કોરોના વાઇરસ માસ્ક : ''N-99 માસ્કનું ફૅબ્રિક આખા ભારતમાં ફક્ત અમદાવાદમાં બને છે''

N-99 માસ્કનું ફૅબ્રિકનું નિર્માણ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY via Getty Images

ઇમેજ કૅપ્શન, N-99 માસ્કનું ફૅબ્રિકનું નિર્માણ
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે માસ્કની માગ સતત વધી રહી છે. કેટલાંક કોરોના સંવેદનશીલ શહેરોમાં તો પોલીસે જાહેર માસ્ક વગર બહાર નીકળવું એ ગુનો જાહેર કરેલું છે.

N-95 માસ્કનું નામ તો તમે કદાચ સાંભળ્યું હશે પરંતુ એનાથી પણ વધુ ફિલ્ટર ગુણવત્તા ધરાવતા માસ્ક N-99 ગણાય છે.

N-99 માસ્કનું જે ફૅબ્રિક છે જેને તકનીકી ભાષામાં ફિલ્ટર મીડિયા કહેવામાં આવે અને તે અમદાવાદમાં તૈયાર થાય છે.

અમદાવાદ ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન, જે ATIRA તરીકે ઓળખાય છે તે દરરોજ 15,000 જેટલા N-99 માસ્ક તૈયાર થઈ શકે એટલું ફૅબ્રિક બનાવે છે.

અટિરાએ અત્યાર સુધી 5,60,000 માસ્ક બની શકે એટલું ફૅબ્રિક તૈયાર કરીને મોકલ્યું છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન (ATIRA)ના નાયબ નિયામક દિપાલી પ્લાવત સાથે વાત કરી હતી.

દિપાલી પ્લાવતે જણાવ્યું કે "હાલ અમારી ફિલ્ટર મીડિયા ઉત્પાદન ક્ષમતા રોજની 15,000 માસ્ક જેટલી છે. કોરોનાને પગલે માસ્કની જે માગ ઊભી થઈ છે એ જોતાં અમે રાતદિવસ ચોવીસ કલાક કામ કરી રહ્યાં છીએ. અમારો ઇરાદો દરરોજ 30,000 માસ્કનું જે ફિલ્ટર ફૅબ્રિક છે તે ઉત્પાદન કરવાની છે. અમે એ ટાર્ગેટ તરફ પહોંચી રહ્યા છીએ."

કોરોના વાઇરસ
line

ફૅબ્રિક નેનો ટેકનૉલૉજીથી તૈયાર થાય છે

દીપાલી પ્લાવત

ઇમેજ સ્રોત, Deepali Plawat

ઇમેજ કૅપ્શન, દીપાલી પ્લાવત

ATIRA જે ફૅબ્રિક તૈયાર કરી રહ્યું છે એ વિશે વિગતે જણાવતાં દિપાલી પ્લાવતે કહ્યું હતું કે "અમે N-99 માસ્કનું ફિલ્ટર મીડિયા તૈયાર કરીએ છીએ."

"ટેકનિકલ રીતે એને 20જીએસએમ સિલ્વર કોટેડ નેનોવેબ ફિલ્ટર મીડીયા કહે છે. આ ફિલ્ટર મીડિયા માસ્કનું હાર્ટ હોય છે."

"આ ફિલ્ટર મીડિયા ગાળણ એટલે કે ફિલ્ટરનું કામ કરે છે. આ ફિલ્ટર મીડિયા એ એક પ્રકારનું ફૅબ્રિક યાને કે કાપડ છે જેને અમે તૈયાર કરીને પહોંચાડીએ છીએ."

"આ ફૅબ્રિક નેનો ટૅક્નોલોજીથી તૈયાર થાય છે. જેમાં સિલ્વર કોટિંગ કરવામાં આવે છે. એનાથી માસ્કની ગાળણ ક્ષમતા એટલે કે ફિલ્ટર ક્ષમતા 99 ટકા જેટલી થાય છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

N-99 અને N-95 માસ્કમાં શું ફર્ક છે?

કોરોના માસ્ક

ઇમેજ સ્રોત, Getty Images

N-99 અને N-95 માસ્કમાં શું ફર્ક છે? આ સવાલના જવાબમાં દિપાલી પ્લાવતે કહ્યું હતું કે "N-95 માસ્કની ફિલ્ટરેશન કૅપેસિટી (ગાળણ ક્ષમતા) 95% હોય છે. મતલબ કે 0.3 માઇક્રોનથી મોટાં તમામ કણો (પાર્ટિક્યુલેટ મેટર) N-95 માસ્ક 95%ની ક્ષમતા સાથે ફિલ્ટર કરી શકે છે."

"જ્યારે N-99 માસ્કની ગાળણ ક્ષમતા 99% જેટલી હોય છે. આમ, N-99 માસ્ક એ N-95 માસ્ક કરતાં એક ડગલું આગળ અને બહેતર છે."

એમણે કહ્યું કે, "ATIRA દેશની એકમાત્ર સંસ્થા છે જે આ ફૅબ્રિક બનાવે છે. ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑર્ગનાઇઝેશન(DRDO) સાથે સંકલન સાધીને અમે આ કામ કરીએ છીએ."

"અમારી પાસેથી ફિલ્ટર મીડિયા મેળવીને ડીઆરડીઓ માસ્ક બનાવડાવે છે. DRDO દ્વારા માન્ય જે સંસ્થા માસ્ક બનાવતી હોય ત્યાં અમે ફૅબ્રિક મોકલીએ છીએ. ત્યારબાદ એ સંસ્થા માસ્ક તૈયાર કરે છે."

"DRDO દ્વારા N-99 માસ્ક પ્રધાન મંત્રી કાર્યાલય, આરોગ્ય મંત્રાલય, એઇમ્સના ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ વગેરેને મોકલવામાં આવે છે."

line

ક્યાંથી આવે છે કાચો માલ

માસ્ક

ઇમેજ સ્રોત, Star Tribune via Getty Images

જે N-99 માસ્કનું ફૅબ્રિક તમે તૈયાર કરો છો એનો કાચો માલ તમે ક્યાંથી મગાવો છો? આ સવાલના જવાબમાં દિપાલી પ્લાવતે કહ્યું હતું કે "કાચો માલ અમને અહીંથી જ મળી રહે છે અને કેટલીક વસ્તુ વિદેશથી મગાવવી પડે છે."

"કેટલોક કાચો માલ જીએનએફસી અને જીએસએફસીએ પૂરો પાડ્યો છે. કેટલાંક કેમિકલ્સની જરૂર હતી તેના માટે અમે અમદાવાદની એલ.ડી.કોલેજ ઑફ એંજિનયરિંગનો અમે સંપર્ક કર્યો હતો."

"તેમણે કેમિકલ સપ્લાયરો સાથે અમારૂં સંકલન કરી આપ્યું હતું. એક કેમિકલ માત્ર જીએનએફસી દ્વારા જ મળી શકે એમ હતું એમાં પણ તેમનો સહયોગ મળ્યો હતો.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

"અમે જે ફૅબ્રિક તૈયાર કરીએ છીએ એમાં પૉલિઍમાઇડ-6 પ્રકારનું નાયલૉન વાપરવામાં આવે છે. એ માટેનાં ગ્રેન્યુઅલ્સ જર્મનીથી તાબડતોબ મગાવવાની જરૂર પડી હતી."

"ભારત સરકારના ઉડ્ડયન અને અને વિદેશ મંત્રાલયના સહયોગથી એ કાચો માલ અમારા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ સામગ્રી ભારતમાં પણ મળી શકે છે અમે એની પણ ટ્રાયલ કરી લીધી છે."

"હવે સમાંતર ધોરણે ભારતમાંથી જ પ્રાપ્ય પૉલિઍમાઇડ-6 વડે ફૅબ્રિક બનાવવાના પ્રયાસ કરવાના છીએ. અત્યારે માસ્કની ખૂબ તાકીદની જરૂર છે અને અમે કોઈ ચાન્સ લેવા માગતા નહોતાં તેથી જર્મનીથી તાબડતોબ સામગ્રી મગાવી હતી."

"અમારૂં આયોજન એવું જ છે કે ભવિષ્યમાં અમે તેને આપણા સપ્લાયર્સ પાસેથી જ લઈએ, ગુજરાતમાં પણ આ સામગ્રી મળે છે."

અત્યાર સુધી કેટલું ફિલ્ટર મીડિયા તૈયાર કરીને તમે મોકલી ચૂક્યાં છો? એ વિશે જણાવતાં દિપાલી પ્લાવતે કહ્યું હતું કે "અત્યાર સુધી અમે 5,60,000 માસ્ક બની શકે એટલું ફૅબ્રિક મોકલી ચૂક્યાં છીએ.

line

ATIRAના પાયામાં વિક્રમ સારાભાઈ અને કસ્તુરભાઈ લાલભાઈ

વિક્રમ સારાભાઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિક્રમ સારાભાઈ

અમદાવાદ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન એ આંતરરાષ્ટ્રીય ઢબની કાપડ અને કાપડઉદ્યોગ પર સંશોધન કરતી સંસ્થા છે.

1947માં એની સ્થાપના થઈ હતી. દેશ આઝાદ થયો એ પછી ભારત સરકારે ઔદ્યોગિક વિકાસ માટે કામ શરૂ કર્યું હતું.

કાપડ એટલે કે ટેક્સ્ટાઇલ ક્ષેત્રે સરકારે એવું વિચાર્યું હતું કે પ્રાદેશિક સ્તરે સંશોધન સંસ્થાઓ તૈયાર થાય અને બ્રિટિશ મૉડલ અનુસાર કામ કરે.

એ સંસ્થા સરકાર અને મિલનો એ સંયુક્ત ઉપક્રમ બની રહે. એ વખતે અમદાવાદના ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ અને વિજ્ઞાની વિક્રમ સારાભાઈએ સરકારની આ પહેલને આવકારી.

1947ના ડિસેમ્બરમાં એક સોસાયટી તરીકે અમદાવાદ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશનની સ્થાપના કરી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો