છત્રપતિ શિવાજીએ શું સૌપ્રથમ હિન્દુત્વની વોટબૅંક બનાવી હતી?
- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, બીબીસી મરાઠી
છત્રપતિ શિવાજી પર મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નિવેદન પર વિવાદ સર્જાયો છે. પાટીલે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે સૌથી પહેલા હિન્દુત્વની વોટબૅંક બનાવી હતી.
કૉંગ્રેસ નેતા સચીન સાવંત અને શિવસેના નેતા સંજય રાઉતે છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાનુભવના નામને વોટબૅંકની રાજનીતિ સાથે જોડવા બદલ ચંદ્રકાંત પાટીલની આકરી ટીકા કરી છે.
ચંદ્રકાંત પાટિલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, FACEBOOK
થોડા દિવસો પહેલાં એક પત્રકારપરિષદમાં ચંદ્રકાંત પાટીલે ટિકિટ કપાવવા બાબતે પડકાર આપનારા નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, "ટિકિટ પાર્ટીની છે એટલે ‘કટ માય ટિકિટ’ કહેવું યોગ્ય નથી. ટિકિટ પાર્ટીની છે, વોટબૅંક પાર્ટીની છે. આ વોટબૅંક સંતો, મહંતોથી લઈને છત્રપતિ શિવાજી મહારાજ સુધી ફેલાયેલી છે. તેમણે હિન્દુત્વની વોટબૅંકને વિકસિત કરી હતી."
ચંદ્રકાંત પાટીલે કહ્યું, "તમને તે વોટબૅંક મળે છે, તે પછી તમારો ચહેરો અને તમારાં ગામો કામમાં આવે છે. ટિકિટ, ઉમેદવાર અને વોટબૅંક એ તમામ વસ્તુ પક્ષોની હોય છે."
ચંદ્રકાંત પાટીલના આ નિવેદન બાદ ઇતિહાસકારોએ પણ કહ્યું કે તેમનું નિવેદન શિવાજી મહારાજની વ્યાપક ભૂમિકા સાથે મેળ નથી ખાતું.

'હિન્દવી સ્વરાજ્યનો અર્થ માત્ર હિન્દુ સ્વરાજ નથી'

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસકાર ડૉ. જયસિંહરાવ પવારના મતે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર હિન્દુઓના જ નહીં પરંતુ તમામ લોકોના રાજા હતા.
તેમણે કહ્યું, "હિન્દવી સ્વરાજ્યનો અર્થ માત્ર હિન્દુઓનું સ્વરાજ્ય ન હતો. શિવાજી મહારાજ તમામ ધર્મોનું સન્માન કરતા હતા. ભારતમાં હોવાનો અર્થ આ જ હતો. શિવાજી મહારાજની સેનામાં મુસ્લિમોની મહત્ત્વની ભૂમિકા હતી. શિવાજી મહારાજે ક્યારેય એવું નથી કહ્યું કે હું માત્ર હિન્દુઓનો જ રાજા છું."
જયસિંહરાવ પવારે કહ્યું, "શિવાજી મહારાજ માટે તેમનું રાજ્ય મહારાષ્ટ્ર અથવા મરાઠા રાજ્ય હતું. તેનો અર્થ ધર્મ અથવા જાતિના સંદર્ભમાં ન હતો, પરંતુ પ્રદેશના સંદર્ભમાં હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોલ્હાપુરના ઇતિહાસકાર ઈન્દ્રજિત સાવંતનું કહેવું છે કે શિવાજી મહારાજના ઇતિહાસને કોઈ એક ધર્મ કે જાતિ સુધી સીમિત રાખવો અયોગ્ય છે.
સાવંત કહે છે કે, "શિવાજી મહારાજનું પાત્ર સાર્વત્રિક પ્રકૃતિનું છે. વિશ્વભરના ઇતિહાસકારોએ તેમને આઝાદીની પ્રેરણા ગણાવી છે. એવા પુરાવા છે કે આસામમાં અહોમ વંશના રાજાઓ પણ શિવાજી મહારાજથી પ્રેરિત હતા. શિવાજી મહારાજના દૃષ્ટિકોણથી સિંધુના લોકો કાવેરી હિન્દવી સ્વરાજ્યનો હિસ્સો હતા, પરંતુ તેને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી."

શિવાજી મહારાજનું હિન્દવી સ્વરાજ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
'વિજય નગર વૉઇસ – ઍક્સપ્લોરિંગ સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી ઍન્ડ હિન્દુ લિટરેચર'માં વિલિયમ જૅક્સન કહે છે કે શિવાજી મહારાજે સૌપ્રથમ હિન્દવી સ્વરાજ્ય શબ્દનો ઉપયોગ 1645માં કર્યો હતો.
જૅક્સને લખ્યું, "હિન્દવી સ્વરાજ્યનો અર્થ છે વિદેશી શક્તિઓથી આઝાદી, ખુદનું રાજ્ય."
"શિવાજી હિન્દુ હતા. તેમને ધર્મમાં આસ્થા હતી. તેઓ આ માન્યતા પ્રમાણે વર્તન પણ કરતા હતા. તેઓ દેવતાઓ અને સંતોની પૂજા કરતા હતા. તેઓ ધાર્મિક કાર્યો અને મંદિરો માટે પૈસા ખર્ચતા હતા."
"પણ શું તે ઈસ્લામ વિરુદ્ધ હતા? શું તે હિન્દુ ધર્મમાં માનતા હતા એટલે મુસ્લિમ ધર્મને ધિક્કારતા હતા? શું તેઓ મુસ્લિમોનું હિન્દુકરણ કરવા માગતા હતા કે તેમનું મહારાષ્ટ્રીકરણ કરવાનો પ્રયાસ હતો?"
આ તમામ સવાલોના જવાબ છે ’ના’. પાનસરે એમ પણ કહે છે કે શિવાજી મહારાજ અને પેશવાઓનો હિન્દુ ધર્મ અલગઅલગ છે, એકસમાન નથી.

શિવાજી મહારાજનું 'હિન્દવી સ્વરાજ્ય' અને સાવરકરનું 'હિન્દુત્વ'

ઇમેજ સ્રોત, FACEBOOK
પાનસરે અને જયસિંહ પવારના મતે શિવાજી મહારાજની હિન્દવી સ્વરાજ્યની કલ્પના પાછળ હિન્દુ ધર્મનો ખ્યાલ નહોતો. પરંતુ વિનાયક દામોદર સાવરકરે તેમના પુસ્તક હિન્દુત્વમાં મૂળ તો શિવાજી મહારાજના કાર્યને હિન્દુત્વનું કાર્ય ગણાવ્યું હતું, પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે હિન્દુત્વની પ્રક્રિયા 40 સદીઓથી પણ જૂની છે.
વરિષ્ઠ પત્રકાર હેમંત દેસાઈ પ્રમાણે ચંદ્રકાંત પાટીલનું નિવેદન તેમની પાર્ટીની વિચારધારા સાથે મેળ ખાતું નથી.
હેમંત દેસાઈએ કહ્યું કે, "ભાજપના લોકો હંમેશાં કહે છે કે અમે હિન્દુત્વના મુદ્દાઓ માટે લડીએ છીએ, પરંતુ હિન્દુઓ અમારી વોટબૅંક નથી. હિન્દુત્વ રાષ્ટ્રવાદ છે. તેથી તેના માટે લડવું સ્વાભાવિક છે. ભાજપ સમયાંતરે કહે છે કે વોટબૅંક અન્ય દળો સાથે જોડાયેલી છે, પરંતુ હવે ચંદ્રકાંત પાટીલે સીધું જ સ્વીકાર્યું છે કે તેઓ વોટબૅંકની રાજનીતિ કરી રહ્યા છે."
હેમંત દેસાઈએ કહ્યું કે, "શિવાજી મહારાજ વિશે આવું નિવેદન કરવું નિંદનીય છે. શિવાજી મહારાજે તમામ જાતિ અને ધર્મના લોકોને સાથે રાખ્યા હતા. તેમણે આ માત્ર હિન્દુઓ માટે નથી કર્યું. તેમણે તેમના સ્વરાજ્યના દરેક લોકો સાથે ન્યાય કર્યો હતો. ભાજપે વોટબૅંકની વાત કરીને પોતાનું નુકસાન કર્યું છે."

'શિવાજી મહારાજના નામનો ઉપયોગ રાજનીતિનો ભાગ'

વરિષ્ઠ પત્રકાર સચીન પરબ પ્રમાણે ભાજપ શિવાજી મહારાજના નામ પર રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તેમણે કહ્યું, "શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એ બે એવી પાર્ટીઓ છે જે હંમેશાં શિવાજી મહારાજના નામનો ઉપયોગ કરે છે, પરંતુ હાલના સમયમાં ભાજપ દ્વારા શિવાજી મહારાજના નામનો ઉપયોગ વધ્યો છે."
"આવાં નિવેદનો એવા મતદારોને પણ દૂર ભગાડી શકે છે જે શિવાજી મહારાજના નામ પર તેમને વોટ આપતા હોય. સામાન્ય મરાઠી વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજના નામનો આ રીતે ઉપયોગ ભાગ્યે જ પસંદ કરે છે."

'શિવાજી મહારાજ સામાન્ય લોકોના રાજા હતા'

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ નેતા સચીન સાવંતે કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટી સતત આવાં નિવેદનો આપી રહી છે. ભૂતકાળમાં છત્રપતિ શિવાજી મહારાજની તુલના નરેન્દ્ર મોદી સાથે કરવામાં આવી હતી અને આ રીતે શિવાજી મહારાજનું અપમાન કરવામાં આવી રહ્યું છે."
સચીન સાવંતે આ મુદ્દે ભાજપ અને ચંદ્રકાંત પાટીલને માફી માગવાની માગ કરી છે.
સાવંતે એમ પણ કહ્યું કે, "શિવાજી મહારાજ સામાન્ય લોકોના રાજા હતા. છત્રપતિ શિવાજી મહારાજને ભાજપ ક્યારેય સન્માનની નજરે જોતી નથી. છત્રપતિ શિવાજી મહારાજ ક્યારેય ભાજપ-આરએસએસના આદર્શ નહોતા. ભાજપનો આદર્શ હંમેશાં પેશવા રહ્યા છે."
આ સમગ્ર મામલે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, "ચંદ્રકાંત પાટીલ શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. છત્રપતિ શિવાજી મહારાજે હિન્દુ વોટબૅંક બનાવી હતી તે ખબર નથી, પરંતુ તેમણે આ દેશમાં પ્રથમ હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી."
સંજય રાઉતે કહ્યું કે, "છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું મૂળ હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે અને તે પહેલાં વીર સાવરકરમાં હતું. દેશમાં હિન્દુ વોટબૅંકનો વિચાર સૌથી પહેલા બાળાસાહેબ ઠાકરેએ આપ્યો હતો. આ દેશના લોકો બાળાસાહેબના યોગદાનને ક્યારેય નહીં ભૂલે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












