર ડિસકનેક્ટ કરવાનું કામ પણ મારી ફરજના ભાગરૂપે આવે છે," એમ 42 વર્ષનાં જૌનિતા બીબીસીને જણાવે છે.

છેલ્લી ઇચ્છા

ઇમેજ સ્રોત, Getty Images
એપ્રિલના બીજા અઠવાડિયે એક સવારે શિફ્ટ શરૂ થઈ કે તરત આઈસીયુના ડૉક્ટરે નિતલાને જણાવ્યું કે covid-19ના એક દર્દીની સારવાર અટકાવી દેવાની રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દર્દી પોતે પણ એક 50 વર્ષનાં નર્સ હતાં, જે જાહેર આરોગ્ય કેન્દ્રમાં કામ કરતાં હતાં. નિતલાએ દર્દીનાં દીકરી સાથે વાત કરીને આગળની કાર્યવાહી કેવી રીતે કરવાની રહેશે તે જણાવવું પડ્યું.
"મેં તેમની દીકરીને જણાવ્યું કે તમારી માતા પીડામાં નથી અને શાંત જણાઈ રહી છે. મેં તેમની છેલ્લી ઇચ્છા પણ પૂછી લીધી અને તેમની માતાની ધાર્મિક ક્રિયાઓ વિશે પણ પૂછી લીધું હતું."
આઈસીયુમાં નજીક નજીકમાં બેડ હોય છે. સાજા થવાની શક્યતા ના રહી હોય તેવા દર્દીની આસપાસ બીજા દર્દીઓ પણ હોય છે, જે બેહોશ હોય છે.
"એ કમ્પાર્ટમેન્ટમાં 8 બેડ હતા. બધા જ દર્દીઓ બહુ ગંભીર સ્થિતિમાં હતા. મેં પરદા પાડી દીધા અને બધા એલાર્મ પણ બંધ કરી દીધાં."
મેડિકલ ટીમ પણ થોડી વાર માટે સ્થિર થઈ ગઈ હતી.
"નર્સોએ વાતચીત પણ બંધ કરી દીધી. અમારા દર્દીની ડિગ્નિટી અને શાંતિ અમારા માટે પ્રાયૉરિટી હોય છે," એમ નિતલા કહે છે.
ત્યારબાદ તેમણે દર્દીના કાન પાસે ફોન રાખ્યો અને તેમની દીકરીને કહ્યું કે તમારે વાત કરવી હોય તે કરી લો.
"મારા માટે આ વધુ એક કૉલ હતો, પણ કુટુંબ માટે તે બહુ અગત્યનો હોય છે. પરિવારજનોની ઇચ્છા વીડિયો કૉલ કરવાની હતી, પણ આઈસીયુમાં સ્માર્ટફોન લાવવાની મનાઈ હોય છે."
સંપર્કનો અંત
દર્દીના સ્વજનોની ઇચ્છા પ્રમાણે નિતલાએ એક કમ્પ્યુટરમાંથી ચોક્કસ મ્યુઝિક વીડિયો વગાડ્યો. ત્યારબાદ પંખો બંધ કરી દેવામાં આવ્યો.
"હું તેનો હાથ પકડીને તેનાં મૃત્યુ સુધી તેની બાજુમાં જ બેસી રહી," એમ તેઓ કહે છે.
વૅન્ટિલેટર હઠાવી લેવાનો નિર્ણય મેડિકલ ટીમ પૂરતો વિચાર કર્યા પછી જ લેતી હોય છે. દર્દીની ઉંમર, અગાઉ તેમને થયેલી બીમારી, સાજા થવાની શક્યતા વગેરે બાબતોને ધ્યાનમાં લઈને નિર્ણય કરાતો હોય છે.
નિતલાએ વૅન્ટિલેટર બંધ કર્યું તેની પાંચ મિનિટ પછી દર્દીનું અવસાન થયું હતું.
"હું મૉનિટર પર ઝબૂકતી લાઇટ્સ જોતી રહી અને જોયું કે હૃદયના ધબકારા ઝીરો પર પહોંચ્યા અને એક સીધી રેખા સ્ક્રીન પર દેખાઈ," એમ નિતલા કહે છે.

એકલા જ આખરી વિદાય

ઇમેજ સ્રોત, Getty Images
હવે દર્દીને બેહોશ રાખવા માટે અપાતી દવાની નળીઓ પણ હઠાવી લીધી.
દર્દીની દીકરીને ખ્યાલ નહોતો કે વૅન્ટિલેટર હઠાવવાની વિધિ પૂર્ણ થઈ ગઈ છે, એથી તેઓ પોતાનાં માતા સાથે ફોન પર વાત કરતાં હતાં અને પ્રાર્થના કરતાં હતાં.
આખરે ભારે હૃદયે નિતલાએ ફોન ઉપાડીને વાત કરવી પડી અને સ્વજનોને જણાવવું પડ્યું કે તેમણે અંતિમ વિદાય લઈ લીધી છે.
દર્દીના અવસાન સાથે નર્સનું કામ પૂરું થતું નથી.
"સહકર્મચારીની મદદથી તેમનો બૅડ સાફ કર્યો. દર્દીના દેહને સફેદ વસ્ત્રોમાં લપેટીને બોડીબૅગમાં મૂક્યો. તે પહેલાં તેમના કપાળે ક્રોસની નિશાની કરવાનું હું ભૂલી નહોતી," એમ બીબીસીને તેમણે જણાવ્યું.
કોરોના વાઇરસના પ્રારંભના દિવસોમાં દર્દીની સારવાર અટકાવવાની વાત આવે ત્યારે સગાઓ સાથે ડૉક્ટરો રૂબરૂમાં વાતચીત કરતા હતા.
વૅન્ટિલેટર હઠાવતાં પહેલાં નજીકના સગાને આઈસીયુમાં આવવા દેવાતા હતા.
પરંતુ હવે દુનિયાના મોટા ભાગના દેશોમાં આવી મંજૂરી બંધ કરી દેવામાં આવી છે.
"કોઈ એકલું જ અવસાન પામે તે જોવાનું બહુ દુઃખદ હોય છે," એમ નિતલા કહે છે.
દર્દી શ્વાસ લેવા માટે મથામણ કરે તે જોવું પડતું હોય છે અને "તે બહુ પીડાદાયક અનુભવ હોય છે."

પથારીઓની તંગી

ઇમેજ સ્રોત, Getty Images
દર્દીઓની સંખ્યામાં જંગી વધારો થયો તે પછી હૉસ્પિટલે આઈસીયુમાં પથારીની સંખ્યા 34થી વધારીને 60ની કરી હતી. બધા જ બેડ અત્યારે ભરાયેલા છે.
આઈસીયુમાં હવે 175 નર્સિગ સ્ટાફ કામ કરે છે.
"સામાન્ય રીતે અમે એક દર્દીએ એક નર્સ રાખતા હતા. હવે એક નર્સે 3 દર્દીઓની સંભાળ લેવી પડે છે. સ્થિતિ બગડશે તો છ દર્દીઓ વચ્ચે એક જ નર્સ મળશે," એમ તેઓ કહે છે.
તેમની ટીમમાં કામ કરતાં કેટલાંક નર્સને પણ લક્ષણો દેખાયાં હતાં અને તેથી તેમને આઇસોલેશનમાં રાખી દેવાયાં છે. હૉસ્પિટલે આઈસીયુમાં કામ કરવા માટે અન્ય નર્સિઝને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે.
"શિફ્ટની શરૂઆત થાય ત્યારે અમે એકબીજાના હાથ પકડીને કહેતા હોઈએ છીએ, 'સલામત રહો.' અમે એકબીજા પર નજર રાખીએ છીએ અને જોતા રહીએ છીએ કે ગ્લવ્ઝ બરાબર પહેર્યાં છે કે નહીં, માસ્ક અને પ્રોટેક્ટિવ ગિયર બરાબર છે કે નહીં," એમ નિતલા વધુમાં જણાવે છે.
વૅન્ટિલેટર્સ, ઇન્ફ્યૂઝન પંપ, ઑક્સિઝન ટૅન્ક અને ઘણી દવાઓની અછત ઊભી થઈ છે. જોકે બધા સાધનો માટે આ હૉસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં પ્રોટેક્ટિવ મટિરિયલ છે.
આઈસીયુમાં હાલમાં રોજ એકનું મોત થાય છે, જે રોગચાળા પહેલાંની સરેરાશ કરતાં ઘણા વધારે છે.
"બહુ હતાશ થઈ જવાય તેવું છે," એવો અફસોસ નિતલા વ્યક્ત કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય નર્સ તરીકે ક્યારેય તમારે પોતાના ડરને કાબૂમાં રાખવાનો હોય છે.
"મને દુસ્વપ્ન આવે છે. ઊંઘ પણ આવતી નથી. મને પણ ચેપ લાગવાનો ડર લાગે છે. અમે અંદરોઅંદર વાતો કરતા હોઈએ છીએ અને અમે બધા ગભરાયેલા છીએ." એવું તેઓ કબૂલે પણ છે.
છેલ્લે જે નર્સનું મોત થયું તેમને ટીબીની બીમારી હતી. તમારા ફેફસાંની ક્ષમતા તેના કારણે પણ નબળી પડી ગઈ હોય છે.
"લોકો મને કહે છે કે તમારે કામ બંધ કરી દેવું જોઈએ. પણ આ વૈશ્વિક રોગચાળો છે અને આ મારી ફરજ છે. શિફ્ટ પૂરી થાય ત્યારે હું મૃત્યુ પામેલા દર્દીઓ વિશે વિચારતી હોઉં છું, પણ હૉસ્પિટલેથી નીકળ્યાં પછી તે બધા વિચારો દૂર કરી દેવાની કોશિશ કરતી હોઉં છું," એમ જૌનિતા નિતલા છેલ્લે કહે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














