કોરોના ટેસ્ટિંગ : ખાનગી લૅબમાં Covid-19ના ટેસ્ટનો ખર્ચ કેટલો વાજબી અને કોણે ભોગવવો જોઈએ?

ટેસ્ટ કરાવતાં મહિલા

ઇમેજ સ્રોત, GETTY

ઇમેજ કૅપ્શન, ટેસ્ટ કરાવતાં મહિલા
    • લેેખક, અપર્ણા અલ્લુરી અને કૃતિકા પાથી
    • પદ, બીબીસી ન્યૂઝ

ભારતની ખાનગી નિદાન લૅબોરેટરી થાયરોકૅરે Covid-19 બીમારીના ટેસ્ટ શરૂ જ કર્યા હતા, ત્યાં સર્વોચ્ચ અદાલતનો હુકમ આવી પડ્યો કે પરીક્ષણ મફતમાં થવાં જોઈએ.

થાયરોકૅરનાં સ્થાપક અરોકિસ્વામી વેલુમણી કહે છે, “અમને હતું કે હુકમમાં એવું કહેવાશે કે ધનિક લોકોએ ટેસ્ટનાં નાણાં ચૂકવવાં જોઈએ, જ્યારે ગરીબ વતી સરકાર ચૂકવણી કરે.”

કોરોના માટે 4,500 રૂપિયાનો એક ટેસ્ટ થાય છે, જે સસ્તો ના કહેવાય. અદાલતે હુકમમાં એવી કોઈ ચોખવટ નહોતી કરી કે ખાનગી લૅબને ખર્ચ કોણ ચૂકવી આપશે.

આ અનિશ્ચિતતાને કારણે ગભરાઈ ગયેલી ખાનગી લૅબોરેટરીઓએ, થાયરોકૅરે પણ પરીક્ષણ કરવાનું જ બંધ કરી દીધું.

ચિંતામાં મુકાઈ ગયેલી કેન્દ્ર સરકારે આ બાબતે પુનઃવિચારણા કરવા માટે અદાલતને કહેવું પડ્યું અને તે રીતે હુકમમાં ફેરફાર કરાયો.

13 એપ્રિલના નવા હુકમ મુજબ, સરકારે 50 કરોડ લોકો માટે જાહેર કરેલી આયુષ્યમાન યોજના હેઠળ ખાનગી લૅબને વળતર ચૂકવી આપવાનું રહેશે. બાકીના લોકોએ પરીક્ષણ માટે નાણાં ચૂકવવાનાં રહેશે.

હુકમમાં ફેરફાર થયો તે પછી વધુ મોટો સવાલ ઊભો થયો હતો: જો Covid-19 ટેસ્ટ મફતમાં ના થાય તો મોટા પાયે ભારત પરીક્ષણ કરી શકશે ખરો?

કોરોના વાઇરસ
લાઇન

ઊંચી કિંમત

હૉસ્પિટલ

ઇમેજ સ્રોત, GETTY

ઇમેજ કૅપ્શન, હૉસ્પિટલ

130 કરોડથી વધુની વસતી ધરાવતા ભારતમાં કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યા 16,000ને વટાવી ગઈ છે, તે પ્રમાણમાં ઓછી જ છે. ઘણાને લાગે છે કે બહુ ઓછા ટેસ્ટ થઈ રહ્યા છે તેના કારણે આંકડો નીચે છે. રવિવાર સુધીમાં કુલ 386,791 ટેસ્ટ થયા હતા.

પરીક્ષણનું પ્રમાણ વધારવું તે એક પડકાર છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી હજી સુધીમાં માત્ર એક સ્થાનિક ધોરણે ઉત્પાદિત ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી છે.

વિશ્વમાં કિટ્સની માગ વધી છે તેના કારણે આયાતમાં વિલંબ થઈ રહ્યો છે. પરીક્ષણ કરવા માટે સુરક્ષિત સાધનો અને તાલીમી કર્મચારીઓની સંખ્યા પણ પૂરતી નથી.

ભારતની વિશાળ વસતી અને ઠેકઠેકાણ ટેસ્ટિંગ કરવા માટે જરૂરી સંસાધનોની બાબતમાં મુશ્કેલ સ્થિતિ છે.

તેના કારણે પરીક્ષણ મોંઘું બન્યું છે. સરકારી હૉસ્પિટલો અને લૅબોરેટરીમાં તે મફતમાં થાય છે. છેલ્લા મહિનાઓ દરમિયાન માત્ર આ જગ્યાએ જ પરીક્ષણ થતાં હતાં.

બાદમાં જાહેર આરોગ્ય તંત્ર પહોંચી વળે તેમ નથી એવું લાગ્યું ત્યારે ખાનગી લૅબને પણ મંજૂરી આપવામાં આવી.

સરકારે કોરોના ટેસ્ટ માટેના ભાવો બાંધી આપ્યા છે - ઘરે બોલાવીને કરાવવામાં આવે તો 4,500 રૂપિયા, જ્યારે હૉસ્પિટલમાં થાય તો 3,500 રૂપિયા. ખાનગી આરોગ્ય સંસ્થાના વડાઓ સહિતની નિષ્ણાતોની સમિતિએ આ ભાવ નક્કી કરી આપ્યો છે.

આરોગ્યક્ષેત્ર પર નજર રાખવાનું કામ કરતી સંસ્થા ઑલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નેટવર્કનાં માલિની ઐસોલાનાં જણાવ્યા અનુસાર આ ભાવ "મુનસફીથી" નક્કી કરી નખાયો છે. એક વાઇરોલૉજિસ્ટે જણાવ્યું કે તેમણે કેટલો ખર્ચ આવે તેની ગણતરી કરી તો 700 રૂપિયાની આસપાસનો જ આવે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

"ખર્ચ નક્કી કરવા માટે ખાનગી સેક્ટરને પણ સાથે લેવામાં આવ્યું હતું, તો પછી શું-શું ખર્ચ થાય છે તેનું બ્રેકડાઉન સરકારે આપવું જોઈએ,” એવી માગણી ઐસોલાની છે.

જોકે ખાનગી લૅબના માલિકો કહે છે કે આ વાજબી ભાવ છે. “પુરવઠો મળી રહ્યો નથી - બધા જ ઍડવાન્સમાં નાણાં લઈને જ વસ્તુઓ આપે છે,” એમ કૉર ડાયાગ્નોસ્ટિકના સીઈઓ ઝોયા બ્રાર કહે છે.

તેમનું કહેવું છે કે એચઆઈવી અને ઇન્ફ્લુએન્ઝાના પરીક્ષણ માટે વપરાતી બેઝિક RT-PCR ટેસ્ટ કિટ 1200 રૂપિયાની થાય છે. કોરોના ટેસ્ટમાં એક્સ્ટ્રેક્શન કિટ પણ આવી જાય છે. ડીએનએ અને આરએનએનાં સૅમ્પલ પણ આ ટેસ્ટમાં લેવાનાં હોય છે.

“અત્યારે તેની અછત છે અને અમને જ અત્યારે તે 1,000 રૂપિયામાં મળે છે, જે બહુ આશીર્વાદરૂપ કહેવાય.”

કિટની આ કિંમત ઉપર પછી સ્ટાફ અને પરીક્ષણ કરનારા માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમૅન્ટ (PPE); કર્મચારીઓના પગાર અને લૅબસંચાલનનો સરેરાશ ખર્ચ પણ ઉમેરવાનો થાય.

થાયરોકૅરના ડૉ. વેલુમણી કહે છે કે તેઓ અત્યારે સ્ટાફને વધારે વળતર આપી રહ્યા છે, કેમ કે તેમના કુટુંબીઓ તેમને અત્યારે કામ ના કરવા માટે જણાવે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મફતમાં ટેસ્ટ શા માટે જરૂરી?

કિટ બનાવતાં મહિલા

ઇમેજ સ્રોત, GETTY

ઇમેજ કૅપ્શન, કિટ બનાવતાં મહિલા

અત્યારે ડૉક્ટર ભલામણ કરે તો જ વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવે છે. સરકારી હૉસ્પિટલોમાં લાંબી લાઇનો છે અને ખાનગી લૅબમાં ઊંચો ભાવ લેવાય છે, તેના કારણે લક્ષણો દેખાતા હોય ત્યારે પણ ઘણા ટેસ્ટ કરાવવાનું ટાળી શકે છે.

“તમે રોગચાળો ફેલાતો અટકાવવા માગતા હો, તો કેટલી કિંમતે ટેસ્ટ થાય છે તેના આધારે નિર્ણય ના કરાય,” એમ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર જયંતી ઘોષ કહે છે.

માત્ર ગરીબો લોકો માટે જ પરીક્ષણ મફત કરી દેવાથી પણ ફાયદો નહીં થાય તેમ કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે.

અર્થશાસ્ત્રી વિવેક દેહેજિયા કહે છે, “ગરીબી રેખાથી થોડે જ ઉપર હોય તેવા પરિવારો માટે અને મધ્યમ વર્ગના નોકરી ગુમાવી ચૂકેલા લોકો માટે પણ અત્યારે ટેસ્ટ માટેના પૈસા ચૂકવવા મુશ્કેલ બની શકે છે.”

બીજું કે ભારતમાં અત્યારે લક્ષણો દેખાયાં વિના જ ચેપ ફેલાઈ રહ્યો છે, તેથી વહેલા મોડે ભારતે વ્યાપક પ્રમાણમાં ટેસ્ટ કર્યા વિના છૂટકો નથી થવાનો.

દેહેજિયા કહે છે, “તમે દેશભરમાં પરીક્ષણનું પ્રમાણ વધારવા માગતા હો તો એવી અપેક્ષા ના રાખી શકો કે દરેક વ્યક્તિ તેનો ખર્ચ ભોગવશે. કોઈ લક્ષણો ના દેખાતાં હોય ત્યારે તેઓ પોતાના કે પરિવાર માટે પૈસા ખર્ચવા તૈયાર નહીં થાય.”

સિંગાપોર અને દક્ષિણ કોરિયાએ મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કર્યું હતું તે બદલ તેમની પ્રસંશા થઈ રહી છે.

સરકારે જ તેનો ખર્ચ ભોગવ્યો હતો. ભારત સાથે વધારે સારી રીતે સરખામણી થઈ શકે તેવા વિયેતનામમાં પણ સરકાર જ ટેસ્ટિંગનો ખર્ચ ભોગવે છે. જોકે વિયેતનામે અત્યારે ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવા પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

જયંતી ઘોષ કહે છે, “કોનામાં ચેપ લાગેલો છે તેને જાણ્યા વિના તમે તેને કાબૂમાં રાખી શકો નહીં. તેથી એ તમારા હિતમાં જ છે કે સૌને ટેસ્ટ કરવાની અનુકૂળતા હોય.”

line

કોણે ખર્ચ ભોગવવો જોઈએ?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

બીબીસીએ જુદા-જુદા અર્થશાસ્ત્રીઓ સાથે વાત કરી તો તેમણે જુદા-જુદા વિકલ્પો આપ્યા હતા. કર્મચારી માટે કંપની, વીમાધારક માટે વીમા કંપનીના વિકલ્પો છે, પણ એક વાતે સૌ સહમત છે કે સરકારે જ વધુમાં વધુ ટેસ્ટ માટે પ્રયાસો કરવા રહ્યા.

સરકાર અત્યારે પરીક્ષણનો મોટા ભાગનો ખર્ચ ભોગવી રહી છે. તેમ છતાં સરકારે હજી પણ "સબસિડી સાથેના ટેસ્ટ માટે પ્રોત્સાહન આપવું જોઈએ" એમ દેહેજિયા કહે છે.

“આવી વૈશ્વિક આરોગ્ય આપદા આવી પડી હોય ત્યારે ખાનગી દાનધર્મ પર જ આધાર રાખી શકાય નહીં.”

જોકે ભારતના જાહેર આરોગ્યનું બજેટ બહુ ઓછું છે. જીડીપીના માત્ર 1.3%ની ફાળવણી આરોગ્ય માટે થાય છે અને તેના પર ભાગ્યે જ કોઈ નિયંત્રણ છે.

આરોગ્ય વીમો ફરજિયાત નથી અને તેનું બજાર પણ એકત્રિત નથી. મોટા ભાગના વીમામાં નિદાન અને દવાનું વળતર મળતું નથી, માત્ર હૉસ્પિટલમાં દાખલ થાવ તો જ વીમાની રકમ મળે છે.

હવે ખાનગી કંપનીઓ પણ ટેસ્ટિંગમાં જોડાઈ છે ત્યારે સરકાર પૂર્ણ પણ ટેસ્ટિંગ વ્યૂહરચનાને નિયંત્રણમાં રાખી શકશે નહીં. એક જાણીતી હૉસ્પિટલે હાલમાં જ કોઈ પણ દર્દી દાખલ થાય તેના માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.

આ નિયમ હાલની માર્ગદર્શિકા વિરુદ્ધ છે, કેમ કે માત્ર લક્ષણો દેખાતાં હોય અને કોઈ પૉઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેમણે જ ટેસ્ટ કરવાનો હોય છે.

જો સ્થાનિક ધોરણે તૈયાર થતી કિટને મંજૂરી મળે તો પરીક્ષણનો ખર્ચ નીચો આવી શકે છે.

કેટલાંક રાજ્યોમાં સૅમ્પલ લેવા માટે મોબાઇલ સેન્ટર કે કિઓક્સ બનાવ્યાં છે, જેથી ઓછા PPE સૂટથી અને ઓછા ટ્રાન્સપૉર્ટ કોસ્ટ સાથે વધુ પરીક્ષણ થઈ શકે.

ભારત સામૂહિક ટેસ્ટિંગ માટેની વિચારણા પણ કરી રહ્યું છે. તેમાં મોટી સંખ્યામાં નમૂના લીધા પછી તેનું એક સાથે ટેસ્ટિંગ કરવાનું રહે છે.

જો ટેસ્ટ નૅગેટિવ આવે તો કોઈના ફરીથી ટેસ્ટ કરવાના રહે નહીં. પરંતુ પૉઝિટિવ રિઝલ્ટ આવે તો દરેક વ્યક્તિ માટે અલગથી ટેસ્ટ કરવાના રહે.

“ખર્ચ ઘટાડવા માટે આ એક સારો રસ્તો છે, પણ તેને બહુ કાર્યદક્ષતા અને કુશળતાપૂર્વક કરવામાં આવે તો જ,” એમ ડૉ. બ્રાર કહે છે.

જોકે તેના કરતાંય વધારે વિકલ્પ પરીક્ષણની કિંમતને નિયંત્રિત રાખવાનો જ છે.

“તમે રૉ મટીરિયલના ભાવો ફિક્સ કરી દો, તો ટેસ્ટની કુલ કિંમત પણ ફિક્સ કરી શકાય.”

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો